શિવતત્ત્વ
ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર
સંજય ઠાકર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૧. એક માત્ર શિવ જ પૂર્ણ સ્વરૂપ
શિવપુરાણની કથા છે કે મહાદેવને ઈન્દ્ર સહિતના દેવોના અહંકાર, સ્વાર્થ અને લોલુપતા ઉપર જે ક્રોધ થયો તે ક્રોધ કર્મનો હિસાબ પૂરો કરવા એક બાળકરૂપે જન્મ્યો. જેને સમુદ્રદેવે સાચવ્યો અને મત્સ્યકન્યાએ તેનો ઉછેર કર્યો. સમુદ્રે સાચવ્યો હોવાથી તે બાળકનું નામ જલંધર પડ્યું. જલંધરની માતા મત્સ્યકન્યાની ઈન્દ્રે હત્યા કરી. જેથી પૂર્વે જમા થયેલા પરોક્ષ અને આ જન્મનાં પ્રત્યક્ષ કર્મ કારણથી જલંઘર અને ઈન્દ્ર વચ્ચે વેર બંધાયું. જલંધર શિવથી પેદા થયો હોવાના કારણે તે શિવાંશ હતો. તેનામાં અતુલ્ય બળ અને સામર્થ્ય હતાં.
ઈન્દ્રના અહંકાર રૂપી પાપનો બદલો લેવા આખર શુક્રાચાર્યથી શિક્ષિત થઈને પ્રાપ્ત કરેલા બળ અને સામર્થ્ય વડે જલંધરે ઈન્દ્રને પરાસ્ત કરી દેવ, દાનવ અને માનવ એમ ત્રણે લોકોને પોતાને આધીન કર્યા અને ત્રિલોકાધિપતિ થયો. જલંધરની પત્ની હતી વૃંદા. જે વિષ્ણુભક્ત અને પતિવ્રતા હોવાથી જલંધરને તેનું પણ બળ મળ્યું અને જલંધર અજેય થયો, પરંતુ ત્રિલોકાધિપતિનું પદ મળતાં અહંકારના દુર્ગુંણોએ તેને ઘેરી લીધો.
જલંધરે ત્રિલોકાધિપતિ થયા પછી શિવના આશીર્વાદ મેળવવાને બદલે શિવનું સ્થાન પડાવી લેવા ઈચ્છ્યું. જલંધરે કહ્યું કે જ્યારે હું ત્રિલોકાધિપતિ છું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવોની સત્તા પણ મને જ મળવી જોઈએ. તેણે યમરાજને પણ પોતાના પક્ષમાં લઈ લીધા અને મૃત્યુ ઉપર પણ તેનું શાસન ચલાવવા લાગ્યો. તેના આ દુર્વ્યવહારથી સૃષ્ટિચક્ર અસ્તવ્યસ્ત થવા લાગ્યું. તે એક દિવસ બ્રહ્માનું સ્થાન પડાવી લેવા બ્રહ્મલોકમાં પહોંચ્યો, પરંતુ ખુદ શિવે જ તેને ત્યાંથી ધરતી ઉપર પાછો ધકેલી દીધો. શિવે તેનો વિરોધ કરતાં હવે તે શિવને જ પોતાના મહાન શત્રુ ગણવા લાગ્યો. જલંધરે શિવને પરાસ્ત કરવાનો બદઈરાદો સેવીને ઋષિઓ પાસેથી શિવ સંબંધી જ્ઞાન મેળવ્યું, પરંતુ તે જ્ઞાન મેળવવા પાછળનો હેતુ પણ શિવની નબળાઈ જાણીને શિવને પરાસ્ત કરવા પૂરતો જ હતો. તેણે શિવ પોતાની અર્ધાંગી પાર્વતી ઉપર અપાર પ્રેમ રાખે છે તેમ જાણીને પાર્વતીનું અપહરણ કરવા વિચાર્યું, પરંતુ પાર્વતીને અપહરણ કરી શકે તેવી તેની પાસે કોઈ શક્તિ ન હતી. જેથી જૂઠું બોલીને ગુરૂ શક્રાચાર્ય પાસેથી માયા નામની વિદ્યા શીખી અને પછી માતા પાર્વતીનું અપહરણ કરીને પોતાની માયા શક્તિના કાલ્પનિક લોકમાં પાર્વતીને કેદ કર્યાં. આટલું અધૂરું હોય તેમ પોતાના સૈન્ય સાથે કૈલાસ ઉપર ચડાઈ કરી અને ગણેશ, કાર્તિકેય અને શિવગણો સહિતના દેવાતાઓને ઘાયલ કર્યા.
આખર જલંધરનો યુદ્ધ કરવાનો ઈરાદો જોઈને શિવ પણ યુદ્ધના મેદાનમાં ઊતર્યા અને જલંધર અને શિવ વચ્ચે ઘોર યુદ્ધ થયું. પૂર્ણ શિવ સાથેના યુદ્ધમાં શિવાંશ જલંધરનો પરાજય તો નિશ્ચિત જ હતો. આખર શિવના ત્રિશૂલથી જલંધરને મરણતોલ માર લાગ્યો કે જે પછી જલંધર બેઠો થવાની શક્તિ પણ ગુમાવી બેઠો. મરતા જલંધરે શિવને કેટલાક પ્રશ્નો કર્યા અને શિવે તેના જે ઉત્તર આપ્યા તે સમાજના બધાં જ જલંધરોએ જાણવા યોગ્ય છે.
મરતા જલંધરે શિવને પૂછ્યું કે હું તમારો અંશ હતો છતાં અસહાય હાલતે તમે મને સમુદ્રમાં કેમ તરછોડ્યો ? મારા બાળપણમાં જ મારી પાલક માતાની ઈન્દ્રે હત્યા કરી ત્યારે તમે મૌન કેમ રહ્યા અને મારી મદદે કેમ ન આવ્યા ? હું તમારો અંશ હોવા છતાં અને મેં ત્રિલોકાધિપતિનું પદ મેળવ્યું હોવા છતાં મને તમારી જેવી પૂર્ણ સ્વતંત્રતા કેમ ન આપી ?
શિવ ઉત્તર આપતાં કહે છે કે જલંધર, તું મારો અંશ છો અને મેં તને જે સમુદ્રમાં છોડ્યો હતો ત્યાં ખુદ સમુદ્રદેવે મારી જ પ્રેરણાથી તારી રક્ષા કરી હતી. મત્સ્ય કન્યાને તારી પાલક માતા થવાની પ્રેરણા અને વાત્સલ્ય પણ મેં જ આપ્યાં હતાં. જ્યારે તારી માતાની ઈન્દ્રે હત્યા કરી ત્યારે શુક્રાચાર્યના રૂપે હું જ તારો આશ્રય, શિક્ષા અને દીક્ષા થયો હતો. તારી માતાની હત્યા રૂપી અન્યાયમાં તને મદદ કરવા મારા પરમ ભક્ત એવા શુક્રાચાર્યને મારી પ્રેરણાથી જ તારા પ્રત્યે શિષ્યભાવ થયો હતો. તારા ઉપર થયેલા અન્યાયના બદલામાં મારી પરોક્ષ કૃપાઓથી જ તું ત્રિલોકાધિપતિનું પદ પામ્યો હતો. જીવ શિવનો અંશ છે જેથી દરેક જીવ એક અર્થમાં જલંધર છે. શિવ દરેક જીવને સંસાર-સાગરમાં છોડે છે અને સાથે જ સંસારસમુદ્રના હાથે તેની રક્ષા પણ કરે છે. સંસારની દરેક માતાઓના હૃદયમાં તેના શિશુ પ્રત્યે મમતા અને વાત્સલ્ય પણ શિવનાં જ આપેલાં છે. અણધારી આપત્તિના સમયે કોઈને કોઈ રીતે મદદ પૂરી પાડનાર પણ શિવ જ હોય છે.
શિવ જલંધરને કહે છે કે હું દરેક વખતે પરોક્ષ રીતે તારી સાથે રહ્યો છું. રહી વાત સ્વતંત્રતાની તો જે રીતે તું સ્વતંત્ર થવા માગતો હતો તેવી સ્વતંત્રતા આ દુનિયામાં મેં પણ લીધી નથી. હુ ચરાચર જગતનો સ્વામી હોવા છતાં આ સૃષ્ટિના નિયમોનું પાલન કરું છું. જ્યારે તું તારા અહંકારના મદથી સ્વતંત્રતા ઈચ્છતો હતો. જેમાં તારો અંશ હોવાની દુર્બળતાઓ સ્પષ્ટ થતી હતી. તારે પૂર્ણ સ્વતંત્રતા જોઈતી હોય તો મારા સ્વરૂપમાં એક થઈને તારું અંશપણું મિટાવી દેવું જરૂરી છે.
‘‘મિટા દે અપની હસ્તી કો અગર મર્તબા ચાહે,
દાના ખાકમેં મિલકર હી ગુલે ગુલઝાર હોતા હૈ.’’
શિવના ઉત્તરો સાંભળીને જલંધરનું અભિમાન નષ્ટ થયું અને શિવના હાથે મૃત્યુ પામતાં જ જલંધર શિવના પૂર્ણ રૂપમાં ફરી લીન થઈ ગયો. જે પૂર્ણ છે એ જ પૂર્ણ સ્વતંત્ર છે. પૂર્ણમાં જ પૂર્ણતા શોભે છે, અપૂર્ણમાં નહીં. તેથી વેદો કહે છે :