Shivtatva - 10 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-10

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-10

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦. શિવનું અઘોર સ્વરૂપ

મહાદેવના અઘોર રૂપથી ભારતમાં અઘોરી સાધુઓનો અઘોરપંથ શરૂ થયેલો છે. સામાન્ય માનવીના મનમાં ‘અઘોરી’ એવો શબ્દ સંભળાતાં જ કોઈ ઘોર રૂપની કલ્પનાઓ શરૂ થઈ જાય છે, પરંતુ ખરેખર તેમ નથી. અઘોર શબ્દનો અર્થ થાય છે જે ઘોર નથી તે. જે નિર્મલ અને ઘોર વિપત્તિથી રક્ષા કરનારું છે તે. મોટા ભાગે લોકો અઘોરી સાધુઓને પસંદ નથી કરતા, કારણ કે તેમની રહેણીકરણી અને આચાર-વ્યવહાર સામાન્ય લોકોને પસંદ પડે તેવાં નથી હોતાં. જેથી અઘોરી સાધુઓ પણ ભાગ્યે જ જોવા મળે છે. મહાદેવના અઘોર તંત્ર સ્થાપવા પાછળ પુરાણોએ સુંદર કથા કહી છે. જે સૃષ્ટિના પ્રકૃતિગત વિજ્ઞાન સાથે સંકળાયેલી છે.

કથા છે કે માતા પાર્વતિને પોતાના સ્વેદથી ઉત્પન્ન થયેલા પુત્ર અંધક ઉપર વાત્સલ્ય ભાવ હતો, પરંતુ અંધકને માતા પાર્વતી ઉપર કામભાવ થવાથી માતા ખૂબ જ વ્યથિત થયાં અને તેમને ક્રોધ ઉપજ્યો. જે કારણે તેમનું સ્વરૂપ કાલિકાદેવી રૂપ બન્યું ક્રોધ અને ઉગ્રતાની અવસ્થામાં કાલીકાદેવી જગતનો વિનાશ કરવા લાગ્યાં. કાલિકાદેવીથી થતો જગતનો વિનાશ અટકાવવા મહાદેવે અઘોર રૂપ ધારણ કરીને તંત્રવિદ્યાથી માતાને પુનઃ સૌમ્ય બનાવ્યાં.

પરંતુ મહાદેવે જે તંત્ર અને મંત્ર વિદ્યાનો ઉપયોગ કર્યો તે મલ્લા અને મણિ નામના સાધકોએ જાણી લીધો. મલ્લા-મણિને મહાદેવે પ્રયોજિત કરેલ મંત્રતંત્રથી પ્રકૃતિના ઉગ્ર રૂપને વશિભૂત કરવાની કળા મળી. જોકે ભગવાન મહાદેવે તે વિદ્યા પ્રકૃતિને ક્રોધ અને દ્વેષથી છોડાવવા માટે પ્રયોજી હતી, પરંતુ મલ્લા-મણી તેનો ઉપયોગ પ્રકૃતિને બંધક બનાવવા માટે કરવા લાગ્યા. મહાદેવ પ્રયોજિત તંત્ર-મંત્રની શક્તિથી આખર તેમણે માતા પાર્વતીના કાલિ રૂપને પોતાની તંત્રશક્તિમાં કેદ કરી લીધું અને તે શક્તિથી બળવાન બનીને નિર્બળ લોકો ઉપર અત્યાચાર કરવા લાગ્યા.

પુરાણકારોએ આપેલા મલ્લા અને મણિ એ બંને નામો પણ ઘણું સત્ય સમજાવી જાય છે. મલ્લા એટલે જે મળથી દૂષિત છ તે અને મણિ એટલે જે રત્ન જેવી પ્રદીપતા અને કાન્તિને ધારણ કરે છે તે. માતા કાલિ ઉપર ભક્તિભાવ હોવાથી મણિસ્વરૂપ અને માતાનું કાલિ (અંધકાર) રૂપ પસંદ હોવાથી તે મલ્લા (મળ) સ્વરૂપ એમ બંને હતાં. પ્રત્યેક વ્યક્તિમાં પણ મલ્લા અને મણિ તેના વિચારોના રૂપે મોજૂદ છે. વ્યક્તિના સારા (પોઝિટિવ) વિચારો મણિ છે જ્યારે વ્યક્તિના ખરાબ (નેગેટિવ) વિચારો મલ્લા છે. ખૂબી એ છે કે ખરાબ અને સારા વિચારો સાથે જ રહે છે. અલગ-અલગ નથી રહી શકતા. સવાલ બેમાંથી એકનો નથી, પરંતુ સવાલ બેમાંથી એકની કેટલી પ્રબળતા છે તેનો છે. પુરાણોની કથા અનુસાર મણિ ઘણી વખત શિવના શરણે જવા વિચારે છે, પરંતુ મલ્લા તેને તેમ કરવા દેતો નથી. મલ્લાની પ્રબળતાના કારણે મણિની ભક્તિ પણ મલ્લાના વિચારોની પાછળ ઘસડાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્‌ગીતાના સોળમાં અધ્યાયમાં પ્રકૃતિનાં દૈવી અને આસુરી એમ બે સ્વરૂપોનું વર્ણન કર્યું છે. પ્રકૃતિ પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પ્રકારની છે. જે પૈકી દૈવી પ્રકૃતિને મોક્ષદાયક અને સુખપ્રદ માનવામાં આવી છે, જ્યારે આસુરી પ્રકૃતિને બંધનકારી અને દુઃખપ્રદ કહેવામાં આવી છે.

પ્રકૃતિ જીવનને રચવા માટે દ્વૈત (બે સ્વરૂપ)ની રચના કરે છે. કારણ કે પ્રકૃતિના આ દ્વૈત વગર જીવન શક્ય નથી. અંધકાર વગર પ્રકાશ ન રચાઈ શકે, દુઃખ વગર સુખ ન રચાઈ શકે, મૃત્યુ વગર જીવન ન રચાઈ શકે. પ્રકૃતિના દ્વૈતમાં જ જીવન રહેલું છે, પરંતુ દ્વૈતના દ્વંદ્વથી પ્રથમ અહંકાર અસ્તિત્વમાં આવે છે. જે અહંકાર પોતાનું ભિન્ન અસ્તિત્વ અનુભવે છે. દેહ સાથે જોડાતાં તે દેહી હોવાનું અભિમાન ધરાવે છે. દેહાભિમાન સાથે દેહના અર્થે કામ ઉત્પન્ન થાય છે. તે કામ પોતાના નિહિત સ્વાર્થથી લોભને ઉત્પન્ન કરે છે. લોભને પોતાનો નિહિત સ્વાર્થ સિદ્ધ થતો ન દેખાય ત્યારે તે લોભ જ ક્રોધને પેદા કરે છે. ક્રોધ માણસની બુદ્ધિનું હરણ કરીને મોહ ઉપજાવે છે. મોહ માણસની બુદ્ધિનો વિનાશ નોતરીને મહા ઘોર દુઃખમાં ધકેલે છે. આ રીતે પ્રાકૃતિક દ્વૈતથી ઊભો થયેલો અહંકાર ઉત્તરોત્તર કામ, કામથી લોભ, લોભથી ક્રોધ અને ક્રોધથી મોહની મંજિલે પહોંચીને પારાવાર દુઃખમાં ફસાય છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ ભગવદ્‌ગીતામાં આ હકીકત કહી છે.

જે પ્રકૃતિએ પુરુષના વિનોદ માટે જીવનરચના કરી હતી તે કોઈ વિનોદ આપવાની જગ્યાએ દુઃખદાયી બને છે. પ્રકૃતિએ જે કોમળ ફૂલને જન્મ આપ્યો હતો તે કોમળ ફૂલ જ તેના અંતમાં કાંટો પ્રતીત થાય છે. પ્રાકૃતિક દ્વૈતમાં ફસાયેલી વ્યક્તિ એ વાતનો અહેસાસ કરે છે :

‘‘જિંદગી હૈ યા તૂફાન હૈ, હમ તો ઈસ જીને કે હાથોં મર ચલે

સેંકડો અરમાન લેકર આયે થે, દિલ મેં લાખો હસરત સિમટ ચલે.’’

પ્રકૃતિ જો મલ્લા-મણિ કૃત અહંકારના બંધનમાં ન બંધાય તો શિવના સંગે રહેલી પ્રકૃતિ મુક્ત જ રહે છે. શિવસંગ રહેલી પ્રકૃતિને જ દૈવી પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિના દ્વૈત રૂપ પૈકી દૈવી પ્રકૃતિ પોતે પણ મુક્ત છે અને પોતાના આશ્રિતને પણ મુક્ત કરે છે, પરંતુ આસુરી પ્રકૃતિ પોતે પણ બંધક બને છે અને તેના આશ્રિતને પણ બંધક બનાવે છે. જેમ સ્વસ્થ પ્રકૃતિવાળો માણસ હરવા-ફરવા, ખાવા-પીવા અને જીવન જીવવા મુક્ત હોય છે, પરંતુ જેને રોગ લાગુ પડીને દૂષિત થઈ હોય તેવી પ્રકૃતિવાળી વ્યક્તિ અનેક પ્રકારનાં બંધન સહિતની પીડાઓ ભોગવે છે.

દરેક વ્યક્તિ માટે અનુભવ ગમ્ય છે કે જ્યારે માણસ કામ, ક્રોધ, લોભ અને મોહને વશ થાયછે ત્યારે માણસ સ્વતંત્ર નથી રહેતો. પ્રકૃતિના આસુરી રૂપથી જન્મેલા આ ચાર ગુણો માણસને મહાબંધન આપે છે. મલ્લા-મણિએ રુષ્ટ થઈને કાલિરૂપ થયેલ પ્રકૃતિને આ ચાર દુર્ગુણોરૂપી ચતુષ્કોણી તંત્રમાં બાંધી લીધા. જેથી તંત્રવિદ્યામાં કેદ થયેલી પ્રકૃતિના કારણે દેવો, ઋષિઓ અને માનવીઓ પરેશાન થઈ ગયાં. જે લોકો સકારાત્મક્તા (પોઝિટિવ થિંકિંગ) મુજબ જીવન જીવે છે તેમને જીવનની નકારાત્મક્તા પરેશાન કરે છે. જો સકારાત્મક્તા નબળી હોય તો પ્રતિકારશક્તિ વગરના માણસને જેમ તરત રોગ લાગુ પડે છે તેમ નકારાત્મક્તા વીંટળાઈ પડે છે. નકારાત્મક વિચારોમાં ફસાયેલા માણસો કામ, ક્રોધ, લોભ, અને મોહ રૂપી ચતુષ્કોણીય યંત્રમાં ફસાઈને અંધકાર અનુભવે છે. તેમની પોઝિટિવ પ્રકૃતિ પણ અવરોધાય છે.

મલ્લા-મણિના ચતુષ્કોણિય યંત્રના ઘોર રૂપમાં ફસાયેલા દેવી પાર્વતીને ઉગારવા ભગવાન મહાદેવે અઘોર રૂપ ધારણ કર્યું હતું. મહાદેવે મલ્લા-મણિએ જે યંત્ર રચ્યું હતું તેનાથી વિપરીત યંત્ર રચીને તેને બ્રહ્માંડમાં સ્થાપિત કર્યું. મલ્લા-મણિના યંત્રના ચારેય આધારસ્તંભોને નષ્ટ કરવા મહાદેવે પણ ચાર આધારોની રચના કરી. જેમાં કામને વૈરાગ્યથી, ક્રોધને કરુણાથી, લોભને ત્યાગથી અને મોહને જ્ઞાનથી મુક્ત કરવા અઘોર યંત્ર રચવામાં આવ્યું હતું. જે યંત્રનો અઘોરપંથીઓ આજે પણ ઉપયોગ કરે છે.

કામભાવ ઉપર વૈરાગ્ય કરવા માટે અઘોરપંથમાં શરીરને મળ-મૂત્ર સમાન માનવામાં આવે છે. જેથી અઘોરીઓ શરીરને મલિન જ રાખે છે. મલિન શરીરની મલિન રહેણીકરણી, મલિન ખોરાક અને મલિન સ્મશાન વિભૂતિને શરીર ઉપર ચોળે છે, પરંતુ તેમનું મન શિવસ્મરણથી નિર્મલ હોય છે.

અઘોરીઓનો પહેરવેશ અને રહેણીકરણી જોતા તે ઉગ્ર સ્વરૂપના લાગે છે, પરંતુ તેમનું અંતઃકરણ કરુણાસભર હોય છે. અઘોરપંથી ક્યારેય કોઈની હિંસા કરતા નથી. જે હિંસક સાધુઓની વાતો છે તે કાપાલિક (મેલી સાધના કરનારા) સાધુઓ હોય છે.

લોભને જીતવા માટે તેઓ કોઈ પણ વસ્તુનો પરિગ્રહ રાખતા નથી, તેમની પાસે કપડાં, બિસ્તર કે અન્ય કોઈપણ માલ સામાન હોતો નથી. કોઈ પણ જગ્યાએ સ્થાયી અને સુવિધાસભર કોઈ આશ્રમ કે નિવાસસ્થાન પણ તેઓ ક્યારેય બનાવતા નથી. મોટા ભાગે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં તેઓ મુક્ત વિચરણ કરે છે.

મોહને જીતવા માટે તેઓ ધ્યાન અને મંત્રસ્મરણ કરે છે. અઘોર મંત્ર તેના દીક્ષાર્થી સિવાય અન્ય કોઈને અપાતો નથી. જે ધ્યાન અને સ્મરણથી તેઓ જ્ઞાન, વિજ્ઞાન અને અંતરબોધથી પોતાના મોહને નષ્ટ કરે છે. જેના માટે કવિરાજ પુષ્પદંત શિવમહિમ્નમાં ‘‘અઘોરાન્નાપરો મંત્ર નાસ્તિ તત્ત્વં ગુરો પરમ’’ જેવાં ઉચ્ચારણો સાથે અઘોરથી પર કોઈ મંત્ર નથી તેમ કહી અઘોર મંત્રનો મહિમાા સમજાવે છે. અઘોર પંથ માણસની કામ, ક્રોધ, લોભ અને મોહથી બંધક બનેલી પ્રકૃતિને પરમ મુક્તિ અપાવનાર છે. શિવનું અઘોર સ્વરૂપ બંધક બનેલી પ્રકૃતિને મુક્ત કરવા માટે પરમ ઉપાસ્ય છે.