“ અરબાઝ, મમ્માનો કૉલ આવે તો હું ગમે તેટલી ઉંઘમાં હોઉં, મને જગાડજો, ન ઉઠું તો આ જગ મારા મોઢા પર ખાલી કરી નાખજો ” કહેતા સફા ધબ્બ દઈને બેડ પર પડી, એ અધમૂઈ જેવી થઈ ગઈ હતી, તનથી ઓછી મનથી વધુ, સખત આરામની જરૂરત હતી, અરબાઝે હામી ભરી, પાંચ મિનિટમાં એની આંખ મિંચાઈ પણ ગઈ, સફાનાં સૂઈ ગયાની ખાતરી કરી એનાં રૂમમાં થી બહાર આવી દાદાનાં ઓરડા તરફ પ્રયાણ કર્યુ, રાતની શરૂઆત થઈ ચૂકી હતી, દાદાને રિપોર્ટ આપવો બાકી હતો.
“ આવો શેહજાદા સાહબ” એને જોતા નવાબ સાહેબે આવકાર આપ્યો, સાંભળવામાં કટાક્ષ જેવો એહસાસ થયો, એ કંઈ બોલ્યા વિના એમનાં પગ પાસે જઈ બેઠો, “ અરબાઝ, આપને ખબર છે, આપણે સફાને અથવા એનાં મા-બાપને કોઈ નુકસાન પહોંચાડવા નથી માંગતા, અમારો બદલો લેવાની રીત થોડી અલગ છે, એ આપને ધીરે ધીરે ખબર પડી જશે, પરંતુ કોઈપણ કામ મારા હુકમ વિના નથી કરવાનું, એ આપને જાણ હોવા છતા શાં માટે પોતાનો નંબર સફાનાં ઘરે મૂકી આવ્યા?” નવાબનો અવાજ ગુસ્સામાં થોડો ઊંચો થઈ ગયો, જોકે નવાબ ગુસ્સો કરવા વિના પણ આ વાત બોલ્યા હોત તો પણ એમની આંખોનાં હાવભાવ સામેવાળા પાત્રને ધ્રુજાવી નાખવા માટે પુરતા હતા..
“ ગુસ્તાખી (ભૂલ) માફ દાદાજાન, મારાથી સફાનો ઊતરેલો ચેહરો ન જોવાયો, એ કારણે આ ભૂલ થઈ ગઈ, આપ જે સજા આપશો, મને મંજૂર છે, વસીમને કોલ કરી એ કાગળ ત્યાંથી ઊંચકાવી લઉં છું ”
“ કોઈ જરૂરત નથી, ” નવાબે અરબાઝને ખિસ્સામાંથી ફોન કાઢતા અટકાવ્યો, “ એ કામ અમે અહીં બેઠા બેઠા ક્યારનું કરી નાખ્યુ, અમે ફક્ત નામનાં નવાબ નથી, પરંતુ એક ખાસ વાત, અત્યારથી લઈ બે દિવસ સુધી એકપણ વ્યક્તિ વગર રજાએ પેલેસમાં દાખલ ન થવો જોઈએ, રજા લેવા માટે વોચમેન આપને ફોન કરશે, આપ અમને પૂછશો, ઠીક છે? અને હા, પેલો બેહોશ કરવાવાળો રૂમાલ તૈયાર કરી કમલીને આપી ઉપયોગનો તરીકો સમજાવી રાખજો, કદાચ જરૂર પડી શકે છે. ” નવાબ સાહેબે આરામખુરશીમાં પગ લાંબા કર્યા..
અરબાઝ ઓરડા માંથી બહાર નીકળતા અસમંજસમાં હતો, એક વાતે એ સ્યોર હતો કે દાદા કોઈને નુકસાન પહોંચાડવાનાં નહોતા, પરંતુ સફાનું કિડનેપીંગ, અંકલ-આન્ટીનું ગાયબ થવુ, સફાને ફરી બેહોશ કરવુ, દાદાની આ બધી શતરંજી ચાલ એને સમજમાં આવતી ન હતી, એમનાં બદલાનો આ તરીકો એને વિચિત્ર લાગતો હતો, ખેર, એને સફાથી મતલબ હતો, દાદાનાં બદલાની આ રમતથી સફા પ્રેયસીનાં રૂપમાં મળી, એ બહુ મોટી વાત હતી એનાં માટે, એ વોચમેન પાસે આવ્યો અને બે દિવસમાં કોઈપણ વ્યક્તિ આવે એટલે પોતાને કોલ કરવાની સૂચના આપી..
***
વોચમેન મુકેશનો કોલ આવ્યો, ફોન કાન પર રાખી અરબાઝ દાદાનાં ઓરડા તરફ દોડ્યો, આવનાર વ્યક્તિનું નામ શહબાઝ હુસૈન છે, એ સાંભળી એને દાદાની સિક્સ્થ સેન્સ પર માન થયુ, નવાબ સાહેબને પણ આશ્ચર્ય થયુ, સાથે આગોતરી પ્લાનિંગનાં કારણે ધરપત પણ થઈ, આવનાર વ્યક્તિને “ નવાબ સાહબ બાહર ગયે હે” એ જવાબ આપવાનું કહ્યુ, અને આગળ એ આગંતુક ચાલ્યો જાય તો ઠીક છે, નહિતર ફરી કોલ કરવાની સૂચના આપી, ફોન બંધ કરી દાદાએ શહબાઝ અંકલ જો અંદર આવે તો શું કરવુ, એ માટે થોડા સૂચનો કર્યા, જે પૈકી સફાને કલોરોફોર્મથી બેહોશ કરવુ અને પોતાના તથા સફાનાં ઓરડાને બહારથી લોક કરવુ ખાસ હતુ, દાદાનાં કહેવા પ્રમાણે શહબાઝની મુલાકાતને હજી ઘણી વાર છે, આ સમય ઉચિત નથી, સાંભળી અરબાઝ મનોમન ગુસ્સે થયો, એને મન આ બધુ જેમ બને તેમ જલ્દી પુરૂ થાય તો સારૂ, એ સફાને જલ્દીથી વિધિવત પોતાની બનાવવા માંગતો હતો, પરંતુ દાદા ગેમ લંબાવ્યે જતા હતા..
વોચમેન તરફથી નવાબની ગેરહાજરીની જાણ થતા પ્રથમ ક્ષણે શહબાઝને રાહત થઈ, પરંતુ બીજી ક્ષણે એ પ્રશ્ને માથુ ઊંચક્યુ કે હવે પેલેસમાં જવુ કયા બહાને? બીજા ઉપાય તરીકે એમણે વોલેટમાંથી પાંચસોની એક નોટ કાઢી વોચમેન મુકેશ સામે લંબાવી, મુકેશનું કુટુંબ નાનું હતુ, પત્ની અને બે બાળકો સાથે એ શાહી પરિવારના મસમોટા પગારમાં ખુશ હતો, લાંચ-રૂશ્વતને એ ધિક્કારતો, અને અહીં કોઈ લાંચ આપવાની કોશિશ કરતુ પણ નહિ, આ પહેલી વાર હતુ, પાંચસોની નોટ જોઈ પ્રથમ તો એને સમજ જ ન પડી કે આ માણસ એને શું કામ આપી રહ્યો છે! લાંચનો અણસાર પામી એનુ મગજ ગિન્નાયુ, “ એય સા’બ, યે પૈસા ક્યું?
“ દેખ ભાઈ, દરઅસલ મુજે બેગમ સાહિબાસે મિલના હૈ, યે રખ લો..” નોટ એનાં હાથમાં મૂકી એ ગેટની અંદરની તરફ ચાલવા લાગ્યા, ઘડીનાં છઠ્ઠા ભાગમાં વોચમેને પોતાનો અણિયાણા ભાલા જેવા દંડાથી એમનો રસ્તો રોક્યો, અને ખતરનાક મુખમુદ્રાથી બહારનો રસ્તો બતાવ્યો, “ દેખો સા’બ, આપકી ભલાઈ ઈસીમેં હૈ કી આપ યહાંસે દફા હો જાઓ, એકબાર બોલ દીયા કિ નવાબ સાહબ નહિ હૈ, તો પૈસા દેને કા ક્યા મતલબ? અબ બેગમ સાહિબાસે મિલના હૈ! હમ કો તો આપ કોઈ ઈમ્પોર્ટેડ ચોર લગતા હૈ, નિકલો યહાં સે, ઈસ વકત મેં આપકો જાને દે રહા હું, મગર આઈન્દા કભી યહાં દિખાઈ મત દેના, વરના મુજસે બુરા કોઈ ન હોગા”
ખલાસ, શહબાઝે ઘણા ધમપછાડા કર્યા પણ તે ન માન્યો તે ન જ માન્યો, એમને લાંચ આપવાની ભૂલ સમજાઈ, માફી માંગી, સાયમાને સાથે ન લાવવા માટે અફસોસ થયો, પરંતુ હવે બાજી હાથમાં થી નીકળી ગઈ હતી, છેવટે નિરાશ થઈ એમણે કાર સમરતપુર ભણી હંકારી..
***
“ અરબાઝ, ત્રણ દિવસ થયા, મમ્મા-ડેડીનો કોઈ ખબર નથી હજી, પ્લીઝ આપણે એકવાર જઈ આવીએ?”
“ ઓ.કે. કાલે સાંજે જઇશું સ્યોર”
“ થેંક્સ, માય સ્વીટુ” સફા વેલની જેમ વિંટળાઈ ગઈ અરબાઝને, બંનેની પ્રણયગાથા રાત-દિવસ પ્રગતિ પર હતી, એને દુખી જોઈ અરબાઝને પણ દુખ મેહસૂસ થતુ, કોઈવાર પુરી ગેમ સફા સમક્ષ ઓપન કરવાનો વિચાર પણ આવી જતો, પરંતુ આ થોડા સમય પુરતુ છે, યે વકત ભી ગુજર જાયેગા, ફિર એક નયી સુબ્હ આયેગી… એ બધી ઉક્તિને સાર્થક ઠેરવતો હોય તેમ હોઠ પર આવેલ શબ્દોને એક કુશળ કલાકારની જેમ ગળી જતો, કાલે સાંજે સમરતપુર જવાની જાણ દાદાને કરવાની બાકી હતી, સફાથી અલગ થઈ એ દાદાનાં ઓરડામાં ગયો, દાદાની મંજૂરી તરત મળી ગઈ, એને આશ્ચર્ય થયુ, “આપનો પ્લાન શું છે?” નો જવાબ એક ભેદી મુસ્કુરાહટ સાથે મળ્યો,
“ આગે આગે દેખો, હોતા હે ક્યા?! બસ આંખ-કાન ખુલ્લા રાખો, જોતા અને સાંભળતા રહો, અને આ સમયે કોઈ બેવકૂફી નહિ, એ તો સારૂ હતુ કે આપણો માણસ ત્યાં એક કાગળ મૂકવા ગયો, આપનો કાર્ડ એની નજરે પડ્યો, નહિતર આખો ખેલ બગડ્યો જ હતો !”
અરબાઝનાં બહાર નિકળવા સાથે નવાબ સાહેબે ફોનનું ચકરડું ઘુમાવવાનું શરૂ કર્યુ,
“ જી નવાબ સાહબ, હુકમ કરો” સામેથી અવાજ આવ્યો,
“ તમારી ડીલ કેટલે પહોંચી? ”
“ આપનાં ઈશારાનો ઈંતેજાર છે, બસ.. શહબાઝને લોભામણી સ્કીમ આપી છે, એને શક ન પડે એ રીતે, એ ઈન્ટ્રેસ્ટેડ પણ છે, પરંતુ મારી કંપનીની શાખ સમરતપુરમાં ન હોવાથી એ ખચકાઈ રહ્યો છે, મેં પુરતા સોર્સ આપ્યા છે એને, કંપનીની માર્કેટ વેલ્યુ તપાસવા માટે, મારી ધારણા પ્રમાણે આજકાલમાં એનો ફોન આવવો જોઇએ”
“ ઈન્વેસ્ટમેન્ટ કોટા થોડો ઘટાડી દો, નફાનું માર્જિન તે જ રાખો, નુકસાની અમે ભરપાઈ કરી દઈશું ”
“ અરે નવાબ સાહેબ, આ શું બોલ્યા? હું તમારા ઉપકારો તળે દબાયેલો…”
નવાબ સામેવાળાની વાત કાપતા સત્તાવાહી રણકામાં બોલ્યા, “ કાલે ચાર વાગ્યે આ બાબતે શહબાઝ સાથે મિટિંગ ગોઠવો, સારામાં સારી હોટલમાં ડિનર પર ઈન્વાઈટ કરો એમને, ફેમિલી સાથે.. કોઈપણ સંજોગોમાં, સમજી ગયા? ”
“ જી ” સામેથી એકાક્ષરી જવાબ સાંભળી ફોન કાપી નાખ્યો, ફરી ચકરડુ ફેરવ્યુ,
“ કાલે સાડા ચાર વાગ્યે “ સફા વિલા” માં સ્ટેજ ગોઠવાઈ જવો જોઈએ ” આ વેળા જવાબની વાર જોયા વિના જ ફોન કટ કરી નાખ્યો.. ફરી એકવાર ડાયલ ઘુમાવ્યુ,
“ બે દિવસમાં અંદરનાં પેજ પર બંનેનાં ફોટા ક્રેશ કાર સાથે! સમજ્યા?”
સામે પક્ષેથી હકાર મળ્યો, રિસીવર ક્રેડલ પર મૂક્યુ, મોઢા પર એક સંતોષકારક ભાવ સાથે નવાબે આરામખુરશીમાં પગ ફેલાવ્યા..
***
“ સફા વિલા” એ જ સ્થિતિમાં હતુ, જે સ્થિતિમાં છેલ્લે સફાએ જોયુ હતુ, ગેટ અધખુલ્લો, મેઈનડોર લોક્ડ, ઓટલા પર ધૂળમાં બૂટનાં થોડા નિશાન અને હિંચકા પરનો અરબાઝનો નંબર લખેલ કાર્ડ પણ યથાવત સ્થિતિમાં હતો, સફા મૂંઝવણમાં હતી, અરબાઝ એથી વધુ આશ્ચર્યચકિત હતો, દાદાનું નેટવર્ક જબરદસ્ત હતુ, એ મનોમન એમની શતરંજને બિરદાવી રહ્યો, “ આઈ થિન્ક, એ લોકો અહીં આવ્યા જ નથી” એ બોલવા ખાતર બોલ્યો, જો કે સફાએ બધુ નોટ કર્યુ જ હતુ, પરંતુ એનું મસ્તિષ્ક કામ કરતુ બંધ થઈ ગયુ હતુ, કોઈ દિશા મળતી નહોતી, અરબાઝ પણ આ સિચ્યુએશનમાં દિલાસો આપવા સિવાય કંઈ કરી શકે તેમ નહોતો, હિંચકા પર બેસી એ આ ઘર સાથે ની સાત-આઠ વર્ષની યાદોને વાગોળતી રહી, રિસેન્ટલી કોલેજનાં દિવસો યાદ કર્યા, સુહાના અને મેહતાબને મળવાનો વિચાર આવ્યો, પરંતુ એ બંને આ મેટરમાં કશું કરી શકે એમ નથી, એ ધારણાથી પોસ્ટપોન કર્યુ.. અચાનક ઊભી થઈ અરબાઝને સવાલ કર્યો “ આપણે પોલીસ કમ્પલેન કરીએ”, અરબાઝ એક પળ માટે હતપ્રભ થઈ ગયો, કરૂણાથી એની સામે તાકી રહ્યો, 2 મહિનાથી કિડનેપ થયેલ છોકરી 8 દિવસથી ગાયબ મા-બાપની ફરિયાદ કરવાનું કહેતી હતી, “ સફી, પોલીસ સ્ટેશનાં ચક્કરમાં આપણુ કામ નહિ, હું વસીમને કહી દઉં છું, એ કમ્પલેન કરી દેશે, અને આપણને ખબર આપતો રહેશે” સફાનાં જવાબની રાહ જોયા વિના એણે મોબાઈલ કાઢી વસીમને કોલ લગાવ્યો, “ હા વસીમ, અંકલ-આંટી તે દિવસ પછી બંગલે આવ્યા જ નથી, તું એક મહેરબાની કરને યાર, પોલીસમાં ફરિયાદ લખાવી દે, મને અપડેટ આપતો રહેજે, પ્લીઝ..” સામેથી વસીમે ઓકે કહ્યુ તે સફાએ પણ સાંભળ્યુ, એનાં મુખ પર થોડી શાંતિ દેખાઈ, અંધારૂ થવા આવ્યુ હતુ, એણે અરબાઝનો હાથ પક્ડયો, બંને બંગલાનાં ગેટ તરફ ચાલવા લાગ્યા, પાંચ મિનિટમાં કાર દિવાનગઢને રસ્તા પર હતી..
***
દિવાનગઢ પેલેસ અતિભવ્ય લાઈટિંગથી શણગારવામાં આવ્યો હતો, કેમ ન હોય, ભવિષ્યનાં ગાદીનશીન અરબાઝ અને નવાબ સાહેબની લાડકી નવાસી સફાની શાદીનો જશ્ન બે દિવસ ચાલવાનો હતો, પેલેસમાં એકેએક વ્યક્તિ જબરદસ્ત વ્યસ્ત હતો, સફા દુલ્હનનાં ડ્રેસમાં સ્ટેજ પર બેઠી હતી, આજુબાજુ કઝીન્સનો મેળાવડો જામ્યો હતો, અરબાઝનું નામ લઈ જાતજાતના જોક્સ બનાવી તેઓ એને ચિડાવી રહ્યા હતા, એનાં મુખ પર એક અજબ જાતની ઉદાસી અને ખુશીનાં મિશ્ર ભાવો હતા, કઝીન્સની છેડખાની પર શરમાતી હતી, પરંતુ અંદરથી એક ગમ હલકો થવાનો નામ નહોતો લઈ રહ્યો, કેટલી મહામહેનતે એ નાજુક છોકરી આ શાદી માટે તૈયાર થઈ હતી, એ જ જાણતી હતી, પોતાના પ્રિયતમ સાથે એક નવી જિંદગી શરૂ કરવાનો ઉત્સાહ હતો, પરંતુ એ ઉત્સાહ પર મમ્મા-ડેડીનાં મૌતનો ગમ એની કાજળઘેરી આંખોમાં વારેઘડીએ પાણી લઈ આવતો હતો.!
ક્રમશઃ…