Shivtatva - 12 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-12

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-12

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨. શિવ જગતગુરૂ સ્વરૂપ

રામચરિત માનસના લેખનની શરૂઆત કરતાં તુલસીદાસજીએ પ્રથમ મંગલાચરણના શ્લોક લખ્યા છે. તુલસીદાસજી રામના ભક્ત હોવા છતાં રામની પહેલાં શિવને વંદન કરે છે.

‘‘વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણમ,

યમાશ્રિતો હિ વક્રોપિચંદ્રઃ સર્વત્રવન્દ્યતે’’

તુલસીજી કહે છે, હું એવા શંકરની વંદના કરું છું જે નિત્ય બોધમય ગુરુરૂપ છે. જેમના આશ્રયે રહેલા વક્ર (વાંકા) ચંદ્રને પણ સહુ કોઈ વંદન કરે છે. તુલસીદાસજીની આ વંદનામાં બે દૃષ્ટિકોણ છે. એક અંતર સંબંધી અને એક બ્રાહ્મ સંબંધી. એક શિવ અંતરમાં રહીને નિત્ય બોધનો પ્રકાશ પાથરતા રહે છે અને એક શિવ જેમણે જગતને બોધપ્રદ હજારો શાસ્ત્રો આપ્યાં છે.

આપણાં મોટા ભાગનાં શાસ્ત્રોનો જન્મ શિવ-પાર્વતીના સંવાદમાંથી થયો છે. રામાયણ પણ પાર્વતીના પ્રશ્નથી શરૂ થાય છે અને શિવના ઉત્તરોથી પૂર્ણ થાય છે. શ્રીમદ્‌ ભાગવત શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું તે પહેલાં શિવે પાર્વતીને કહ્યાની કથા છે. શુકદેવજીએ શુક (પોપટ)ના સ્વરૂપે તે સાંભળીને આત્મબોધ મેળવ્યો હતો. ત્યારબાદ શુકદેવજીએ તે કથા ગંગાતટે અનશન વ્રતધારી પરીક્ષિતને સંભળાવી. જેને વેદવ્યાસજીએ ભાષાબદ્ધ કરીને વિસ્તાર કર્યો. તેવી જ રીતે યોગશાસ્ત્રના આદિ પ્રણેતા પણ શિવ છે. તંત્રશાસ્ત્રની રચના પણ શિવ-પાર્વતીના સંવાદમાંથી થઈ છે જે ‘‘ભૈરવ તંત્ર’’ તરીકે પ્રસિદ્ધ છે. શિવપુરાણની કથા લક્ષમાં લઈએ તો બ્રહ્માને વેદનો ઉપદેશ પણ શિવે આપેલો છે. શિવ સમસ્ત જ્ઞાનના ભંડાર છે. જગતમાં જે કાંઈ જ્ઞાન છે તે શિવનો પ્રસાદ છે.

બીજી દૃષ્ટિએ વિચાર કરીએ તો શિવ સમસ્ત ચરાચર જગતનો આત્મા છે. તેથી શિવ દરેકના હૃદયમાં સ્થિત છે. માણસ આંખથી જુએ, કાનથી સાંભળે, મનથી મંથનકરે અને ચિત્તથી ચિંતવન કરે પણ જ્યાં સુધી અંતરનું ચૈતન્ય તેમાં સામેલ ન થાય ત્યાં સુધી તે બુદ્ધિને બોધ કરાવી શકતું નથી. માણસનું જોયેલું, સાંભળેલું અને અનુભવેલું પણ બોધ ન આપી શકે, પરંતુ જ્યારે અંતરઘટમાં રહેલા શિવના પ્રકાશનો પ્રસાદ મળે છે ત્યારે જ બોધ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણે આ વાતને શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં સમજાવતાં કહ્યું કે હું જ સર્વના હૃદયમાં પેસીને સર્વને જ્ઞાન અને સ્મૃતિ પ્રદાન કરું છું. મારા જ ચૈતન્ય ભાવથી વિચારોની તર્કપ્રક્રિયા પર પ્રકાશ પથરાય છે. હું જ સર્વ વેદોને જાણનારો અને વેદોને રચનારો છું.

મહા તપસ્વી અને આત્મ સાક્ષાત્કાર કરનારા મહાન પુરુષોના જીવનમાં કંઈક એવી ઘટનાઓ બની છે કે જ્યાં સામાન્ય માનવી રોજરોજ તેને જોવા, સાંભળવા કે અનુભવવા છતાં કોઈ જ્ઞાન નથી મેળવી શકતો ત્યાં તેમને પરમ બોધ થયો છે.

રામકૃષ્ણ પરમહંસના જીવનની ઘટના છે કે ગામની બહાર તળાવના કિનારે બેઠા હતા અને તળાવની પાળ ઉપર બેઠેલી બગલાઓની એક પંક્તિ ઊડી અને તેને જોતાં-જોતાં જ રામકૃષ્ણ પરમ બોધને ઉપલબ્ધ થઈ ગયાં. ચીનના અદ્દભુત ફકીર એવા લાઓત્સેના જીવનમાં પણ એવી ઘટના બની કે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સુકાયેલું પાંદડું નીચે પડતું જોતાં-જોતાં જ તે બોધમય બની ગયા. બુદ્ધે તેના જીવનમાં ઘણાં વર્ષ સુધી કઠોર તપસ્યા કરી; પરંતુ કોઈ બોધ નહોતો મળ્યો પરંતુ એક દિવસ વડના એક ઝાડ નીચે બેઠાં-બેઠાં અચાનક તે બોધ તેમને ઉપલબ્ધ થઈ ગયો. કહેવાય છે કે મહાવીર સ્વામીએ બાર વર્ષ ઉપવાસ કરીને કઠોર સાધના કરી, પરંતુ કૈવલ્ય જ્ઞાન તો એક દિવસ અચાનક સાલ વૃક્ષ નીચે બેઠાં-બેઠાં મળ્યું હતું.

માણસ ગમે તેટલા પ્રયાસો કરે. પરંતુ બોધ શિવની કૃપા વગર નથી મળતો કારણ કે બોધ એ શિવનો પ્રસાદ છે. જે બોધ માણસના અંતરની સમસ્યાનું સમાધાન કરાવી શકે તે બોધ માત્ર જોવા, સાંભળવા કે વિચારવાથી ન મળે. તેવો બોધ તો શિવની કૃપાએ જ મળે છે. જેથી ભારતીય દર્શન કહે છે કે જેણે પોતાની સમસ્યાનું ખરું સમાધાન જોઈતું હોય તેણે શિવના બોધરૂપી પ્રસાદ મેળવવા શિવનું જ આરાધન કરવું પડે. જ્યારે શિવની કૃપા થાય ત્યારે અભણ અને ગમાર પણ વેદનો જ્ઞાતા થઈ જાય, પરંતુ શિવકૃપાના અભાવે વેદો અને શાસ્ત્રોનું વાચન-મનન પણ માણસને પોથી પંડિતથી વધારે કાંઈ બનાવી ન શકે. વાંચેલું, સાંભળેલું કે વિચારેલું શાસ્ત્રોનું જ્ઞાન પણ બોધ તો ત્યારે જ આપી શકે જ્યારે તે શિવનો પ્રસાદ બને.

શંકરાચાર્ય તેમની પ્રાર્થનામાં કહે છે કે શિવશંકર, જગતના બોધ માટે છળ રૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યસમાન એવા આપ મારા ગુરુ થઈને મને શરણ આપો. આપ ગુરુના પણ ગુરુ છો. તેથી ગુરુપુંગવ અને પુંગવકેતન પણ આપ જ છો. આપ સમાન અન્ય કોઈ નથી. હે શરણાગત વત્સલ તત્ત્વનિધિ આપ મને શરણ આપો.