પ્રેમનું પુષ્પ
-રાકેશ ઠક્કર
કોલેજમાં નવા જ આવેલા આસવની નજર રંગબેરંગી પતંગિયાની જેમ ફરી રહેલી છોકરીઓ પર ઉત્સુક્તાથી ફરી રહી હતી. તેની બાજુમાં બેઠેલા બીજા વર્ષમાં અભ્યાસ કરતા પુલકને આસવના રંગીન અને બેફિકર સ્વભાવની ખબર હતી. આસવ આછકલો ક્યારેય ન બનતો પણ મસ્તીમાં રહેતો હતો. બાળપણથી જ તે આસવને દિલથી ઓળખતો હતો. ભણવામાં તે કાચો હતો. એટલે જ બારમાનો હિમાલય ઓળંગવામાં તેને એક વર્ષ વધારે લાગ્યું હતું. પૈસાદાર બાપનો દિકરો હતો. એટલે બીજી કોઇ ચિંતા ન હતી. મોજ અને મસ્તી માટે જ તે સ્કૂલની જેમ કોલેજમાં આવ્યો હતો. બાકી તેના પિતાનો શહેરમાં સાડીનો મોટો શોરૂમ હતો. અને તેની ગાદી પર તે બેસી જાય તો પણ ચાલે એમ હતું. તેણે શોરૂમમાં જવાનું તો ઘણા વર્ષોથી ચાલુ કરી દીધું હતું. પણ કોલેજ જેટલું ભણ્યો હોય તો છોકરી સારી મળે એવી એની પાકી ગણતરી હતી. પુલક તો તેને કહેતો જ હતો કે છોકરી માટે ડીગ્રી મેળવે કે ન મેળવે જીવન માટે જરૂરી હતું.
આજે પહેલા દિવસે તે ઉત્સાહ અને રોમાંચથી કોલેજમાં પુલક સાથે ફરી રહ્યો હતો. ત્યાં તેની નજર એક ખૂબસૂરત છોકરી પર પડી. અને તે બોલી ઉઠ્યો:"યાર, જો તો ખરો! એને જોઇને મારા દિલની ધડકન વધી ગઇ છે."
પુલકે નજર કરી તો તેના જ ક્લાસની છોકરી હતી. અને તેને તે મનોમન ચાહવા લાગ્યો હતો. આસવની વાત સાંભળી તેનું દિલ એક ધબકારો ચૂકી ગયું. તેને કહેવાનું મન થયું:"દોસ્ત, તારી વાત સાંભળીને મારા દિલની ધડકન બંધ થઇ ગઇ એ તને કેવી રીતે બતાવું." પુલકે સહજ થવાનો અભિનય કરી કહ્યું:"આસવ, એ તો પરીતા છે.. મારા જ ક્લાસમાં છે.."
આસવ ખુશ થઇ ગયો. "અરે, એનું નામ તો પરી જ હોવું જોઇએ. પરીઓ પણ શરમાય એવું રૂપ છે! વાહ! તારા જ ક્લાસમાં છે તો આજે પરિચય મેળો યોજી જ દઇએ?!"
પુલક સહેજ ખચકાઇને બોલ્યો:"હા.. હા કેમ.... નહીં...?"
પુલક પરીતા પાસે ગયો. એને જોઇને પરીતાના ચહેરા પર મીઠી મુસ્કાન આવી. પુલક માંદલું હસ્યો. કમનથી પરિચય કરાવવાનો હોય એમ પુલકે તેની બાજુમાં આવીને ઉભેલા આસવની ઓળખાણ આપતાં કહ્યું:પરી...તા, આ મારો બચપણનો મિત્ર આસવ... પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે...."
"અચ્છા. નમસ્તે." પરીતાએ હાથ ના મિલાવવા પડે એટલે પહેલાં જ નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા. જાણે કહેતી હોય કે મહેરબાની કરીને અમારી વચ્ચે આવશો નહી! જવાબમાં આસવે પણ હાથ જોડી નમસ્કાર કર્યા અને પોતાનો પરિચય આપતાં કહ્યું: મારું નામ આસવ સાડીવાલા... આમ તો અમારી સરનેમ પટેલ છે પણ પપ્પા વર્ષોથી સાડીના બિઝનેસમાં છે એટલે સાડીવાલા તરીકે ઓળખાઇએ છીએ. તમને મળીને આનંદ થયો. હવે મળતા રહીશું...ક્યારેક અમારી સાડીની દુકાને પધારજો. હવે તો છોકરીઓ સાડી ઓછી પહેરે છે. પણ એક ખાસ દિવસ માટે સાડી વગર ચાલતું નથી...." આસવને થયું કે પહેલી મુલાકાતમાં વધુ કહેવાઇ ગયું.
ત્યાં જ "જરૂર.. પુલક, આપણા પીરિયડનો સમય થયો છે... આવે છે ને? કહી પરીતાએ ચાલવા માંડ્યું.
પરીતા ગયા પછી આસવે પુલકને કાનમાં કહ્યું:દોસ્ત, મુલાકાત કરાવતો રહેજે... ચક્કર ચાલી જાય તો સારું..."
"અરે યાર! તું ભણવા આવ્યો છે કે છોકરી પસંદ કરવા ! ચાલ મને જવા દે મોડું થશે." કહી મજાકમાં અણગમો વ્યક્ત ના થાય તેનું ધ્યાન રાખી પુલક જતો રહ્યો.
એ દિવસથી પરીતા અને પુલકની મુલાકાતો ઓછી થવા લાગી. આસવ પરીતા સાથે વધુ વાત ના કરે એટલે પુલક તે ન હોય ત્યારે જ મળવા લાગ્યો. પુલકને લાગતું હતું કે આસવ પરીતાને છીનવી જશે. દોસ્ત હોવાના નાતે તે આસવને પોતાની પરીતા માટેની લાગણી બાબતે કંઇ કહી શકતો ન હતો. તે પરીતાને જ આજ સુધી પ્રેમ કરતો હોવાનો એકરાર કરી શક્યો ન હતો. ત્યાં આસવ વચ્ચે આવી રહ્યો હતો. પુલકના બદલાયેલા વર્તનથી પરીતાને થોડી નવાઇ લાગી રહી હતી.
દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા.
કોલેજમાં આજે રોઝ ડે હતો. કોઇ ભણવાના મૂડમાં ન હતું. સવારથી જ બધા ગુલાબના પુષ્પ લઇને આવી રહ્યા હતા. પરીતા માટે આજનો દિવસ મહત્વનો હતો. તેને હતું કે પુલક આજે તેને ગુલાબનું ફૂલ આપીને પોતાના પ્રેમનો એકરાર કરશે. તે કાગડોળે તેની રાહ જોઇ રહી હતી. ત્યાં જ તેની નજર કોલેજના ગેટ પર પડી. પુલકનો મિત્ર આસવ તેની મોંઘી કારમાંથી ગુલાબનું ફૂલ હાથમાં લઇને ઉતર્યો. પરીતા સાવધ થઇ ગઇ. છેલ્લા ઘણા દિવસથી તે પરીતા સાથે દોસ્તી વધારવા પ્રયત્ન કરી રહ્યો હતો. પણ પરીતા તેનાથી ભાગી રહી હતી. તેને ટાળી રહી હતી. પુલકનો ખાસ મિત્ર હતો એટલે "કેમ છો? સારું છે!" નો વ્યવહાર જ રાખ્યો હતો. આજે તે આસવથી બચવા માગતી હતી, તેને ડર હતો કે આસવ ક્યાંક પ્રેમનો એકરાર કરી બેસશે તો...
પરીતા એક ખૂણો શોધીને ઉભી રહી. આસવ આમતેમ ફરી રહ્યો હતો. થોડીવારે તેની નજર એક ઝાડની બાજુમાં બેન્ચ પર બેઠેલી પરીતા પર પડી. તે અજીબ થનગનાટ સાથે પરીતા સામે જઇને ઉભો રહ્યો. અને હસીને બોલ્યો:"હાય! હેપ્પી રોઝ ડે!" આસવે તરત જ પોતાના હાથનું ગુલાબ પરીતાને સ્ટાઇલથી ધરી દીધું. ફૂલ સ્વીકારવું કે નહીં તેની અવઢવમાં બે ક્ષણ રહ્યા પછી તેનાથી પીછો છોડાવવા નકલી હાસ્ય વેરી "થેન્કયુ" કહી લઇ લીધું. આસવના આનંદની સીમા ના રહી. જાણે પરીતાએ ફૂલ સ્વીકારી કોઇ ઇશારો કર્યો હોય એમ એ ખુશ થઇને ઘરે જવા નીકળી ગયો.
પરીતાએ તેના ગયા પછી ગુલાબનું ફૂલ ફેંકી દઇ તેની લાગણીનો તિરસ્કાર કરવાને બદલે નજીકના એક છોડ પર મૂકી દીધું. અને પુલકની રાહ જોવા લાગી. પુલકના પ્રેમનું પુષ્પ સ્વીકારવા તે રસ્તા પર આંખો ઢાળીને બેસી રહી. પણ પુલક આવ્યો નહીં. જાણે તેના પ્રેમનું પુષ્પ કરમાઇ ગયું હોય એમ કરમાયેલો ચહેરો લઇ ઘરે જવા બસ સ્ટેન્ડ પર આવી. તે બસની રાહ જોઇને ઉભી હતી ત્યારે આસવની કાર તેની પાસે આવીને ઉભી રહી. આસવ કારમાંથી ઉતર્યો અને તેને કહ્યું:ચાલો..આવી જાવ."
પરીતાને સમજાયું નહીં કે શું જવાબ આપે. કારમાં બે જણ હતા. અને તેમના તરફ જોઇને અંદાજ આવી ગયો કે તે આસવના માતા-પિતા હશે.
પરીતા તેમને જોઇને ના પાડી શકી નહીં. તે આસવની બાજુની સીટ પર બેસી ગઇ. અને તેના માતા-પિતાને વંદન કર્યા. તેને થયું કે પોતાના લીધે આ લોકોનો સમય બગડશે. તે એમ કહેવા માગતી હતી કે મુખ્ય માર્ગ પર તેને છોડી દે. પણ આસવ તેના ઘરનું સરનામું પૂછતો જ રહ્યો અને બરાબર તેના ઘરની સામે કાર ઉભી રાખી.
પરીતાએ કહેવા ખાતર "આવો" કહ્યું. અને ત્રણેયને કારની બહાર આવતા જોઇ નવાઇ લાગી. ઘર પાસે કાર આવતાં પરીતાની મમ્મી બહાર દોડી આવી હતી. પરીતાએ આસવની કોલેજના મિત્ર તરીકે ઓળખાણ આપ્યા પછી આસવે બાજી સંભાળી લીધી. અને તેના માતા-પિતાનો પરિચય આપતો ઘરમાં દોરી ગયો.
પરીતા અંદર પાણી લેવા ગઇ. કરસનલાલે લાંબી વાત કર્યા વિના આસવ માટે પરીતાનો હાથ માગી લીધો. મંજુલાબેન તો આ બધું શું થઇ રહ્યું છે તે સમજી શક્યા જ નહીં. તેમણે એક સપ્તાહનો સમય માગ્યો. પરીતા પાણી લઇને આવી. બધાએ પાણી પીધું અને તરત જ બીજે જવાની ઉતાવળ હોવાનું કહી નીકળી ગયા.
તેમના ગયા પછી મંજુલાબેન તો ખુશીથી પાગલ જેવા થઇ ગયા. અને બોલ્યા:"બેટા, તારું તો ભાગ્ય ખૂલી ગયું. સરસ છોકરો અને પરિવાર પસંદ કર્યો છે. તું તો છુપી રુસ્તમ નીકળી. તારી માથી પણ છુપાવ્યું અને એકદમ ધડાકો કર્યો."
"મા તું શું બોલે છે એ જ મને તો સમજાતું નથી. બે મિનિટમાં એ શું વાત કરીને ગયા?"
"અરે! તારો હાથ માગવા આવ્યા હતા..."
"શું?" પરીતાને જાણે સાચું ના લાગ્યું.
"હા, પણ તું અજાણી જેવી કેમ બને છે?" માતાને પરીતાનું વર્તન અજીબ લાગ્યું.
પરીતાએ તરત જ તાળો મેળવી લીધો. આજે તેણે પુલકના મિત્ર હોવાના કારણે આસવનું ગુલાબનું પુષ્પ સ્વીકાર્યું તેને તે ઇજહાર માની બેઠો. અને તેના પરિવારને વાત કરીને લગ્નનું માગું પણ નાખી દીધું.
રાત્રે પરીતાના પિતાને મંજુલાબેને વાત કરી ત્યારે તે પણ ખુશ થઇ ગયા. પોતાની દીકરી શહેરના સાડીવાલા પરિવારની વહુ બનશે એ વિચારથી જ તેમને જીવન સફળ થતું લાગ્યું. પરીતાએ અભ્યાસ, કારકિર્દી જેવા કારણો ધરીને હમણા લગ્ન કરવાની અનિચ્છા દર્શાવી. પણ પિતાએ તેમની ઉંમર-માંદગી અને સારું સાસરું જેવા કારણો ધરી પરીતાને લાજવાબ કરી દીધી.
બીજા દિવસે પરીતાની ઇચ્છા કોલેજ જવાની ન હતી. પણ પુલકને વાત કરી કોઇ રસ્તો શોધવા તે કોલેજ ગઇ.
પુલકને જોઇ પરીતાએ મોઢું ચઢાવી દીધું. અને બબડી:"રોઝ ડે ભૂલી ગયો ને?"
પુલક કહે : મને ખબર છે આજે તારો "રોષ ડે" હશે. પણ શું કરું? પપ્પાની તબિયત અચાનક બગડી ગઇ એટલે દવાખાને લઇ જવા પડ્યા. હવે સારું છે. તું આજે ઠીક ના હોય એમ કેમ વર્તી રહી છે?"
પરીતા કંઇ બોલવા જાય ત્યાં જ આસવ આવી ચઢ્યો.
આસવે પુલકને ચોકલેટ આપતા કહ્યું:"લે, મોઢું મીઠું કર. સારા સમાચાર છે." પુલકે સ્વાભાવિક રીતે ચોકલેટ મોંમાં મૂકી ત્યાં આસવ બોલ્યો:"મારી પરીતા સાથે સગાઇ થવાની છે."
પુલક ચોંકી ઉઠ્યો. મોંમાં રહેલી મીઠી ચોકલેટ કડવી ઝેર જેવી લાગી. અને કડવું કરિયાતું મોંમાં હોય એવું મોં થઇ ગયું. જાતને જેમતેમ સંભાળી તેણે દોસ્તની ખુશીમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો. :ઓહ! બંનેને અભિનંદન!"
પરીતા પણ ખોટું હસી. અને ક્લાસ શરૂ થવાની તૈયારી હોવાથી તેણે પગ ઉપાડ્યા.
એ દિવસ પછી પુલક અને પરીતા ઉદાસ જેવા રહેવા લાગ્યા. બંને એકબીજાને અનહદ ચાહતા હોવા છતાં કંઇ કરી શકે એમ ન હતા. એક દિવસ પુલકને તેણે વાત કરી કે તેની ઇચ્છા આસવ સાથે લગ્ન કરવાની નથી. પણ તે પુલકનો બાળપણનો મિત્ર હોવાથી દોસ્તીમાં તિરાડ ના પડે એમ ઇચ્છતો હતો.
એક મહિનામાં તો સગાઇનો દિવસ આવી ગયો. આસવ એક મંદિરમાં સાદાઇથી સગાઇ કરવા માગતો હતો. તેણે પુલકને કહ્યું હતું કે તેમનો પરિવાર સાદગીપ્રિય છે. ખોટા ખર્ચા કરવામાં માનતો નથી. નજીકના ચાર સગાઓને જ બોલાવ્યા છે.
પરીતાનો પરિવાર મંદિરમાં પહોંચ્યો ત્યારે ત્યાં કોઇ ન હતું. થોડીવારમાં આસવ આવ્યો. તેણે કહ્યું કે તેનો પરિવાર પાછળ આવે છે.
પુલક જવું ના જવુંની અવઢવમાં આખી રાત રહ્યા પછી દોસ્તીને ખાતર મંદિરમાં આવી ગયો. અને દોસ્તને અભિનંદન આપી તેની બાજુમાં બેઠો. મહારાજ આવી ગયા. તેમણે તૈયારી કરી દીધી. પૂજા માટે પહેલા પરીતાને બોલાવી અને પછી વરરાજાને હાજર થવા કહ્યું. આસવ તેના સ્થાનેથી ઉઠ્યો જ નહીં. પુલક કહે"આસવ, મહારાજ, બોલાવે છે..."
"તો જાને! બેઠો બેઠો મારી સામે શું જુએ છે..." આસવે હસીને કહ્યું.
બધાનાં ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ આવી ગયું. આસવ મજાક કરી રહ્યો છે કે સાચું કહી રહ્યો છે તે કળવાનો પ્રયાસ કરવા લાગ્યા.
આસવ ઉભો થયો અને બોલ્યો:"પરીતા અને પુલક, મને માફ કરજો. હું તમારી વચ્ચે આવ્યો. એ તો સારું છે કે અમારો બિઝનેસ મારી મદદે આવ્યો. નહીંતર મેં તમારા પ્રેમનું ખૂન કર્યાનો જિંદગીભર અફસોસ રહી જાત."
"હા, બેટા પરીતા, અમે પણ તમારા સાચા પ્રેમના ગુનેગાર બની જાત." મંજુલાબેન ભાવવાહી સ્વરે કહેવા લાગ્યા:"આસવે અમને જાણ ના કરી હોત તો અમે જાણી જ શક્યા ન હોત."
આસવ પુલકને કહે:"દોસ્ત, તેં તો તારા પ્રેમનું બલિદાન આપી જ દીધું હતું. હું ભલે ભણવામાં કાચો છું પણ કોઇનો ચહેરો વાંચવામાં કાબેલ છું. વર્ષોથી અમે સાડીનો બિઝનેસ કરીએ છીએ એટલે ગ્રાહકોના ચહેરા વાંચવાનો અને કળવાનો અનુભવ છે. ઘણી બધી સાડી બતાવીએ એમાં ગ્રાહકને સાડી પસંદ આવી કે નહીં એ તેની આંખો અને ચહેરા પરથી જાણી લઇએ છીએ. મારી પરીતા સાથેની પહેલી મુલાકાતથી છેલ્લી મુલાકાત સુધીના તમારા ચહેરા યાદ કર્યા ત્યારે મને ખ્યાલ આવી ગયો કે કંઇક ખોટું થઇ રહ્યું છે. ગઇકાલે પુલકના ચહેરા પર ખુશી ચોંટાડેલી લાગી. આંખમાં ઉદાસી હતી. એ પરથી જ મને શંકા ગઇ. અને મેં છેલ્લા એક વર્ષની મુલાકાતો યાદ કરી. મેં પરીતાના માતા-પિતાને ફોન કરીને પરીતા પાસેથી સાચી વાત કઢાવવા આગ્રહ કર્યો. આખરે પરીતાએ પુલક સાથેના પ્રેમનો એકરાર કર્યો. અને મેં પુલક અને પરીતાને એક કરવાનું નક્કી કરી લીધું. પુલક તરત જ આસવને ભેટી પડ્યો. તેના દિલમાં પ્રેમનો બાગ ખીલી ઉઠ્યો હતો. પરીતાની આંખો શરમથી ઝૂકી ગઇ હતી. અને દિલમાં ખુશીનો સમંદર ઉછળતો હતો.
*