Kahu chhu sambhado chho in Gujarati Comedy stories by Umang Chavda books and stories PDF | કહું છું સાંભળો છો

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

કહું છું સાંભળો છો

કહું છું સાંભળો છો ?

રવિવાર ની સવાર અને આપણે જલસા ! મોડું ઉઠવાનું, શાંતિ થી પરવારી ને ચા નો કપ હાથ માં લઈને બાલ્કનમાં બેસી ને છાપાઓ લઇ ને મસાલેદાર ચા ની ચૂસકી મારતા મારતા લાંબા થવાનું ! આવું જેટલી વાર વિચાર્યું છે ત્યારે ત્યારે એક ટહુકો રસોડામાંથી અચૂક સંભળાયો છે : “કહું છું સાંભળો છો ?” અને બસ પતી ગયું ! ગયો રવિવારીયો સવાર નો જલસો !

મને એમ થાય છે કે આપણી આ મહાન સંસ્કૃતિ માં અને એમાંથી ઉદભવેલી ભાષાઓ માં આ એક વાક્ય ના હોત તો ના ચાલત ? ભલ ભલા ચમરબંધીઓ ને માથા થી પગ સુધી ધ્રુજાવી દે તેવી આ અત્યંત ઠંડા પણ આદેશાત્મક અવાજે બોલાયેલી વાક્ય રચના !

આખો મીચી ને હું ભૂતકાળ માં સારી જાઉં છું અને મને દેખાય છે કે ઋષિઓ જયારે જયારે હવન કરવા બેસતા હશે અને એમની કુટીર માંથી “કહું છું સાંભળો છો?” નો અવાજ આવતો હશે ત્યારે એ ત્રિકાળદર્શી, ત્રિકાળજ્ઞાની મહાપુરુષ શું કરતા હશે ? બીજું તો શું હોય ? ઉભા થઇ ને હવન પડતો મૂકી ને અર્ધાંગીની એ આપેલ આદેશ નું પાલન ! મન માં બબડતા બબડતા કે સાલું આના કરતા તો ઓલા રાક્ષસો સારા ! ભલે ગમે ત્યારે આવે, હવન માં હાડકા નાખી જાય પણ સાલું બીજી કચ કચ તો નૈ ને ! એમને તો ગમે ત્યારે શ્રાપ પણ અપાય પણ અહિયાં શ્રીમતીજી નું શું કરવું ? સાલું આખી ઝીંદગી તપ કર્યું, હાડકા ગાળી નાખ્યા, ત્રિકાળ નું જ્ઞાન લાધ્યું પણ એ શું કામ નું ? એક અવાજ પડે “કહું છું સાંભળો છો”? અને આપણે કા તો નદી એ પાણી ભરવા જવાનું કે ગાયો ને ચારો નાખવા કે પછી કોઈ પણ કામ ના હોય તો શ્રીમતીજી કહેશે કે બેઠા છો ને ત્યાં ? હું તો અમસ્તું જ પૂછતી હતી ! યાર હવન કરવાનો આખો મૂડ જ મરી જાય ! શું કરવું આમાં ?

આવો પ્રાચીન વિચાર કરતો હતો ત્યાં વળી અવાજ આવ્યો “કહું છું સાંભળો છો ?” અને હું સીધો સતયુગ માંથી કલયુગ માં આવી ગયો ! મારી દસ વરસ ની સુપુત્રી ઊર્જા મારી સામે બાલ્કની માં બેઠી બેઠી રમતી હતી ! એણે પણ મારી સામે આશ્ચર્ય થી જોયું ! બે બે વાર મમ્મી ની બુમો આવી અને પપ્પા હજી બેઠા છે ! એણે મારી સામે એવી રીતે જોયું કે જાણે મને છેલ્લી વાર જોતી હોય ! સાલું ઘરમાં જ કોઈ સપોર્ટ નથી ! બાકી છાતી તો છપ્પન ની છે હો સાહેબ ! મેં પણ ઊર્જાની સામે અનિમેષ નયને જોયું અને એને છૂપો સંદેશો આપ્યો કે આજે તો ગમે તે થઇ જાય, બંદા રવિવારે ઉભા નહિ જ થાય ! ઊર્જા એ ફરીથી બે સેકંડ મારી સામે જોયું અને એ માથું ધુણાવી ને રમવામાં લાગી ગઈ ! એની એ વર્તણુક નો મતલબ એવો હતો કે હમણાં હું હાર સ્વીકારી લઈશ અને સમર્પણ કરી દઈશ ! પણ નાં ! આજે તો નહિ જ ! રાજપૂતો કેસરિયા કરતા હતા એમ હું આજે રવિવારીયા કરીશ, ભલે ને પ્રાણ જાય કે જે જવું હોય એ જાય પણ આજે તો નહિ જ ! મક્કમ નિર્ધાર અને મનોબળ એ પરાક્રમી પુરુષ નાં હથિયાર છે અને આજે સમય આવી ગયો છે.

“કહું છું સાંભળો છો ?” ફરીવાર શ્રીમતી ઉવાચ અને મેં પણ મોટા પણ મક્કમ અવાજે કહી દીધું કે “ના” !!! ઊર્જા એ ફરીથી મારી સામે જોયું, માથું ધુણાવ્યું અને ઉભી થઇ ને બીજા રૂમ માં જતી રહી ! બોલો સાહેબ હવે ! આપણા લોકો આપણને દગો આપે એ કેમ પોસાય ? એવું નથી કે મારે આ સંઘર્ષ માં એની જરૂર છે પણ એ પણ મારા મહાન પરાક્રમ ને જોવે એવી મારી મહેચ્છા હતી ! કઈ નૈ ભાઈ, એકલો આવ્યો હતો અને એકલો જ જઈશ, એ સુત્ર યાદ રાખી ને મેં ફરી થી છાપાઓ માં ધ્યાન પરોવ્યું !

જુના જમાના માં જયારે રાજાઓ એક સાથે બે કે ત્રણ પત્ની રાખતા હતા એમનું શું થતું હશે ? વિચારીને મને ધ્રુજારી આવી ગઈ ! વિચારો કે એક રાજા જયારે યુદ્ધ માં જતો હશે અને એને એના મહેલ ના ત્રણ જુદા જુદા ખૂણાઓ માંથી અવાજો આવતા હશે “કહું છું સાંભળો છો ?” !!! સાલું તલવાર પછાડી ને એ માણસ જંગલ ભેગો થઇ જતો હશે !

અચાનક ઊર્જા આવી ને શાકભાજી લાવવાની ની થેલી મારા ખોળા માં મૂકી ને જતી રહી ! લો પતી ગયું ! હે ભગવાન આ શું ! મારે શું યુદ્ધ માં ઉતર્યા વગર જ હાર માની લેવાની ? આ જીવ ને તમે શું રવિવારે શાકભાજી લેવા માટે આ પૃથ્વી પર અવતર્યો હતો ? શું એક ક્ષુલ્લક થેલી મને મારા મનોબળ થી ચલિત કરી દેવા સક્ષમ છે ? શાકભાજીની થેલી માં રહેલી ગર્ભિત ધમકી કે આદેશ નો મારે શું પાલન કરવાનો ? આંખો બંધ કરી ને મેં શ્રી કૃષ્ણ ને યાદ કર્યા. હું શાકભાજી ની થેલી હાથ માં લઇ ને ઘુટણીયે પડી ને શ્રી કૃષ્ણ ના વિરાટ સ્વરૂપ સમક્ષ છું અને એ મારી સામે જોઈ રહ્યા છે ! જાણે કે મહાભારત ના યુદ્ધ વખતે અર્જુન હથિયારો નીચે નાખી ને એમની સમક્ષ બેઠો છે ! “હે મુરલીધારી, હે પાલનહાર, હે શ્રી કૃષ્ણ, મને માર્ગ આપો, હું શું કરું ? એક બાજુ મારો રવિવાર છે, એક બાજુ મારું સ્વમાન છે, એક બાજુ મારો દ્રઢ નિશ્ચય છે, અને બીજી બાજુ આ શાકભાજી ની થેલી છે ! શું કરું ઓ માધવ, મારું માર્ગદર્શન કરો” અત્યંત વ્યથિત મને મેં એમની આગળ ઘા નાખી ! “વત્સ, ઉભો થા” એમનો અવાજ આવ્યો, કર્મ કર અને ફળ મંગાવ્યા હોય શ્રીમતીજીએ તો એ પણ લેતો આવજે”. અહી જો હું પણ વૈકુંઠ છોડી ને આજે રવિવારે પૃથ્વી પર કેમ વિહરવા નીકળ્યો છું ?” મને સખ્ખત ઝટકો લાગ્યો, “પ્રભુ તમે પણ?” અને એ મારી સામે સ્મિત કરીને અંતર્ધ્યાન થઇ ગયા !

બસ ! પતિ ગયું ! મેં નક્કી કરી લીધું, આ શું વળી ? જયારે ને ત્યારે આપણને આદેશ કરે એટલે આપણે પાલન કરવા નું ? મારી અંદરનો જ્વાળામુખી ભભકી ઉઠ્યો, મેં બે મુઠ્ઠીઓ વાળી, ભ્રુકૃટી તંગ કરી અને આંખોમાં લાલાશ લાવી ને જોર થી શ્રીમતીજી ને બૂમ પાડી

“કેટલા ની લાવાની છે ?”

“અંદર ચિઠ્ઠી મૂકી છે” રસોડામાંથી શ્રીમતીજીનો ઠંડો પ્રત્યુત્તર આવ્યો જાણે ખબર હોય કે હમણા આ પ્રશ્ન પુછાશેજ !

ધૂંધવાતા ધૂંધવાતા હું ઉભો થયો, સ્લીપર પહેર્યા અને ધડામ થી બારણું બંધ કરી ને સડસડાટ પગથીયા ઉતરી ગયો !

જેવો નીચે મેઈન રોડ પર આવ્યો કે ઉપર ગેલેરી માંથી ઊર્જાની એની મમ્મી ની સ્ટાઇલ માં બૂમ આવી, “કહું છું સાંભળો છો ? થોડા ફ્રૂટ્સ પણ લેતા આવજો”, મેં ગુસ્સા થી ઉપર એની સામે જોયું, એણે મારી સામે આંખો નચાવી અને ઠેંગો દેખાડી ને અંદર ભાગી ગઈ !

ઉમંગ ચાવડા