ભોલારામ
શહેરનું જાણીતું ઓડીટોરીયમ આજે પણ એક મોટા સેમીનારનું સાક્ષી બનવા જઈ રહ્યું હતું. કાર્યક્રમનો સમય સવારે દસ વાગ્યાનો હોઈ બધાં બે કલાક પહેલા તૈયારીમાં લાગેલા હતાં. ઓડીટોરીયમનો જુનો ચપરાસી ભોલારામ પણ સ્ટેજની દિવાલે બેનર લટકાવવા બીજા આયોજકોને મદદ કરી રહ્યો હતો. આયોજકોનો ટીમ લીડર પણ બધાને વારે વારે સુચન આપી રહ્યો હતો. ‘‘જુઓ દરેક કામ ખુબ ધ્યાનથી કરજો. ક્યાય પણ ભુલ ન રહે. આજે શહેરના હોશીયાર માણસો આવવાના છે.’’ ફરી પાછુ ભોલારામ તરફ જોઈને કહે છે ‘‘બરાબરને ભોલારામ’’, ‘‘અરે સાહેબ, હું તો વર્ષોથી અહી મોટા માણસો સાથે કામ કરું છું. અને આમપણ આપણે અભણ માણસ એટલે કામ તો કરવું પડે ધ્યાન દઈને.’’ ભોલારામે સહજતાથી કહ્યું. ભોલરામ સાહીઠેક વર્ષના ઓછુ ભણેલા પણ પોતાના કામમાં ઈમાનદાર માણસ. સગા સંબંધી કોઈ નહીં એટલે એકલારામ થઈને આ ઓડીટોરીયમના એક ઓરડાને જ પોતાનું ઘર બનાવેલ. મોટાભાગે હોલમાં શાંતી અને શીસ્ત જાળવવું પડે એટલે ભોલારામના સ્વભાવમાં પણ એ ઘડાઈ ગયેલું. છેલ્લા વીશ વર્ષથી અહીં ભોલારામ કામ કરતા હતાં. હોલમાં પરદા, સ્ટેજ, ખુરશીઓ, લાઈટીંગ બધું જ બદલાયું પણ ભોલારામ એના એજ. ભોલારામ નામ પ્રમાણે દેખાવે-હાવભાવે પણ થોડા હાસીપાત્ર ખરા. પણ સ્વભાવે હોલના એરકંડીશન સિસ્ટમ જેવા જ ઠંડા એટલે કોઈ સાથે બોલાચાલી ન થાય.
બેનર લાગી ગયું. એટલે ભોલારામ પણ વાંચવા માટે પાછલા ડગલે ખસે છે. એટલામાં પાછળ અચનાક આવીને ઉભા રહી ગયેલા. ડૉકટર રમેશ સાથે અથડાઈ જાય છે. ‘‘સોરી સાહેબ, મને ખ્યાલ જ ન રહ્યો કે તમે પાછળ ઉભા છો.’’ ભોલારામ સંકોચ અનુભવતા કહે છે. ‘‘અરે પણ જરા જુઓ તો ખરા, સાહેબને વાગ્યું.’’ સાથે આવેલા વિજ્ઞાનના પ્રોફેસર અનિષસાહેબ થોડા ગુસ્સામાં બોલ્યાં. સાથે આવેલા બીજા વ્યક્તિ સાહીત્યકાર સુધાંશુજી તો વળી હસ્યા. ત્રણેય શહેરના પ્રતિષ્ઠીત નાગરીકો આજના કાર્યક્રમના દાતાઓ હોવાથી વહેલા આવી ગયેલા. ભોલારામ પણ બધાને ઓળખે. ભોલારામે ફરી પોતાની ભુલની ચોખવટ કરતા કહ્યું ‘‘સાહેબ હું તો બેનરમાં શું લખ્યું એ વાચવાનો પ્રયત્ન કરતો હતો.’’ ‘‘અચ્છા... તો આખું બેનર વાંચી બતાવો જરા અમે પણ જોઈએ તમારુ વાંચન’’ ડૉ. રમેશે મજાકમાં કહ્યું. ભોલારામને અહી આવનારા લગભગ બધા જ લોકો જાણતા એટલે ભોલારામને હાસ્યાસપદ સાબીત કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખતા. આમપણ આ લોકો દાતા તરીકે માલીકીપણું તો બતાવી જ શકે. ભોલારામ કહે ‘‘અરે ના સાહેબ આખું બેનર વાંચીશ તો રાત થઈ જશે.’’ ‘‘તો આ મોટા અક્ષરથી લખેલું છે તે વાંચી સંભળાવો ચાલો.’’ સહીત્યકાર સુધાંશુજીએ કહ્યું. ભોલારામ પણ સજા હળવી થતા જ વાંચવા તૈયાર થઈ ગયા. બેનર તરફ ગોઠવાઈને વાંચવા લાગ્યાં. ‘‘આ જ નો વિ ષ ય .... અ હં કા ર’’ આટલું વાંચતા તો એમને પરસેવો વળી ગયો. આ ત્રણેય મહાનુભવો પણ સ્ટેજની નીચે ઉતરી ગયા એટલી વાર લાગી વાંચતા. ભોલારામને પણ પોતાની અવગણના અનુભવ થતા પાછા કામે લાગી ગયા.
‘‘તો આજની ચર્ચા માટે તમારા બંનેની શું તૈયારી છે. કહો જરા.’’ સુધાંશુજીએ પુછયું. પણ ડૉકટરસાહેબને એમની વાતમાં ચાલાકી લાગી એટલે એમણે સામે સવાલ કરતા કહ્યું ‘‘તમે સાહત્યના પારંગત છો. તો તમારાથી જ શરુઆત કરો.’’ પ્રોફેસર અનિષસાહેબે પણ હસતા હસતા માથુ ધુણાવીને સહમતી દર્શાવી. ‘‘નો પ્રોબલેમ’’ એમ કહીને સુધાંશુજીએ ખીસ્સામાંથી કાગળ કાઢયું અને વાંચવા લાગ્યાં. એટલામાં ભોલારામ પાણીની બોટલો લઈને આવ્યાં. બધાના પગ પાસે બોટલો મુકી. ‘‘પાણી હાથમાં આપો, નીચે શા માટે મુકો છો?, પીવાનું છે બધાને’’ ડૉકટરે ચપરાસીને હુકમ કર્યો. ‘‘જી સાહેબ’’ કરીને ભોલારામ બધાના હાથમાં બોટલો આપવા જાય છે. સુધાંશુજીને પોતાની ચર્ચામાં ખલેલ જેવું લાગ્યું, અને વળી એમાં ભોલારામે કહ્યું ‘‘લો સાહેબ પાણી.’’ સાહીત્યકારના મુખમાંથી રચના ને બદલે ગસ્સો ફુટયો ‘‘અરે નીચે મુકી દો બોટલ, જોતા નથી હું કામમાં છું?’’ ભોલારામ પાણીની બોટલ નીચે મુકીને ત્યાંજ ઉભા રહ્યાં તો અનિષસાહેબે પણ પોતાનો વટ બતાવતા કહ્યું ‘‘ચા લઈ આવો જાવ માથા પર શું ઉભા છો?’’ જી સાહેબ કરીને ભોલારામ બહાર નીકળી જાય છે. સુધાંશુજી પોતાની વાત પુરી કરે છે. ‘‘વાહ ખુબ સરસ લખ્યું છે.’’ પ્રોફેસર બોલ્યાં. ‘‘તો હવે તમે કહો આજના વિષય વિશે તમારું મંત્વ્ય.’’ ડૉકટર સાહેબે બોલવામાં ઉતાવળ કરી. ‘‘હું તો વિજ્ઞાનનો માણસ છું મને આવું લખતા ન આવડે. જે યાદ આવશે એ બોલી જઈશ.’’ પ્રોફેસરે વળતો જવાબ આપ્યો. ‘‘તો ડૉકટર તમે જ કઈક કહો આ વિશે’’ સાહીત્યકાર બોલ્યાં. પોતાનું લેપટોપ ચાલુ કરી ડૉકટર તૈયારી જ કરતા હતા એટલામાં ભોલારામ સાથે ચા આવી. ‘‘ચાલો પહેલા ભોલારામની ચા ને ન્યાય આપીએ.’’ એટલું બોલી ડૉકટરે લેપટોપ બંધ કરી દીધું. ત્રણેયને ચા આપતા જ ભોલારામે કહ્યું ‘‘સાહેબ આ ચા મારી નહીં તમારી જ છે, તમે જ આ કાર્યક્રમનો ખર્ચ આપવાના છો.’’ ‘‘એવું કઈ નથી ચા ના પૈસા તમે પણ આપી શકો છો, અને હું તો કહું કે આપી દો ને’’ આટલું બોલીને પ્રોફેસર જોરથી હસ્યા. ‘‘જી સાહેબ હું આપી દઈશ.’’ ફરી સહજતાથી ભોલારામ બોલ્યાં. વર્ષોના અનુભવે ભોલારામ એટલું તો શીખ્યા જ હતા કે મોટા માણસો સાથે ઠંડા મગજે વાત કરવી.
‘‘ચા ના પૈસા નથી આપવા તમારે પણ મારા એક સવાલનો જવાબ આપો.’’ ડૉકટર સાહેબે વિકલ્પ મુકયોં. આ લોકોના સવાલ પણ એમના જેવા અઘરા જ હોય. જવાબ આપીશ તો હસશે બધા મારી મજાક કરશે એવો વિચાર આવતા ભોલારામ બોલ્યાં ‘‘અરે સાહેબ, હું તમારા જેવો હોશીયાર નથી, મને તમારા સવાલના જવાબ ન આવડે’’ ડૉકટર સાહેબને પણ પાછુ પોતાનું લેપટોપ ચાલુ કરવામાં કંટાળો આવતો હોય, એણે ભોલારામનો હાથ પકડીને બોલ્યાં ‘‘તમારે જવાબ તો આપવો જ પડશે.’’ ભોલારામના ચહેરા પર તાણ જોઈ ત્રણેય મહાનુભવો એકબીજા સામે જોઈ રહ્યા. ભોલારામ પણ પરીસ્થીતીનો સ્વીકાર કરી બોલે છે ‘‘તો પુછો સાહેબ,’’ ‘‘તો કહો ગુરુત્વાકર્ષણની વિરોધી શબ્દ ક્યો?’’ ડૉકટર પુછીને સાહીત્યકાર અને પ્રોફેસર સામે જુએ છે જાણે એક અંગ સાહીત્યનું અને એક અંગ વિજ્ઞાનનું લઈ ઓપરેશન કરીને સવાલને જન્માવયો હોય. ડૉકટરની હોશીયારી પર અને ભોલારામની મુજવણ પર ત્રણેય જણ હસવા લાગે છે. ભોલારામ વિચારે છે, આમતેમ જુએ છે પછી છેવટે બેનર બાજુ આંગળી ચીંધતા બોલ્યાં ‘‘આ અહંકાર’’ ‘‘હે... કેવી રીતે?’’ પ્રોફેસર ચા નો કપ ભોલારામ ને આપતા પુછે છે. ભોલારામ ચા નો ખાલી કપ ટ્રેમાં મુકીને બોલ્યાં ‘‘જુઓ સાહેબ તમને આ હોલમાં થોડા દિવસ પહેલા નાના છોકરાઓને સમજાવતા મેં સાંભળેલા કે ગુરુત્વકર્ષણ આપણને જમીન સાથે પકડી રાખે છે નહીંતર આપણે હવામાં ઉડવા લાગીએ, અને સુધાંશુજી હમણા થોડીવાર પહેલા જ તમે પણ વાંચતા હતા કે અહંકાર આવે તો માણસ કેવો હવામાં ઉડવા લાગે. બાકી સાહેબ વિરોધી એટલે ઉધું એટલું તો હું પણ જાણતો જ હોઉને.’’ વાતાવરણમાં સન્નાટો છવાયો, ભોલારામ પણ રાબેતા મુજબ પોતાના કામે લાગી ગયા જાણે પરીસ્થીતી પાછી થાળે પડી ગઈ હોય, પણ આ બાજુ ત્રણેય મહાનુભવોની મનોસ્થીતી ડામાડોળ, કાર્યક્રમ તો ચાલુ થયો. બીજા બધા આજના વિષય પર પોતાના મંત્વ્યો આપતા ગયા. દરેક રજુઆત પછી ભોલારામ પણ તાલીઓ પાડી લેતા હતા. દાતાઓ આજે કશું બોલશે નહીં, એવી જાહેરાત થઈ, બધા બહાર નીકળતા હતા, ત્યારે ભોલારામ ડૉકટર સાહેબ પાસે જઈને પુછે છે ‘‘સાહેબ હું તો રાહ જોતો ઉભો હતો કે આપ પણ કઈક બોલશો, પણ આજે તો આપનું લેપટોપ બંધનું બંધ જ રહ્યું. પ્રોફેસર અને સાહીત્યકાર થોડું હસ્યા પણ એ હાસ્ય જાણે હવે અલગ હતું.
-- ભ્રમીત ભરત.