Shivtatva - 9 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-9

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-9

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૯. શક્તિને શિવથી ભિન્ન જોવાં તે અપરાધ

બ્રહ્માંડમાં પરમાણુથી લઈને વિરાટ ગ્રહોના રૂપ દેખાતી અને તમામ પ્રાણીઓમાં જીવનરૂપે વ્યાપેલી જે શક્તિ છે તે શિવની જ શક્તિ છે. આ શક્તિ શિવથી ભિન્ન રહી શકતી નથી.શિવ-શક્તિના આ રૂપને વિવિધ શાસ્ત્રોએ વિવિધ રૂપોમાં વર્ણવી છે. કોઈ તેને પુરુષ અને પ્રકૃતિ કહે છે, કોઈ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, કોઈ રાધા અને કૃષ્ણ કહે છે, કોઈ નારાયણ અને લક્ષ્મી કહે છે, તો કોઈ શિવ અને શક્તિ. ભગવદ્દગીતા કહે છે કે સમગ્ર જગત આ બે તત્ત્વનું જ બનેલું છે. આ સિવાય બીજું કંઈ નથી.

માણસ પણ આ બે મુખ્ય તત્ત્વનો જ બનેલો છે. આ બંને તત્ત્વ સિવાય માણસનું અન્ય કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી; પરંતુ માણસ અહંકારવશ પોતાને ભિન્ન માને છે તેથી શિવ અને શક્તિના સ્વરૂપમાં ભેદ જુએ છે. જે ભેદદર્શન આખર એક અપરાધ જ સિદ્ધ થાય છે.

આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી તેમની સંન્યાસ દીક્ષા પછી ભારતવર્ષનું પરિભ્રમણ કરતા હતા ત્યારથી વાત છે. શંકરાચાર્યજી અદ્વૈત સિદ્ધાંતના પ્રણેતા છે. શરૂશરૂમાં તેમનો અદ્ધૈત સિદ્ધાંત એકમાત્ર બ્રહ્મની સત્તા જ સ્વીકારતો હતો. તેમનું સૂત્ર હતું ‘‘બ્રહ્મ સત્યં જગન્મિથ્યા.’’ બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે. તેમની ‘‘જગન્મિથ્યા’’ની વ્યાખ્યામાં શરીરસહિત દેખાતી તમામ પ્રકૃતિ મિથ્યા હતી. જગતના શરીરસહિતના તમામ દૃશ્ય પદાર્થોને શિવથી ભિન્ન અને મિથ્યારૂપે જોવા તેમને સિદ્ધાંતનું હાર્દ હતું. એક અર્થમાં તેમના શિવ જગતથી ભિન્ન, અલિપ્ત અને શૂન્ય સ્વરૂપ હતા. જેથી શિવની સત્તાનો સ્વીકાર હતો, પરંતુ જગતમાં દેખાતી શક્તિના રૂપ ઉપર તિરસ્કારનો ભાવ હતો.

એવામાં તેમના સંન્યાસ અવસ્થાના પરિભ્રમણ દરમિયાન તેમને સંગ્રહણીનો ભયંકર રોગ લાગુ પડ્યો. રોગના લીધે શંકરાચાર્ય કોઈપણ પ્રવૃત્તિ કરવા અક્ષમ થઈ ગયા. રોગની અસહ્ય પીડા પણ તેમને સખત દુઃખ આપી રહી હતી. શરીરમાંથી સમગ્ર શક્તિ ચાલી ગઈ હતી. જેમ તેમ કરીને ચાલતાં-ચાલતાં માર્ગની નજીક એક વૃક્ષ નીચે દીનહીન હાલતે વિશ્રામ લેવા બેઠા. બરાબર એ સમયે માર્ગ ઉપરથી એક મૈયારણ માથે મટકી લઈને નીકળી. શંકરાચાર્યજીએ તે મૈયારણને જોઈને કહ્યું :

માતા, તારી મટકીમાં શું છે ?

મૈયારણે કહ્યું : તેમાં દહીં છે.

શંકરાચાર્યે કહ્યું માતા મને થોડું દહીં આપ તો હું કંઈક શક્તિવાળો થઈને આગળ જઈ શકું. મૈયારણે કહ્યું : આપ તો એકમાત્ર શિવને જ માનો છો. તમે જે શરીરના મન, વચન અને કર્મથી શિવની સાધના કરી રહ્યા છો તે શરીરને ઉત્પન્ન કરનારી શક્તિને જ તમે શિવથી ભિન્ન જોઈને તેને મિથ્યા કહો છો. તો પછી તમે કોણ ? તમારાથી થતી શિવની ઉપાસના કોણ ? અને તમારી અંદરનો ઉપાસક કોણ ? શક્તિને તો તમે માનતા જ નથી. પછી શક્તિની તમારે શી જરૂર છે ?

માર્ગે જતી મૈયારણને પોતાની સાધના અને અંતરશ્રદ્ધાની કેમ ખબર પડી ? તેવા તર્ક સાથે જ શંકરાચાર્યજી સમજી યા કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી. શિવશક્તિના બળે શંકરાચાર્યજીને શક્તિના એ સ્વરૂપને ઓળખતાં વાર ન લાગી. શંકરાચાર્યજી મૈયારણના રૂપમાં રહેલાં માતાના ચરણે પડી ગયા. માતા શક્તિનું દર્શન કરતાં જ તેમના સઘળા રોગ અને તેમની નબળાઈઓ દૂર થઈ ગયાં. શંકરાચાર્યજીને શિવની સાથે શક્તિનું અર્થાત્‌ પુરુષની સાથે પ્રકૃતિનું મહત્ત્વ સમજાઈ ગયું. શંકરાચાર્યજી સમજી ગયા કે હું શક્તિના રૂપથી ભિન્ન નથી. જો શિવ ઉપાસ્ય છે તો શક્તિ ઉપાસક છે. ઉપાસક જ ઉપાસ્યની ઉપાસના કરે છે તેથી સાધક દ્વારા થતી શિવની તમામ આરાધના સાધક નહીં પણ તે શક્તિ જ કરે છે.

શંકરાચાર્યજી દ્વારા શક્તિના સ્વરૂપનો જે અનાદર થયો હતો તે માટે તેમને અપરાધભાવ અનુભવાયો. શંકરાચાર્યને અનુભવાયેલા તે દેવી સ્વરૂપના ચરણે પડીને અપરાધભાવ અનુભવતા શંકરાચાર્યજીએ દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રની રચના કરી.

‘‘જગન્માતર્માતસ્તવ ચરણસેવા ન રચિતા,

ન વા દત્તં દેવી દ્રવિણમપિ ભૂયસ્તવ મયા

તથાપિ ત્વં સ્નેહં મયિ નરિપમં યત્પ્રકૃરુષે,

કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ

ચિતાભસ્મા લેપો ગરલમશનં દિક્પટધરૌ,

જટાધારી કંણ્ઠે ભુજગપતિહારી પશુપતિ

કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈકપદવીં,

ભવાનિ ત્વત્પાણિગ્રહણપરિપાટીફલમિદં’’

(દેવી અપરાધક્ષમાપન સ્તોત્ર-૪,૭)

શંકરાચાર્યજી કહે છે કે હે આદિ શક્તિ, આપ જગતની માતા છો અને મારી પણ માતા છો. છતાં આજદિન સુધી મેં આપની કોઈ સેવા કરી નથી. ન તો મેં આપના ચરણે કોઈ દ્રવ્ય કે દાન અર્પણ કર્યું છે.મેં તો આપનો અનાદર જ કર્યો છે છતાં આપે મને નિરંતર સ્નેહ આપ્યો છે. ખરેખર પુત્ર કુપુત્ર થાય છે, પરંતુ માતા ક્યારેય કુમાતા થતી નથી.

ચિતાની ભસ્મનો લેપ કરનાર, વિષનું ભોજન કરનારા, દિગંબર, જટાધારી, કંઠમાં સર્પોને હાર રૂપે પહેરનારા એવા પશુઓ અને ભૂતપ્રેતોના સ્વામી જે હાથમાં ખોપરીનું ભિક્ષા પાત્ર લઈને ઊભા છે તે શિવ પણ જગતના ઈશ્વરની જગદીશ પદવીને પ્રાપ્ત થયા તેનું કારણ શિવનો આપની સાથેનો વિવાહ જ છે.શિવે આપનો હાથ ગ્રહણ કર્યો તેના ફળસ્વરૂપે જ તેઓ જગદીશ્વર થયા છે. પ્રકૃતિની મદદ વગર પુરુષ જગતની રચના ન કરી શકે.

આ ઘટના પછી શંકરાચાર્યજીએ શક્તિની આરાધના કરતાં ઘણાં સ્તોત્રની રચના કરી.જેમાં ભવાનીઅષ્ટમ્‌, આનંદલહેરી, લલિતાપંચક, ભ્રમરાંબાષ્ટક,ત્રિપુરસુંદરી સ્તોત્ર જેવા ઉત્તમ સ્તોત્રનો સમાવેશ થાય છે. શંકરાચાર્યની આ બધી રચનાઓમાં સ્પષ્ટ થઈ જાય છે કે શિવ અને શક્તિ એ બે અલગ સ્વરૂપો નથી. શિવના શક્તિ સાથેના મિલનથી જ જગત અસ્તિત્વમાં આવે છે. નશ્વર દેખાતા જગતનો બોધ પણ શક્તિની મદદથી જ થાય છે. શિવની સાધના પણ શક્તિથી જ થાય છે. ખરેખર તો દરેક માનવમાં રહેલી શક્તિદેવી જ શિવનું આરાધન કરે છે. આદ્યશક્તિ સ્વરૂપ માતાના દર્શન પછીનો શંકરાચાર્યજીનો અદ્વૈત સિદ્ધાંત શિવ અને શક્તિમાં ઐક્યભાવનું જ નિરૂપણ કરે છે.