Navo Janm in Gujarati Short Stories by Tarulata Mehta books and stories PDF | નવો જન્મ

Featured Books
Categories
Share

નવો જન્મ

રીન્કુ જન્મ્યો હતો, ત્યારે ન તો મીઠાઈ વહેંચાઈ ન તો ખિલખિલાટ હાસ્યના ફૂવારા ઉડ્યા, પારણામાંથી નવજાત શિશુનું 'ઉંવા ઉંવા ---' સૌના હૈયાને કોરી રહ્યું હતું, મમ્મી હોસ્પિટલના બેડ પર સ્ટ્રેચર પરથી સુવાડાતી સોનુના ટાઢાદેહને વળગી બેબાકળી થઈ હતી. પપ્પા અશ્રુને કાબૂમાં લેવાનો વ્યર્થ પ્રયાસ કરતા અંતે ડોકટરના ખભે તૂટી પડ્યા. જીજાજી સર્વકાંઈ લૂંટાઈ ગયાના અહેસાસના ગુસ્સામાં 'એવું બને જ કેમ?' ની દર્દનાક ચીસો પાડતા રઘવાયા થયા હતા. સમીરાને લાગ્યું એની અંદર સાવ અજાણી કશીક એના અસ્ત્તિત્વને ખળભળાવી નાખતી ઊથલપાથલ મચી છે, શિલાઓ ભેદાય છે, પથ્થરો ગબડે છે, એના હદયના પાતાળમાંથી સૂકી, કઠણ ભોંયને ભેદીને પ્રબલવેગથી જળપ્રવાહ ચારેકોર ઉછળવા લાગ્યો, જાણે ગંગામાનું પુથ્વી પર પહેલવહેલું અવતરણ થયું. સમીરા તીરની ઝડપે દોડી કોઈ પંખી જમીન પરના પોતાના બચ્ચાંને ચાંચમાં લઈ ઊડી જાય તેમ રીન્કુને પારણામાંથી ઉપાડી છાતીએ વળગાડી દીધો. બે કલાક પહેલાં જ તે હાંફળીફાંફળી ટ્રેનમાં અમદાવાદથી વડોદરા પોતાને ઘેર આવી હતી, પરીક્ષાની ઘમાલમાં એની બહેન સોનુની ડ્યું-ડેટ ભૂલાઈ ગઈ હતી, તે બહેનપણીઓ સાથે રેસ્ટોરાંમાં હતી ને પપ્પાનો ફોન આવ્યો એટલે દોડીને ટ્રેન પકડી લીધી.

સમીરા વકીલ થઈ કોર્ટ ગજવવાના સપના જોતી હતી. એની બહેન બાવીસ વર્ષની ઉંમરે પ્રેમલગ્ન કરી બિઝનેસમેન અખિલ શાહ સાથે મુંબઈ રહેવા જતી રહી. સમીરા વેકેશનમાં મુંબઈ જતી ત્યારે જીજાજી કહેતા 'મારા ધન્ધા માટે વકીલની જરૂર છે, તું લાયસન્સ લઈ અહીં આવી જજે ' પણ સમીરાને મુક્ત આકાશમાં ઉડવું હતું.

રીન્કુના કુમળા પગની હલચલથી તે સપનામાંથી જાગી. એનું પોતાનું જણ્યું બાળક હોય તેમ તેની છાતી જાણે ઉભરાવા લાગી. તેણે પહેરેલા વી નેકના કાળા ફેશનેબલ ટોપમાં તેના કુંવારાં તંગ સ્તનોમાં રીન્કુનુ ગુલાબી મોં ઘસાતું હતું, અખિલની નજર સમીરાને જોઈ રહી, સમીરા શરમાઈ, તેણે ગળું ખોંખારી નર્સને કહ્યું, 'બચ્ચું ક્યારનું રડે છે, દૂધની બોટલ આપને ?' નર્સ ઉતાવળી જઈને બોટલ લઈ આવી. મમ્મી બોલી, 'સમીરા તને નહીં ફાવે મને રીન્કુને બોટલ આપવા દે પછી બબડ્યા બિચારાના નસીબમાં ------' તેને મમ્મીનું કહેવું ગમ્યું નહીં. તેણે અંદરની તાકાતથી કહ્યું, 'હું છું ને, આપણે સૌ રીન્કુને મોટો કરીશું. 'સોનુના બૂઝાતા શ્વાસના કાનમાં મીઠી રવરવ થઈ હશે!

રીન્કુની પહેલી બર્થડે ઉજવવા ઘરમાં સવારથી સૌ તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં મુંબઈથી ફોન આવ્યો. અખિલ મમ્મીને કહેતો હતો, 'તમે બધાં અહીં આવો, મેં અહીં રીન્કુની બર્થડે માટે બધું રેડી કર્યું છે, 'મમ્મી મૂઝવણમાં પડી ગયા તેમણે ફોન સમીરાને આપ્યો.

'હલો જીજાજી તમે વીકેન્ડમાં વડોદરા આવો, પપ્પાની તબિયત ઠીક નથી. મમ્મી -પપ્પા મુસાફરી નહિ કરી શકે. ' અખિલના અવાજમાં દુઃખમિશ્રિત અધીરાઈ ઉભરાઈ, તે બોલ્યો, 'સમીરા તમે સમજો, હું દર મહિને રીન્કુને મળવા વડોદરા આવતો પણ હવે એને જોયા વગર એક દિવસ મારા માટે વર્ષ જેટલો લાં... બો લાગે છે, વીડિઓમાં એનો કિલકિલાટ, મસ્તી, પાપા પાપા.. મા મા નું કાલુ કાલુ બોલવાનું.. ઓહ સમીરા તું રીન્કુનો બધો સામાન લઈ મુંબઈ આવી જા પ્લીઝ ' સમીરા બે ઘડી અવાચક થઈ ગઈ. પપ્પા -મમ્મી વ્યાકુળતાથી પશ્નો પૂછતાં હતાં. સામેથી 'હલો.. હલો 'સંભળાતું હતું . રીન્કુએ સમીરાના હાથમાંથી ફોન ખેંચી ભેંકડો તાણ્યો, સામેથી અખિલ બોલતો હતો 'તમે એને સ્પોઈલ કરી મૂક્યો છે. '

સમીરાને ગુસ્સો આવ્યો, કહેવાનું મન થયું 'આવીને લઈ જાવ તમારા કુંવરને ' એણે કહ્યું રીન્કુ ઉંધે પછી ફોન કરીશ. તે દૂધની બોટલ સાથે રીન્કુને ખોળામાં લઈ રોકિંગ ચેર પર બેસી ઝૂલવા લાગી. રોજ રીન્કુ આમ જ ઉંઘી જતો, પછી સમીરા હળવેથી તેને ખભે સૂવાડી ક્રીબમાં મૂકી દેતી. મોનીટર ચાલુ કરી રૂમનું બારણું ધીમેથી બન્ધ કરી દેતી. બે કલાક ઘરમાં કરફયુ લાગી જાય, એકદમ શાંતિ. કામવાળી બબડતી, 'નવાઈનો દીકરો છે, અમારાં તો ગમે તાં પડૅ તેવા ઘોરે. '

આજે સમીરાએ ક્યાંય સુધી રીન્કુને ખભે સૂવાડી હાથ ફેરવ્યા કર્યો. એણે ઉંવા ઉંવા કરતા નવજાત રીન્કુને પહેલવહેલો પારણામાંથી ઉપાડી પોતાની છાતીએ વળગાળ્યો હતો એ ક્ષણે તેનો નવો જન્મ થઈ ચૂક્યો હતો . એક, બે, ત્રણ.. એમ મહિનાઓ ઢાળ પરથી વહેતા પાણી જેમ વહી ગયા, રીન્કુ સાથે રાત દિવસ પળમાં જતા રહ્યા, સોનુ ફોટામાં હસતી ટેબલ પર ગોઠવાય રહી. કહેવાય છે, સુખમાં સમય ઝડપથી જતો રહે પણ આ તો દેવે દીધેલ કર્તવ્ય હતું છતાં બાળકનું ઘડીક રડવું -હસવું તો વળી પડવુંની નટખટ લીલામાં તે એવી રમમાણ રહી.. જોતજોતામાં રીન્કુની પહેલી બર્થડે આવી ગઈ.

મમ્મી સમીરાને બોલાવતાં હતાં, 'મુંબઈ ફોન જોડ ને, તારા જીજાજી રાહ જોતા હશે. સમીરાએ રીન્કુને જોરથી છાતીએ ચીપકાવી દીધો જાણે કોઈ ઉપાડી જવાનું હોય! મમ્મી કહેતાં હતાં, 'તારે કેટલાં કામ છે, પપ્પાની દવા લાવવાની છે, તું કોલેજમાં ફોર્મ ભરવા જવાનું કહેતી હતી. એ તો પારકી થાપણ એના બાપને સોંપીએ એટલે ભગવાનનો પાડ. ' રીન્કુના ઢગલોક કપડાં, રમકડાં પેક કરતાં સમીરા ઘડી ઘડીએ રીન્કુને આઘો કર્યા કરતી હતી, એ બોક્સમાં મૂકી સહેજ ઊભી થાય એટલે રીન્કુ પાછો બોક્સમાંથી એનો ઘોડો કે ટેડીબેર લઈ ભાગે, એને મન રમત. સમીરા કોઈ દિવસ નહિ પણ આજે ચીડીયાં કરતી હતી, 'તારા ડેડી તને સીધો કરશે, મુંબઈ પેલી બેબીસીટર આગળ ધમાલ કરજે, ઉભો રે તું.. '

મમ્મીને આ તાલ જોઈ હસવું આવતું હતું, સમીરાએ ખિજાઈને ટેડીબેર રીન્કુના હાથમાંથી ઝૂંટવી લીધું, રીન્કુ મોટેથી રડવા લાગ્યો. પપ્પાથી રહેવાયું નહિ 'એ ભોળિયાને રડાવે છે કેમ?' સમીરા બે દિવસથી મનને કાબૂમાં રાખતી હતી, તે બોલી ઉઠી 'તો શું કરું હું રડવા બેસું? એણે દોડીને બાથરૂમનું બારણું બન્ધ કરી સાવર ચાલુ કરી દીધો, બહાર રીન્કુ રડતો હતો અને અંદર ધોધમાર આંસુ ઝીકાતા હતાં, સોનુ ગયાનો ડૂમો વહી જતો હતો. એને સમજાતું નહોતું કે રીન્કુની જવાબદારી ઓછી થાય તો એણે ખુશ થવું જોઈએ, હવે એનાથી વકીલાતના લાયસન્સ માટે તૈયારી થશે. એના સપનાને સાકાર કરી શકશે. એનાં ફ્રેન્ડ સાથે મુક્ત ફરી શકશે પણ જેમ જેમ રીન્કુના રમકડાં -કપડાં બોક્સમાં પેક કરતી હતી, તેમ ઘર ખાલી થતું હતું અને તે પણ ખાલી થઈ ગઈ હતી.

મુંબઈ સ્ટેશન પર અખિલે દીકરાના સ્વાગતમાં બલૂન હાથમાં રાખ્યા હતા. ટ્રેનમાં સમીરાને ખભે સૂઈ ગયેલો રીન્કુ સ્ટેશન પરની ભીડભાડથી જાગતાવેંત રડવા લાગ્યો, અખિલે પોતાના હાથમાં લીધો, રીંકુનું રડવાનું એકધાર્યું હતું, સમીરા ફૂલી પાસે સામાન કઢાવતી હતી. સમીરા એની પર્સ લઈ અખિલની પાસે આવી એટલે રીન્કુ સમીરા પર કૂદ્યો, અખિલ છોભીલો પડી ગયો. સમીરાએ સહજ થતાં કહ્યું, 'ચાલો, કારમાં તેને મઝા આવશે. ' જુહૂ પરના ચોથા માળનો ફ્લેટ સોનુની પસન્દગીનો હતો, એણે શોખથી સજાવ્યો હતો, રીન્કુની દોડાદોડી અને રમકડાંથી ઘર ધમધમી રહ્યું, અખિલ ગાલીચા પર બેસી બોક્સમાંથી વસ્તુઓ કાઢી એંગ્લોઇન્ડિયન જેવી લાગતી બેબીસિસ્ટરને રીન્કુના પ્લેરૂમમાં મૂકવા કહેતો હતો. સમીરા થાકીને બાલ્કની પાસેના સોફા પર બેઠી હતી. તેણે અખિલને કહ્યું, 'બે દિવસ પછી રીન્કુની બર્થડે ઉજવાશે પછી હું જઈશ. 'અખિલ બોલ્યો, ' રીન્કુને અહીં મઝા પડી ગઈ છે ને સોફિયા તેને રાખશે પણ તું વધારે રોકાઈ જા થોડું ફરીશું '

બર્થડે પાર્ટીમાં સૌ મહેમાનો સમીરા માટે સાવ અજાણ્યા હતા. રીન્કુ તેના હાથમાંથી જરાય ખસતો નથી, બેબીસીટરને જોતાવેંત ચીસો પાડે છે. અખિલે ચોક્લેટ આપી પોતાની પાસે લીધો ને . . અરર આ શુ કોઈ દિવસ નહિ ને રીન્કુએ સુ સુ કરી નાખ્યું, અખિલનો સૂટ પલળી ગયો .

બેબીસીટર ગભરાઈને બોલી, 'સોરી સર, વો બહુત ચિલ્લાતા થા, ડાયપર ઠીકસે નહીં લગાયા ગયા. ' સમીરાએ રીન્કુને દૂધની બોટલ આપી, સોફામાં સૂવાડવા મથતી હતી પણ રોકી ચેર પર ઝૂલવાની તેને ટેવ પડેલી, હીબકાં ખાતો માંડ છાનો રહ્યો. મનોમન તે કહેતી હતી, 'રીન્કુ આ જ તારું ઘર છે, તારા ડેડી તને ખૂબ લાડ કરશે. ' બહારની ધમાલ છતાં રીન્કુનો બરડો થપથપાવતા બાલ્કનીમાંથી આવતી શીતલ પવનની લહેરખીમાં તેની આંખોમાં જ નહિ સમગ્ર અસ્તિત્વમાં કુણા સ્પર્શનું ધેન ભરાયું !

ક્યારે મહેમાનોએ વિદાય લીધી તેની જાણ થઈ નહિ. અખિલે તેને હળવું બ્લેંકેટ ઓઢાડી લાઇટ બન્ધ કરી. તે નિરવ સામેના સોફામાં બેઠો, તેણે અનુભવ્યું તેના દીકરાને ઉછેરવાનું ભગીરથ કામ તે કેમ કરી શકશે?તેની પાસે બધું હતું પણ માની મમતા વગર રીન્કુ કેમ રહેશે?એ કયા હક્કથી સાળીને રોકી શકે?સમીરાના મુક્ત જીવનને પોતાના સ્વાર્થ ખાતર બાંધી દેવું?ના ના એનું મન માનતું નથી. આજકાલ કરતાં સમીરા અઠવાડિયું મુંબઈ રોકાઈ ગઈ. રીન્કુને ડેડીની માયા થઈ હતી. સાંજે દરિયાકિનારે સમીરા અને ડેડીની આંગળી ઝાલી દોડાદોડી કરતો. પણ સમીરાનો ખોળો એટલે સિંહાસન મળ્યું હોય તેમ ખીલતો. સાંજે મમ્મીનો ફોન હતો, સમીરાને વડોદરા જવું પડ્યું. તે સવારની વહેલી ટ્રેનમાં રીન્કુને અખિલની પાસે ઉધતો મૂકી ચૂપચાપ ચોરપગલે ફ્લેટની બહાર નીકળી ગઈ. ન અખિલ તેને રોકી શક્યો ન તેનાથી કાંઈ કહેવાયું. સાચે જ તેનું મન કોઈ મોટો ગુનો કરી રહી હોય તેમ ડખતું હતું. તેનું ખોળિયું વડોદરાના ઘરમાં ચાવી ચઢાવેલા પૂતળા જેવું દિશાહીન ફરતું હતું, સમીરાની ભૂખ તરસ ઉડી ગયાં. રિન્કુના કિલકિલાટના પડઘા તેના પાંસળામાં પડઘાયા કરતા, રાતના અંધારામાં બેચેન તે ભટક્યા કરતી, મમ્મીનો બડબડાટ તેનાથી સહેવાતો નથી. છેવટે મમ્મીએ મોડી રાત્રે બૂમો પાડી, 'કહું છું, બારણું ખોલ કોઈ બેલ વગાડે છે. 'સમીરા ભાનભૂલી રીન્કુ કરતી દોડી, જનમની તરસી હોય તેમ તેણે રીન્કુને ચૂમી લીધો, તેના માથે અખિલના હુંફાળા ચુંબનમાં લીન તેની નજર ઢળી ગઈ.