સુંદરતા વધારવાની ટિપ્સ
મીતલ ઠક્કર
ભાગ-૩
* એક સફરજનને બાકી છોલી નાખી તેનો છૂંદો કરવો. તેમાં એક ચમચી છૂંદેલું કેળું અને એક ચમચી મલાઈ ભેળવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ધોઈ નાખવું. ત્વચા નિખરે છે.
* જો તમારી આંખો જલદી લાલ થઈ જતી હોય તો તમારી આંખોને સાફ કરવાનું લોશન તેમજ રૂ સાથે જ રાખો. લોશનમાં રૂના પુમડાને ભીંજવીને થાકેલી કે લાલ આંખો પર રાખો. તેનાથી આંખોને રાહત થશે.
* સ્ટ્રોબેરીને છુંદી મઠ્ઠા સાથે ભેળવી ચહેરા પર લગાડવાથી થાકેલા ચહેરા પર તાજગી આવે છે.
* જો અકાળે વાળ સફેદ થતાં હોય તો આંબળાને છ કલાક પલાળો, વાટી નાંખો, તેમાં મહેંદીના પાન પણ વાટો, વાળનાં મૂળમાં આ પેસ્ટ પચાવો, અર્ધા કલોક પછી ધૂવો. વાળ ખરતા પણ અટકશે અને સફેદાઈ પણ ગાયબ થઈ જશે.
* ખાંડને લીંબૂના રસ સાથે મિક્ષ કરીને તેને હળવા હાથે ચહેરા પર ઘસવી. આવું નિયમિત કરવાથી ચહેરાની ડેડ સ્કિન દૂર થશે અને ચહેરો સાફ અને ગોરો થઈ જશે.
* પિગમેન્ટેશનથી બચવા માટે બે મોટા ચમચા કાચું દૂધ, એક મોટો ચમચો દહીં, એક નાનો ચમચો મધ, એક ઇંડાની જરદી. એક મોટો ચમચો પપૈયાનો પલ્પ અને એક મોટો ચમચો જવનો લોટ લઇ સઘળી સામગ્રી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું વીસ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ત્યાર બાદ મોઇશ્ચરાઇઝર લગાડવું.
* શુષ્ક ત્વચાવાળી યુવતીઓએ ત્વચામાંનુ મોઇશ્ચરાઇઝનું સંતુલન જાળવી રાખવા દહીં અને બદામ ભેળવેલો પેક લગાડવો.સ્વચ્છ ત્વચા પર બદામની પેસ્ટ અથવા દહીં લગાડવું.
* જો તમે ખરેખર તમારા ચહેરાને ગોરો બનાવવા માગતા હોવ તો બેકિંગ સોડામાં પાણી મિક્ષ કરીને પેસ્ટ જેવું બનાવી લો. આને ચહેરા પર 15 મિનિટ માટે લગાવી રાખવું. આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલા ફેસવોશથી મોઢું ધોઈ લો. આ ઉપાય કરવાથી તમને માત્ર બે જ દિવસમાં તમારા ચહેરાના રંગમાં ફરક નજરે પડશે.
* તૈલીય ત્વચા ધરાવતી મહિલાએ ઇંડુ, લીંબુ અને મધનો પેક બનાવી લગાડવો. અઠવાડિયામાં એક વખત એક ઇંડાની સફેદી સ્વચ્છ ચહેરા પર લગાડવી.લીંબુના રસમાં મધ ભેળવી લગાડવાથી વાન નિખરે છે.
* પગની સુંદરતા વધારવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ગુલાબજળ અને ગ્લિસરીનને સરખા ભાગે ભેળવીને પગ ઉપર હળવે હાથે મસાજ કરો. નિયમિત કરવાથી પગની ત્વચા ઉપર જમા થયેલો મેલ અને મૃતત્વચા દૂર થઈ જાય છે. પગ ખૂબસુરત દેખાય છે.
* પાકેલું કેળું અને તેમાં દૂધ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને બરાબર મિક્ષ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ચહેરો બરાબર ધોઈ લો. આ ઉપાય નિયમિત કરતાં રહો. ખૂબ જ ઝડપથી તમારી ત્વચાનો રંગ ખીલી ઉઠશે.
* નખને પાતળા દર્શાવવા માટે નખની બંને બાજુ થોડી સાઈટ છોડીને નેઈલ પોલિશ લગાવો. આછો રંગ વધુ આકર્ષક લાગે છે. બ્રાઉન, કોપર મિક્સ લાલ રંગનો પણ ઉપયોગ કરી શકો છો. નાના મેકઅપ સ્પંજને નેઈલ પૉલિશમાં ડૂબાવીને નખના નીચેના ભાગમાં લગાવો જેથી અલગ શેડ દેખાશે. નખ આકર્ષક પણ લાગશે.
* શરીર પરની કાળાશને દૂર કરવા માટે ગુલાબજળમાં લિંબુનો રસ મિક્ષ કરીને આખા શરીર પર લગાવવું અને પછી સ્નાન કરવું. આ તમારી ત્વચા માટે બ્લીચનું કામ કરશે. ગુલાબજળ એ દરેક પ્રકારની ત્વચા માટે સમાન રીતે ફાયદાકારક છે. એનાથી તમારી ઢીલી ત્વચામાં કસાવ આવે છે. ગુલાબજળ ત્વચાને સન બર્નથી પણ બચાવે છે. એટલા માટે દિવસ દરમિયાન જ્યારે તડકામાંથી ફરીને પરત આવો ત્યારે ગુલાબજળ મિશ્રિત ઠંડા પાણીથી તમારો ચહેરો જરૂર ધૂઓ.
* નખ પર પહેલાં બેઝ કોટ લગાવો. કોટ સુકાયા પછી નેલ પૉલિશ લગાવો. આમ કરવાથી નખ બટકી નહીં જાય.
* નારિયેળનું પાણી કાળી ત્વચા સૌથી શ્રેષ્ઠ મોશ્ચરાઈઝર છે. જે ત્વચાને રેડિઅન્ટ બનાવે છે. નારિયેળ પાણીને સ્કિન ટોનિક પણ કહેવાય છે. નારિયેળ પાણીનો પ્રયોગ સ્કિન ટેનિંગમાં પણ લાભકારી રહે છે. કાળી ત્વચા માટે તમે નારિયેળ પાણી પી શકો છો, સાથે જ તમારા આખા શરીર પર તેને લગાવી પણ શકો છો. આનાથી તમારી ત્વચામાં ગ્લો આવશે અને સ્કિનની કાળાશ પણ દૂર થશે.
* વાળની સુંદરતા માટે અઠવાડિયામાં એકવાર વાળમાં નવશેકું તેલ નાખો. આ માટે આમળા, કોપરેલ અથવા ઑલિવ ઑઈલથી વાળના મૂળમાં માલિશ કરો. હુંફાળા પાણીમાં ટૉવેલ બોળી વાળ પર લપેટો. આમ ત્રણ વાર કરો. વાળના મૂળને તેલનું પોષણ મળશે. દહીં વાળમાં નાખી વીસ મિનિટ પછી વાળ શેમ્પૂથી ધુઓ. કન્ડિશનર લગાવો. વાળ બરછટ થઈ ગયા હોય તો દહીં સાથે થોડું મધ મિક્સ કરો. બરછટ વાળ હોય તો ક્યારેય વાળમાં મહેંદી ન લગાવવી.
* ચહેરાને ગોરો, સાફ અને નરમ બનાવવા માટે એલોવેરાનું તાજું જેલ કાઢીને તેને ચહેરા અને ગરદન પર રોજ લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. આવું કરવાથી બે જ દિવસમાં તમારા ચહેરાનો રંગ ખીલશે.
* મેકઅપમાં બ્લશ ઑનના ઉપયોગથી ગાલ પર રોનક આવે છે. ત્રણ શૅડ દરેક સ્કિન ટૉન પર સારા લાગે છે. પીચ, પિંક અને બેજ કલર. મોવ અને પિંક મૅકઅપ સાથે બેજ અને બ્રાઉન મેકઅપ સાથે પીચ બ્લશ ઑન લગાવો. બ્લશઑન બ્રશથી બ્લેન્ડ કરી લગાવો.
* હળદરમાં દહીં ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી ત્વચા ચમકીલી બની જાય છે.
* કેરીના થોડા છોતરા લઈને તેને દૂધ સાથે પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને 15 મિનિટ માટે રહેવા દો. આ ઉપાય કરવાથી સન ટેન દૂર થશે અને ચહેરો ઝડપથી ગોરો બનશે. ચણાનો લોટ , ચંદન પાઉડર, ક્પૂર અને હળદર સાદા પાણીમાં, દૂધ કે ગુલાબજળમાં ભેગું કરી જાડી પેસ્ટ બનાવો અને ચહેરા પર સરખી રીતે લગાવો. વીસ મિનિટ માટે રહેવા દો અને પાણીથી ધોઈ નાખો. ત્વચા નીખરી ઉઠશે.
* બે ભ્રમરની વચ્ચનો ગેપ વધુ હોય તો આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરો. ભ્રમર પર તેલ લગાવો. થોડા દિવસ પછી ગ્રોથ થાય એટલે પાર્લરમાં જઈને થ્રેડિંગ કરાવી લો. આઈબ્રો પર ઉપરથી બ્રશ ફેરવો. નાનકડી કાતરથી વાળ ટ્રિમ કરો. આઈબ્રો જૅલ લગાવો. આઈબ્રો હેવી લાગતી હોય તો પાતળી ન કરવી. આમ કરશો તો ચહેરાને સૂટ નહીં કરે. એટલે આઈબ્રો ગ્રો થાય ત્યાં સુધી એટલે કે ૮થી ૧૩ અઠવાડિયા સુધી રાહ જુઓ.
* વેક્સિગં કર્યા બાદ તરત જ ભીના કપડાથી ત્વચાને લૂછી લેવી. ત્વચા ઉપર આવતો સોજો કે લાલાશ અટકાવવામાં ફાયદો થશે.
* કોણી અને અંડરઆર્મ્સની કાળાશ સાફ કરવા માટે ગુલાબ જળ તથા ગ્લિસરીનમાં લીંબુનો રસ ભેળવી લોશન તૈયાર કરો. આ લોશનને પાંચ મિનિટ તડકામાં રા્ખો. પછી કાળા પડી ગયેલા ભાગ પર લગાવવાથી કાળાશ ધીરે ધીરે ગાયબ થઈ જશે.
* સ્નાન માટે ગરમ પાણીમાં થોડા ટીપાં તેલના નાખો, જેનાથી ત્વચા મુલાયમ બની જાય છે. સ્નાન પહેલાં હૂંફાળા તેલથી મસાજ કરો, જે ઠંડીની મોસમમાં ત્વચાની સુંદરતાને જાળવી રાખવામાં મદદ કરે છે.
* ક્યારે પણ બોડી વૅક્સ, બૉડી સ્ક્રબ કે બ્લીચ એક સાથે એક જ દિવસમાં ન કરાવવું. ત્રણેની વચ્ચે એક-બે દિવસનું અંતર રાખવું આવશ્યક છે. અલગ-અલગ કેમિકલની અસરને કારણે શરીરની નાજુક ત્વચાને ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
* મુલતાની માટીમાં ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર નિયમિત લગાવવાથી ચહેરાની રંગત ગજબની નિખરવા લાગશે.
* ચહેરાની સુંદરતા માટે બે ચમચી ટમાટરનો રસ અને અડધી ચમચી મધ મેળવીને ચહેરા ઉપર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. ચહેરો ચમકી જશે.
* રાત્રે કાજૂને દૂધમાં પલાળી દો. સવારે આ કાજૂને પીસી લો અને આ પેસ્ટમાં મુલતાની માટી મિક્ષ કરી લો. આ રીતે પેસ્ટ તૈયાર થઈ જશે. આ પેસ્ટમાં લીંબૂના બે ચાર ટીપાં નાખો. હવે તેને ચહેરા અને હાથ પગ પર લગાવો. અડધા કલાક બાદ પાણીથી ધોઈ લો. તમારી ત્વચામાં ગજબનો નિખાર આવશે.
* દક્ષિણ ભારતમાં મહિલાઓ લાલ ચંદનને નારિયળની મલાઈની સાથે મેળવીને ત્વચા ઉપર લગાવે છે. દક્ષિણ ભારતીય તેને ત્વચા માટે ખૂબ જ લાભદાયક માને છે.
* કોણી અને શરીરના અન્ય ભાગ પરથી કાળાશ દૂર કરવા માટે ગુલાબજળ, ગ્લિસરીન અને લીંબૂનો લોશન તૈયાર કરી આ લોશનને પાંચ મિનિટ સુધી તડકામાં રાખવું. ત્યારબાદ આ લોશનને કાળા પડી ગયેલા ભાગ પર રગડવું. આવું કરવાથી તમારા શરીરના જે તે ભાગની કાળાશ ધીરે ધીરે દૂર થવા લાગશે.
***