"નિશા - 2"
નિશા કુતુહલ અને અહોભાવથી રેસ્ટોરન્ટનું ફર્નિચર અને ઈન્ટીરીઅર વગેરે જોઈ રહી હતી. તેની ખુરશી ખસેડીને મેં તેને બેસાડી અને પછી મારી ખુરશી પર બેસતા બોલ્યો, "આવી રેસ્ટોરન્ટમાં પહેલી જ વાર આવી છે ને?"
"હા."
"મારી સાથે રહીશ અને દોસ્તી રાખીશ તો રોજ આવી અને આનાથી પણ સારી સારી જગ્યાએ તને લઇ જઈશ."
"મને આવી જગ્યાએ આવવાનો શોખ નથી. હવે મુદ્દા પર આવો તો સારું." નિશા કેમ મારાથી ચીડાતી હતી તે મને સમજાતું નહોતું.
"મુદ્દા પર? કેવા મુદ્દા પર?" હું બોલ્યો.
તે વેધક નજરે મને જોતા બોલી, "તમને શું જોઈએ છે?"
"કશું નહિ, તારો સંગાથ, દોસ્તી... બસ એટલું જ."
"ફાલતુ વાતો ના કરો અને ચોખ્ખું બોલો, તમારા ગયા પછી મેં ખુબ વિચાર્યું અને અનેક શંકાઓ અને સવાલો ઉભા થયા, અને એટલે જ હું તમારી સાથે આવવા તૈયાર થઇ."
હું હસી પડ્યો, ને બોલ્યો, "મને શું જોઈએ છે તે પછી જોઈશું, પહેલા તારી શંકા અને સવાલોની વાત કરીએ." કહીને હું તેને જોવા લાગ્યો, તે નીચું જોઈને ખાઈ રહી હતી, લાગતું હતું કે તે કેવી રીતે કહેવું તેની ગડમથલમાં હતી. રાહ જોઈને હું બોલ્યો, "બોલ ને ડાર્લિંગ, શું શંકાઓ છે?"
તેણે કરડાકીથી મારી સામે જોયું, ને બોલી, "કાલનું હું વિચારતી હતી કે મેં તમને ક્યાંક જોયા છે, તમને ઓળખું છું, પણ યાદ આવતું નહોતું, તે છેક સાંજે યાદ આવ્યું."
"એમ? શું યાદ આવ્યું? ક્યાં મળ્યા હતા આપણે?"
"ફેસબુક પર તમે મારા ફ્રેન્ડ લિસ્ટમાં હતા. ઈનબોક્સમાં આવીને તમે મને બોર અને ઇરિટેટ કરતા હતા, અને મેં તમને બ્લોક કર્યા હતા. ખાસ તો તમે મને જે સંબોધન કરીને બોલાવતા હતા તે મને પસંદ નહોતું, અને બીજું કે તમે વારે ઘડીએ બોલ શું જોઈએ છે? પૈસા જોઈએ તો કહેજે, એવું એવું બોલતા હતા."
ફરી હું હસ્યો, "એમ? મને યાદ નથી. શું કહીને તને બોલાવતો હતો?"
"સ્વીટી, સ્વીટહાર્ટ, ડાર્લિંગ, વગેરે. તમને જરાય શરમ જેવું નથી?"
"તો? શું ખોટું કહ્યું? તું મારી સ્વીટી અને ડાર્લિંગ છે જ, તો કહું જ ને..."
નિશાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો, અને તે ઉભી થઇ ગઈ, "હું જાઉં છું."
મેં તેનો હાથ ખેંચીને ફરી બેસાડી, અને હસીને કહ્યું, "ડાર્લિંગ, બસ આ એક જ સવાલ અને શંકા? આવી જ છે તો એક જ વારમાં બધું ક્લિયર કરીને જ જજે ને." તેને મારી વાત સમજાઈ કે ગમે-તેમ પણ તે બેઠી અને પાણી પીધું. હું બોલ્યો, "સ્વીટી, ફેસબુક છોડ, આજે પણ કહું છું કે તને કંઈપણ જોઈતું હોય તો મને કહે, પૈસા, વસ્તુ, ગમે તે.. હું તને લાવી દઈશ."
"તમારા જેવો ---- બીજો મેં જોયો નથી." તે બેશરમ કે હલકટ કહેવા માંગતી હતી, પણ બોલી નહિ. આગળ બોલી, "પણ મજબૂરી છે, તમે સાચું કહ્યું કે એકવાર આવી જ ગઈ છું તો બધું પૂછી લઉં, કારણકે બીજીવાર તો આપણે મળવાના જ નથી."
મેં ફક્ત સ્મિત કર્યું, ને કહ્યું, "સ્વીટી મને તારો હાથ પકડવા દઈશ?"
તેણે તરત જ પોતાના બંને હાથ ટેબલથી નીચે લઇ લીધા, તે જોઈને હું હસી પડ્યો ને બોલ્યો, "સોરી બેબી, ડર નહિ... તારી ઈચ્છા વિરુદ્ધ હું કશું જ નહિ કરું...
નિશા નીચું જોઈને કેવી રીતે શરૂઆત કરવી તે વિચારી રહી હતી. હું તેને જ બોલવા દેવા માંગતો હતો. થોડીવારે તે ઊંચે જોયા વગર જ બોલી, "મારી માં સાથે તમને કેવા સબંધ હતા?"
"તું જાણીને શું કરવાની છે? ઉર્વી ગઈ, વાત પુરી થઇ. હવે તારી વાતો કરીએ."
"મારે જાણવું છે, તમને ન કહેવું હોય તો પણ વાંધો નથી, આ આપણી છેલ્લી મુલાકાત જ છે."
"ડાર્લિંગ..."
"પ્લીઝ, મને ડાર્લિંગ ના કહો, મમ્મીના દોસ્ત તરીકે જે થોડી ઈજ્જત કરું છું તે ઓછી ના કરો."
"ઓકે નહિ કહું, પણ આ આપણી છેલ્લી નહિ પહેલી મુલાકાત છે, શરૂઆત છે."
"તમે મારા સવાલનો જવાબ ન આપ્યો."
મેં થોડું વિચાર્યું અને શબ્દો પસંદ કરીને બોલ્યો, "ઉર્વી, તારી માં મારે માટે સર્વસ્વ હતી.. અમે પ્રેમીઓ હતા."
"કેટલા સમયથી?"
"અઢાર-વિસ વરસથી..."
"તમે લગન કર્યા છે?"
"હા, અઢાર વર્ષનો દીકરો પણ છે."
નિશા નીચે જોઈને કશું વિચારી રહી હતી. તે મારી આંખમાં જોઈને બોલી, "એટલે તમને મારી મા સાથે અનેતિક સબંધ હતા."
"અનેતિક? નેતિક કોને કહેવાય તે સમજાવીશ? હું નથી માનતો કે ઉર્વી પણ નહોતી માનતી."
"તમારા માનવા-નમાનવાથી કશો ફર્ક પડતો નથી કે સત્ય બદલાતું નથી."
"સત્ય? કેવું સત્ય? અને સત્ય નક્કી કોણ કરે છે?"
"તમારું અને મારુ સત્ય અલગ હોઈ શકે, પણ જે સમાજમાં રહીએ છીએ તે સમાજના નિયમો અને કાયદાથી બહાર જઈએ તેને અનેતિક કહેવાય, બસ, મને એટલી જ ખબર છે."
"બેબી, હું સમાજને જ માનતો નથી તો તેના નિયમો અને કાયદા પણ મારે મન કોડીના છે. એ તો ઉર્વી, તારી માં માની નહિ, નહિ તો... જવા દે."
નિશા ધીરેથી બોલી, "અનેતિક સબંધ તો ખરો જ.. કારણકે..."
તેને અટકાવીને હું બોલ્યો, "અનેતિક અનેતિકની પત્તર ફાડે છે, શું અનેતિક? હું તારા સ્વર્ગવાસી બાપ વિષે બોલવા માંગતો નથી, તું જાણતી જ હોઈશ કે તેના તારી માં સાથે કેવા સબંધ હતા."
નિશા પાણી પીતા બોલી, "પુરી પુરુષ જાત માટે મારા મનમાં જરાયે માન નથી, અને તેનું કારણ મારા ડેડી જ હતા. પણ હજુયે હું તો કહીશ કે તમે તમારી પત્નીને ચિટ કરતા હતા અને મમ્મી ડેડી ને...ખરું કે નહિ?"
"ચીટિંગ નહિ, ડાર્લિંગ પ્યાર.. સાચો પ્યાર... બંને ખોટી જગ્યાએ ભેરવાઈ પડ્યા હતા.. એટલે અમે અમારી રીતે તેનો ઉકેલ કાઢ્યો હતો. અને બેબી બીજી વાત કે તારી પુરુષજાત પ્રત્યેની માન્યતાઓ બદલી કાઢ... બધા જ પુરુષો તારા ડેડી જેવા હોતા નથી."
નિશા ખડખડાટ હસી પડી, ને બોલી, "હા, બધા પુરુષો ડેડી જેવા નથી હોતા..... પણ તેનાથી પણ ઘણા નીચ અને હલકટ હોય છે."
"ના સ્વીટી, તેં ફક્ત તારા ડેડીને જ જોયા છે, બીજા પુરુષોનો તને અનુભવ નથી."
"બીજા પુરુષોનો અનુભવ નહોતો, પણ આજે થયો પછી જ મારી માન્યતા વધારે દ્રઢ થઇ છે ને... ડેડીને તો ફક્ત માને મારતા જ જોયા છે, પણ અમુક તો એવા લંપટ હોય છે કે વિસ વર્ષ સુધી મા સાથે પ્યારનું નાટક કરે અને તેના મરી ગયા પછી દીકરી પર દાનત બગાડે, વાહ.."
નિશા મને કહી રહી હતી, માય ગોડ... ગુસ્સાથી મારુ માથું ફાટવા લાગ્યું, હું ઉભો થયો અને નિશા કશું વિચારે તે પહેલા તેના ગાલ પર મારા આંગળા છપાઈ ગયા હતા. તે ડઘાઈ ગઈ હતી, તેનું મોઢું ફરી ગયું અને આંસુઓ ધસી આવ્યા.. તે ઉભી થઈને બહાર દોડી ગઈ. બધા મને જ જોઈ રહ્યા હતા. મેં ફટાફટ બિલ પે કર્યું અને દોડતો આવીને ટેક્સીમાં જોયું, નિશા નહોતી. ફોન કર્યો, એક રિંગ વાગતા જ તેણે કાપી નાખ્યો. મને પસ્તાવો થઇ રહ્યો હતો, મેં આ શું કરી નાખ્યું? પણ હમણાં મને નિશાની ચિંતા હતી, તે ક્યાં ગઈ? ઘેરે જતી રહે તો સારું.. નહીતો આટલા મોટા શહેરમાં તેને ક્યાં શોધીશ? હું પાગલ થઇ જઈશ..
ટેક્સીમાં બેઠો અને નિશાને ઘેર ભગાવડાવી. નિશાએ હવે ફોન બંધ કરી દીધો હતો. નાનીને ફોન કર્યો, "નિશા ઘેર આવી?"
"ના, કેમ? તમારી સાથે હતી ને?"
"હા, અમને બોલા-ચાલી થઇ અને મેં તેને તમાચો માર્યો, અને તે જતી રહી..."
"શું? તમાચો માર્યો? મેં ભૂલ કરી હતી તમારી સાથે મોકલીને... હવે ક્યારેય ફોન કરશો નહિ કે ઘેર આવશો નહિ."
"આંટી નહિ આવું, એ બધી પછીની વાત છે, હમણાં ચિંતા એ છે કે નિશા ક્યાં છે? તે ઘેર આવે તો મને કહેવાની મહેરબાની કરજો.."
ટેક્સી નિશાની બિલ્ડીંગ નીચે ઉભી રખાવી. તે આવી કે નહિ? આંટી મને ફોન કરીને કહેશે? મને ખબર કેવી રીતે પડશે કે નિશા ઘેર આવી કે નહિ? અને હું દોડતો ઉપર ગયો, અને બેલ વગાડી. આંટીએ જેવો દરવાજો ખોલ્યો કે હું બોલ્યો, "નિશા આવી?"
"ના, તમે અહીં હવે આવશો નહિ, પંદર મિનિટ જોઉં છું, જો નિશા નહિ આવે તો હું તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ..."
હું નીચે આવ્યો, ક્યાં ગઈ હશે? મારાથી પહેલા નીકળી હતી તો ઘેર કેમ નથી આવી? કદાચ બસમાં આવતી હશે.. મેં ત્રણ સિગરેટ ફૂંકી નાખી.
સામેથી ચાલીને આવતી નિશા જોવાઈ, હાશ!! બસ, હવે મને કોઈ ચિંતા નથી, તે સહી સલામત ઘેર આવી ગઈ તે જ ઘણું છે, બાકીનું બધું તો હું ફોડી લઈશ.. હું દોડ્યો, "નિશા, સોરી ડાર્લિંગ, સોરી સોરી સોરી... લે તું પણ મને અહીં જ મારી લે, મારા કપડાં પણ ફાડી શકે છે, પણ પ્લીઝ મારી સાથે બોલવાનું બંધ ના કરીશ..." પણ તે ઝડપથી ચાલતી જ રહી અને બિલ્ડિંગના દાદર ચઢતા બોલી, "હવે તમારું મોં મને બતાવશો નહિ."
ટેક્સીમાં બેસી મેં સિગરેટ સળગાવી. મેં નિશાને માર્યો, કયા અધિકારથી? અને કેમ? તે મને માફ નહિ કરે ત્યાં સુધી મને ચેન પડવાનું નથી. પણ હમણાં તે છંછેડાયેલી અને ગુસ્સામાં છે, શાંત પડે પછી હું જરૂર તેને મનાવી લઈશ.
રૂમ પર આવ્યો, જમવાની ઈચ્છા થઇ નહિ. રાતની બચેલી બોટલ લઈને બેઠો, અને લેપટોપ કાઢ્યું. ફેસબુક ખોલીને મારુ એકાઉન્ટ ફરી એક્ટિવેટ કર્યું. હું ફક્ત નિશા માટે જ ફેસબુક વાપરતો હતો. પણ જ્યારથી નિશાએ મને બ્લોક કર્યો ત્યારથી મેં ફેસબુક વાપરવાનું બંધ કર્યું હતું.
નિશાને સર્ચ કરી, સેંકડો નિશા મળી, પણ મારી નિશા જોવાઈ નહિ. હું હજુ પણ તેના બ્લોક લિસ્ટમાં જ હતો. ફોન કરું? ના, નહિ ઉપાડે.. તેને વધારે પરેશાન કરવી નથી. થોડા દિવસ તેને છેડવી જ નથી, કાલે જ પુના જતો રહું.
***
ઘરમાં સાવી દ્વારા મારુ અપેક્ષા મુજબનું જ સ્વાગત થયું. અને મેં પણ હંમેશની જેમ ચૂપ રહેવામાં જ શાણપણ માન્યું.
જમવાના ટેબલ પર સાવીએ ફરી તેની કાતર જેવી જીભથી હુમલો કર્યો, "તારી પેલી એ કેવી રીતે મરી ગઈ? તેં ધક્કો માર્યો? ના તું તો યુએસ હતો. જરૂર તેની બુધ્ધી માએ જ મારી નાખી હશે..."
મેં આરવ તરફ ઈશારો કરીને નાકે આંગળી મૂકીને સાવીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તે વધારે તાનમાં આવી, "કેમ? દીકરા સામે શરમ આવે છે?"
આરવ ઉભો થયો ને તેના રૂમમાં જતો રહ્યો. "સાવી, તને કેટલીવાર કહ્યું કે તારે ગમે તે બકવાસ કરવો હોય તે તું બેડરૂમમાં કર, આરવની સામે? જો તે જમ્યા વગર જતો રહ્યો."
"ઓહો.. બધા નિયમ અને કાયદા મારે માટે જ? તું ગમે તે કરે? અને આરવ નાનો નથી કે તેનાથી તારું કશું છૂપું પણ નથી."
"સાવી, તારું બધું જ બાજુ પર,પણ એક દીકરાના મનમાં પોતાના બાપની તેં જે છાપ ઉભી કરી છે તે એક જ વાત તને માફ ન કરવા માટે પૂરતી છે."
સાવી રડવા લાગી, રડતા રડતા બોલી, "હા હા બધો જ વાંક મારો છે, મેં જ તારી લાઈફ બરબાદ કરી નાખી... તું અને પેલી ચુડેલ તો નિર્દોષ હતા..."
"સાવી પ્લીઝ, ઉર્વી માટે ગમે તેમ ના બોલ, અને હવે તે આ દુનિયામાં પણ નથી, થોડો મલાજો રાખ." અને ઉભો થઈને હાથ ધોતા બોલ્યો, "તું શું એમ માને છે કે આપણા જેવા સબંધ છે તે માટે ઉર્વી જવાબદાર છે? કે તેને લીધે હું તારી સાથે આ રીતે વર્તુ છું?" કહીને હું ટેબલ પર હાથ મૂકીને ઝૂક્યો, અને તેની આંખમાં જોઈને બોલ્યો, "તારું માનવું બિલકુલ સાચું છે. સો ટકા સાચી છે તું... ઉર્વીને કારણે જ હું તને સહન કરતો હતો અને સારી રીતે વર્તતો હતો.. તે જો મને ના મળી હોતી તો મેં તારું ખૂન કરી નાખ્યું હોતું કે મેં આત્મહત્યા કરી લીધી હોતી... ઉર્વીએ મને સંભાળી રાખ્યો, તૂટવા દીધો નહિ. એટલે ઉર્વીને દોષ આપીશ નહિ, તેનો આભાર માન કે હજુ સુધી હું તને સહન કરી રહ્યો છું..." કહીને હું રૂમમાં જતો રહ્યો.
પાછળ જ સાવી પણ આવી, મારે જવું નહોતું તો પણ કપડાં બદલીને ઓફિસ જવા નીકળી ગયો. સાવીની સાથે રહેવું એટલે લડવું... તેને લડ્યા વગર ચાલે જ નહિ, પોઇન્ટ કે મુદ્દા તે ગમે ત્યાંથી ઉભા કરી જ લે.
ઉર્વી રહી નથી, હું તૂટવા મંડ્યો હતો. હવે સાવી સાથે હું ટકી શકીશ નહિ... પણ આરવ, મારા દીકરા માટે?? સાવીએ આરવના મગજમાં મારે માટે જે ખરાબ ચિતરામણ કર્યું હતું તે વાતે હું ક્યારેય સાવીને માફ કરી શકું નહિ. ઉર્વીને કારણે હું ટકી ગયો હતો, તેણે મને ટકાવી રાખ્યો હતો... હવે? ઉર્વીના મોત પછી પહેલીવાર તેની યાદમાં મારી આંખ ભીની થઇ.
નિશા....ફરી મારા ઉપર નિશા છવાઈ ગઈ. તેને મારી જરૂર નથી, અથવા હમણાં તેને એવું લાગે છે, પણ મને તેની જરૂર છે... સ્વાર્થી... સાવી સાચું કહે છે કે હું સ્વાર્થી છું?
હું સ્વાર્થી નથી, હું જાણું છું કે મને જેટલી જરૂર નિશાની છે તેનાથી વધારે મારી જરૂર નિશાને પડવાની છે. તેને એકલી છોડી શકું નહિ.
ફોન કર્યો, નિશાએ કાપી નાખ્યો, હું જાણતો જ હતો, પણ ફોન ચાલુ છે તે જાણીને સંતોષ થયો. હવે બીજો રસ્તો અપનાવવો પડશે. મેં લાંબો ટેક્સ્ટ મેસેજ કર્યો અને લખ્યું કે ફક્ત એકવાર વાત કરવી અને મળવું છે, મારી પાસે ઉર્વીની, તારી માની અમુક વસ્તુઓ છે જે તને આપવી છે.
અને મારી ચાલ સફળ થઇ, કલાકેક પછી નિશાનો પણ મેસેજ આવ્યો કે કુરિયરથી મોકલી આપો. મેં ફરી લખ્યું કે એવી કોઈ સ્થૂળ વસ્તુ નથી કે જેને કુરિયરથી મોકલી શકાય.. લાગણીથી જોડાયેલ વસ્તુઓ અને વાતો છે અને તારી માનું એક રહસ્ય પણ છે, અને તે માટે મળવું જરૂરી છે. મારી ચાલ સફળ થઇ હતી. ચાલ તો ન કહી શકો, પણ હું અર્ધ-સત્ય બોલ્યો હતો એમ કહી શકાય. નિશાને મળવા માટે એટલું પાપ તો કરી જ શકાય...
નિશાનો ફોન આવ્યો, હાશ!! મેં કાપી નાખ્યો અને તરત જ સામે રિંગ કરી. ફોન ઉઠાવતા જ તે બોલી, "કેમ ફોન કાપી નાખ્યો હતો?"
"ડાર્લિંગ, કામ મને છે અને તારા પૈસા વપરાય એ મને ન ગમે.."
"કામની વાત કરો, મારી માનું શું રહસ્ય છે?"
"પહેલા તો હું દિલથી તારી માફી માંગુ છું, તારા પર હાથ ઉપાડવા માટે.. મને કોઈ જ હક નહોતો કે..."
વાત કાપતા જ તે બોલી, "માફ કર્યા, બસ? હવે જલ્દી કહો શું કહેવાનું છે?"
"ના સ્વીટી, ફોન પર વાત થઇ શકે એવી નથી, તે માટે મળવું જરૂરી છે."
તે થોડીવાર કશું બોલી નહિ, મને લાગ્યું કે તે ફોન પર હાથ દાબીને નાનીની સલાહ લેતી હતી કે તેમને પૂછતી હતી. બોલી, "ભલે, બોમ્બે આવો ત્યારે ફોન કરજો."
"સાચે? ડાર્લિંગ હું કાલે જ આવું છું, ક્યાં મળવું છે?" હું ઉત્સાહમાં આવી ગયો હતો.
"ફોન કરજો, પછી કહીશ, પછી તો મારો પીછો છોડી દેશો ને?" કહેતા તે રડી પડી. તેને રડતી સાંભળીને મને જાણે શું થવા લાગ્યું, "સ્વીટી, ચકુડી, પ્લીઝ તું રડ નહિ... ફક્ત એકવાર મને મળી લે પછી તું કહીશ એમ જ કરીશ... બોલ તને શું જોઈએ? શું લાવું તારે માટે?"
નિશાએ જવાબ આપ્યો નહિ ને ફોન કાપી નાખ્યો. બસ, મારુ કામ થઇ ગયું હતું. મને વિશ્વાસ હતો કે નિશાને મળીને હું બધું ગોઠવી કાઢીશ. કાલે વહેલો જ નીકળી જઈશ, પણ તે પહેલા સાવી સાથે લડવું પડશે.. અને તે તૈયારી સાથે જ હું ઘેર આવ્યો.
"સાવી કાલે હું બોમ્બે જાઉં છું."
"કેમ? હવે શું દાટ્યું છે? પેલી તો રહી નથી."
"બિઝનેસ.. કામ માટે."
"જૂઠું ના બોલ, તું લંપટ છે તે હું જાણું છું. હવે કોને ફસાવી છે?"
હું ગુસ્સો ગળી જઈને બોલ્યો, "સાવી, તને ખબર જ છે કે ઉર્વીની એક સત્તર-અઢાર વર્ષની દીકરી પણ છે."
"તો??"
"તો એજ કે તેનું કોઈ નથી, બાપ બે વર્ષ પહેલા મરી ગયો, માં પણ ગઈ, નાની એજેડ અને રિટાયર્ડ છે, આવકનું કોઈ સાધન નાનીના પેંશન સિવાય રહ્યું નથી."
"હા, તો? તેનું શું છે?"
"નિશા, ઉર્વીની દીકરી માટે આપણી કોઈ જવાબદારી ખરી કે નહિ? તેના ભવિષ્યનું શું?"
"આપણી કહીને મને તારી સાથે ના ઘસડ... અને તારી પણ કોઈ જવાબદારી નથી. ફ્લેટ છે ને, તે વેચી કાઢશે, તું ચિંતા ના કર... તારા દીકરાની ચિંતા કર."
"સાવી, મને તમારા બધાની ચિંતા છે, અને તે બધામાં નિશા પણ આવી જાય છે."
"તું એક્ઝેટ કરવા શું માંગે છે?"
"નિશાને અહીં પુના આપણે ઘેર લાવવી છે..."
સાવીને શોક લાગ્યો, તે મોં ફાડીને મને તાકી રહી, "શઉઉઉ? આ ઘરમાં? તારું દિમાગ ઠેકાણે છેને?"
"ઠેકાણે જ છે, થોડા દિવસતો આપણી સાથે રહેશે પછી તેની બીજે રહેવાની વ્યવસ્થા કરી નાખીશું."
સાવી લાલ-પીળી થઈને બોલી, "એક વાત કાન ખોલીને સાંભળી લે, જો તે રાંડની છોરી ને અહીં લાવ્યો તો આપણે છુટ્ટા..."
હું બેપરવાઈથી બોલ્યો, "તારી મરજી..."
"છુટ્ટા એટલે પહેલાની જેમ હું તને મનમાની કરવા છુટ્ટો નહિ મુકું, તને કોર્ટમાં ઘસડી જઈને ડિવોર્સ લઈશ, અને તને ભિખારી બનાવી દઈશ."
"સાવી તું ડિવોર્સ લઇ શકે છે... અને મને ભિખારી બનાવવા માટે કોર્ટમાં ધક્કા ખાવાની જરૂર નથી, તું કહીશ એ બધું હું એમને એમ જ આપી દઈશ અને તારા નામે કરી આપીશ." કહીને હું માથાથી ઉપર સુધી ઓઢીને સુઈ ગયો. સાવી બેઠી હતી ને રડી રહી હતી.
***
----- બાકી છે.