પ્રકરણ – ૧૪
‘આ કોઈ રીવાજ નથી...’ એણે કહ્યું ત્યારે એના શબ્દો હું બરાબર સાંભળી શક્યો હતો. મારા સાથે આવેલા મામા બહુ ફ્રેન્ક સ્વભાવના હતા. કદાચ મારી અને ધ્રુવની વાતો સાંભળી ગયા હોય ત્યારે એવું મને એમના વર્તન પરથી લાગ્યું. મામા ગાંઠિયાનું છબકડુ લઈને એ જ્યાં ઉભી હતી એ ટોળામાં નાસ્તો કરાવવા સ્વયં સેવક બની ગયા હતા.
‘પણ અમારી ફરજ તો ખરીને...? કે અમે પણ વેવાઈ પક્ષની સેવા કરીએ...?’
‘એ તો અમારી ફરજ છે.’
‘પણ તમે ફરજ ચુક્યા છો, એટલે અમારે જાતે ફરજ પર આવવું પડ્યું.’ મામા હાજર જવાબી માણસ હતા અને હસમુખા સ્વભાવના પણ ખરા, એટલે તરત જ એ દરેકમાં ભળી જતા હતા.
‘તો એવું કરો અમારા તરફથી આ સેવાનો રસાસ્વાદ પણ એમને જ કરાવો. આ અદભુત સેવાનો લાભ તો મહેમાનોને પણ મળવો જ જોઈએ.’ અમે જે તરફ ઉભા હતા એ તરફ આંગળી ચીંધીને એણે ઈશારો કર્યો. મામા એના કહ્યા પ્રમાણે જ ગાંઠિયા, પાપડી અને ગોટાના છબડકા સાથે અમે ઉભા હતા ત્યાં આવ્યા. પાછળ એક દૂધની ડોલ વાળો ભાઈ પણ એમનું અનુકરણ કરતો અમારી તરફ જ વળ્યો. હવે પેટ ભરાય નહિ ત્યાં સુધી અમારે કઈ લેવા જવાની જરૂર પડે એમ ન હતી.
‘કેમ વિમલ શું કે છે...? આ છોકરી સાથે જ તારું ગોઠવી દઈએ તો...?’ મામામે મારા દુધના ગ્લાસમાં થોડું દૂધ રેડતા રેડતા કહ્યું. મને એમનું વર્તન ત્યારે અચાનક ગોટામાં મરચું ચવાઈ ગયું હોય એવું વિચિત્ર લાગ્યું.
‘હવે, અહિયાં તો મજાગ-મસ્તી છોડો. આપણે કઈ ઘરે નથી, કોઈકના ગામમાં છીએ.’ મેં સહેજ હળવા ગુસ્સા દર્શાવતા હાવભાવ સાથે જવાબ વાળ્યો. અજાણ્યા ગામમાં જઈને આમ સંબંધો બનાવવાની એમની વાત મને જરાય ન ગમી. યુ નો વોટ ઘણી વાર નાની મશ્કરી અને વાતમાંથી મોટા વિવાદો ઉભા થાય છે. અને શુભ પ્રસંગોમાં આવા બનાવ ઉચિત ન ગણાય, મારા મનમાં પણ ત્યારે આ જ ચિંતા ઘુમળાઈ રહી હતી.
‘તું ચિંતા શું કામ કરે છે.’ એમણે મારી ડીશમાંથી ગોટાનું કટકું ખાતા ખાતા કહ્યું.
‘તમે અને તમારી આદતો... પણ, મામા મને આમાં ક્યાય એડ ન કરો.’ મેં આખાય પ્રસંગમાંથી છટકવાનો દેખાવ કર્યો.
‘પણ, આમ જોડીનું સિલેકશન તો તારે જ કરવાનું હોય ને...?’
‘હું કાઈ સમજ્યો નહિ.’ મેં કહ્યું ત્યારે બંને કઝીન પણ મને જ ઘુરકી રહ્યા હતા. ‘અરે મને ખરેખર નથી સમજાતું કે મામા શું કહી રહ્યા છે.’
‘તારા લગ્ન માટેની વાત કરું છું. આમ પણ તારા લગ્ન માટે છોકરી જોવાનો સમય હવે નજીકમાં જ છે. આપણામાં સોળ વર્ષે તો કેટલાય પરણી જાય છે, તો છોકરી જોવામાં તને સમસ્યા શું છે...?’ મામાએ સ્પષ્ટતા કરી.
‘આ કાઈ સબંધો જોડવા માટેની જગ્યા તો નથી. અને આમ પણ આ કામ મમ્મી પપ્પા કરે તો જ વધુ સારું.’ મેં આટલું કહીને ફરી નાસ્તામાં ધ્યાન પરોવ્યું. હું જાણતો હતો કે ૨ વાગ્યા પહેલા જમવાનો વખત નહિ જ આવે. એટલે ત્યાં સુધી ભૂખ ન લાગે એટલું અત્યારથી નાસ્તામાં પેટ ભરવું જ યોગ્ય હતું. કારણ કે મામાનું વર્તન જોયા પછી કદાચ હવે જમવા પાછા છેક અહી આવવાની ઈચ્છા મને જરાય ન હતી.
‘એમની સાથે વાત કરવાની જવાબદારી મારી. પણ, તને આ છોકરી ગમે છે કે નહિ...?’
‘મારે કઈ નથી કહેવું આ મુદ્દે...’
‘પણ, વિમલ આમતો મામાની વાત સાચી જ છે.’ ધ્રુવ અને મિલન બંને સાથે જ બોલ્યા. બોલે જ ને, એ બંને જણાની સગાઇ પહેલાથી થઇ ચુકેલી હતી.
‘શું તંબુરો સાચું છે. મને તો કોઈ ઉતાવળ નથી પરણવાની.’
‘સાચું કહું તો વિમલ પાછલા ઘણા સમયથી એ છોકરી તને જ ફોલો કરે છે.’
‘છોડને યાર એ બધું...’ મેં કહ્યું. પણ, વાસ્તવિકતા તો એ હતી કે મારું મન કાલના દિવસથી જ એને જોયા પછી માત્ર એના ચહેરાને જ વાગોળ્યા કરતુ હતું.
‘અત્યારે પણ એ તને જ જોઈ રહી છે.’ મિલને કહ્યું.
‘હા જો કદાચ એ અહી જ આવી રહી છે.’ ધ્રુવે પણ એના સૂરમાં સુર પુરાવ્યો. મામા ત્યાંથી કોઈ વડીલ અંકલની સાથે બહાર નીકળી ચુક્યા હતા.
ધ્રુવના કહ્યા પછી મેં પણ એ દિશામાં નજર ફેરવીને જોયું. એ મારા સામે જોઇને કઈક સમજાવવા પ્રયત્ન કરી રહી હોય એમ મને લાગ્યું. એના હાથના ઈશારા વડે હું એટલું તો સમજ્યો કે એ મને બીજું કાઈ જોઈએ છે કે કેમ, એ વિષે જ પૂછી રહી હતી. મેં સ્મિત પુરતો મૌન જવાબ આપીને મિલન તરફ જોયું. ત્યારે ધ્રુવ અને મિલન એકબીજા સામે મૌન દ્રષ્ટીએ શાંત હોવા છતાં ઘણું બધું કહી રહ્યા હતા.
***
પાછળના એક કલાકથી અમે બધા મિત્રો નાસ્તો કરીને આવ્યા પછી ઉતારા વાળા સ્થાને બેઠા હતા. ‘આપણે તાશ રમવા બેસી જઈએ તો...?’ મિલને મારા અને ધ્રુવ સામે કંટાળા ભરી નજરે સવાલ ફેંક્યો. છેલ્લા દોઢ કલાકમાં અમે ઘણું બધું ફરી અને ફેંદી ચુક્યા હતા. વાતોના વડા પણ કર્યા અને એકબીજાની વાતો શેર પણ કરી, છતાય આજે સમય જાણે લંબાતો જઈ રહ્યો હતો. આખાય રૂમમાં જાનની આરામ વ્યવસ્થા માટે મંગાવેલા ગોદડા અને ઓશિકા મુકેલા હતા. અને અમે બધા એ ઢગલાઓમાં આરામથી બેઠા હતા.
‘આઈડિયા સારો છે, આપણે એના માટે પત્તા પણ જોઇશે. હું અને ધ્રુવ ક્યાંક શોધી આવીએ...’ ધ્રુવ સામે નજર ફેરવીને મેં જવાબ વાળ્યો.
‘ઓકે...’ ધ્રુવે જવાબ આપ્યો.
થોડેક દૂરની દુકાને અમે પત્તા ખરીદીને મુખવાસ જેવું લેવા માટે ગયા હતા.
‘એની વેય, આપણે હવે નીકળવું જોઈએ.’ દુકાનની નજીકના બાંકડા પાસે ઉભા ઉભા મેં ધ્રુવને કહ્યું. કદાચ ત્યારે પણ સ્વરા મારી આસપાસ જ હતી. વારંવાર મારા આસપાસ આવવું અને દરેક પળ મારા વિચારોમાં એનું હાજર હોવું, આ બંને વસ્તુ સાથે ઘટવાનું કારણ અને સંકેત મને ઘણા મોડા સમજાયા હતા.
‘ફરી એકવાર એ અહિયાં હતી.’ ધ્રુવે ચારે તરફ નજર ફેરવીને કહ્યું.
‘હા... મેં પણ જોઈ કદાચ... પણ ધ્રુવ, એનું આપણી આસપાસ હોવાનું કારણ મને હજુ સુધી નથી સમજાતું.’ મેં કહ્યું.
‘સમજાતું તો મને પણ નથી વિમલ, છતાય એક વાત તો સાચી જ છે ને...?’
‘શું...?’
‘જો આપણે આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ કલાક પછી છેક આપણે નીકળી જવાના છીએ, ત્યાં સુધીના સમય પર નજર નાખતા આપણી હાજરી સાથે એની હાજરી એકવાર સરખાવી જો...’ ધ્રુવે તર્કસંગત જવાબ વાળ્યો.
‘કઈ સમજ્યો નહિ.’ હું મૂંઝવણભર્યા ચહેરે એના હાવભાવ સમજવા મથી રહ્યો હતો. લગભગ ગામના રસ્તે ચાલતા ચાલતા અમે ઉતારાનાં સ્થળે જઈ રહ્યા હતા. જ્યારે મેં નજર પાછળ ફેરવી ત્યારે પણ, એ એની ત્રણેક સહેલીઓ સાથે એજ રસ્તે પાછળ આવતી હતી.
‘તું ભલે કાઈ પણ કહે વિમલ, જાન ઉતર્યા પછી જ્યારથી એમના ઘરે જઈને પાછા આવ્યા છીએ, ત્યારથી લઈને આ પળ સુધી તારી હાજરીમાં એની હાજરી સ્પષ્ટપણે દેખાતી રહી હતી. નાસ્તાના સમયે, જમવાના સમયે, લગ્ન મંડપમાં, ઉતારાના સમયે, નહાવા જતા હતા ત્યારે, દુકાને કોલ્ડડ્રીંક માટે ગયા ત્યારે, એમના ઘરેથી નીકળ્યા ત્યારે પણ અને પાછળ ફરીને જોઈ લે વિમલ, કદાચ હું ખોટો ન હોઉં તો અત્યારે પણ એ આપણી પાછળ જ હશે.’ ધ્રુવે કહ્યું. એનું દરેકે દરેક કથન આમ જોતા સાચું હતું. એના ચહેરા પર તોફાની સ્મિત છલકી રહ્યું હતું, અને મારા મનમાં એક અજાણ્યો ડર...
‘તને કેમ ખબર...?’ ધ્રુવે દેખ્યા વગર જે કહ્યું એ તદ્દન સાચું હતું. એ સમયે પણ સ્વરા અમારી પાછળ હતી, છતાં એનો એ અર્થ ન જ કહેવાય કે એ મારી પાછળ આવતી હોય. એની બહેનના લગ્ન છે અને ઉતારના સ્થાને એને કઈક કામ પણ હોય ને...? કદાચ મામાએ તો કાઈ બાફ્યું નહિ હોય ને...?’ મેં મારા તર્કોમાં અટવાતા મનને ફરી એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો.
‘કદાચ એના કોઈ કામથી આવતી હોય...’ મેં ધ્રુવ સામે જોઇને કહ્યું.
‘બની શકે છે...’ એ શાંત રહ્યો. પણ, એના શબ્દો કરતા એની આંખોમાં ઘણું બધું હતું ,ન સમજી શકાય એવું લુચ્ચું સ્મિત...
***
‘હું તમને ગમું છું...?’ લીમડાની આડછ અને શાળાના ખૂણા વાળા છેલ્લા રૂમ પાસે ઉભો હતો ત્યારે સ્વરાએ પૂછ્યું. આમ એકાંત સ્થળે એનું મને બોલાવવું અને આમ પૂછવું મને જરાય માન્યામા જ નહોતું આવતું.
‘હું કાઈ સમજ્યો નહિ.’ મેં કહ્યું.
‘તમારા મામાએ જ તો કહ્યું હતું કે હું તમને ગમું છું, એટલે મને થયું કે કેમ ન તમને પણ આ વિષે પૂછી લઉં.’ એની નજર જમીન તરફ જ હતી.
‘તો તમે, એમને શું જવાબ આપ્યો...?’ મારે એના મનની વાત પણ જાણવી હતી એટલે મેં પણ પૂછી લીધું. એક તરફ એની આંખોમાં એનો જવાબ મને અસ્પષ્ટ લાગતો હતો. ત્યાજ એની ના માં આવનાર મુશ્કેલીના વિચારો મને ડરાવી રહ્યા હતા. પણ, વાસ્તવમાં તો ત્યાર પછી એવું કઈ બનવાનું હતું જ નહિ જે બધું હું આગોતરું વિચારી રહ્યો હતો.
‘મને શું વાંધો હોય, તમે સારા છો. મામાએ કહ્યું કે એ મારા પપ્પા સાથે આપણા લગ્નની વાત કરશે.’ એણે કહ્યું ત્યારે જાણે મારા પગના નીચે જમીન હતી જ નહિ. આઘાત અને વિશ્મયમાં હું સંપૂર્ણપણે ડૂબીને જાણે અસ્ત થઇ ગયો હતો.
‘પણ, એના માટે...’ હું વધુ બોલવા જતા અટક્યો. હું જાણતો હતો કે જે સમાજમાં હું જીવું છું, ત્યાં માત્ર અને માત્ર છોકરાને છોકરી ગમી જવાથી બધું પતી જતું હોય છે એ માનવું તદ્દન ખોટું જ હતું. અહી લગ્ન માટે ઘણી શરતો છે.
જેમ કે,
છોકરાના પરિવારને છોકરી પસંદ હોવી જોઈએ,
છોકરીના પરિવારને છોકરો ગમતો હોવો જોઈએ,
છોકરાના ઘરના લોકોને છોકરીના ઘરના લોકો ગમવા જોઈએ,
છોકરીના ઘરના લોકોને છોકરાના ઘરના લોકો ગમવા જોઈએ,
છોકરાના આસપાસના બધા સગાવહાલા લોકોને છોકરીના પુરા ખાનદાનના સારા હોવાનો વિશ્વાસ હોવો જોઈએ,
અને. છોકરીના આસપાસના બધા સગાવહાલા લોકોને છોકરાના પુરા ખાનદાનના સારા હોવાનો વિશ્વાસ હોવો જોઈએ,
છોકરી જાતિની હોવી જોઈએ અથવા છોકરો એક જ જ્ઞાતિનો હોવો જોઈએ,
સમાજમાં એમની પ્રતિષ્ઠા ઝડપી જોડાણ માટે સક્રિય અને અકબંધ હોવી જોઈએ,
પછી ઓછામાં પૂરી ગામના લોકોની વાતો અને સુઝાવ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
આટલું પત્યા પછી પણ ગોત્ર, કુળ, કુંડલી, વાસ્તુદોષ, તિથી, ગુણ વગેરે તો ખરાજ...
લગભગ આ બધી વસ્તુઓ મળવી તો એટલી જ મુશ્કેલ હોય છે જેટલુ મુશ્કેલ પાણીમાંથી ઓગળેલું મીઠું શોધવાની પ્રક્રિયા હોય છે.
‘મારે હવે જવું પડશે, ભાઈ બોલાવે છે.’ એ આટલું કહીને મારા આગળથી સરકીને મામા અને એની બહેનપણીઓ ઉભી હતી એની વિરુદ્ધ દિશામાં દોડી ગઈ. હું એને માત્ર જતા જોઈ રહ્યો હતો. એટલે સુધી કે મારે જે કહેવુ હતું એને બીજીવાર પાછળથી બોલાવવાની હિમ્મત સુધ્ધા ન કરી શક્યો.
***