Payalno zankaar in Gujarati Short Stories by Tarulata Mehta books and stories PDF | પાયલનો ઝણકાર

Featured Books
Categories
Share

પાયલનો ઝણકાર

પાયલનો ઝણકાર

અંજલિ તેની સાત વર્ષની દીકરીને લઈ 'ઝણકાર' સ્ટુડીઓમાં પ્રવેશી. કથક ક્લાસિકલ ડાન્સ માટે એની મુખ્ય ડાન્સર અને માલિક પાયલ ભારતભરમાં જાણીતી હતી. વળી અહીં મિશ્ર નૃત્ય, ફયુઝન અને બોલીવુડની તાલીમ પણ મળતી હતી. અંજલિ તો વહીલચેરમાં આમતેમ ધૂમીને પાંચ છોકરીઓના ગ્રુપને ડાન્સ શીખવાડતી ટીચરને જોઈ અચકાઈ ગઈ 'આ અપંગ ટીચર શું ડાન્સ શીખવતી હશે?'એણે દીકરી નેહાનો હાથ સહેજ ખેંચી પાછા જવાનો ઈશારો કર્યો. નેહાએ 'નો નો' કર્યું, એણે ડાન્સ કરતી એની બહેનપણીને હાથ હલાવ્યો.

'નો નોઇઝ પ્લીઝ, ' ટીચરનો મક્કમ અવાજ સાંભળી અંજલિને અપમાન જેવું લાગ્યું.

ટીચરની એકેએક મુદ્રાને ડાન્સ કરતી છોકરીઓ ધ્યાનથી જોઈ શીખતી હતી. ગ્રુપમાં આગળ એક સહેજ મોટી ડાન્સર ટીચરના ભાવો પ્રમાણે આંખની ભ્રમરો, હાથની આંગળીઓ અને પગના ઘુંઘરુનો તાલ આપતી હતી. નેહા મંત્રમુગ્ધ થઈ જોતી જ રહી જાણે તા ધીંન ધીન્ના, તા ધિન ધીંન આધીન ના તાલમાં ડાન્સ કરતી ખુરશીના જાદુમાં તેની આંગળીઓ અને પગ પણ ડાન્સ કરતા હતા.

અંજલિ રૂમની બહાર વેઈટીંગ હોલમાં જતી રહી પણ ડાન્સ જોવામાં લીન નેહા તો ખસી જ નહિ.

વેઈટીંગ હોલની દિવાલો પરના પોસ્ટર જોતી અંજલિ છક થઈ ગઈ.

'ઝણકાર' સ્ટુડિયોને પાંચ સ્ટાર મળેલા હતા. સુરતના નાનપુરા જેવા પ્રાઈમ લોકેશન પરનો આ સ્ટુડિયો એની નૃત્યાંગનાની કારકિર્દીને ચમકાવવા માટે જાણીતો હતો. આ સ્ટુડિયોની ડાન્સર 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ ' જેવી હરિફાઈઓમાં પ્રથમ નમ્બર લાવતી.

ફિલ્મ ક્ષેત્રે સફળ થતી, દેશ -પરદેશ પોતાના કાર્યક્રમો આપતી. ખૂણામાં એક કાચનું કબાટ હતું. ડાન્સના સુંદર ફોટાવાળા મોટા પુસ્તકો હતાં તેમાં પાયલના ફોટાવાળું પુસ્તક તેણે લીધું. શરૂઆતમાં પહેલે પાને નૂપુરના ફોટા નીચે અર્પણમાં લખ્યું હતું:

'પાયલનો પ્રથમ પ્રેમ,પ્રેરણા અને ચાલક બળ નૂપુરનો ઝણકાર, નૃત્ય જ શ્વાસ અને પ્રાણ '

અંજલિને નવાઈ લાગી પોતાના ગુરુ દાસ કે માતા-પિતા કોઈનું નામ નહિ. પાયલના નામની પાછળ માત્ર ઝણકાર --પિતા કે પતિની અટક નહિ. બીજા પાના પર આછા ઉજાસવાળા એકાંત ઓરડામાં એક અપંગ યુવતી અરીસાની સામે ડાન્સ કરતી હતી. ત્યાં

નેહા દોડતી આવી કહે : 'મમ્મી ટીચરનો બીજો ક્લાસ શરૂ થશે. તું જલ્દી મળી લે. ' તે હાથમાં પુસ્તક લઈ રૂમમાં ગઈ,એટલે ટીચરે કહ્યું : 'પુસ્તક મૂકીને આવો. " અંજલિ છોભીલી પડી ગઈ. એને એમ હતું કે ટીચર ખુશ થશે. એણે નેહાને મોકલી ત્યાં

'બહેન તમે જ્યાંથી લીધું ત્યાં ગોઠવીને આવો. ' સંભળાયું, અંજલિને જરા ય ગમ્યું નહિ

'સમયપાલન, શિસ્ત, એકાગ્રતા અને પરિશ્રમની તૈયારી દીકરી અને મા બન્નેમાં હોવી જરૂરી છે. ' પાયલ મોં પરના પ્રસ્વેદબિદુંને લૂછતા બોલી.

નેહાએ ટીચરને પ્રણામ કરી માથું નમાવ્યું. પાયલે એનો હાથ જોઈ કહ્યું 'તારી લાંબી,પાતળી આંગળીઓ સરસ મુદ્રા કરશે. 'એણે બે હાથ જોડી પ્રણામનો અભિનય કર્યો. જયારે પણ કોઈ નવી સ્ટુડન્ટ ડાન્સ શીખવા આવે ત્યારે પાયલને પોતાનું બચપણ સાંભરી આવતું. કેવી હોંશથી તે અમદાવાદ દાસ ગુરુની પાસે ડાન્સ શીખવા ગઈ હતી, તેની કમળની પંખુડી જેવી આંખો અને પાતળી દીર્ઘ આંગળીઓ જોઈ ગુરુ બોલી ઉઠેલા 'તું મોટી ડાન્સર થઈ મારું નામ ઉજાળીશ. ' સ્કૂલ -કોલેજના અભ્યાસ સાથે અતિ પરિશ્રમથી તેણે કથક નૃત્યમાં ગ્રેજ્યુએટની પદવી મેળવી, 'ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં 'ભાગ લઈ ગુરુનું નામ ગાજતું કર્યું. . . પણ પાંચ વર્ષ પછી તેની અપંગ અવસ્થા જોઈ ગુરુ બોલેલા : 'હવે તું ડાન્સને ભૂલી જજે ' આમે જયારે પાયલે

લગ્ન કરેલા ત્યારે ગુરુજી નારાજ થયેલા તેમાં તે માતા બની તેથી ગુરુની નારાજગી ક્રોધરૂપે વ્યક્ત થયેલી બોલેલા:

'પાયલ તેં મારી અને તારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું, હવે તારાથી તારો સ્ટુડીઓ નહિ થાય. ઘર,વર ને બાળકની જવાબદારીના જાળાં તારા પગે લાગ્યાં! ઝાંઝર બાંધીને ક્યાં ડાન્સ કરીશ?'તે દિવસથી પાયલે ગુરુના નામ પર ચોકડી મારી પોતાનો રસ્તો શોધ્યો હતો. પછીનાં વર્ષોમાં પ્રેમાળ પતિ ઉપર બોજારૂપ ન બનતા તેને મુક્ત કરી દીધો. તેના પિતા માંદગીમાં પટકાયા એટલે માં-બાપનો સહારો પણ ગયો.

બીજા ક્લાસની વિદ્યાર્થીનીઓ નૂપુર બાંધતી હતી. તેના રણકારથી પાયલ સચેત થઈ. તેણે તા ધિન ધીન્નાના તાલમાં ખુરશીને ગોળ ફેરવી લીધી. સરસ્વતીના શ્લોક સાંભળતાં નેહા અને એની મમ્મી બહાર નીકળ્યાં.

'તારે અનસૂયા આંટીના સ્ટુડીઓમાં દાખલ થવું હોય તો મારે એમની સાથે સારો સબંધ છે. ' અંજલિએ દીકરીને પટાવતા કહ્યું.

'મારી બહેનપણી લેખા અને મોહિની અહીં શીખે છે, મને ટીચર ગમે છે. '

અંજલિને પાયલનો અભિમાની અને કડક સ્વભાવ કઠ્યો. પણ દીકરીની જીદ આગળ નમતું જોખ્યું.

***

નેહાનો ક્લાસ પૂરો થવાની અંજલિ રાહ જોતી હતી, કોણ જાણે કેમ પાયલનું પુસ્તક તેને આકર્ષી રહ્યું હતું. તેણે પુસ્તક વચ્ચેથી ખોલ્યું, કાળા બેગ્રાઉડમાં લેવાયેલા ફોટોમાં હાથમાં નાના બાળકને લઈ યુવતી જાણે નૃત્ય કરતાં કરતાં ભોંય પર પડી હતી. યુવતીની બેસહાય આંખો અને બાળકનું રૂદન તેનાથી જોવાયું નહિ. ત્યારપછીના પાના પર પાયલની આંખમાં ખુમારી અને નિર્ણય હતો. એણે વાંકા વળી ગયેલા એના પગની કસરત બે દોરડા ઊંચે બાંધી પગને તેમાં ભેરવી શરૂ કરી હતી. અંજલિના મનમાં અનેક પ્રશ્નો સળવળતા હતા. સુંદર ડાન્સર પાયલ કોને પરણી હશે? તેમનું બાળક પણ કેવું મીઠડું હતું! એના પગ વાંકા વળી ગયા દેખાય છે, રોમેટોઇડ આર્થરાઈટ્સ થયો હશે! કુદરતે ક્રૂર મશ્કરી કરી આ ડાન્સરને જમીનદોસ્ત કરી નાંખી પણ એ તો અપરાજિત રહી છે. વિધાતાને થાપ આપી તેના આત્મબળથી નૃત્યના તાલમાં નાચી રહી છે ને બીજાને નચાવી રહી છે. અઁજલિનો ટીચર માટેનો અણગમો ઓગળતો ગયો.

નેહા ક્લાસ પૂરો કરી આવી ત્યારે હજી અંજલિ ઉદાસ ચેહરે હાથમાં પુસ્તક લઈ ઊભી હતી.

'મમ્મી, આજે ટીચર પણ ઉદાસ હતા, બાળકૃષ્ણનો ડાન્સ શીખવાડતા એમની આંખમાં આંસુ આવેલાં. ' નેહા બોલી

'શું થયું ?'

લેખા કહેતી હતી ટીચરના સનની બર્થડે હતી.

અંજલિ એક ડાન્સરના જીવનના તોફાનની અને એમાંથી ઉગરવાની લડાઈની કલ્પના કરી રહી. એક માતા, પત્ની, દીકરી આજે જીવનના સ્ટેજ પર સાવ એકલી કેમ યુદ્ધ કર્યાં કરે છે?એના ગુરુનો સહારો ન મળ્યો !કે પછી સ્વાભિમાની પાયલે જ 'અપ્પ દીવો ભવ ' (તું તારો દીવો થા) થવાનું સ્વીકાર્યું હશે !

પાયલ સૂના સ્ટુડિયોમાં વહીલચેરમાંથી ઊભી થઈ બે લાકડીના ટેકે પગને ઉપાડી ડાન્સ કરવા પ્રયત્ન કરતી હતી.

'મારા દીકરાનો જન્મદિવસ છે, આજે રુમઝુમ નાચવું છે. એણે ઝાંઝર રણકાવ્યાં ત્યાં કોઈનો પગરવ સઁભળાયો.

અંજલિ ધીરેથી આવી. આજે પાયલ પ્રેમાળ અવાજે બોલી:' શું કામ છે બહેન?' તેણે હાથમાંનું પુસ્તક બતાવ્યુ.

અંજલિને શું સૂઝ્યું કે પાયલની પાસે આવી તા ધિન ધીન્ના કરી નૃત્ય કર્યું.

'ઓહ તમે પણ કથક શીખેલા છો '? પાયલે પ્રેમથી અઁજલિનો હાથ ઝાલ્યો. ત્યાં પાછળથી નેહા આવી મમ્મી અને ટીચરને વળગી પડી.

'તમારું પુસ્તક આજનો દિવસ વાંચવા લઈ જઈ શકું ?' પાયલે મૂકસંમતિ આપી.

નેહા મમ્મી સાથે બહાર નીકળી ને એક કોલેજનો વિદ્યાર્થી હોલમાં પ્રવેશ્યો.

'અહીં છોકરાઓ કથક શીખવા આવે છે ?' અંજલિએ પૂછ્યું.

'આઈ ડોન્ટ નો, મે બી હર સન !' નેહા નિર્દોષતાથી બોલી.

રિક્ષામાં ધેર જતાં અંજલિ મનોમન પ્રભુને પ્રાર્થના કરી રહી કે મા -દીકરાનું મિલન કરાવજો.

અંજલિ આજે ઝડપથી રસોઈ બનાવી ડીનરની તૈયારી કરી. નેહા તેના પાપાને ડાન્સ બતાવતી હતી.

'જમવા ચાલો'ની બે વાર બૂમ પાડી અંજલિ ટેબલ પર પાયલનું પુસ્તક વાંચવા લાગી.

'બુકમાં ખોવાઈ ગઈ !'સમીરે મઝાક કરી.

ફોટો જોઈ બોલ્યો :'પાયલનું પુસ્તક છે. બે વર્ષ પહેલાં બેસ્ટ સેલર લિસ્ટમાં હતું.

'તું પાયલને ઓળખે છે?' અંજલિએ પૂછ્યું

'હા,મારા મિત્ર નિશીથની એક્સ વાઈફ, ટોચની કથક ડાન્સર પણ અપંગ થયા પછી વધારે જાણીતી થઈ, આ પુસ્તક પછી તો પોપ્યુલર થઈ ગઈ. લોકોને દુઃખની વાતો બહુ ગમે. . ' સમીરે કહ્યું.

'કેમ આમ કટાક્ષમાં બોલે છે?'

'હાસ્તો ને! એ અપંગ થઈ, ઘર છોડીને જતી રહી. નિશીથને બીજા લગ્ન કરવામાં પાંચ વર્ષ નીકળી ગયા. . એકલે હાથે આયા રાખી છોકરાને સંભાળ્યો તે કોણ જોવા ગયું?'

'પાયલે તો એને પત્નીના બોજમાંથી મુક્તિ આપી કહેવાય. ,મને એવું થાય તો તમે શું કરો?'અંજલિ બોલ્યા પછી મોટા વમળમાં ફસાઈ ગઈ હોય તેવું લાગ્યું.

'મારી-તારી વાત છોડ, ભૂખ લાગી છે જમી લઈએ. 'સમીરે વાતને ટાળી દીધી.

બહારના રૂમમાં મોડી રાત સુધી અંજલિ પાયલના વેદનાભર્યા જીવનયાત્રાની સાથી બની. ઘડી ઘડીએ આંસુથી છલકાતી આંખોને ઓઢણીના છેડાથી લૂછી લેતી. બે વાર સમીર ડોકિયું કરીને ગયો. હવે તેને સમજાયું કે જીવનમાં પતિ કે પિતા કે બીજું કોઈ નહિ. તે પોતે જ તેના જીવનને સાર્થક કરી શકે. પાયલના મુખ પર જે તેજ,ખુમારી અને આત્મવિશ્વાસ છે તે કઠણાઈમાં ધૂટાઈને આવેલાં છે. પુસ્તક પૂરું કરી અંજલિ દીકરીના રૂમમાં ગઈ. નિદ્રાધીન નિર્દોષ ચહેરા પર નાજુકાઈથી હાથ ફેરવી બોલી :

'તારી ટીચર પાસે મમ્મી કરતાં વધારે શીખીશ. '

બીજે દિવસે સાંજે નેહાને પડોશમાં રમવા મોકલી તે 'ઝણકાર 'સ્ટુડિયોમાં ગઈ.

છેલ્લો નૃત્યનો વર્ગ પૂરો થયો હતો. પાયલ આથમતા સૂર્યના ગુલાબી સ્વરૂપને જોતી બારી પાસે વહીલચેરમાં ડોલતી બેઠી હતી. આસોપાલવના બે વૃક્ષોની ડાળીઓ પવનમાં જાણે એકબીજાની સાથે કોઈ અગોચર તાલમાં ઝૂમતી હતી. અંજલિને જોતા પાયલ હરખાઈને બોલી :' જો જો આ આસોપાલવની ડાળીઓ કેવી નાચે છે ? '

અંજલિ : 'મને ય ડાન્સ કરવાનું મન થાય છે પણ હવે તો નવેસરથી શીખવું પડશે'

પાયલ ખુરશી ગોળ ધૂમાવતી હતી અને અંજલિને તાલમાં ગોળ ચક્કર ફેરવતા શીખવાડતી હતી. તા.. ધીન્ ધીંનના...

તરૂલતા મહેતા