હદયનાં બે બોલ
‘પ્રેમાગ્નિ...’એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા.
એક નાયક અને બે નાયિકાની સામાન્ય કથા નથી આ. નાયકનાં લગ્ન સામાજિક રૂઢિરિવાજ પ્રમાણે પ્રથમ નાયિકા સાથે રચાય છે. સમજ અને પ્રેમથી નિભાવે છે. નાયક અને પ્રથમ નાયિકાની પસંદ-નાપસંદ અલગ-અલગ હોવા છતાં સુખી સંસાર છે. વિધિનાં લેખ અનુસાર પ્રથમ નાયિકાની આ દુનિયામાંથી વિદાય થાય છે. નાયકનાં જીવનમાં ફરી પ્રેમ સંસ્કાર પરોવાય છે. બીજી નાયિકા સાથેનાં સંબંધમાં જાણે જન્મોના પ્રેમ-બંધનની અનુભૂતિ થાય છે. ક્યારેય જુદા ન થવાના કોલ અપાય છે. પ્રેમ પરવાન ચઢે છે.
વિધિનાં લેખની વિચિત્રતા છે કે નાયિકાનાં જીવનમાં કુટુંબથી – સામાજિક રીતે નવા પાત્રનો પ્રવેશ થાય છે, જે સમાજ-કુંટુંબનમાં અમાન્ય છે. નાયિકા તો પ્રેમસાગરમાં ડૂબેલી છે. નાયક સાથે એક જ પ્રેમઓરામાં શ્વાસ લે છે.
એક એવી પ્રેમકથા જે જન્મોનાં પ્રેમ સંસ્કાર સાથે આ દુનિયામાં જીવ જન્મ લે છે – સામાજિક અને કુટુંબનાં સંબંધના ગણિતના આટાપાટામાં સંકળાય છે. કેવી રીતે નિભાવે છે. સાથે સાથે કુદરત-પ્રકૃતિ સાથેનો પ્રેમ કેવો સંકળાયેલો છે... પ્રેમીજનો પ્રેમ કેવી રીતે નિભાવે છે એ સંબંધોને વાચા આપતી નવલકથા પ્રેમાગ્નિ. ‘બંધન ઋણાનુબંધનાં’
***
પ્રેમાગ્નિ
• પાત્રવરણી •
નાયક: મોક્ષ
નાયિકા : મનસા
સહનાયિકા : શિખા
શિખાની બેન : સુરેખા
શિખાના બનેવી : શેખર
મનસાની માતા : વિનોદાબા
મનસાના પિતા : ગોવિંદરામ
મનસાના કાકા : મોહનદાસ
મનસાની કાકી : શાંતાકાકી
મનસાની વાડી સંભાળનાર : કેશુબાપા
મોક્ષની કૉલેજમાં પ્રોફેસર : મિસ પંડ્યા
: મિસ અનુરાધા
: મિસ અરુંધતી
: મિ. ગુપ્તા
: મિ. શર્મા
મનસાની સહેલી : હેતલ
મોક્ષની કૉલેજમાં કેન્ટીન સંભાળનાર : નરસિંહકાકા
મોક્ષનો મિત્ર (પ્રેસમાલિક) : અવિનાશ
સુલેખાના દીકરા-દીકરી : અમર-લિપિ
મનસાના મામા : હસમુખમામા
(હસુમામા)
મનસાના મામી : હિનામામી
શેખરના ડૉક્ટર મિત્ર : ડૉ. સુમન
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર : ડૉ. ભાટી
મનસાનાં કૉલેજનાં સહાધ્યાયી : વત્સલ, આલોક, નિલિમા
મોક્ષના પાડોશી : પ્રેમિલાબેન
મોક્ષની કૉલેજનાં પ્રિસિપાલ : સુકુમાર સર
મોક્ષની કૉલેજનો પ્યુન : સુરેશ
મોક્ષનાં ગુરુ : મુક્તાનંદજી
મોક્ષને ત્યાં રસોઇ કરનાર બહેન : યશોદાબેન
મનસાના ભાવિ સસરા-સાસુ : મનસુખભાઈ-માલતીબેન
મનસાનો ફીઆન્સ : વ્યોમ
હેતલનો ફીઆન્સ : વિકાસ
***
પ્રકરણ – 1
મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલમાં આવેલી સાયન્સ ફેકલ્ટીની કૉલેજમાં પિરિયડ બદલાયાનો ઘંટ વાગ્યો. પ્રો. મોક્ષ ક્લાસમાં આવ્યા. બધાં જ વિદ્યાર્થીઓ તરફ નજર ફેરવીને ‘ગુડ મોર્નિંગ બોયઝ એન્ડ ગર્લ્સ’ કહીને સ્મિત આપ્યું. નવું સત્ર ચાલુ થયું એને હજી ચાર-પાંચ દિવસ જ થયા છે. વિદ્યાર્થીઓનું એડમિશન પૂરું થયું છે. આ કૉલેજનાં છેલ્લા વર્ષનો ક્લાસ છે. લગભગ બધા વિદ્યાર્થી જૂના જ છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીકઠીક હાજર છે. પ્રો. મોક્ષની નજર નવી વિદ્યાર્થીની પર પડી અને સ્થિર થઇ. એમણે નોંધ લીધી કે આ નવી જ સ્ટુડન્ટ છે. પ્રો.મોક્ષ – પ્લાન્ટ ફિઝિયોલોજી અને જિનેટિક્સ બન્ને વિષય ભણાવવામાં માહિર છે. છેલ્લા વર્ષમાં આવતા અભ્યાસક્રમમાં વિષય હવે ખૂબ જ વિસ્તારિત રીતે ભણાવી રહ્યા છે. પ્રો. મોક્ષે વિદ્યાર્થીઓને જાણ કરી કે કૉલેજ લાઇબ્રેરીનં રિનોવેશનનું કામ પૂરું થયું છે અને લાઇબ્રેરી રેગ્યુલર ચાલુ થઈ ગઇ છે તો પોતાનાં વિષય અંગે પુસ્તકો રીફર કરવા જઇ શકે છે. લેક્ચર પૂરા થવાના સમયે બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમની બહાર જઇ રહ્યા છે. પ્રો.મોક્ષે નવી વિદ્યાર્થિનીને જોઇ, એને બોલાવી પૂછ્યું કે તમે છેક છેલ્લા વર્ષમાં એડમિશન લીધું ?શું કારણ ?
“મારું નામ મનસા છે, હું અહીં સુરતથી નજીકનાં એક ગામ બાલવથી આવું છું. હું પેહલાં વડોદરાની કૉલેજમાં હતી. કુટુંબના કોઇ કારણથી મારે કૉલેજ બદલવી પડી છે. સર, મારાથી આપના અમુક લેક્ચર્સ એટેન્ડ નથી થઈ શક્યા. એડમિશન લેવામાં મોડું થયું છે. મારી બાજુમાં જ હેતલ બેસે છે. હું એની પાસેથી નોટ્સ લઇ લઇશ. પ્રો. મોક્ષ કંઇ સમજાવે તે પહેલાં જ એ એકીશ્વાસે બોલી ગઇ. પ્રો.મોક્ષે કહ્યું, “હજુ કંઇ ખાસ ગયું નથી, તમે અભ્યાસ કવર કરી શકશો. છતાં પણ કંઇ તકલીફ પડે તો સ્ટાફરૂમમાં મારો સંપર્ક કરી શકો છો.”
પ્રો. મોક્ષ કૉલેજ કેન્ટીનમાં ગયા. કેન્ટીન ચલાવનાર નરસિંહકાકાને સરસ ચા પીવરાવવા જણાવ્યું. “અરે સર, બેસોને હમણાં જ ચા બનાવું.” પ્રો.મોક્ષનો રોજનો નિયમ છે. લેક્ચર્સ પતાવીને કેન્ટીનમાં આવી નરસિંહકાકાની ચા પીવાનો જ. ચા પીને સ્ટાફરૂમમાં આવીને કંઇ કામ હોય તે આટોપીને ઘરે પાછા જવાનું. પ્રો.મોક્ષ આજે પણ ચા પીને સ્ટાફરૂમમાં પોતાના ટેબલ પર આવ્યા. ખુરશીમાં બેસીને આજનું કામ જોવા લાગ્યા. બાજુમાં જ મિસ પંડ્યા બેસે છે જે સિનિયર પ્રોફેસર છે. તેઓ આવ્યા અને મોક્ષને કહ્યું “કેમ મોક્ષભાઈ, શું વિચારોમાં છો ? ઘરે નથી જવાનું ?” મોક્ષને ઘર શબ્દ યાદ આવતા જ મુખ પર વેદનાની લકીરો આવી ગઇ અને તેઓ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડ્યા.
“તમને છાપું વાંચતાં કેટલી વાર ? છાપામાં શું લખ્યું છે ? સવારે ઊઠીને એમાં મોં ખોસી દો છો ? કેટલો સમય થયો ? જુઓ જરા. તમારી ચા બીજી વાર ઠંડી થઈ ગઈ ! એમાં વાંચવા જેવું હોય છે જ શું ? આજે કોઈ જગ્યાએ ચોરી, લૂંટ, બળાત્કાર, એક નેતાએ બીજાને આમ કીધુ, કોણે પાટલી બદલી, મોંઘવારી, કૌભાંડો આ બધા સિવાય બીજું હોય છે શું ?” શિખા ઉવાચ. મોક્ષની પત્ની શિખા. મોક્ષે જવાબ આપ્યો, “અરે ભાઈ છાપામાં તું કહે છે એ તો હોય જ છે પરંતુ સાથે સાથે સરકારી પોલિસી-નિયમો-ઈકોનોમીનાં સમાચાર – ફિલ્મી ગોસીપ, નવા નવા ઈન્વેશન – પરદેશના સમાચાર ઘણુંબધું વાંચવાનું હોય છે. મહિલાઓ માટેની પણ ખાસ પૂર્તિઓ આવે છે. આજના સમયમાં દુનિયાની નવી નવી ખબરોથી અપડેટ રહેવું પણ જરૂરી જ છે.”“પરંતુ હું તમને કહું છું એમાં એટલો બધો સમય લેશો તો ક્યારે સ્નાન કરશો ? ક્યારે પાઠ-પૂજા પરવારશો ? એક તો તમને બધામાં સ્ત્રીઓ કરતાં પણ વધારે વાર લાગે છે. આજે તમારે રજા છે તો મારી મોટી બહેનનાં ઘરે જઇએ. તમે મને કાલે જ કહ્યું હતું કે આજે મને ત્યાં લઇ જશો.” શિખાને જરા ઊંચા અવાજે કહ્યું.
મોક્ષે કહ્યું, “મને પાકું યાદ છે જ. દરેક રવિવારની જેમ આજે પણ આપણે સુલેખાબેનને ઘરે જવાનું છે, જઇશું, ઓકે ?” પ્રો. મોક્ષ અને શિખા એક સામાન્ય સુખી દંપતી છે. મોક્ષ સુરતની કૉલેજમાં પ્રોફેસર છે. પરા વિસ્તારની સોસાયટીમાં એક નાના પણ સુંદર ટેનામેન્ટમાં રહે છે. નાનકડો બગીચો છે, કાર પાર્કિંગની પણ જગ્યા છે. શિખા સાથે મોક્ષનાં લગ્નને લગભગ ચાર વરસ પૂરા થઇ ગયા છે પરંતુ એમનાં ઘરે પારણું નથી બંધાયું. શિખાને બે વખત કસુવાવડ થઈ ગઈ. નિષ્ણાત ડૉક્ટરને બતાવેલું છે છતાં સંતાનસુખ નથી મળ્યું. શિખાને સંતાન જોઇએ છે. દવાઓના ખૂબ ખર્ચ અને દોરા-દાણા-મંત્ર-તંત્ર બાધા-આખડી બધું જ કરી ચૂક્યા પરંતુ પરિણામ શૂન્ય. મોક્ષે શિખાને સમજાવ્યું કે ઈશ્વર આપણને એ સુખ આપવા જ નથી માંગતો શું કરીશું ? પરંતુ શિખાને સંતાનની તીવ્ર ભૂખ છે. બીજું, શિક્ષા ભૌતિકવાદી છે. ભૌતિક સુખ ભોગવવાની જિજીવિષા ખૂબ જ છે. શિખાની મોટી બહેન સુલેખા જે આ શહેરમાં જ રહે છે, એનો પણ સમૃદ્ધ વિસ્તારમાં બંગલો છે. એનાં પતિ શેખરને પોતાનો બિઝનેસ છે અને એમાં ખૂબ જ સફળ છે. સુલેખાને બે સંતાન છે, અમર અને લિપિ. સુલેખા ત્રીજી વાર મા બનવાની છે પરંતુ સુલેખાની ઇચ્છા નથી. શિખાએ સુલેખાને કહ્યું, “ભગવાને તને ત્રીજી વાર આ સુખ આપ્યું છે. તારે બે સંતાન છે જ, ત્રીજું તારે અને શેખરને નથી જોઇતું તો એ બાળક મને આપ. મારા ખોળાને સુખ આપ. હું તારી ઋણી રહીશ. તારા બાળકના કિલ્લોલથી મારા ઘરમાં સ્વર્ગ રચાશે”, કહેતા એની આંખમાં આંસુ આવી ગયા હતા. સુલેખાએ શેખરસાથે વાત કર્યા બાદ સંમતિ આપતા કહ્યું, “મારી બેન, મારા સંતાનથી તને સુખ મળતું હોય તો હું અને શેખર બંને સંમત છીએ.” પછી શિખાએ મોક્ષને વાત કરી અને મોક્ષે પણ સંમતિ આપી હતી. મોક્ષે વિચાર્યું, એનાથી શિખા સુખ અને આનંદ અનુભવતી હોય તો મને વાંધો નથી. જ્યારથી આ નિર્ણય લેવાયો, શિખા આનંદમાં વિહરવા લાગી છે. જ્યારે જ્યારે મોક્ષને રજા હોય છે એ સુલેખાનાં ઘરે આવી જાય છે. સુલેખાને બાળક થવામાં હજી ચાર મહિનાની વાર છે, સુલેખાનો બાળક પોતાનાં ઘરમાં આવશે એ વિચારથી શિક્ષા સાતમા આસમાનમાં વિહરવા લાગી હતી. બાળક ઘરમાં આવશે પછી શું કરશે ? એની કલ્પનાઓમાં જ ડૂબેલી રહેવા લાગી. મોક્ષ સાથે બજારમાં જઇને બાળક માટેની વસ્તુઓ – રમકડાં, પારણું, નાના નાના ગાદી તકિયા – સુંવાળા કપડાં – રમવા માટે ઘૂઘરા – બાળકને નવરાવવાનાં સ્પેશિયલ સાબુ-શેમ્પુ કેટલી બધી વસ્તુઓ લઇ આવી હતી.
શિખાએ પોતાનાં ઘરમાં બાળક માટે અલાયદો રૂમ સજાવવાનો શરૂ કર્યો હતો. મોક્ષ પણ શિખાને આ બધું કરતી અને કલ્પનાઓથી સુખમાં સરી જતી જોતો ત્યારે એ પણ સુખ અનુભવતો. એને વિચાર આવતો, ઈશ્વર સુખનો એક દરવાજો બંધ કરે છે તો બીજા ઘણાં ખોલી આપે છે.
***