નેઇલ પોલિશ
પ્રકરણ – ૮
(વહી ગયેલી વાર્તા : દિનકરરાયની કંપની - ડિનો ગ્રાફિક્સના પુરા થતા પચાસમાં વર્ષનું સેલિબ્રશન ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી થયું. પ્રસંગની સાથે સાથે પૌત્રી આનંદીનો જન્મ દિવસ પણ ઉજવાયો અને લાવણ્યાના નવા સાહસ - વુમન્સ (Woman’s – for New Models, faces) નું ઉદઘાટન થયું. બીજા દિવસે શામજીભાઈને ત્યાં પૂજા હતી. પૂજા બાદ શામજીભાઈને લંડન પોલીસે કિરણનો ખૂની જેલમાંથી ભાગી ગયાના સમાચાર આપ્યા અને એલર્ટ રહેવા કહ્યું).
શામજીભાઈએ પોલીસ સાથે થયેલ વાત કોઈને કરી નહિ. વાત મોઘમમાં રાખી. પડશે તેવા દેવાશેની તૈયારી રાખી. પોલીસે પ્રોટેક્શન આપવાની તૈયારી કરી છે એટલે ડર ઓછો થયો.
ડિનો ગ્રાફિક્સના પચાસમાં વર્ષનું સેલિબ્રશન ખુબ આનંદથી પત્યું. લાવણ્યાના નવા સાહસનું કામકાજ અનુભવી સ્ટાફને રીક્રુટ કરી સોંપવામાં આવ્યું. ધીરે ધીરે એ ક્ષેત્રમાં પ્રગતિ થશે એ નક્કી હતું. ઉર્મિબેન પણ એમાં સતત કાર્યશીલ રહેતા. જયના ધંધાને લીધે એમને ખુબ જ આસાની રહેતી. વુમન્સ એ મોડેલિંગમાં બહુજ અલગ રીતે હરણફાળ ભરી રહી હતી. લગભગ ચાર પાંચ મહિનામાં સારા પરિણામ પણ દેખાવા લાગ્યા.
એક દિવસે ડિનર દરમિયાન એવું નક્કી થયું કે થોડાક દિવસ માટે બધાએ ઇન્ડિયા ફરી આવવું. લાવણ્યા ને ખાસ ઈચ્છા હતી તેથી બધા સંમત થયા.
નવરાત્રીના દિવસો આવવાના હતા એટલે લગ્ન પછીની પહેલી નવરાત્રી ઇન્ડિયા ખાતે ઉજવવી એવું નક્કી થયું અને પોતાના ધંધાની જવાબદારીઓ સોંપી શામજીભાઈની ફેમિલી અને દિનકરરાયની ફેમિલી ઇન્ડિયા આવી ગઈ.
બધાં સગાવાળાઓને મળ્યા દરેક શહેરના ગરબાને માન્યા અને દશેરાના દિવસે બધાં બિલીપત્ર ફાર્મ ઉપર આવી ગયા. બિલીપત્રની કુદરતી સુંદરતા દિન પ્રતિદિન વધતી જતી હોય એવું લાગતું હતું. વરસાદ હવે થંભી ગયો હતો. નાની આનંદીને અહીં રમવાની બહુ મઝા પડી. આખો દિવસ દાદી અને દાદા અને નાના નાની જોડે એ રમતી રહેતી. શામજીભાઈએ આનંદીને એક ઓટોમેટિક કેમેરો જન્મ દિવસની ભેટ તરીકે આપેલો, તે કેમેરો લઇ આનંદી રમતી અને દરેકના ફોટાઓ પાડતી. કેમેરાને એ પોતાનાથી જરાપણ અળગો રાખતી નહિ. એના ફોટાઓને જોઈ બધાં ચકિત થઇ જતા. બહુજ ઉમદા ફોટા જોઈ પપ્પા અને દાદા અભિમાન અનુભવતા. ફોટોગ્રાફી તો જાણે લોહીમાંજ ઉતરી હતી.
એક દિવસે સવારે બધાં બિલીપત્ર ફાર્મના લોન માં બેઠા હતા અને જયે પોતાનો વિચારી રાખેલો નવો પ્રોજેક્ટ ઇન્ડિયામાં શરુ કરવો અને તે પણ અહીજ એવો પ્રસ્તાવ પપ્પા દિનકરરાય સમક્ષ મુક્યો. જયની વાત બધાને ગમી. લાવણ્યાને પણ ખુબ જ ગમી. વિચારેલા પ્રોજેક્ટને પેપર ઉપર આલેખવાનું શરુ થયું. વિશાલ જમીન, કુદરતી સૌંદર્ય, ખરેખર એક સ્વર્ગીય આનંદની અનુભૂતિ હતી. પ્રોજેક્ટ પણ સુંદરતાને અકબંધ રાખીને જ કરવો એવું નક્કી થયું. જય અને લાવણ્યા પ્રોજેક્ટના દરેક ભાગના સ્કેચ બનાવી રહ્યા હતા અને જરૂરી ફૂટનોટ નોંધતાં હતા જેથી કલ્પનાઓ વિસરાઈ ના જવાય.
ઇન્ડિયા આવી શામજીભાઈ એકદમ ટેંશન મુક્ત હતા. વેવાઈના પરિવાર જોડે આનંદમાં હતા. પરંતુ બપોરે ફોન ઉપર કરેલા વાતચીતથી વિચારમગ્ન થઇ ગયા હતા. ફોન એમની પ્રાઇવેટ ડિટેક્ટિવ એજેન્સીનો હતો. જયને નડેલ અકસ્માત એ અકસ્માત નહોતો, પરંતુ એક સાજીસ હતી. વધુ માહિતી માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ હકીકત ખબર પડશે એવી આશા છે.
પહેલો બનાવ કિરણને લૂંટવાનો અને પછી એના ખૂનનો હતો. જો જયના એક્સિડેન્ટની ખરેખરી સાજીશ હશે તો એ બીજો બનાવ અને પોતાની ઓફિસમાં એક ગેંગ દ્વારા થયેલ અટેક એ ત્રીજો બનાવ હતો. શામજીભાઈને ત્રણે ઘટનાઓને એક કડીમાં ગોઠવાતી હોય એવું લાગતું નહોતું. જો કોઈએ નુકસાન પહોંચાડવું હોય તો પહેલો અને ત્રીજો બનાવ એક દિશામાં હોય શકે, પરંતુ બીજો બનાવ કંઈક અલગ કારણથી હોય એવું બને અથવા આ બધા બનાવોનું કારણ - હેતુ ચોરી, લૂંટફાટ કે પૈસા હોય શકે ? શામજીભાઈએ આ ત્રણે બનાવોની વિગત પ્રાયવેટ ડિટેક્ટિવને આપી તાપસને પુરી તાકાતથી પુરી કરવા જણાવ્યું.
લગભગ વીસ દિવસના વેકેશન બાદ દિનકરરાય અને શામજીભાઈની ફેમિલીઓ લંડન પાછી ફરી.
દરેકે પોતાના ધંધાના સ્ટેટસ જાણી લીધા. બધું વ્યવસ્થિત હતું. શામજીભાઈ લંડન પોલીસના હેડને મળ્યા અને બનેલ ઘટનોના સંદર્ભમાં કોઈ ગેંગ સંડોવાયેલ તો નથીને ? તે દિશામાં ગતિશીલ થવા વિનંતી કરી. પોલીસ હજુ કિરણનો ખૂની જે જેલમાંથી ભાગી છૂટ્યો હતો તેને પકડવામાં નાકામ થઇ હતી.
જય અને લાવણ્યા, આનંદીએ ક્લિક કરેલ ફોટાઓને ડેવલોપ કરી પોતાના બંગલાની દીવાલો ઉપર સુશોભિત કરી રહ્યાં હતા. આનંદીનું બધાજ બહુ કુતુહલ કરતા કે નાની ઉંમરમાં ફોટોગ્રાફીની આટલી મોટી સૂઝ ? બાકીના બધા ફોટાઓ એમને કેમેરામાંથી ડાઉનલોડ કરી મેમરી માટે સેવ (save) કરી દીધા.
જય અને લાવણ્યા ઇન્ડિયાના પ્રોજેક્ટ માટે દિવસ રાત કામ કરી રહ્યાં હતા. પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ રહી હતી. ઇન્ડિયામાં આવો પ્રોજેક્ટ હજુ સુધી બન્યો નહોતો. તદ્દન અનોખો. પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ ફક્ત દિનકરરાયની ફેમિલીને જ ખબર હતો, જેની જાહેરાત પ્રોજેક્ટ આખો આકાર લઇ લે પછી જ જાહેર કરવાનો હતો, ભવ્ય રીતે.
એક રાત્રે શામજીભાઈને એમણે ઇન્વિસ્ટિગેશન માટે રોકેલ પ્રાઇવેટ ડીટેકટીવનો ફોન આવ્યો - અમે કિરણનો ફોન ટ્રેક કર્યો છે. કિરણના મર્ડર બાદ આ ફોન બંધ હતો, પરંતુ આજકાલ કંઈક કોલ આ ફોનથી જાય છે. ફોનની લોકેશન જાણવાની કોશિશ ચાલુ છે. એ ફોન ઘણા દિવસથી ચાલુ હોવા છતાં એના ઉપરથી કોલ થતા ન હતા, પરંતુ આજે સવારથી એ ફોન લાઈવ થઇ ગયેલ છે. એક્ઝેક્ટ લોકેશન જાણવા માટે ટેલિફોન કંપનીને રિકવેસ્ટ મોકલી છે. શામજીભાઈએ એમને થેન્ક્સ કહ્યાં. આવતી કાલે સવારે લંડન પોલીસ ઓફિસમાં આવવા કહ્યું, જેથી સાથે મળીને પોલીસને જાણ કરી શકાય અને પોલીસની મદદ લઇ શકાય. લોકેશન ટ્રેક કરી શકાય.
ફોન મૂક્યાં બાદ તરતજ શામજીભાઈના ફોનની ઘંટી રણકી. આ ફોન કિરણના ફોન ઉપરથી આવ્યો હતો. કિરણનો ફોન નંબર હજુ શામજીભાઈના ફોનમાં સચવાયેલ હતો. શામજીભાઈ એકદમ સફાળાં થઇ ગયા -
હેલો – “બાપા...... બાપા... હું કિરણ....” કિરણનો અવાજ શામજીભાઈ તરતજ ઓળખી ગયા. એમની આખા ઓફિસમાં કિરણજ એમને બાપા તરીકે સંબોધતો. શામજીભાઈના આંખમાં આંસુ આવી ગયા.
“બાપા... મને બચાવો.. મને આ લોકોએ કોઈક જગ્યાએ બંધ કરી રાખેલ છે. મારા હાથ પગ બાંધીને કે સાંકળથી બાંધી રાખેલ છે. મારો ફોન આ લોકોએ લઇ લીધેલો, હમણાં એમનો એક જણ ખુબ દારૂ પીને લથડિયાં ખાતો ખાતો આવ્યો અને રૂમમાં પડી ગયો અને આ ફોન એના ખીસામાંથી નીકળી પડ્યો એટલે તમને ચુપચાપ ફોન કરું છું. બાપા.. હું ખુબ ત્રાસી ગયો છું... મને છોડાવો”. કિરણ રડી રહ્યો હતો, મદદ માટે કરગરી રહ્યો હતો.
શામજીભાઈ એ કહ્યું - "દિકરા કિરણ, ચિંતા કરીશ નહિ... હું તને છોડાવવાની બધી કોશિશ શરુ કરી દવું છું. હમણાજ પોલીસને જાણ કરું છું”.
ચાલાક શામજીભાઈએ કિરણને ફોન ચાલુ રાખવા કહ્યું અને લંડન પોલીસને કિરણનો નંબર જણાવી ચાલુ રાખેલ ફોનનું લોકેશન ટ્રેક કરવાં કહ્યું.
અચાનક કોઈએ આવી એના હાથમાંથી ફોન લઇ લીધો અને વાત ચાલુ કરી દીધી.
હા... હા... હા... નાઇસ .... કોઈક હસતા હસતા અંગ્રેજીમાં બોલી રહ્યું હતું મિસ્ટર શામ... Sha..ma.. ji…bhai.. ઇફ યુ વોન્ટ કિરણ, કિપ ફાઈવ મિલિયન ડોલર રેડી. દુ નોટ ઇન્ફોર્મ પોલીસ. Wait for my call… O.Kay Understood ?
ફોન કટ થયો.
શામજીભાઈએ તરત પોલીસને ફોન ઉપર થયેલ વાત કરી અને કિરણની ફેમિલીને પ્રોટેક્શન આપવા વિનંતી કરી.
(ક્રમશઃ)