Ver virasat - 40 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | વેર વિરાસત - 40

Featured Books
Categories
Share

વેર વિરાસત - 40

વેર વિરાસત

ભાગ - 40

જેને માટે આ બધું કર્યું એ બહેન લગ્ન કરીને દૂર જતી રહી હતી એનો તો રંજ હરગીઝ નહોતો, બલકે આરૂષિને સુખી સંસાર મળે એ જ તો ધ્યેય હતું ને. સરોજ પાસે આ સાધના શીખવાનો મૂળ હેતુ પણ તો એ જ હતો. એ સિદ્ધ થવાથી ખરેખર તો હરખ કરવો રહ્યો એ અવસર જ ન આવ્યો. આરુષિને જીવનસાથી તરીકે વિશ્વજિત મળી ગયા પછી એ જ બંને બહેનો વચ્ચે દીવાલ થઇ જશે એવી તો કલ્પના બંને બહેનોને સ્વપ્ને નહોતી .

'આપણે આપણી જિંદગી ખુશહાલ રાખવી હોય તો તારી બેન સાથે અંતર રાખવું પડશે..… નહીતર..… 'અધૂરું મુકાયેલું વિશ્વજિતનું વાક્ય ગર્ભિત ધમકી જેવું હતું. સુખી લગ્નજીવન વિતાવવું હોય તો એક આકરી કિંમત ચૂકવવાની હતી આરૂષિએ, તમામ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને.

' આ બધું જાણ્યા પછી મારા ઘરમાં, મારા કુટુંબમાં તારી બહેન માટે કોઈ જગ્યા નથી. સાચી વાત કહું તો મને તું એની સાથે વાતનો વ્યવહાર રાખે એ પણ પસંદ નથી. હવે તારે સુખી પરિણીત જિંદગી જોઈએ છે કે પછી તારી બેન, એ પસંદગી તું કરી શકે છે...' એક ઘાને બે કટકા જેવું વિધાન કરતી વખતે વિશ્વજિતે બંને બહેનોની લાગણીનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો, એણે તો ફરમાન સુણાવી દીધું હતું. ફેંસલો હવે આરૂષિએ લેવાનો હતો.

ને દિલ પર પથ્થર રાખીને આરૂષિએ જિંદગીનો આકરામાં આકરો નિર્ણય લેવો પડ્યો : તમે જેમ કહેશો તેમ.....પણ...

ખરેખર તો પણ ને આખી વાતમાં સ્થાન જ ક્યાં હતું ? આરૂષિ ને વિશ્વજિત લગ્નના એક જ મહિનામાં તો વિદેશ જઈ રહ્યા હતા. આરૂષિ પાસે એક જ વિકલ્પ હતો, છેલ્લીવાર બેનને ભેટીને હિબકાં ભરતાં માફી માંગવાનો .

કેટલી નિસહાય હતી એ.

'માફ કરી દે આરતી મને, હું તો બેનના નામ પર કલંક છું... તેં શું ન કર્યું મારા માટે ને મેં એનો કેવો બદલો વાળ્યો ....'

'આરૂષિ, જે નિર્મિત હશે તે થયું છે. હવે એનો હરખ શોક કર્યા વિના જે મળ્યું છે તેને વધાવી લે....' આરતીએ કહ્યું તો હતું સ્થિતપ્રજ્ઞ ભાવે પણ અંતરમાં વલોવાઈ રહેલા ઝંઝાવાતને પોતે કઈ રીતે થામી શકશે એ એને પણ ક્યાં ખબર હતી ? કોઈ અજ્ઞાત ચિંતા રાત માથે લેતી રહી હતી, પણ હવે આ બધું આરુષિને કહેવાનો અર્થ નહોતો.

આરુષિને વિશ્વજિત તો ઉડી ગયા હતા વિદેશ.પાછળ રહી ગઈ હતી આરતી ને એકલતા, એમના જવાને અઠવાડિયું નહોતું વીત્યું અને મામીએ ઉત્તમકુમારની વાત પછી દોહરાવી હતી.

આરતી મૂંઝાઈ ગઈ હતી. હવે તો હૃદય ઠાલવવા આરૂષિ પણ નહોતી .

એવી જ એક બપોરે લાગ મળતાં એ સરોજની પાસે પહોંચી ગઈ હતી.

'સરુ દી, હવે તમે જ માર્ગ કાઢો ....' આરતીના ચહેરા પર ફિકર છતી થઇ રહી હતી.

' હવે પાછું શું થયું ? આરુષિને કોઈ સમસ્યા ...?' સરોજને નવાઈ લાગી હતી.

'ના, ના... આરુષિ તો હવે એની દુનિયામાં ખુશ છે, એની વાત નથી. હવે વાત મારી છે. કોઈ માર્ગ સૂઝતો નથી. પણ, એક વાત નક્કી છે, હું એ બુઢ્ઢાને તો હું હરગીઝ નહીં જ પરણું .... એવી પરિસ્થિતિમાં હું આપઘાત કરીશ પણ.....'

આરતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. સરોજ એને શાંત પાડવાના સાથે આખી વાત સમજવાનો પ્રયાસ કરતી રહી.

વાત સાફ હતી. રંજનમામીને બગાસું ખાતાં પતાસું આવી પડ્યું હોય એમ એક ભાણીની જવાબદારીમાંથી મુક્તિ મળી ગઈ હતી, બસ હવે આ બીજી પણ જલ્દી જાય એટલું સારું એવી તજવીજમાં એ વયસ્ક યજમાન સાથે જ ચોકઠું ગોઠવાઈ જાય એની તજવીજમાં હતી. એમાં વળી એક કાંકરે બે પક્ષી મરે એમ હતું, એક તો માથેથી આ ભાણીનો બોજ ટળે ને સાથે સાથે શ્રીમંત યજમાનની રહેમ નજરમાં વસી જવાય તે છોગામાં.

'મને જરા વિચારવા દે આરતી, આમ અથરી ન થઇ જા...' સરોજ વિચારી તો રહી હતી પણ રંજનમામીનો ચહેરો નજર સામે આવતાં જ એ કામ કેટલું કપરું છે તેનો ખ્યાલ આવી જતો હતો. રંજન ભારે તોરીલી તો હતી જ ને ઉપરથી હઠીલી પણ ખરી, ને વળી પ્રૌઢ પુરુષની યુવાન પત્ની પણ ખરીને. પતિ પાસે હા કેમ પડાવવી તે વિશેના તમામ શસ્ત્ર ને શાસ્ત્રથી અવગત હતી.

લોઢાને કાપવા લોઢું જ વાપરવાનું હતું. કામ બળથી નહીં કળથી લેવાનું હતું.

ક્યારેય શિવનાથ શાસ્ત્રી ને રંજન સાથે વાટકી વ્યવહાર ન રાખતી સરોજે રંજનને મનાવી લીધી હતી.

' આમ તો હું કહેતે નહીં પણ આજકાલ મારી તબિયત ઠીક રહેતી નથી અને હરિદ્વાર ગયા વિના છૂટકો નથી. જો બે અઠવાડિયા માટે આરતી મારી સાથે આવી શકે તો ?'

પ્રસ્તાવ સાંભળીને રંજન રાતીપીળી થઇ જ જશે એની ધારણાં ખોટી નહોતી પડી પણ, રંજનને કેમ સમજાવવી એનો પ્લાન સરોજ મનમાં ઘડીને જ ગઈ હતી.

રંજન કંઇ બોલે એ પહેલા જ સરોજે સોનાની વાળી કાઢીને રંજન સામે ધરી હતી : ડીઝાઇન ગમી ?

સોનાની વાળી જોઇને રંજનની આંખમાં આવી ગયેલી ચમક છૂપી રહે એવી નહોતી. : મારે પણ કરાવવી હતી, પણ હવે આવતે વર્ષે ....

'અરે, ગમે તો રાખો ને... તમે પહેરશો તો મને ગમશે ....' સરોજ મોઘમમાં લાલચ આપી ચૂકી હતી.

હવે ન તો વધુ કંઈ કહેવાનું હતું ન સાંભળવાનું હતું. મામા શિવનાથની મરજી શું હતી એ પૂછવાની જરૂર પણ નહોતી.એનો જવાબ રંજને જ આપી દીધો હતો.

'કહું છું સામેવાળી સરોજ સાથે થોડાં દિવસ આરતીને ઋષિકેશ મોકલી આપીએ. જરા ફરી આવશે તો એનું મન પણ હલકું થઇ જશે. આમ પણ આરુષિના ગયા પછી સોરાતી રહી છે...એકવાર મન હળવું થશે તો પછી લગ્ન માટે વિચારશે, બાકી તમને તો ખબર છે કે તમારી આ નમાયી ભાણીઓ કેવી હઠીલી છે..'

શિવનાથ શાસ્ત્રી ભલે ગામમાં પૂછાતું નામ હોય પણ પત્ની પાસે તો મીંદડી થઇ જતો પતિ હતો ને, એ શું બોલે ?

અને એ દિવસ આવી પહોંચ્યો, દિલ્હી જતી ટ્રેનમાં સરોજ સાથે ચઢી રહેલી આરતીએ છેલ્લી નજર નાખી લીધી. હવે આ શહેર કાયમ માટે અજાણ્યું થઇ જવાનું હતું. ફરી ક્યારે જોવા મળે ન મળે...

કલકત્તાથી દિલ્હી પહોંચીને ત્યાંથી કરેલી પ્રાઇવેટ ટેક્સી દોડી રહી હતી ઉબડખાબડ રસ્તાઓ પર. જેની મંઝિલ હતી પાલમપુર.

પાલમપુરના આશ્રમમાં પહોંચતાં આરતીને ઘર પહોંચી ગયા હોય એવી લાગણી થઇ હતી. પહાડની ગોદમાં વનરાજીના વૈભવ વચ્ચે વસેલો નાનો સરખો આશ્રમ જેટલો સાદગીભર્યો હતો એટલો જ નાનો પણ હતો. છતાં એવું કોઈક ચુંબક હતું જે સાધકોને ખેંચતું રહેતું હતું, જાણે પ્રકૃત્તિની આગોશમાં ગુંજતી સુરાવલિ.

સરોજના કર્તાધર્તા એવા ગુરુ મુનિ અમરજ્યોતિ ને ગુરુમા અમૃતાએ આરતીને એવી રીતે આવકારી હતી કે લાગ્યું સાચું ઘર તો આ જ હતું.ગણતરીના દિવસોમાં તો આરતી સંપૂર્ણપણે આશ્રમમય બની ચૂકી હતી જાણે કે એ વર્ષોથી ત્યાં સ્થાયી હોય !!

'આરતી, તું તારા નિર્ણયમાં દ્રઢ છે હજી ? જો કાલે તું તારો નિર્ણય ફેરવશે તો મારે ધરતીમાં સમાઈ જવા જેવી પરિસ્થિતિ ઉભી થશે.....' સરોજ એકનો એક પ્રશ્ન રોજેરોજ કરતી રહી હતી.

આરતીને પાલમપુરમાં પોતાના ગુરુ મુનિ મહારાજના આશ્રમમાં તેમની શરણમાં મૂકીને જતાં સરોજ ડરી રહી હતી. પ્લાન તો જડબેસલાક બનાવ્યો હતો પણ એક નાની સરખી ચૂક એનું જીવવું હરામ કરી નાખે તેમ હતું.

સરોજના ડરનો મોક્ષ મુનિજીના શબ્દોથી જ થઇ ચૂક્યો હતો. એમ કહેવાતું કે મુનિ મહારાજને વચનસિદ્ધિ હતી. એમનું બોલ્યું હકીકત બની ને જ રહેતું. સરોજનો ડર એમને ચપટીમાં ઉખાડી ફેંક્યો હતો.

'તું તારે ચિંતા ન કર, બધું એ સંભાળશે. ' ઉપર આકાશ તરફ આંગળી ચીંધીને બોલાયેલા એ શબ્દો આરતીના દિલમાં ટાઢક વળવા પૂરતાં હતા.

'અન્યથા નિયતિની વિરુદ્ધ કશું થઇ શકતું નથી. આ દીકરીને શિરે મોટી જવાબદારી લખાયેલી છે એ હું વાંચી શકું છું.' મુનિ મહારાજને સરોજનું આમ આરતીને સાથે લઈને આવવું વિના કોઈ કારણ થયું હોય એવું નહોતું લાગ્યું. ગુરુજી માત્ર બોલીને જ નહોતા અટક્યા એમણે તો આરતીને ત્રીજા જ દિવસથી કામકાજ સોંપવાનું શરુ કરી દીધું હતું .

આશ્રમમાં આવનાર મહેમાનોની વિગતોની યાદી બનાવવાથી શરુ થયેલું કામ ગૌશાળાના હિસાબકિતાબ ને રસોડામાં જરૂરી દેખરેખ સુધી લંબાયું ત્યારે સરોજને ખ્યાલ આવી ગયો કે આરતી આશ્રમનો ભાગ બની રહેવાની.

ખરેખર તો સરોજને પોતાના ગુરુની વાણીમાં લગીરે સંદેહ નહોતો એટલે વધુ દલીલ કરવાનું મૂકીને એ રંજન ને શિવનાથને શું કહેવું તેની મથામણમાં પડી હતી.

આયનામાં જોઇને પોતે રોજ બે ત્રણવાર રીહર્સલ કરી લેવાનું ન ચૂકતી , વિના કારણ હૃદયમાં ધ્રાસકો પડી જતો, પોતે મદદ કરવામાં કોઈક મુસીબતમાં તો નહીં પડી જાય ને ?

ક્યાંક પોતાના હાવભાવ જ વાત છતી ન કરી દે. ને મામામામી પોતાને ગુનેગાર ન સમજી બેસે ....

આખરે એ દિવસ આવીને ઉભો રહ્યો જે માટે સરોજના મનમાં હળવો ફફડાટ જાગતો રહેતો હતો. વિદાય લેતી સરોજને ભેટીને આરતી રડી પડી હતી. : સરુ દી, તમારું ઋણ કયા ભવે ચૂકવીશ ? પણ એક વિનંતી છે..... ગમે તેમ કરીને પણ આરુષિને સાચી વાતની જાણ કરવી ન ભૂલશો.... મારું આ સરનામું એને ગમે તેમ રીતે પહોંચાડી દેજો.

બે પાંચ વર્ષે ક્યારેક તો આરૂષિ ઇન્ડિયા આવશે ને...

એવું વિચારતી વખતે ખબર ક્યાં હતી કે લખનારે તો શું યોગ સર્જ્યો હતો કે બેઉ બહેનોનો મેળાપ હવે આ જિંદગીમાં થઇ શકવાનો નહોતો.

***

મહિના સુધી સરોજનો ન કોઈ ફોન આવ્યો ન સંદેશ, આશ્રમમાં જીવન ગોઠવાતું જતું હતું છતાં મનમાં ઉચાટ થઇ આવતો : ક્યાંક આરુષિને સાચી વાતની જાણ થઇ હશે કે કેમ ? મામા મામીએ ઉપાડો લઈને સરોજનું જીવવું હરામ કરી નાખ્યું હશે તો ?

સરોજના ગયા ને બે મહિના જેવો સમય થઇ ગયો છતાં એની બાજુથી કોઈ સમાચાર ન મળ્યા ત્યારે આરતીને મનોમન ફાળ પાડવા લાગી હતી. ગુરુજી ને મા સાથે મન તો એવું હળી ગયું હતું કે જાણે પૂર્વભવના માબાપ મળી ગયા હોય પણ દિલનો ચચરાટ રહી રહી ને જાગતો. એનું કારણ બીજું કોઈ નહીં ને આરૂષિ હતી.

ન તો એનો કોઈ કોલ આવ્યો ન સમાચાર એટલે અર્થ એમ થયો કે સાચી વાતની જાણ આરુષિને થવા પામી નથી. ક્યાં તો સરોજ પોતે જ કોઈ સમસ્યામાં આવી ગઈ હોય ?

રોજ સવારે આશ્રમના સાધનાખંડમાં જઈને ધ્યાનમાં બેસવાની સાથે જ મગજમાં વાવાઝોડું શરુ થઇ જતું હતું. રોજ થતી પ્રાર્થનાનો પડઘો પડતો હોય એમ એક બપોરે ટેક્સી આવી સરોજને લઈને.

ગુરુજી અને માને મળ્યા પછી એકલા મળવાની તક મળી એટલે તરત જ આરતીએ મનમાં ઉછળી રહેલી વાત પૂછી કાઢી.

સરોજ એટલે જ તો આવી હતી, મળીને હળવી થવા. એને એકલા પડ્યા એટલે ટકોરાબંધ હિસાબ આપવા માંડ્યો.

પાલમપુરથી નીકળીને સરોજ ગઈ હતી ઋષિકેશ. પ્રાયોજિત નાટકનો છેલ્લો અને આખરી અંક ભજવવાનો હતો.

બે દિવસ ઋષિકેશથી થોડા કિલોમીટર દૂર આવેલા શિવપુરીના સનાતન આશ્રમમાં રોકાઈને પોતાના જ ઘરે ફોનથી સમાચાર આપ્યા હતા : શિવનાથ શાસ્ત્રીને હમણાં ને હમણાં ઘરે બોલાવી ને રાખો, એક સમાચાર આપવાના છે.

સરોજના આ સંદેશથી શિવનાથ ને રંજન પણ હાંફળા ફાંફળા દોડી આવ્યા હતા. થોડીવાર રહીને સરોજે ફરી કોલ કર્યો ત્યારે શિવનાથ શાસ્ત્રી સાથે વાત થઇ.

' શાસ્ત્રીજી, એક શોક સમાચાર છે.... ' સરોજને લાગ્યો કે જૂઠું બોલતા પોતાનો જ અવાજ બોદો થઇ ગયો છે.

' શું થયું ? બધું ઠીક તો છે ને ? ' સામે છેડે શિવનાથ શાસ્ત્રીનો સ્વરમાં નર્યો ઉચાટ છતો થતો હતો.

' આરતી... આરતી ....' સરોજ આગળ બોલી ન શકી.

'શું થયું છે આરતીને ? કોઈ ચિંતાનું કારણ ?? ....' શિવનાથ આગળ બોલી ન શક્યા એટલે એમના હાથમાંથી રીસીવર રંજને આંચકી લીધું : તમે મારી સાથે વાત કરો, વાત શું છે ?

' આરતીને અકસ્માત નડ્યો... ગંગાજીમાં સ્નાન કરતી વેળાએ....પગ લપસ્યો ને....' સરોજ ભારે કાબી હતી, મજબૂત દિમાગ અને ભારે કોઠાસૂઝવાળી છતાં હળાહળ જૂઠું બોલતાં એનો સ્વર ધ્રુજતો હતો.

' એટલે ભારે ઈજા થઇ છે એમ ? ક્યાં છે એ ? ત્યાં હોસ્પીટલમાં છે ?' રંજન સ્વસ્થતાથી પૂછી રહી.

'ના, એ તો.... એ તો.....'

'એટલે ? સરોજ... તમે શું કહો છો ? એ છે ક્યાં ? ' રંજન કલ્પના કરી શકી કે શક્યતા છે કે આરતી ગંગાના ધસમસતાં પ્રવાહમાં તણાઈ ગઈ હોવી જોઈએ.

'એ ગંગાજીમાં...' વાત અધૂરી મૂકીને આરતીએ પૂરી કરી દીધી. આવું જૂઠું બોલવું પોતે ધાર્યું હતી એથી કંઈગણું વધુ મુશ્કેલ કામ હતું.

'શું ???' રંજનનો સ્વર એની ભ્રમરોની જેમ ઉંચો થઇ ગયો ને આંખો ફાટી ગઈ.

'....કહે છે કે ગંગાજીમાં તણાઈ ગઈ.....' સામે ઉભેલા પતિને રંજને કહ્યું ને એ સાથે જ શિવનાથે રંજનના હાથમાંથી ફોન આંચકી લીધો.

'અરે !! એવું કઈ રીતે બન્યું ? ' શિવનાથ શાસ્ત્રીના અવાજમાં ખરેખર ચિંતા ભળી હતી.

સરોજે હવે જે પ્રેક્ટીસ કરી રાખી હતી એ સંવાદો બોલવાના હતા.

' રોજ ગંગાસ્નાન માટે સવારે અમે જતાં એમ જ એ ગયેલી. પણ બેચાર દિવસથી મને ઠીક નહોતું એટલે હું નહોતી ગઈ. એ કાલે પણ એકલી ગઈ હતી, ને આજે પણ....'

સાવધાની રાખીને બોલતી રહી. ક્યારેક પોતાનો અવાજ જ નાટકીય થઇ જતો લાગ્યો પણ સામે છેડે શિવનાથ એટલા તો તણાવમાં આવી ગયા હતા કે કદાચ એમને આ વાત ધ્યાનમાં જ ન આવી.

'અહીં શિવપુરી પાસે આવા બનાવો વારંવાર બને છે, એટલે સહુએ તાકીદ પણ કરી હતી, મેં તો એકલા જવાની ના પણ પાડી હતી. પણ એ માની નહીં.....' સરોજે બોલ્યા પછી શિવનાથનો પ્રતિભાવ જાણવા ચૂપ થઇ જવું પડ્યું.

'પણ તે હવે શું કરી શકાય ? ' શિવનાથ પરિસ્થિતિ જાણીને થોડા મૂંઝવણમાં પડ્યા હોય એમ લાગ્યું.

'સ્થાનિક ગોતાખોરને પોલીસે કામે લગાવ્યા છે. પણ એમના કહેવા પ્રમાણે....'

'એમના કહેવા પ્રમાણે શું ? હવે શબ્દો ફેરવ્યા વિના સાચી વાત કહો તો સમજ પડે.....'

'પોલીસ કહે છે કે ગંગાજીના બંને કિનારે ઊંડી કોતરો છે. એટલે જ ના પાડે છે એકલા યાત્રીઓને સ્નાનની. ધસમસતાં પ્રવાહમાં ખેંચાઈ જનારને તરત મદદ મળે તો વાત બને બાકી જો કરંટ સ્ટ્રોંગ હોવાને કારણે જો એ કોતરોમાં પહોંચી જાય તો ખલાસ, મોટે ભાગે એમાં બચવાના ચાન્સ......'

'અરે બેન અશુભ ન બોલો !! ' શિવનાથ શાસ્ત્રીની આંખમાં ઝળઝળિયાં ડોકાયાં . એક ભાણેજ લગ્ન કરીને વિદાય થઈને બીજીની વિદાય આવ કેમ લખી વિધાતાએ ?

'અમે આવીએ છીએ, જે પહેલી ગાડી મળે ... પછી વિચારીએ શું કરવું ?'

'એમ ? તમે અહીં ઋષિકેશ આવો છો ? ' સરોજ અવઢવમાં પડી. શિવનાથ આવી વાત કરે એનો તો અંદાજ નહોતો રાખ્યો.

આ પ્લાન આરતી સાથે બેસીને જ તો ઘડ્યો હતો. ત્યારે કહેલું કે શિવનાથ ને રંજન ઋષિકેશ આવી પહોંચે તો પછી શું કરવું ?

આરતીએ કહ્યું હતું કે મામા મામી વાત સાંભળીને ઉપરતળે જરૂર થશે પણ ઋષિકેશ સુધી લાંબા હરગીઝ નહીં થાય, ને એમ જ થયું. શિવનાથની ઈચ્છા હતી ઋષિકેશ આવવાની પણ રંજને થવાકાળ થયું એમ કહીને પતિને રોકી લીધા હતા.

અઠવાડિયા પછી સરોજ ઘરે પહોંચી ત્યારે શિવનાથ શાસ્ત્રીના ઘરમાં શોકનું વાતાવરણ હતું. આરુષિના સાસરિયા પણ બેઠકમાં હતા. તક જોઇને સરોજે આરુષિનો નંબર માંગી લીધો હતો.

સાસરિયામાંથી કોઈક બોલ્યું પણ ખરું કે આરુષિને તરત જ જાણ કરી દીધી હતી પણ હવે જનાર તો ગયું, હવે આરૂષિ આવીને શું કરવાની ?

સરોજની વાત આરતી સ્તબ્ધ થઈને સાંભળી રહી. પોતાના મરણની વાત હતી, એની પર કઈ રીતે પ્રતિભાવ આપવો એ નહોતું સમજાઈ રહ્યું.

મનમાં ઘુમરાઈ રહેલી વાત જબાન પર આવીને જ રહી.

' પણ સરુ દી, તમે આરુષિને જાણ તો કરી છે ને ? નહિતર એ તો બિચારી જીવતેજીવ મરી જવાની...'

સરોજ બે ઘડી આરતીનો ચહેરો તાકી રહી હતી, આરતીને શું કહેવું હવે?

' વિશ્વજિતની મા પાસે જ નંબર લઈને બે દિવસ પછી આખી હકીકત જણાવી ત્યારે એ તો એટલી સ્તબ્ધ થઇ ગઈ હતી કે સામે એક હરફ નહોતી ઉચ્ચારી શકી .'

સરોજ આગળ બોલી ન શકી,ખરેખર તો કહેવું હતું કે,મને તો હતું કે આરુષિ આ સમાચાર સાંભળીને હરખથી પાગલ થઇ જશે પણ એનું આવું નિસ્પૃહ વર્તન ? જાણે તું જીવે છે કે મરી ગઈ એને કોઈ ફરક જ નહોતો પડતો...

પણ, સરોજ ચૂપ રહી કદાચ આરતીનું મન દુભાય એટલે પણ એના મનમાં ચાલી રહેલી ગડમથલ આરતીના મનમાં આબાદ ઝીલાતી રહી.

આરતી સમજી શકતી હતી આરુષિની સ્થિતિ, નક્કી સામે વિશ્વજિતની હાજરી હોવાની ને પતિને શું કહેવું એ વિષે કોઈ નિર્ણય ન કરી શકી હોય....

સરોજે આરતીને આખી ઘટના ક્રમવાર કહી સંભળાવી હતી. કહાણીનો ઉત્તરાર્ધ પૂરો થતો હતો અને મંડાણ થઇ રહ્યા હતા પૂર્વાર્ધના.

એ દિવસે એક સાથે બે ઘટના બની હતી. એક આરતી ગુજરી ગઈ હતી અને બીજી આરતી જન્મી ચૂકી હતી.

આશ્વાસન હોય તો માત્ર એક વાતનું હતું, આરુષિને સાચી વાતની ખબર હતી અને સરોજે એક સારું કામ એ કર્યું હતું કે એ આરુષિને પાલમપુર આશ્રમનું સરનામું અને ટેલીફોન નંબર આપીને આવી હતી.

ક્રમશ: