પ્રકરણ-૧૦
દિવાનગઢનો સંબંધ
(હોસ્પિટલમાં સારવાર અર્થે રહેલા બાબાના રુમમાં એ શેતાન અજાણ્યા માણસના રૂપમાં આવી પહોંચે છે અને બાબાને નિર્દય રીતે મોતને ઘાટ ઉતારીને ત્યાંથી ચોરીછૂપીથી નીકળી જાય છે. બીજી તરફ રિયાને જેણે કારમાં લિફ્ટ આપી હોય છે એ ઈશાન નામક વ્યક્તિ રિયાને પહેલાં તો પોલીસ સ્ટેશને લઈ જાય છે જ્યાંથી તેઓ ઢોંગી બાબાના જંગલી વિસ્તારમાં શોધખોળ કરે છે. શોધખોળ દરમિયાન રિયાને ખાતરી થઈ જાય છે કે કવિતા મરી ચૂકી છે. ઈશાન રિયાને એના ફ્લેટ પાસે ઉતારીને નીકળી જાય છે, પરંતુ એનું એ સ્મિત રહસ્મય છે. હવે આગળ...)
મધરાત થવા આવી હતી. વનરાજ હોસ્પિટલના બિછાને લેટેલો હતો. તેનું અડધા ઉપરાંતનું શરીર દાઝેલું હતું. ઠેકઠેકાણે પાટાપિંડી કરેલી હતી. બે-ત્રણ ફ્રેક્ચર હતાં. છતાં આટલાં બધાં જખમોની તેને જાણે કશી અસર ન થતી હોય એમ તેનો ચહેરો ભાવવિહીન હતો, કારણકે પૂરા અડતાલીસ કલાકથી એ કોમામાં હતો. નાના મગજમાં કશીક વજનદાર વસ્તુ ભટકાવાને લીધે ત્યાં સિરિયસ ઇન્જરી થઇ હતી. જેમ જેમ સમય પસાર થતો જતો હતો, તેમ તેમ તેના બચવાની આશા ધૂંધળી થઇ રહી હતી.
વનરાજનાં પપ્પા બહાર ચિંતામગ્ન બેઠા હતા. પુરુષ હતા એટલે બધા સામે રડી તો શી રીતે શકે ! બે દિવસથી એક જ વિચાર તેમને કોરી ખાતો હતો કે તેમના વ્હાલસોયાએ કોઈનું શું બગાડ્યું હતું. આ અધૂરું હોય તેમ ડોક્ટરની વાતોએ તેમને વધુ ડરાવી મૂક્યા હતાં. રાતનો સમય હતો, તેથી લોકોની અવરજવર ઓછી હતી. અચાનક દરવાજાનાં તળિયેની સાંકડી જગ્યામાંથી આછો સફેદ ધુમાડો અંદર પ્રસર્યો અને તેમની જાણ બહાર દરવાજો અંદરથી લોક થયો. વનરાજના બેડ પાસે ધુમાડાનો ઢગલો થયો અને ધીમે ધીમે એક પહાડી પુરુષમાં ફેરવાયો !
જાણે કોઈ ચલમનો બંધાણી હોય એમ એની આંખો લાલચોળ હતી. લાંબા સફેદ વાળ અને ચહેરો કરડો હતો. તેના ગળામાં કશુંક વિચિત્ર તાવીજ જેવું લટકી રહ્યું હતું. થોડીવાર તે વનરાજને નીરખી રહ્યો... પછી એક રહસ્યમય સ્મિત આપીને તેણે હળવેકથી વનરાજનાં માથા પર હાથ મૂક્યો. ચમત્કાર થયો હોય, એમ વનરાજનો ડાબો હાથ સળવળ્યો. પેલા પહાડી આદમીએ તેના માથા પર, કપાળ પર અને પછી તેના ચહેરા પર હળવેકથી હાથ ફેરવ્યો. વનરાજનું મસ્તિષ્ક જાણે લાંબી તંદ્રામાંથી જાગૃત થયું !
હળવેકથી વનરાજે આંખો ખોલી. સામે એ પહાડી માણસ ઊભો ઊભો તેને તાકી રહ્યો હતો. વનરાજે તેને ન ઓળખ્યો. તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો. પેલાએ ગરજતા અવાજે તેને કહ્યું, “રિયાની જિંદગીથી દૂર થઇ જા, નહીંતર અંજામ સારો નહીં આવે !”
રિયાનું નામ સાંભળીને વનરાજ ચમક્યો. એક જ સેકન્ડમાં પાછલી બધી ઘટનાઓ તેને યાદ આવી ગઈ. તેણે ધીમા છતાં મક્કમ અવાજે પૂછ્યું, “હું રિયાને પ્રેમ કરું છું અને આખી જિંદગી કરતો રહીશ. મને મારી પ્રેમિકાથી દૂર કરવાવાળા તમે કોણ ?”
પેલો જરા મલક્યો અને પછી અટ્ટહાસ્ય કર્યું. આખા રૂમમાં તેના ભયાનક પડઘા પડવાં લાગ્યા. બે ઘડી તો વનરાજ પણ ડઘાઈ ગયો. તેને આ માણસ કંઈક વિચિત્ર લાગી રહ્યો હતો.
“મને પૂછે છે કે હું કોણ, એમ ? જુવાન, તારી આ હાલત કરવાવાળાને ઓળખે છે ? એ હું જ હતો... આ મારું અસલી રૂપ નથી, એટલે કદાચ તને ઓળખવામાં તકલીફ પડતી હોય ! અત્યારે તું પીડામાં છે તેથી તને વધુ હેરાન નહીં કરું. પણ હા, યાદ રાખજે. હવે મારા રસ્તામાં આડો પડ્યો છે ને, તો તને પતાવતાં પહેલાં વધુ વિચાર નહીં કરું... હજી કહું છું, રિયાથી દૂર થઇ જા !”
“મેં કહ્યુંને કે હું રિયાને પ્રેમ કરું છું, એટલે એને ભૂલવાનું તો સપનામાં પણ ન વિચારી શકું !”
“ભલે ત્યારે, દિવાનગઢમાં એક ને બદલે બે કબરો બનાવવી પડશે !” ફરીથી એક ભયાનક અટ્ટહાસ્ય થયું અને એ પહાડી માણસ... ના, માણસ નહીં, શેતાન અદ્રશ્ય થઇ ગયો.
વનરાજ દંગ થઈને બધું જોઈ રહ્યો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો. જે વસ્તુને તે આજ સુધી અંધશ્રદ્ધા માનીને હસી કાઢતો હતો, એના જ લીધે તેની આવી હાલત થઇ હતી, અને હવે વાત રિયાની જિંદગીની પણ હતી. આવી હાલતમાં પણ તેનું મન ઝડપથી વિચારી રહ્યું હતું, આખરે તેના પ્રેમનો સવાલ હતો.
અચાનક તેને પેલા શેતાનની વાત યાદ આવી. ‘દિવાનગઢ !’ હા, તેણે દિવાનગઢનો જ ઉલ્લેખ કર્યો હતો, અને... અને પોતે લોકેટ જે બુકમાં રાખ્યું હતું એ બુક પર પણ ‘દિવાનગઢનો ઇતિહાસ’ લખેલું હતું. મતલબ કે રિયાના સપનાઓનું, પોતાને થયેલાં અકસ્માતનું અને એ લોકેટનું કનેક્શન દિવાનગઢ સાથે હતું. પેલા શેતાન સાથે હતું. હવે બધી કડીઓ મળી રહી હતી. પણ રિયાને આ વાત કેમ કહેવી ? વનરાજનો ફોન ઘરે ક્યાંક પડ્યો હતો અને તે પોતે તો અત્યારે ઊભો થઈ શકે એવી હાલતમાં પણ નહોતો... છતાં ગમે તે રીતે રિયાને આ વાત કહેવાનું તેણે મનોમન નક્કી કરી લીધું. વનરાજ સારી રીતે જાણતો હતો કે જો તે તરત કોઈ પગલું નહીં ભરે તો રિયાને હંમેશ માટે ગુમાવી દેશે ! પોતાની પ્રેયસીને બચાવવા માટે તેની પાસે સમય ખૂબ ઓછો હતો.
***
આખા દિવસની દોડધામને લીધે રિયા સખત થાકી ગઈ હતી. ભયાનક સપનાંઓના ડરને લીધે તેને રોજ સૂવામાં તકલીફ પડતી, પણ આજે તો પથારીમાં પડતાં જ તે ગાઢ નિદ્રામાં સરી પડી અને રોજની જેમ ખોફનો સિલસિલો શરુ થયો.
રિયા એક અંધારા તથા બદબોદાર ઓરડામાં પૂરાયેલી હાલતમાં પડી હતી. તેનાં હાથ-પગ સખત રીતે બંધાયેલા હતાં. તેણે આંખો ખેંચી ખેંચીને આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો, પણ ગાઢ અંધકાર સામે આંખો લાચાર હતી. થોડી થોડી વારે રાની પશુઓના આક્રંદ અને ચિત્કાર સંભળાઈ રહ્યા હતાં ! રિયાએ અનુમાન લગાવ્યું કે તેને જંગલની કોઈ અવાવરુ જગ્યાએ કેદ કરવામાં આવી છે. આખરે આ બધાથી દૂર જવા માટે તેણે ફરી આંખો મીંચી દીધી. જો કે, એ નિષ્ફળ કોશિશ હતી.
અચાનક એક ભયાનક અવાજ થયો અને દરવાજો ઉઘડયો. એક વિકરાળ ઓળો અંદર દાખલ થયો. તે કોઈ વજનદાર ચીજને પોતાની સાથે ઘસડીને આવી રહ્યો હતો. ઝાંખા પ્રકાશમાં રિયાએ પ્રયત્નપૂર્વક જોયું... અને તે થડકી ગઈ. ના, તેની આંખોને કોઈ ભ્રમ નહોતો થયો. પેલો શેતાન વનરાજને વાળમાંથી ખેંચીને ઘસડતો રિયા પાસે આવી રહ્યો હતો ! વનરાજ કોઈ જ પ્રતિકાર નહોતો કરી રહ્યો.
શેતાન નજીક આવ્યો. તેણે ઘૂરકતી આંખોએ રિયા સામે જોયું અને એક બિહામણું સ્મિત કર્યું. રિયા સખત ડરી ગઈ. એ શેતાને વનરાજને એક જ હાથથી અધ્ધર કરીને જોરથી નીચે પટક્યો. રિયાએ વનરાજની સામે જોયું - જોતી જ રહી. વનરાજનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો. તેના હાથ-પગ સંપૂર્ણ રીતે દાઝી ગયા હતાં. તેનાં શરીર પર ઠેકઠેકાણે બચકાં ભરવામાં આવ્યાં હોય એમ અનેક જગ્યાએથી માંસનાં લોચા ખેંચી કાઢવામાં આવ્યા હતાં.
“તારો પ્રેમી તો ગયો, હવે તું જીવતી રહીને શું કરીશ ?” ભયાનક અટ્ટહાસ્ય કરીને એ શેતાને રિયાને ગળામાંથી પકડીને અધ્ધર કરી અને....!
રિયા ચીસ પાડી ઉઠી. ફરી એ જ મનહૂસ સ્વપ્ન ! તે રીતસરની હાંફી રહી હતી. પાછલી રાતમાં ઠંડીનો ચમકારો હતો, છતાં તે પરસેવે રેબઝેબ હતી. હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું... તેણે સામે દીવાલ પર નજર કરી. ઘડિયાળ ત્રણ વાગ્યાનો સમય બતાવી રહ્યું હતું. અચાનક રિયાને વનરાજની યાદ આવવા લાગી. આવા ભયાનક સપનાંઓ હવે તેની જિંદગી સાથે વણાઈ ચૂક્યા હતાં, પણ આજે તેણે વનરાજની જે હાલત જોઈ હતી એના પછી તેને વનરાજની સખત ચિંતા થઇ રહી હતી. ભલે તે એનાથી નારાજ હોય, છતાં આખરે તો એ વનરાજ વગર અધૂરી હતી.
રિયાએ તરત પાસે પડેલો સેલફોન ઉપાડ્યો અને મધરાત હોવા છતાં વનરાજને ફોન લગાવ્યો. જોકે તે રિસીવ કરે એવી શક્યતાઓ ધૂંધળી હતી, છતાં હવે રિયાને વનરાજ સાથે વાત કર્યા વગર ચેન પડે એમ ન હતું.
“ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ....” ફોનવાળી બાઈએ જાણીતો ટહુકો કર્યો ! રિયાએ બીજી વખત ફોન જોડ્યો. બે-ત્રણ રિંગ પછી ફોન ઉપડ્યો.
“હેલ્લો... હેલ્લો વનરાજ, ક્યાં છે તું ? બરાબર તો છે ને ?”
“તમે કોણ ?” સામેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો. એ વનરાજનાં મમ્મી હતાં.
“હું રિયા, વનરાજની દોસ્ત બોલું છું. તમે કોણ છો અને વનરાજનો ફોન તમારી પાસે ક્યાંથી ? વનરાજ ક્યાં છે ?” રિયાએ પ્રશ્નોની ઝડી વરસાવવાની શરુ કરી.
સામે છેડે થોડીવાર માટે મૌન છવાયેલું રહ્યું. પછી એક હળવા ડૂસકાં સાથે વનરાજનાં મમ્મીએ બોલવાનું શરુ કર્યું... તેમની વાત સાંભળીને રિયાને ધ્રાસકો પડ્યો. મતલબ, તેનું સપનું સાવ ખોટું ન હતું. તેની પાછળ પડેલા શેતાને જ વનરાજને નુકસાન પહોંચાડયું છે એ વાતમાં રિયાને હવે જરા પણ શંકા ન રહી. તે તરત વનરાજને મળવા માટે હોસ્પિટલ જવા નીકળી...
***
કચ્છના નાના રણને ચિરતી એક ગાડી પૂરપાટ વેગે દોડી રહી હતી. રસ્તો સૂમસામ હતો, તેથી ટ્રાફિક નડવાનો કોઈ સવાલ ન હતો. પાછલા પહોરની ઠંડક રણ વિસ્તારમાં વધુ જણાઈ રહી હતી. સતત પાંચ કલાકના ડ્રાઇવિંગને લીધે ઈશાનના હાથ જકડાઈ ગયા હતાં, છતાં તેણે સ્ટિયરિંગ પર પકડ જમાવી રાખી હતી. આજે તેનું દિવાનગઢ પહોંચવું ખૂબ જ જરૂરી હતું. હાઇ-વે પરથી ઉતરીને ગાડી એક સૂમસામ ધૂળિયા રસ્તા પર દોડી રહી હતી. રસ્તો અખડદખડ પણ હતો, તેથી તેની હેડલાઇટનો પ્રકાશ વારે વારે ઊંચો-નીચો થઇ રહ્યો હતો. થોડીવારે એક જૂના બાંધકામનો પ્રવેશદ્વાર નજરે પડ્યો જેના પર મોટા અક્ષરે લખેલું હતું ‘દિવાનગઢ !’
દિવાનગઢ... એક વખતનું સમૃદ્ધ ગામ અત્યારે પોતાના ભવ્ય ભૂતકાળના અવશેષો સાચવીને બેઠું હતું. અહીંના ઘણાંખરાં મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયાં હતાં. સાબૂત બચેલાં જૂજ મકાનોનાં મોટાભાગનાં રહેવાસીઓ વિદેશોમાં સ્થાયી થયાં હતાં. ધૂળ ઉડાવતી કાર સાંકડી શેરીઓમાંથી પસાર થઇ રહી હતી. આખરે એક બેઠા ઘાટના મકાનની આગળ ઇશાને ગાડી થોભાવી.
તેણે અહીં આવવાની જાણ પહેલેથી કરી દીધી હતી, તેથી બે નોકરો બહાર જ ઉભા હતા. એક નોકરને ચાવી આપીને તે અંદર ગયો. બહારથી સામાન્ય દેખાતા મકાનની અંદરની ભવ્યતા કોઈ શહેરી તવંગરને પણ શરમાવે ! રજવાડી સાજ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી. હોલમાં વચ્ચોવચ્ચ લટકતો ઝુમ્મર, કલાત્મક તમંચાઓનો શો-કેસ, દીવાલ પર જડેલા સાબર અને વાઘના મુખવટાઓ અને પૂર્વજોની વિશાળ છબીઓ, આ બધું મકાન માલિકની જાહોજલાલીની ચાડી ખાતું હતું.
હોલની જમણી તરફ વળીને ઈશાન એક ઓરડાના દરવાજા પાસે પહોંચ્યો. ત્યાં ઉભેલા ચોકીદારને ઉદ્દેશીને તેણે કચ્છીમાં પૂછ્યું, “માનુ ભા, નાના જાગે તાં ? (નાના જાગે છે ?) પેલાએ હકારમાં ડોકું ધુણાવ્યું. ઈશાન અંદર દાખલ થયો. રિયા અને વનરાજનું કોઈ ભવિષ્ય હશે કે કેમ, એ અહીં જ નક્કી થવાનું હતું !!
(ક્રમશઃ)
આ પ્રકરણના લેખક છે: પ્રતીક ડી. ગોસ્વામી.