શિવતત્ત્વ
ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર
સંજય ઠાકર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૩. શિવનું નીલકંઠ સ્વરૂપ
મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર રોજની જેમ હજારો લોકો ટ્રેન પકડવાની રાહમાં ઊભા હતા. ટ્રેન આવી જ રહી હતી તેવામાં એક યુવકે આત્મહત્યા કરવા માટે ટ્રેનના પાટા પર ઝંપલાવ્યું. ઊભેલા લોકની ચીસાચીસ થઈ ગઈ, પરંતુ એ જ સમયે એક બીજા યુવકે આત્મહત્યા કરવા પડેલા યુવકને બચાવવા માટે છલાંગ લગાવી. તેણે આત્મહત્યા કરતા યુવકને પાટા પરથી દૂર ધકેલ્યો. બચાવનાર યુવકની આ કોશિશથી આત્મહત્યા કરવા કૂદનાર યુવક તો સંપૂર્ણ સુરક્ષિત બચી ગયો, પરંતુ ટ્રેન બિલકુલ નજીક આવી જવાથી બચાવવાની ઝપાઝપીમાં બચાવનાર યુવકનો ડાબો પગ પાટા નીચે આવીને કપાઈ ગયો. બચાવનારો યુવક પગ કપાઈ જવાથી ભયંકર પીડા સાથે લોહી નીતરતી હાલતે લથબથ પડ્યો હતો.
આવા દૃશ્યની સ્થિતિમાં આપણે અપેક્ષા રાખીએ કે આત્મહત્યાથી ઊગરી ગયેલો યુવક તેના બચાવનારને ભગવાન સમજીને તેની ત્વરિત મદદ અને સહાયતા કરતો હોય, પરંતુ ત્યાં હાલત ઊલટી હતી. બચાવનારો જાંબાઝ યુવક જે પીડીત સ્થિતિમાં પડ્યો હતો તેની ચિંતા કરવાને બદલે આત્મહત્યા ઈચ્છુક યુવક તેને ગાળો ભાંડી રહ્યો હતો. તે કહેતો હતો કે કેટલા સમયે આજમારો મરવાનો પ્લાન સફળ થઈ રહ્યો હતો, પરંતુ ન જાણે આ પાપી મારી અને મારા મોતની વચ્ચે આવી ગયો. આત્મહત્યાથી બચી જનારો તો કોઈ મદદ કરવાને બદલે ગાળો જ બોલતો રહ્યો અને થોડા ભલા માણસો તે બચાવનાર જાંબાઝ યુવકને સારવાર અર્થે દવાખાને લઈ ગયા.
અહીં ભલાઈ કરનારા અને બીજાનું દુઃખ પોતાના ગળે લગાડનારાને પણ લોકો સમજી શકતા નથી. બીજાને માટે ઝેર પીનારાઓને પણ લોકો ઓળખી શકતા નથી. લોકો પોત-પોતાની ડફલી લઈને કૂટી રહ્યા છે. મરનારા મરવાની ડફલી કૂટી રહ્યા છે. ઝઘડાળુઓ તેમના ઝઘડાની આતંકીઓ આતંકની ડફલી કૂટી રહ્યા છે.
સત્ય શું છે ? શિવ (કલ્યાણ) શું છે ? અને સુંદર શું છે ? તે વાતમાં બંધ આંખે પોતાની ડફલી કૂટનારને કોઈ રસ નથી. તેમને રસ છે તો પોતાની ડફલી કૂટવામાં. પોતાના સ્વાર્થ, લોભ અને મોહમાં આંધળા બનેલાઓ શિવના સત્યમ્, શિવમ્, સુંદરમ્ રૂપને ન ઓળખી શકે ન સમજી શકે.
સમુદ્રમંથનમાં સહુ દેવો અને દાનવો પોત-પોતાનો ભાગ લઈ ગયા, પરંતુ સમુદ્રમંથનથી નીકળેલા હળાહળ વિષને પીનારા મહાદેવને એક પણ વસ્તુ આપવા માટે યાદ ન કરાયા. જો શિવે વિષપાન ન કર્યું હોત તો સમુદ્રમંથનમાંથી નીકળેલું કાલકૂટ નામનું વિષ સમગ્ર જગતનો સંહાર કરી નાખત. જગતને ઉગારનારા શિવને દેવ-દાનવોએ કાંઈ ન આપ્યું. તે તો ઠીક, પરંતુ શિવનો આભાર માનવાને બદલે વિષ પછી નીકળેલા અમૃતને છીનવી લેવાના ઝઘડામાં પડ્યા. અમૃત માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે શિવ ઉદાસ વદને કૈલાસ પર પરત ફર્યા. દેવો અને દાનવોના અમૃત માટેના ઝઘડામાં શિવ ઉદાસીન અને નિઃસ્પૃહ થઈ ગયા
જ્યારે પાર્વતીએ શિવને પૂછ્યું કે પ્રભુ, આપનો અનાદર કરનારા અને ઝઘડાખોર સ્વાર્થી લોકો માટે આપે શા માટે વિષપાન કર્યું ? ત્યારે શિવે કહ્યું : પાર્વતી, જે લોકો કામ, ક્રોધ અને લોભમાં સ્વાર્થરત છે તે તો પોતાના જ સત્ય અને કલ્યાણને ઓળખી શકતા નથી, પરંતુ હું તો તેમનો આત્મા છું. તેઓ જેવા છે તે તેમને મુબારક, પરંતુ જો હું આવા સમયે વિષપાન ન કરત તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકત. કારણ કે દુઃખિયાની વહારે દોડવું, પીડીતોનાં કષ્ટ ઉઠાવવાં અને કોઈનો ભય ભાંગવો એ જ મારો સ્વભાવ છે. હું તેવા મોહાંધ લોકોથી ઉદાસીન અને નિઃસ્પૃહ થઈ શકું, પરંતુ તેમની મુશ્કેલીના સમે મુખ ફેરવીને ન બેસી શકું.
જે શિવત્વ સાથે જોડાય છે તે પણ શિવન ી જેમ બીજાના દુઃખમાં સહભાગી બને છે અને પોતાના અનાદરની પણ પરવા કરતા નથી. રામાયણ કહે છે :
‘‘જગદાત્મા મહેશ, પુરારી, જગત જનક સબ કે હિતકારી’’
શિવ અકારણ સર્વનું હિત કરનાર છે. શિવના કલ્યાણકારી સ્વભાવ માટે મહાકવિ પુષ્પદંત કહે છે લોકોનાં દુઃખ દૂર કરવાં એ જ શિવનું વ્યસન છે. છતાં લોકો શબ્દનો પણ અનર્થ કરે છે અને જ્યાં ‘ભંગ’ શબ્દ છે ત્યાં ‘ભંગ’ સમજીને શિવજી ભાંગનું વ્યસન હોવાની વાતો કરે છે. આપણી મૂર્ખતાની કોઈ સીમા નથી અને શિવની કૃપાની કોઈ સીમા નથી.
‘‘અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવાસુરકૃપા
વિધેયસ્યાસીદ્ય સ્ત્રીનયન વિષંસંહાવત
સ કલ્માષઃ કંઠે ન કુરૂતે ન શ્રિયમહો
વિકારોપિશ્લાધ્યો ભુવનમય ભંગ વ્યસનિન.’’
જગત્રક્ષાર્થે વિષપાન કરનાર શિવના ગળામાં વિષનો જે ડાઘ લાગ્યો છે તેને શિવે આભૂષણની જેમ સ્વીકાર્યો છે. શિવભક્તોએ પણ શિવના આ સ્વરૂપને નીલકંઠ કહીને સ્વીકારેછે. પરોપકાર અને પરહિતનાં કાર્યો કરવામાં અનિવાર્યપણે ઉઠાવવી પડતી મુસીબતોનો જે સહર્ષ સ્વીકાર કરી શકે એ જ મહાદેવના નીલકંઠ સ્વરૂપને ઓળખી શકે.
સમુદ્રમંથન એ શાસ્ત્રોની દૃષ્ટિએ મનોમંથનનું રૂપ છે. દેવો સત્ત્વપ્રધાન રજોગુણ છે અને દાનવો એ તમોગુણ પ્રધાન રજોગુણ છે. દરેક બાળક જન્મતાંની સાથે પરમાત્માના ઘરેથી જે સત્ત્વગુણનો અમૃત કુંભ લઈને આવે છે તે મનની દેવ અને દાનવ રૂપી વૃત્તિઓના ઝઘડામાં સંસાર સાગરમાં પડીને ખોવાઈ જાય છે. જેને પરત હાંસલ કરવા દરેકે મનોમંથન કરવું પડે છે, પરંતુ આ મનોમંથન કરતાંની સાથે જ ખોવાયેલો અમૃતકુંભ પરત નથી મળી જતો. પ્રથમ તો હળાહળ વિષ જ નીકળે છે. જેને અંતરમાં બેઠેલા શિવ સિવાય કોઈ પી શકે તેમ નથી.
જે માણસના અંતઃકરણમાં શિવને સ્થાન નથી મળ્યું તેવો માણસ મનોમંથનથી નીકળતા વિષનો કોઈ ઉપાય મેળવી શકતો નથી અને અકાળે જ તેનો અંત થાય છે. સંસાર તરફથી અપાતાં અપમાન, તિરસ્કાર, દ્વેષ અને નફરતના વિષને પીવા માટે અંતરમાં શિવની મોજૂદગી જરૂરી છે. જીવનમાં થોડી પણ આરાધના કરીને જેણે શિવને પોતાના અંતરમાં સ્થાન આપ્યું છે તેવા લોકો જ સંસારસાગરના સમુદ્રમંથનમાં સફળ થાય છે અને ખોવાયેલા અમૃતકુંભને પરત મેળવી શકે છે.