અંતર આગ
8. ભૂતકાળ
"માં...રા....ડેડીને....." દોડીને આવેલ આલિયા હાંફતા અવાજે બોલી, "મારા ડેડીને પોલિશ ઍરેસ્ટ કરી ગઈ છે પ્રદીપ."
આલિયાની પાછળ તેની મમ્મી અને આર્યન પણ આવ્યા. નાનુભાઈ અને પ્રદીપ બંને આલિયા અને તેની મમ્મીના ચહેરા જોઈને ગભરાઈ ગયા હતા. સદાય હસ્તો એ ચહેરો આજે ઝાંખો લાગતો હતો.… તેની મોટી કાળી આંખો આજે વધુ મોટી થઈ ગઈ હતી. તેનો એ મધુર અવાજ એના ગળા મા ભરાયેલા ડુમા સાથે તરડાઈને બહાર આવતો હતો. નાનુભાઈએ એની મમ્મી અને આર્યન ને હોટેલ મા ખુરશી ગોઠવીને બેસાડ્યા.
"પણ કેમ ઍરેસ્ટ કર્યા પોલીસે એમને?" નાનુભાઈ એ સાહજિક પ્રશ્ન કર્યો.
"ડેડીએ કેસ કર્યો હતો રાજવીર અને વિઠ્ઠલદાસ પર એટલે."
"શાનો કેસ? તું મને બધું વિગતવાર કહીશ આલિયા....?" પ્રદીપે તેને વચ્ચેજ અટકાવી.
"લે બેટા આ પાણી પીને સ્વસ્થ થા પછી બધું વિગતવાર કહે અમને."
"ખૂબ જ લાંબી વાત છે નાનું ભાઈ." કોકિલાબેન પ્રદીપ સામે જોઇને બોલ્યા, "આઠ દસ વર્ષ પહેલાંની વાત છે."
"તો પપ્પા તમને નથી ખબર આ વાત?" પ્રદીપ ને આશ્ચર્ય થયું.
"ના બેટા તમે છ વર્ષ મુંબઈ રહેવા ગયા હતા ત્યારની વાત છે આ." કોકિલાબેને સ્પષ્ટતા કરી.. "અલિયાના પપ્પા ત્યારે પણ છાપામા લેખ લખતા અને અમારું ગુજરાન ચાલતું હતું. પછી એમને 'ધ જોબ' નામનું એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકને પ્રકાશિત કરવા માટે એ ઘણા પ્રકાશકો પાસે ગયા હતા પણ કોઈ તૈયાર થયું ન હતું. આખરે રાજવીર દક્ષ તૈયાર થયો હતો. એ નવલકથા રહસ્યમય અને કરૂણ હતી. એક સામાન્ય નોકરિયાત વ્યક્તિના જીવનમા આવતી આપત્તિઓ અને શહેરમાં થતી હત્યાઓમા એની સંડોવણી અને અંતે પોતે નિર્દોષ જાહેર થાય છે પણ એને નિર્દોષ સાબિત કરનાર વ્યક્તિ કોણ છે એ એને કે સરકાર ને કોઈને પણ ખબર નથી હોતી. એ કહાની વાંચકોને ખૂબ જ ગમી હતી. અમને સારા એવા પૈસા મળ્યા હતા." એક જ શ્વાસે કોકિલાબેન બોલી ગયા.
"એના પછી એમને બીજું પુસ્તક લખવાની શરૂઆત કરી. પણ કિસ્મતે સાથ ન આપ્યો." કોકિલાબેને નિશાશો નાખ્યો.
"કેમ શુ થયું હતું આન્ટી?" પ્રદિપે પૂછ્યું.
"એક દિવસ સવારે એ એમના રૂમમા લખતા હતા. હું એમને સવારની ચા અને નાસ્તો આપવા જતી હતી ત્યાં અચાનક સિડી પરથી મારો પગ લપસી ગયો અને હું પડી ગઈ. મારા માથામા ભયંકર ઇજા થઇ હોય એવું મને થયું. પડતી વખતે ચીસ મારાથી પડાઈ હતી. કદાચ એ ચીસ સાંભળીને અલિયાના પિતા રૂમમાંથી દોડી આવ્યા હશે પણ એ આવ્યા ત્યારે હું લગભગ મૂર્છિત થઈ ગઈ હતી. એ મને તરત હોસ્પિટલ લઇ ગયા."
"પછી શું થયું આન્ટી ?" પ્રદીપના અવાજમાં લાગણીઓ ઉભરાતી હતી.
"માથાની ઇજાને લીધે મારી માનશીક હાલત ખરાબ થઈ ગઈ હતી. બધા પૈસા મારી પાછળ ખર્ચી દીધા હતા. પણ ડોક્ટરે કહ્યું કે તમારી પત્ની હવે અનકોનશીઅશ (કોમા) માંથી બહાર આવે એની શકયતા લાગતી નથી. એટલે તેઓ મને મારી એજ હાલતમા ઘરે લઈ ગયા. ડોક્ટરની સલાહ મુજબ મારી ટ્રીટમેન્ટ કરવા લાગ્યા. સમય વીતતો ગયો. અને એક દિવસ ડોક્ટર ખોટા પડયા મને ભાન આવ્યું. એ મને જાગૃત જોઈને ખૂબ ખુશ થયા પણ એમની એ ખુશી વધુ સમય ટકી નઇ કારણ મને કાઈ જ યાદ ન હતું. હું આલિયા કે આર્યન ને પણ ઓળખી નતી શક્તિ." કોકિલા બેને એક ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યા, "એમને એકલા હાથે આલિયા અને આર્યનને ઉછેર એક તરફ મારી સેવા ચાકરી કરવાની, રાત દિવસ ડોકટરના સલાહ સુચન મુજબ મારી ટ્રીટમેન્ટ અને એમાં પણ મને કાઈ યાદ નહતું એટલે મારો ત્રાસ પણ રહેતો. એ બધામા એમણે શરૂ કરેલી નવી નવલકથા 'અંતર આગ' અધૂરી જ રહી ગઈ."
"પછી તમને બધું યાદ કઇ રીતે આવ્યું?"
"દવા, દુવા અને રાત દિવસની એમની ટ્રીટમેન્ટથી. આઠ નવ વર્ષ એમાં જ નીકળી ગયા પછી મને ધીરે ધીરે યાદ આવવા લાગ્યું. એકાદ વર્ષમાં તો મને બધું જ સ્પષ્ટ યાદ આવી ગયું."
"ત્યારે હું મોટી થઈ ગઈ હતી અને આર્યન પણ." આલિયાએ કહ્યું.
"આલિયા સમજદાર થઈ ગઈ હતી. એ 8-10 વર્ષની એમની તકલીફ, એમને જે કર્યું એ બધુ મને આલિયાએ કહ્યું. મને મનોમન થયું કઇ રીતે એમણે બંનેને ઉછેર્યા હશે? સંસ્કારોનું સિંચન કર્યું હશે? મને 10 વર્ષ એવી હાલતમા એમણે વેઠી એ કલ્પનાથી જ મને પારાવાર દુઃખ થયું. મેં મનોમન એમનું એ બધુ ઋણ ચૂકવવાનું નક્કી કર્યું."
"તમને મેમરી બેક થઇ એ વખતે આઘાત તો લાગ્યો જ હશે ને!"
"હા દરેક જેને મેમરી લોસ થાય અને રિગેઇન થાય એ બધાને અદભુત લાગે જ. મને આલિયાએ જે કહ્યુ મારા માટે તો એજ બધું અદભુત હતું. પછી મેં એમને બધી જ જવાબદારીમાંથી આઝાદ કરી દીધા અને એમને જીવથી પણ વહાલી કલમ સોંપી દીધી. ફરી એકવાર અમારું જીવન સુખમય ચાલવા લાગ્યું." કોકિલાબેન ફરી ગળગળા થઇ ગયા.
"પપ્પાએ પોતાનું અધૂરું લખેલું પુસ્તક ફફી લખવાનું શરૂ કરી દીધું. થોડા જ સમયમાં એમને પુસ્તક પૂરું કર્યું. એ નવલકથાનો સૌથી આકર્ષક અને વાંચકોને ગમે એવો ભાગ એ હતો કે એ પુસ્તકનો આગળનો ભાગ 10 વર્ષ પહેલાં અને પાછળનો ભાગ 10 વર્ષ પછી લખાયો હતો એટલે પાછળના ભાગમાં બધું મોડર્ન હતું અને આગળના ભાગમાં બધું એન્ટિક હતું." આલિયાએ કહ્યું.
નાનુભાઈ અને આર્યન બસ બધું સાંભળી રહયા હતા.
"આ વખતે એમના નામને લીધે બધા પ્રકાશકો તૈયાર થઈ જાઓત પણ એ ગઈ વખતનો રાજવીરનો અહેસાન ભૂલ્યા ન’તા એટલે રાજવીરને જ એ પુસ્તક પણ છાપવા માટે આપીશ એવું નક્કી કરી એની સાથે મિટિંગ કરી પોતાની એક માત્ર મેનુસ્ક્રીપ એને સોંપી દીધી. રાજવીર સ્ટોરી વાંચીને રોયલ્ટી અને કેટલી પ્રત છાપવી એ નક્કી કરશે એવી વાત બંને વચ્ચે થઈ હતી. પણ આલીયાના પિતાએ રાજવીરને એમજ કહ્યું હતું કે ગઈ વખત જે કન્ડિશન હતી એજ કન્ડિશન આ વખતે પણ રહેશે 50 પર્સન્ટ પાર્ટનેરશીપ અને રાજવીરે એ મંજુર રાખ્યું હતું......
"બે મહિના પછી એમણે રાજવીરને ફોન કરીને કૉંટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો નંબર બંધ આવતો હતો. બે ત્રણ દિવસ એમણે એવા પ્રયત્નો કર્યા પણ કોઈ ફાયદો થયો નહીં. પછી તેઓ રાજવીરને રૂબરૂ મળવા એના પબલિકેસન હાઉસ પર ગયા. ત્યાં જઈને જોયું તો રાજવીર દક્ષ અને લેખક વિઠ્ઠલદાસ બંને ત્યાં બેઠા હતા."
પ્રદીપ અને નાનુભાઈ બધું સાંભળી રહ્યા હતા.
"રાજવીરે એમને અંતર આગ પુસ્તકની 2500 કોપી છપાઈ ગઈ છે એમ કહ્યું અને એક કોપી લઇ એ ઘરે પાછા ફર્યા. એમનો ઉતરેલો ચહેરો જોઈને હું કૈક અનિષ્ટ થયું હશે એ સમજી ગઈ હતી."
"શુ થયું ? તમે આમ ઉદાસ કેમ છો?" મેં પૂછયું પણ એ કઈ બોલ્યા વગર પુસ્તક મને આપીને બેસી ગયા. મેં પુસ્તક ખોલ્યું. પ્રથમ પાનું વાંચતા જ હું સ્તબ્ધ બની ગઈ. મેં જોયું અંદર લેખકનું નામ 'વિઠલદાસ' લખેલું હતું. હું એમના ઉદાસ ચહેરા તરફ જોઈ રહી...."
"કોકિલા રાજવીરે મને ભરોસાનો આ બદલો આપ્યો. મારી વર્ષોની મહેનત એક જ ઝટકે છીનવી લીધી. રાજવીરે વિઠ્ઠલદાસ પાસેથી પૈસા લઈને મારી મહેનત એના નામે ચડાવી દીધી."
"અમે લાચાર હતા. મારી દવા પાછળ બધું ખર્ચી દીધું હતું હવે બસ એક ઘર બચ્યું હતું. ઘર વેચીને એમણે વકીલ લીલા દેસાઈને રાજવીર અને વિઠ્ઠલદાસ ઉપર કેશ લડવા રોકી. પણ પુરાવા તો હતા નહીં. એકની એક મેનુસક્રીપટ રાજવીરને આપી દીધી હતી. કોઈ કોપીરાઈટ કરાવ્યો ન હતો. એવી એમને કલ્પના જ ન હતી કે કોઈ એટલું નીચ કામ કરશે. વકીલોના દાવપેચ અને સબુતો વગર કેશ નબળો પડવા લાગ્યો. અને લીલા દેસાઈએ પણ રાજવીર અને વિઠ્ઠલ દાસ પાસેથી કેસ હરવાના પૈસા લીધા હતા."
"પછી શું થયું. કેસ હારી ગયા?"
"હા આજે છેલ્લી તારીખ હતી કેસની પણ એમને ખબર જ હતી કે કેસ હારી જવાના એટલે એ કોર્ટ ગયા જ ન હતા. અમને એ તો કલ્પના પણ ન હતી કે ઉપરથી એમને જ સજા થશે. લીલા દેસાઈએ જ એમના વિરુદ્ધ બયાન આપ્યુ હતું. કોર્ટે એમને ચાર મહિનાની સજા જાહેર કરી અને ઇન્સ્પેક્ટર ભૈરવસિંહ એમને આજે જ ઍરેસ્ટ કરી દીધા." કોકિલાબેનની આંખોમાં ફરી આંશુ આવી ગયા.
"અમારી પાસે હવે કોઈ દિશા કોઈ આશા નથી તમે જ કોઈ મદદ કરો. તમે જામીન આપીને એમને એક વાર છોડાવી આપો અમે અહીંથી ક્યાંક દૂર જતા રહેશો." કોકિલાબેન રીતસરના કરગરી પડ્યા…
પ્રદીપ તો શું આજે શાંત સ્વભાવના નાનુભાઈ પણ એ વિલાપ સહી ન શક્યા. આ અન્યાય જોયો ન ગયો.
"તમે ચિંતા ન કરો. હું કાંઈક કરીશ." નાનુભાઈએ કહ્યું.
"આલિયા આ સમય રડવાનો નથી કાંઈક કરવાનો છે." એનો રડમસ ચહેરો જોઈને પ્રદીપ ગુસ્સામાં બોલ્યો, "હું જાઉં છું ભૈરવસિંહ પાસે..."
નાનુભાઈએ ભૈરવસિંહનું નામ સાંભળ્યું હતું. એમને ખબર હતી એ કેટલો દુષ્ટ માણસ હતો. પ્રદીપની આંખોમાં પણ આજે રોષ ભરેલો હતો એટલે એમને થયું કે જો પ્રદીપ ત્યાં કોઈ માથાકૂટ કરી બેસશે તો ફરી કયારેય રચીતને મળવા નઇ દે. એ નરાધમ ઇન્સ્પેક્ટર કદાચ પ્રદીપને પણ ખોટો કેસ બનાવી અંદર કરીદે એટલે એમણે પ્રદીપને રોક્યો..
"તું અહીં જ રહે બેટા. હું અને ભાભી જઈશું એની પાસે."
"હું જઈશ પપ્પા..." પ્રદીપ તાડુંકયો....
"પ્લીઝ બેટા અમને જવાદે. ત્યાં આપણું જોર નથી ચાલવાનું આજીજી કરવાની છે." કોકિલાબેને વિનવણી કરી એટલે પ્રદીપ ઠંડો થયો અને ત્યાં રોકાવા તૈયાર થયો.…
નાનુભાઈ અને કોકિલાબેન બંને જણ ભૈરવસિંહના સ્ટેશન પહોંચ્યા. બહાર એક સંત્રી ઉભો હતો.
"અમારે સાહેબ ને મળવું છે." નાનુભાઈએ કહ્યું.
એ સંત્રી કઈ બોલ્યા વગર અંદર ગયો અને તરત પાછો આવ્યો, "સાહેબ અંદર બીઝી છે. તમે થોડીવાર આ બેન્ચ ઉપર બેસો. તમને પીયૂન બોલાવે એટલે અંદર જજો" કહી સંત્રી બહાર નીકળી ગયો.
બંને ત્યાં બેન્ચ ઉપર બેઠા. સામેની ખુલ્લી બારી પવનથી પછડાતી હતી. ઠંડો પવન અંદર ઘુસી આવતો હતો. પવનને પોલિશ સ્ટેશનમા શુ ડર હોય? એતો ચાહે ત્યારે બહાર નીકળી શકે ને.....! પણ રચિત એ તો બિચારા માનવ હતા ને.....! એમને તો ચાર દીવાલોમાં ગૂંગળાવાનું હતું ને..…
બારીમાથી ધસી આવતો પવન એમની સાડીને ફરકાવતો હતો. એમની આંખો પલકારા વગર જ ભૈરવસિંહની ચેમ્બરના બંધ બારણાં ઉપર સ્થિર થયેલી હતી. કેવો હશે ભૈરવસિંહ? મારા પતિ બિચારા ક્યાં ગુનેગાર હતા? એ ક્યાં ભાગી જવાના હતા? ભૈરવસિંહે હવાલદારને મુક્યા હોત તો પણ એ ક્યાં કાનૂન હાથમા લેવાના હતા? તો પછી ખુદ ભૈરવસિંહ એમને ઍરેસ્ટ કરવા કેમ આવ્યો હશે? એનો ચહેરો કેટલો ભયાનક હતો? એની જમણી આંખ ઉપર ઊંડા ઘાનું નિશાન, એની કાળી આંખો અને કાનમા ઉગેલા વાળથી એનું કદાવર શરીર અને ચહેરો કેટલો ક્રૂર લાગતો હતો? એના જેવો ભયાનક ચહેરો મેં ક્યારેય જોયો નથી. સ્ત્રીસહજ રીતે કોકિલાબેનને શંકાઓ થવા લાગી....
"ચાલો..... સાહેબ અંદર બોલાવે છે." પીયૂનનો અવાજ જાણે કાને અથડાઈને ખરી પડ્યો હોય એમ કોકિલાબેન ત્યાંજ જોઈ રહ્યા. નાનુભાઈએ એમને હાથથી પકડી કહ્યુ, "ભાભી ચાલો...." ત્યારેજ એમની સ્થિર આંખો પલકી હતી.
પીયૂનની પાછળ બંને અંદર ગયા. ભૈરવસિંહ તેના એજ ભયાનક ચહેરા સાથે તેના કદાવર શરીરને ખુરશીમા ટેકવીને બેઠો હતો. એની પાસે બીજી પણ બે વ્યક્તિઓ બેઠી હતી.
"બેસો.. બોલો શુ કામે આવ્યા છો?" કર્કશ અવાજમા એ બોલ્યો.
"મારો મિત્ર રચિત....." નાનુભાઈ હિંમત એકઠી કરીને શરૂ કર્યું.
"ખબર છે મને. એ ચોરને આખું શહેર ઓળખે છે. કામ બોલ કામ....." નાનુભાઈને વચ્ચેજ અટકાવીને એ બિહામણા અવાજે બોલ્યો.
કોઈએ ગળું દબાવી દીધું હોય એમ નાનુભાઈ ચૂપ થઈ ગયા.
"અમારે એમને એક વાર મળવું છે સાહેબ. મારા પતિ ચોર નથી. એતો આદર્શવાદી અને સજ્જન પુરુષ છે." શાંત સ્વભાવના કોકિલાબેન પણ ઉશ્કેરાઈને બોલ્યા..…
"એટલે કોર્ટ ખોટી છે? વકીલ ખોટા છે?" પોતાની ભયાનક આંખો જીણી કરી ભૈરવસિંહ બોલ્યો.
"ના ... પણ કોર્ટની આંખોમા ધૂળ નાખવામા આવી છે. એમને ફસવાયા છે."
"ઓહ તો આગળ પિટિશન (અપીલ) કર જા...."
ભૈરવસિંહ તોછડાઈ અને અપમાનભર્યા શબ્દો બોલીને એની પાસે બેઠેલી વ્યક્તિઓ સામે જોઇને ખંધાઈથી હસ્યો. તેના ડરામણા ચહેરા ઉપર એ કૃત્રિમ હાસ્ય તેના ચહેરાને વધુ વિકરાળ બનાવતું હતું.....
"અમે અપીલ કરીશું પણ અમને એક વાર મળવા દો. અમે આશ્વાસન આપીને ચાલ્યા જઈશું સાહેબ....."બે હાથ જોડીને નાનુભાઈ ગળગળા અવાજે બોલ્યા.…
"એ શક્ય નથી. હું કાનૂન હાથમા ન લઈ શકું. આમ પણ એને બેલ પણ નઈ મળે...." પછી એના બાજુમાં બેઠેલ એક વ્યક્તિ સામે જોઇને અનુ પ્રશ્ન કર્યો, "શુ કહેવું થાય તમારું રાજવીર?"
રાજવીર.....? શુ એ પાતળા બંધાનો, ઊંચો દેખાતો વ્યક્તિ રાજવીર દક્ષ છે? શું આ એજ રાજવીર છે જેણે મારા પતિને આમ ફસાવ્યા? વર્ષોની મહેનત છીનવી લીધી અને એમને લોઢાના સળિયા પાછળ ધકેલી દીધા...? કોકિલાબેનના મનમા પ્રશ્નોનું એક વાદળ ઉમટી પડ્યું. પછી તેઓ આવેશમાં આવીને બોલ્યા...
"તું છે રાજવીર દક્ષ......"
"હા હું જ રાજવીર દક્ષ અને આ છે વિઠ્ઠલદાસ જેના પુસ્તક ઉપર તારા પતિએ કબજો જમાવવાની કોશિશ કરી હતી." બેઠી દડીના ભારે શરીરવાળા માણસ સામે ઈશારો કરી રાજવીરે કહ્યું.
"અધર્મી.... નીચ માણસ તે મારા પતિના વિશ્વાસનો દુરુપયોગ કર્યો." ધસમસતા નદીના પ્રવાહની જેમ કોકિલાબેન એની તરફ ધસ્યા પણ નાનુભાઈએ એમને રોકી લીધા.
"રચીતની ઔકાત જ નથી એ નવલકથા લખવાની. વિઠ્ઠલદાસ જેવા પ્રતિભાશાળી લેખક જ એવી કહાની લખી શકે સમજી...."
"મારા પતિ આંખો બંધ કરીને લખે તોય વિઠ્ઠલદાસ કરતા સારું જ લખાય. આ નવલકથા તો એમની વર્ષોની મહેનત હતી સમજ્યો તું....." કોકિલા બેન નું આ સ્વરૂપ નાનુભાઈએ પહેલીવાર જ જોયું હતું.
"અને તું ભૈરવસિંહ યાદ રાખજે અધર્મીઓનો સાથ આપીને તે કાનૂનની નિલામી કરી છે એજ કાનૂન તને સજા આપશે."
"તમે બધાએ જે કર્યું છે એની સજા તમને મારો શિવશંકર આપશે. ભોલેનાથે એવો કોઈ માણસ તો બનાયો જ હશે જેની આંખોમાં ન ધૂળ નાખી શકાય ન જેને ખરીદી શકાય...." ક્રોધાઅગ્નિમા ભડકતા એ પવિત્ર સ્ત્રીના ચહેરા પર ભગવાન ઉપરની અતૂટ શ્રદ્ધા દેખાઈ રહી હતી. એમની આંખમાં ધગધગતી આગને, એ ચહેરાને દુનિયાનો કોઈ ચિત્રકાર છબીમાં ન ઉતારી શકે. પણ આખરે એક સ્ત્રીનું શુ ચાલે.....!
ભૈરવસિંહ, રાજવીર અને વિઠ્ઠલદાસ એના ઉપર હસવા લાગ્યા. "ચાલ નીકળ હવે. બહુ કરી લીધી બકવાસ.. અને બીજી વાર જો અહીં આવી છે તો અસામાજિક પ્રવૃતિઓના કેસમાં અંદર કરી દઈશ સમજી."
કોઈએ બધા વસ્ત્રો ખેંચી લીધા હોય એમ કોકિલાબેન ડઘાઈ ગયા. માનવતાની પેલે પારના એ શબ્દો એ વર્તન જોઈ સાંભળી નાનુભાઈ સમજી ગયા કે હવે ત્યાં આજીજી કરવાનો કોઈ અર્થ નહતો. બંને નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયા.
કોકિલાબેન અને નાનુભાઈ જ્યારે પાછા ફર્યા ત્યારે આલિયા અને પ્રદીપ એમના ચહેરા જોઈને બધું કળી ગયા હતા. પોલિશ સ્ટેશનમાં જે થયું એ જાણ્યા પછી પ્રદીપના હાથ ભૈરવસિંહનું ગળું દબાવી દેવા તતપર થઈ ગયા.
"ક્યાં જાય છે પ્રદીપ?"
"એ નીચ નું ખૂન કરવા." પ્રદીપે ઘાયલ વાઘની જેમ ગર્જના કરી.
"નહિ પ્રદીપ એવું કરવાથી મારા ડેડી નહીં છુટી જાય." આલિયાએ કહ્યું
"પણ એ હરામીને સજા તો મળશે ને. ગુનેગાર એ બધા છે અને સજા અંકલ ભોગવે છે. હું હવે ચૂપ નઈ રહું આલિયા. આઈ વિલ કિલ ધેમ ઓલ બાસ્ટર્ડસ...."
"પ્રદીપ એમ કરવાથી આપડી તકલીફો વધશે ઓછી નથી થવાની." કોકિલાબેને આછા સ્વરે કહ્યું.
"પ્રદીપ તું જ તો એક આશા છે બધાની જો તું જ આમ આવેશમા કંઈક કરી દઇશ તો અમારું કોણ થશે?"
"હા દીકરા આલિયાની વાત બરાબર છે. મારાથી હવે આ ઉંમરે શુ થઈ શકે? રચિતને મદદ કરવા માટે બીજું તો કોઈ છે નઇ જો તું પણ જેલ જઈશ તો ...." એટલું કહી નાનુભાઈ સોફામાં ફસડાઈ પડ્યા.....
પ્રદીપ થોડોક શાંત થયો. એક નજર આલિયા અને આર્યનના ચહેરા તરફ કરી. પૂનમના ચાંદ જેવા ચમકતા એ ચહેરા ઉપર આજે અમાસનું નિબીડ અંધારું ઘેરાઈ ગયું હતું. દુઃખો સામે અડીખમ પર્વતની જેમ લડનાર કોકિલાબેન આજે સંપૂર્ણ ભાંગી પડેલા લાગતા હતા. નાનુભાઈની આંખો નિરાશાના વાદળોમાં કોઈ આશાનું એક કિરણ ખોળતી હતી.
જો હું ખૂન કરીને જેલમાં જઈશ તો મારા પપ્પાનું કોણ થશે? આલિયા, આર્યન અને કોકિલાબેનનું શુ થશે? ના મારે એવી ભૂલ ન જ કરવી જોઈએ. પ્રદીપ શાંત થઈને બેસી રહ્યો.....
નાનુભાઈએ એમની પૂંજી બેન્કમાંથી ઉપાડી કોકિલાબેન સાથે એક સારા વકીલ પાસે ગયા. જે થયું એ બધું વકીલ યશ પરમારને કહી સંભળાવ્યું. એને પણ રચિત અગ્નિહોત્રી અને એના પરિવાર માટે સહાનુભૂતિ થઈ. પણ એવીડન્સ વગર રચિતને નિર્દોષ સાબિત કરવાના ચાન્સીસ ઓછા લાગતા હતા.
"આઈ વિલ ડુ માય બેસ્ટ. પણ તમારો કેસ સેન્સિટિવ છે એટલે હું કોઈ ગેરંટી આપતો નથી." મી. યશ બોલ્યા.
"તમે જ અમારી છેલ્લી આશા છો સાહેબ. તમારી જેટલી ફી હશે એ હું જાત વેચીને પણ ચૂકવી દઈશ પણ મારા મિત્રને એક વાર છોડાવી લો."
"ફિઝ તો મારી પચાસ હજાર છે......"
વકીલ આગળ કાઈ બોલે એ પહેલાં જ નાનુભાઈએ ખિસ્સામાંથી એક બંડલ નીકાળીને ટેબલ ઉપર મૂક્યું. "પુરા પચાસ હજાર છે સાહેબ." બંને હાથ જોડી નાનુભાઈ બોલ્યા.
નાનુભાઈના એ શબ્દો અને વર્તનથી કોકિલાબેન અને મી. યશ બંનેના અંતરમાં એક ગજબની ઠંડક થઈ આવી. કોકિલાબેનના સળગતા એ અંતર ઉપર ઠંડા પાણીની છોળ રૂપી એ સહાનુભૂતિ એમની આંખોમાંથી ઝાકળ બનીને વહેવા લાગી. મી. યશ પરમાર એક સારા અને પ્રીતિષ્ઠહિત વકીલ હતા. એમને પણ નાનુભાઈ ઉપર ગર્વ થયો.
"અત્યારે ફિઝની રકમ હું નઇ લઉ." બંડલ નાનુભાઈને આપતા મી. યશ બોલ્યા, "હું કેસ જીત્યા પછી જ ફિઝની રકમ લઉ છું અંકલ."
"ભલે જેમ આપ ફરમાવો તેમ સાહેબ......" કહી નાનુભાઈ કોકિલા બેન સાથે એમની ચેમ્બરમાંથી બહાર નીકલ્યા.
છેલ્લી બધી જ મુલાકાતોમાં આ એકજ મુલાકાત એમના માટે હકાર હતી. એમને ફરી એક આશા બંધાઈ.
"શિવ કરશે તો આ વકીલ રચિતને નિર્દોષ સાબિત કરી દેશે ભાભી." ટેક્સીમાં બેસતા નાનુભાઈએ એમને કહ્યું.
"શિવની આ કસોટી ખૂબ કપરી છે....! કોણ જાણે મહાદેવે શુ ધાર્યું હશે નાનુભાઈ....!"
અને સાચે જ એ શિવની કસોટી ખૂબ જ કપરી હતી. તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એમના માટે એક બીજો આઘાત બારણે એમની રાહ જોઇને જ ઉભો હતો....
To be continue.....
વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”