Ver virasat - 41 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | વેર વિરાસત - 41

Featured Books
Categories
Share

વેર વિરાસત - 41

વેર વિરાસત

ભાગ - 41

આરતીએ ઊંડો શ્વાસ ભર્યો. ખાલી થઇ ગઈ હતી એ, છતાં કશુંક શાંતિ આપી રહ્યું હતું, જિંદગીના એ ગોપિત પાનાં રિયા સામે મુક્યા પછી થોડી હળવાશ અનુભવી રહી હતી. જીંદગીમાં પહેલીવાર કોઈક સામે દિલ હલકું કરવા કોઈ મળ્યું હતું , બાકી આરુષિના જવા પછી તો મનની વાત મનમાં જ રાખવાની આદત કેળવાય ચૂકી હતી.

ગોરંભાયેલું આકાશ મનભરીને વરસી જાય ને ખાલી થઇ જાય એવી જ સ્થિતિ મનની હતી. આટલી હળવાશ તો ક્યારેય અનુભવી નહોતી : હવે ક્યાં કશું કહેવાનું બાકી રહ્યું હતું.

'મમને આ બધી વાત ખબર છે ?'

અચાનક રિયાના પ્રશ્ને મૌન તૂટ્યું.

જવાબમાં આરતી ચૂપ જ રહી. વિચારમાં ગરક હતી એ. પાછળ છૂટી ગયેલી જિંદગીના પાનાં કે પછી હવે પછી સર્જાઈ શકે એ પરિસ્થિતિને કેમ સંભાળવી તે વિશે, રિયા પામી ન શકી.

'માધવીને કોઈ વાતની જાણ હોય એવું મને ક્યારેય લાગ્યું નથી. આરુષીએ જ કોઈ વાત ન કરી હોય તો એની પાછળ કોઈ સજ્જડ કારણ હશે ને ! તો મારે શું કામ આ બધી વાતો ઉખેળવી ?'

નાનીનો જવાબ સાંભળીને રિયા નિરુત્તર થઇ ગઈ. એ વાત પણ સાચી હતી.

'પણ નાની, મને તો આ સાધના શીખવશો ને ? હું ચાહું છું કે તમારી સાધનાનો વારસો મને મળે...'

રિયાના બોલવા સાથે જ આરતી ઉછળી.

'નાદાન છોકરી, તને આ આખી વાત કાહી તો પણ ન સમજાયું કે આ બધી સાધના કેવો ભોગ માંગી લે છે ?'

આરતીની નજર રિયાના ચહેરા પર સ્થિર હતી. એને વિચાર્યું હતું કે રિયા પોતાની આ સમજાવટ પછી આ અગોચર દુનિયાના વ્યવહાર સમજશે પણ આ તો તદ્દન ઉલટી વાત કરી રહી હતી.

'તને તો શું હું મારા દાના દુશ્મનને પણ ન શીખવું... '

'કેમ ? શા માટે ? રિયા હજી એના ઈરાદા પર મક્કમ હોય એમ લાગી રહ્યું હતું.

'કેમ એટલે શું ? અરે, લૌકિક દુનિયાની જેમ આ દુનિયાના પણ નિયમો હોય છે. બ્રહ્માંડ કોઈને કશું એમ જ નથી આપતું... જે મળે છે તે માણસના પૂર્વસંચિત કર્મોથી મળે છે.. નહીતર એક જ સમયે, એક સ્થળે ને એક જ માની કુખે જન્મનાર બે સંતાનના નસીબ આમ ઉત્તરદક્ષિણ કઈ રીતે સંભવી શકે ? '

આરતી બોલી રહી સ્વાભાવિકરીતે પણ એના અવાજમાં હળવી માત્રા વસવસાની હતી કે નિશ્વાસની એ રિયાને ન સમજાયું.

'પણ સરોજે તો તમને શીખવી ને એ સાધના ?? તો તમે મને કેમ....'

રિયાને દલીલ તો મનમાં આવી તે બધી કરવી હતી પણ આરતીની આંખોમાં રહેલા ઠંડા ઠપકા સામે એને હથિયાર નાખી દેવા પડ્યા.

' આ વિષે એક પણ દલીલ નહીં રિયા, અને યાદ રહે આ વાત મેં તને ક્યારેય કરી જ નથી. અતીતના આવરણ ખોલવાથી વસવસા સિવાય કશું હાથ લાગે પણ નહીં, અને માધવી સામે તો આ વિષે કોઈ વાત નહીં, સમજી ?'

'પણ નાની...મને શીખવું છે ને નહીં શીખવો તો હું તમારી સાથે નહી બોલું.. જાવ....' રિયાએ વર્ષો જૂની કૃત્રિમ રોષ કરવાની બાલીશ ટેકટિક અજમાવી. પોતે બાળક હતી ને આવી જીદ કરતી ત્યારે નાની કેવી મનાવી લેતા હતા !!

પણ રિયા ક્યાં જાણતી હતી કે આ જીદ કોઈ ફિલ્મ જોવા જવા કે મનગમતી ચીજ ખરીદવાની નહોતી કે નાની એને મનાવી લે !!

'રિયા, દરેક વાતને એક હદ હોય છે. હઠને પણ... હવે રહી રહીને મને લાગે છે કે મેં આ વાત શું કરી જાણે અક્ષમ્ય અપરાધ કરી નાખ્યો . તે મને પ્રોમિસ કર્યું હતું ને, યાદ છે કે નહીં ?

'હા, એ તો સાચું પણ...' રિયા આગળ વધુ બોલી ન શકી, એનો ચહેરો ઉતરી ગયો ને નીચું જોવા લાગી.

રિયાને ખાતરી હતી કે પોતાનો પડી ગયેલો ચહેરો નાની વધુ સમય નહીં જોઈ શકે અને મનાવતાં આવશે. પણ, એવું કશું ન બન્યું, નાની તો ઉઠીને કશું જ ન બન્યું હોય તેમ પોતાના રૂમમાં જતા રહ્યા હતા.

પહેલીવાર એવું બન્યું કે એક અદ્રશ્ય દીવાલ ઉભી થઇ ગઈ હોય. બે દિવસ વીતી ગયા પણ નાનીના વર્તનમાં કોઈ ફરક ન પડ્યો. એ તો જાણે કોઈ કોચલામાં ઘૂસી ગયા હોય તેમ વાત કરવાનું જ ટાળતાં રહ્યા.

આખરે રિયાએ જ નમતું જોખવું પડ્યું.

' સોરી નાની, તમને મેં હર્ટ કર્યા પણ મને હતું કે તમારી વિદ્યાનો હું વારસો જાળવી શકું તો કેવું ? પણ તમે તો ખોટું માની બેઠા.'

સવારના પહોરમાં ડાઈનીંગ ટેબલ પર રિયાએ ચર્ચા છેડી એટલે આરામથી ચાની ચૂસકી લઇ રહેલા નાની ટટ્ટાર થઇ ગયા. એક જ ક્ષણમાં તેમની નજર ચારેકોર ફરી વળી. ક્યાંક આવજાવ કરતી શકુ સાંભળતી હોય તો ?

ચા પૂરી કર્યા વિના જ એમને કપ મૂકી દીધો અને ઉભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા.

રિયા એમની પાછળ પાછળ દોરવતી રહી.

'તું બેસ, મારે તને એક વાત કહેવી છે.... ' નાનીના ચહેરા પરની ગંભીરતા દૂર થવાનું નામ જ નહોતી લેતી.

એમને પોતાના કબાટમાંથી એક નાની સરખી પેટી કાઢી, રિયા બેઠી હતી ત્યાં મૂકી . નાજુક સુંદર કોતરણીકામ કરેલી લાકડાની પેટી બંધ હતી. પેટી ભલે કબાટમાં સચવાયેલી હતી પણ એની ચાવી ક્યાંક બીજે હતી.

પૂજાસ્થાનમાં રહેલા મંદિરના ચોરખાનામાં પ્લાસ્ટીકમાં વીંટાળેલી એક ઈંચની ચાવી આરતીએ પેટી ખોલી. લાલ રંગના રેશમી કપડામાં હતી થોડી તસ્વીરો, સુકી ફૂલપાંખડીઓ. લાગતું હતું કે જીવ કરતા વધુ જતનથી આ અસબાબ જાળવ્યો હતો નાનીએ.

બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરો હતી આરુષિ અને વિશ્વજિતની... કોઈક અમૂલ્ય ખજાનો હોય તેમ સંતોષથી આરતી જોતી રહી અને એક પછી એક રિયાને બતાવતી રહી.

એક તસ્વીર હતી નવજાત બાળકની, જન્મને માંડ થોડાં કલાક થયા હોય તેવી... હોસ્પિટલના કપડામાં વીંટેલું બંડલ જાણે....

'આ કોણ નાની ? ' રિયાએ આશ્ચર્યથી પૂછ્યું.

'અરે... આને ન ઓળખી ? ' આરતી હસી પડી. : અરે આ તો મધુ છે. તારી મમ્મી...

રિયાએ ફરીથી ધ્યાનથી જોયું, આ ફોટો તો કદાચ મમ પાસે પણ નહોતો...

'આ જો, ઓળખે છે ?' નાનીએ એક સેપિયા તસ્વીર ઉઠાવીને રિયાની સામે ધરી.

બે અલ્લડ કિશોરીઓ સ્કૂલ યુનિફોર્મમાં, બરફગોળાં ખાતી ઉભી હતી. બંનેના ચહેરા પર છવાયેલો આનંદ અવર્ણીય હતો.

'આ તો તમે ને આરુષિ નાની...' રિયા સહજ રીતે બોલી પડી.

રિયાને તો ન ખ્યાલ આવ્યો પણ પોતે નાની ને આરુષિ નાની એ સંબોધન આરતીને સ્પર્શી ગયું હતું.

'હા, અમે સ્કુલમાં હતા ત્યારે....' આરતીના ચહેરા પર એક એવું સ્મિત રમી રહ્યું હતું જે કદાચ કોઈએ ક્યારેય જોયું નહોતું.

'ને આ ? ' રિયા બીજો એક ફોટોગ્રાફ ઉઠાવીને જોવા લાગી.

' આ થ્રી પીસ સૂટમાં હેન્ડસમ પુરુષ હસી રહ્યો હતો. તે જમાનાના મોસ્ટ ફેશનેબલ કહી શકાય એવા પરિધાનમાં, બ્રાઉન સ્પોર્ટ્સ કોટ ને ચહેરા પર ક્લબ માસ્ટર સનગ્લાસીસ, હવામાં લહેરાઈ રહેલા થોડાં વધી ગયેલા વાળ અને હસતી વખતે દેખાતાં સફેદ દૂધ જેવા દાંત..

'કોણ છે આ, નાની ? '

' કેમ નહીં ઓળખી શકી ? ' નાનીની નજર એ ફોટોગ્રાફની નીચેથી ડોકાઈ રહેલી બીજી તસ્વીર પર હતી જેમાં કોઈ બે મિત્રો એકમેકના ખભે હાથ મૂકીને દોસ્તી દર્શાવી રહ્યા હતા.

'ના, નથી ખબર. કહી દો હવે...'

'અરે, આ તારા નાના છે, વિશ્વજિત, થોડો સમય વિદેશ ભણવા ગયા હતા ત્યારની તસ્વીર છે. '

'આ નાનાજી છે ? શું વાત કરો છો ?' રિયાએ તસ્વીરને હાથમાં લઇ ધ્યાનથી નિહાળવા માંડી. લિવિંગરૂમની એક વોલ પર એક ફ્રેમ પિક્ચર કોલાજની હતી અને એમાં રોજ જોતી રહી હતી નાના વિશ્વજિત ને નાની આરૂષિને, પણ ક્યાં આ હસમુખો યુવાન ને ક્યાં પેલી સખ્ત કરડાકીભર્યા ચહેરાવાળા નાનાજી...

રિયાએ નાની સામે જોયું : ખરેખર આ નાનાજી છે ? પણ,આરતીની નજર તો બીજી તસ્વીર પર જડાયેલી હતી.

'એ કોણ છે નાનાજીની સાથે ?' આરતીના ચહેરાના ફરી ગયેલા હાવભાવ રિયાને પ્રશ્ન પૂછવા પર મજબૂર કરી ગયા.

આરતી ઘડીભર તો ચૂપ રહી. મનમાં ચાલતી અસમંજસ વધુ તીવ્ર બની રહી.

આરતીને એક ક્ષણે થયું કે કહી દે વિશ્વજિતનો કોઈ ફ્રેન્ડ....પણ, આરતીએ વિચાર ફેરવવો પડ્યો : ના. રિયાએ આ વાત તો જાણવી જ રહી, નહીતર એના મસ્તક પર ચઢેલું સાધના શીખવાનું ભૂત ઉતારવાનું નહોતું.

'રિયા, આ બતાવવા જ મેં મારો યાદોંનો પટારો ખોલ્યો છે. આ એક માત્ર એવી વાત છે જે આરુષિ પણ નહોતી જાણતી ....આ છે સત્યેન ભટ્ટાચાર્ય... વિશ્વજિતનો જીગરી કહી શકાય એવો દોસ્ત.... ને એને એ દોસ્તી હમેશા જાળવી....

'અરે આ પેલા ભટ્ટાચાર્ય અંકલ ? જેમની દિવાળી પાર્ટીમાં નાના હતા ત્યારે જતા હતા, એ?

'હા, એ જ.... પણ મારે આજે તને બીજી વાત કહેવી છે રિયા...' આરતીએ ગળું ખોંખાર્યું.

'વિશ્વજિત, સત્યેન જીગરી દોસ્ત હતા ને વિશ્વજિત અને આરુષિનું પ્રેમ પ્રકરણ તો કોઇથી અજાણ નહોતું રહ્યું પણ સત્યેન અને હું એકમેકને વાયદા કરી બેઠા હતા એ તો કોઈને ખબર જ નહોતી, આરુષી કે વિશ્વજિતને પણ નહીં... પણ થયું શું ? એક પ્રેમકહાણી સુખદ જીવણી થઇ ને બીજી ? સત્યેન ભણવા મુંબઈ ગયો... કેટલાય પત્રો લખ્યા હતા એકેયનો જવાબ સુધ્ધા નહોતો આપ્યો... પછી તો જે થયું એ તો મેં કહ્યું ને.. પછી તો દુનિયા જ બદલાઈ ગઈ, એ ક્યાં હતો કેમ હતો ક્યારેય કોઈ સમાચાર નહોતા મળ્યા ને એકવાર યોગાનુયોગ એને મળવાનું થયું, જયારે વિશ્વજિત ને આરુષિ પ્લેન ક્રેશમાં ગુજરી ગયા. ત્યારે તું ને રોમા વર્ષના પણ નહીં હો.... માધવીની જિંદગી બદલાઈ ગઈ એ પછી ને મારી પણ....

આરતી અચાનક ચૂપ થઇ ગઈ. એના અવાજમાં હળવી ભીનાશ તો જરૂર હતી.

'એક સાંજે હું ને માધવી સોલીસીટરની ઓફિસમાં ગયા ત્યારે એને જોયો. એમ કહે ને કે લગભગ બે અઢી દાયકાના અંતરાલ પછી. '

'પછી ?? એમને તમને ઓળખી કાઢ્યા ? ' રિયાના સ્વરમાં કુતુહલ કરતાં ખુશી વધુ છલકાતી હતી.

'હા, એ તો ઓળખે જ ને પણ ત્યારે મને ખબર પડી કે સરોજે ગામમાં કરેલી મારા મૃત્યુની વાત એને સાચી માની લીધી હતી. ' આરતીએ ઊંડો શ્વાસ ભર્યો જાણે પોતાની જાતને મનાવતી હોય તેમ હળવેકથી બોલી : માની જ લે ને !! એના લખેલાં પત્રો મને મળ્યા જ નહોતા, એનો નિકાલ તો રંજન મામીએ બરોબર જ કરી નાખ્યો હતો. ને એ વાતની જાણ પચ્ચીસ વર્ષે મળી ત્યારે મને થઇ. '

ઉદાસીનું એક જબરદસ્ત મોજું થપાટ મારી ગયું હોય એવી શાંતિ પથરાઈ રહી.

' પણ નાની, મને એ ન સમજાયું કે તમે આશ્રમમાંથી સત્યેન અંકલને પત્ર ન લખ્યા ?'

'મન તો થયું હતું ઘણું, પણ જાતને સમજાવવી પડી... એક તરફ સંન્યસ્ત જીવન પોકારી રહ્યું હતું, બીજી તરફ દિલ... એક તરફ આરુષિની ખુશીની વાત હતી. સત્યેન સાથે સંપર્ક કરવો કે ન કરવો એની મથામણમાં ઘણો સમય નીકળી ગયો. આખરે દિલ પોતાનું ધાર્યું કરીને જ રહ્યું, પત્ર તો લખ્યો હતો પણ વળતી ટપાલે પાછો આવ્યો, સત્યેનનું સરનામું બદલાઈ ચુક્યું હતું. '

'ઓહ !! નસીબ...' દિલમાં ઉઠેલો ચિત્કાર સરી પડ્યો હતો રિયાની જબાન પરથી.

'ના રિયા.... હું તને આ જ સમજાવવા માંગતી હતી. એટલે જ દફનાવી દીધેલા આ અતીતને ઉજાગર કરવો પડ્યો. નસીબ માની લો તો એમ પણ વાત એવી નથી....'

'એટલે ? '

'એટલે એ જ જે મેં તને પહેલા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો... સરોજે મને આ સાધના શિખવતાં પૂર્વે પૂરતી જાણકારી આપી હતી. મને કોઈ અંધારામાં રાખી નહોતી. એક હાથ લે, એક હાથ દે... આ જ નિયમ છે પ્રકૃત્તિનો. નિર્મિત થયેલા સંજોગોને માણસ પોતાની રીતે તરાશવા માંગે તો કુદરત એની પાસે ટોલ વસૂલ્યા વિના ન આપે. મેં જે માંગ્યું એ અજ્ઞાત શક્તિએ આપી દીધું પણ એની સામે મારે ચૂકવવાની હતી કિંમત, મારી ખુશીની, મારા સ્વપ્નની, મારી ઈચ્છાઓની કુરબાની આપીને ....'

'નાની... આ શું વાત કરો છો ? આવું કંઈ હોતું હશે ? '

' આવું હોતું હશે નહીં, આમ જ હોય છે રિયા.... તું શું સમજી કે આ સાધના મારૂ ઈજારો છે ? મારી જાગીર ? કે હું વહેંચવા ન ચાહું ? કે પછી આ નાની તારી દુશ્મન છે કે તું જેને માટે આવી હઠ કરે તે છતાં ઇનકાર કરું ?

'જયારે સરોજે મને આ સાધના શીખવી હતી ત્યારે આ તમામ તાકીદ કરી હતી. તને ખબર છે બહુ લોભામણી છે આ વિદ્યાઓ, જિંદગીભર અતૂટ સંપત્તિ, સત્તા, નામ, શોહરત સાથે સાથે એ સાધકને આપે છે દીર્ઘાયુ, ચીર યૌવન....જે માંગો તે તમારા કદમમાં ખડકી દેશે આ વિદ્યાઓ પણ....'

'પણ શું? રિયાએ પહેલીવાર નાનીનો ચહેરો ધ્યાનથી જોયો. એ વાત તો સાચી લાગી રહી હતી. નાનીની ઉંમર સહેજે સિત્તેરની આસપાસ હોવી જોઈએ પણ એમના ચહેરો પચાસીમાં પહોંચેલી માનુની જેવો વધુ લાગતો હતો. સહુ કોઈ નાનીના ચહેરા પર રહેલાં નૂરને એ યોગની કમાલ માનતા હતા, એનું મૂળ કારણ તો કંઇક જુદું જ હતું તે આજે સમજાયું.

'ચીર યૌવન જોઈએ કે બેશુમાર ઐશ્વર્ય, કિંમત એની ખુશીથી ચૂકવવી પડે. પોતાની સહુથી વધુ પ્રિય વ્યક્તિનો વિયોગ, એકલતા, જેની પર માલિકીભાવ ઉત્પન્ન થાય તે જ છોડીને સદાકાળ માટે જતું રહે એમ પણ બને. સાધકની જીંદગીમાં રહી જાય એકલતા, નીરસતા..પણ તે છતાં મને લાગે છે કુદરતે મારી પર કૃપા પણ ખૂબ વરસાવી છે. જિંદગીએ કૂખથી જન્મ ન આપ્યો તો શું થયું પણ ન તો હું માતૃત્વના સુખથી વંચિત રહી શકી ન પરિવારના સુખથી.... માધવી દીકરીરૂપે મળી ને તમે બંને મૂડીના વ્યાજ જેવી.. જો એ ન મળી હોત તો કદાચ જિંદગી જીવવી દુષ્કર તો નહીં પણ લાંબી ખૂબ લાગી હોત એ પણ નક્કી .'

આરતી ઘડીભર અટકી, એ મનોમન કશુંક વિચારી રહી હતી કદાચ :

રિયા, કદાચ તે વાંચી છે એ વાત કે ખબર નહીં પણ કહે છે દ્રોણપુત્ર અશ્વત્થામાને અમરત્વ પ્રાપ્ત છે. પહેલી નજરે વરદાન લાગે એ વાત ખરેખર તો કેટલો મોટો શ્રાપ છે એ તો એ અશ્વાત્થમા સિવાય કોઈ ન કહી શકે....

નાનીની વાત રિયાને વિચારમાં નાખી ગઈ હતી.

આ સામાન્ય દેખાતી સ્ત્રી કયા તત્વની બની હતી ? કેટલા દુખ જોયા હશે એને, ને તેથી જ એના દુ:ખ દુઆ બની ગયા હશે ?

આરતીએ વિચારમાં પડી ગયેલી રિયાના માથે વ્હાલથી હાથ ફેરવ્યો : શું વિચારમાં પડી ગઈ ?

રિયાએ નાનીનો માથે ફરી રહેલો હાથ ચૂમી લીધો : નાની હું વિચારતી હતી કે સાચે એક વ્યક્તિ કોઈને એટલો પ્રેમ કરી શકે કે એને માટે આખી જિંદગી ન્યોછાવર કરી દે ? જેમ તમે આરુષી નાની માટે કરી ?

કુદરતના નિયમોને પ્રશ્ન કરી રહેલી રિયાનો પ્રશ્ન ગેરસ્થાને તો નહોતો જ. પણ આપવો જરૂરી પણ ક્યાં હતો?

રિયાની વાત પર આરતી હળવું સ્મિત કરી જવાબ ટાળી દીધો પણ રિયાના મનમાં જામી રહેલો ઝંઝાવાત અમ ક્યાં શમવાનો હતો ?

ભીનાં લાકડામાં આગ હોય તેવો ધૂમાડો દિલ દિમાગને ભરતો ચાલ્યો

ક્રમશ