21 mi sadi nu ver - 36 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 36

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

21મી સદીનું વેર - 36

21મી સદીનું વેર

પ્રકરણ-36

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન અને ગણેશ હિંગળાજ હોટલ પર બેઠા હતા અને વાતો કરતા હતા.

કિશને કહ્યુ “ગણેશ તે મોકલેલુ પેલુ રેકોર્ડીંગ ફરીથી સાંભળ્યુ કે નહી?”

“હા, મે બે ત્રણવાર સાંભળ્યુ છે. ”

“તને શું લાગે છે તે રેકોર્ડીંગ પરથી તે શુ તારણ કાઢ્યુ?”

“ તારણ તો એજ નીકળે છે કે” એટલુ બોલી ગણેશ કહેવુ કે નહી તેની દ્વિધામા અટક્યો એ જોઇ કિશને કહ્યુ” જો ગણેશ જે કંઇ તને લાગતુ હોય તે કોઇ પણ જાતના સંકોચ વગર તુ બોલ. મે પણ થોડાક તારણો કાઢ્યા છે એટલે આપણે બન્ને ના તારણો સરખાવીએ એટલે ખબર પડે કે એક્ઝેટ શુ છે. ”

આ સાંભળી ગણેશનો સંકોચ જતો રહ્યો અને તે બોલ્યો

“સાહેબ રેકોર્ડીંગ પરથી એ તો ખબર જ પડી જાય છે કે વિજયભાઇ વાઘેલાના ઇશારા પર આ કાનો આહીર અને બીજો એક વ્યક્તિ તમારો પીછો કરતા હતા. એટલે સુધી મે સાંભળ્યુ ત્યાં સુધીની વાતમાંતો મને એમજ લાગતુ હતુ કે એ લોકો તમારો પીછો એટલા માટે કરે છે કે તમારે

મૌલીકભાઇની દીકરી સાથે સંબંધ છે. પણ એ પછીના રેકોર્ડીંગમાં કાનો તેના મિત્રને કહે છે કે તેના એક મિત્રએ તમારી અને ઇશિતા મેડમની વાતનું રેકોર્ડીંગ કરેલુ જેમાં તમે ઇશિતા મેડમને એવુ કહેતા હતા કે “મને એવુ લાગે છે કે આપણા સંબંધની જાણ તારા પપ્પાને થઇ ગઇ છે અને તેને લીધે આપણો પીછો થઇ રહ્યો છે. ” આ રેકોર્ડીંગ સાંભળ્યા પછી વિજયભાઇ એ તમારો પીછો કરવાનુ બંધ કરાવી દીધુ હતુ. તે પરથી મને એવુ લાગ્યુ કે તમે જે કહ્યુ તેનાથી તેને રાહત થઇ ગઇ અને તેને એ ખબર પડી ગઇ કે તમારાથી તેને કંઇ નુકશાન થઇ શકે તેમ નથી એટલે હવે તમારો પીછો કરાવવાની તેને જરૂર ના જણાઇ. એટલે કોઇ બીજાજ મુદાને લઇને તમારો પીછો થતો હતો. ”

આટલુ બોલી ગણેશ કિશનનો પ્રતિભાવ જાણવા રોકાયો એટલે કિશને કહ્યુ “મને પણ આમજ લાગેલુ કે ચોક્કશ બીજી કોઇ વાત છે જેને લીધે મારો પીછો થતો હતો. ” કિશને કહ્યુ અને પછી ગણેશને પુછ્યુ “ તને શું લાગે છે આની પાછળ મૌલીકભાઇનો હાથ હોઇ શકે?”

“આમ તો કંઇ કહી શકાય નહી પણ રેકોર્ડીંગ પરથી વિચારીએ તો મૌલીકભાઇનો હાથ ના હોઇ શકે. અને હું તો એમ તારણ કાઢુ છુ કે આ લોકો મૌલીકભાઇની જાણ વગર તમારો પીછો કરાવતા હતા. અને વધારે કહુ તો મને એવુ લાગે છે કે વિજયભાઇ અને મૌલીકભાઇ વચ્ચે કોઇ પ્રોબ્લેમ છે. ”

આ સાંભળી કિશને કહ્યુ “તુ એવુ ક્યાં મુદ્દા પર કહી શકે?”

ગણેશે સમજાવતા કહ્યુ “ જો વિજયભાઇ અને મૌલીકભાઇ વચ્ચે ખુબ સારા સંબંધ હોય તો તમારા સંબંધની જાણ થયા પછી તમારો પીછો બંધ કરવાને બદલે વધુ માણસો દ્વારા કરાવે. પણ પીછો બંધ કરાવી દીધો એનો મતલબ કે મૌલીકભાઇનુ ખરાબ થાય તેમા વિજયભાઇને રસ છે. ”

આ સાંભળી કિશનને થયુ કે તેણે ગણેશને નોકરી આપી કોઇ ભુલ કરી નથી. પછી કિશને કહ્યુ “ગણેશ હું પણ એકદમ તારી જેમજ વિચારતો હતો. હવે મને ખાતરી થઇ ગઇ છે કોઇક એવો મુદો છે જેમા આ લોકોને હું નડી શકુ એમ છુ. પણ એવુ શુ હોઇ શકે?”

“ તમે એ ચિંતા નહી કરો. હું ગમે તેમ કરીને એ શોધી કાઢીશ” ગણેશે કહ્યુ.

એટલે કિશને તેને કહ્યુ “ગણેશ, ગમે તે થાય આપણે આ શોધીજ કાઢવુ પડશે. તુ ખર્ચની કોઇ ચિંતા કરતો નહી. પણ આ શુ કારણ છે તે જરૂર શોધજે”

“પણ કિશનભાઇ તમે હમણા થોડા સાવચેત રહેજો આ લોકો ગમે તેટલી હદ સુધી જઇ શકે છે. ”

“એતો જે ઉપરથી લખાઇને આવ્યુ છે તેમા હું કે તુ કંઇ ફેરફાર નહી કરી શકીએ. અને સાવચેતી પણ શુ રાખીશ જ્યારે મને ખબરજ નથી કે મારો પીછો જ શુ કામ થઇ રહ્યો છે? અને મારી સાથે તે લોકો ને શું સંબંધ છે? પણ તુ ચિંતા નહી કર એ તો હું ફોડી લઇશ. તુ તારી તપાસ ચાલુ રાખજે અને કંઇ પણ માહિતી મળે એટલે મને જાણ કરજે. ”

આમનેઆમ વાતો કરતા કરતા બન્ને જમ્યાં. જમી લીધા પછી કિશને ગણેશને એક પેકેટ આપ્યુ અને કહ્યુ “ આ રાખ આમાં 25 હજાર રૂપીયા છે. ”

“ના કિશનભાઇ હમણા જરૂર નથી. તમે આપેલા એ હજુ પડેલાજ છે. ”

“કંઇ વાંધો નહી તો પણ આ રાખીલે. ઇમરજ્ન્સીમાં જરૂર પડે તો કોઇ વાંધો ના આવે. નહીતર તારો પગાર એડવાંસ આપી દીધો એવુ સમજી લેજે. અને તારે કોઇ માણસોની જરૂર હોય તો તે પણ તુ રાખી લેજે”

“ના એતો હું એકજ બરાબર છુ વધારે માણસો હોઇએ તો તેના ધ્યાનમાં આવી જવાય”

ત્યારબાદ કિશને જશાભાઇને બોલાવ્યા અને કહ્યુ

“જશાભાઇ આ મારો મિત્ર છે ગણેશ. તે ક્યારેય પણ તમારી પાસે આવે તો તેને જોઇતી બધીજ મદદ તમારે મને પુછ્યા વગર જ કરવાની. બીજુ બધુ આપણે પછી સમજી લઇશુ. ”

આ સાંભળી જશાભાઇ એ કહ્યુ “ અરે સાહેબ એમા સમજવાનું કંઇ ના હોય તમે કહ્યુ એમા બધુજ આવી ગયુ. બાકી તમે જે કેસ મને જીતી આપ્યો એ જમીનની કિંમત અત્યારે આસમાને પહોંચી છે. તમારો મારા પર મોટો ઉપકાર છે. એટલે હવે પછી ક્યારેય હિસાબની વાત કરવાની નહી. કામ હોય તે બેધડક કહી દેવાનુ. ”

આ સાંભળી કિશને કહ્યુ “અરે જશાભાઇ એમ ખીજાઇ નહી જાવ. તમારી મારા પ્રત્યેની લાગણીની મને ખબર જ છે. હવે પછી હિસાબની વાત નહી કરૂ બસ. ”

ત્યારબાદ ગણેશ ત્યાંથી નીકળી ગયો. કિશન અને જશાભાઇ વાતો કરતા બેસી રહ્યા. છેક 11 વાગે કિશન જશાભાઇની રજા લઇને ત્યાંથી ઘરે જવા નીકળ્યો.

કિશને રૂમ પર પહોંચી અને નાઇટડ્રેસ પહેરી અને બેડ પર લંબાવ્યુ ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. કિશને જોયુ તો સ્ક્રીન પર કોઇ અજાણ્યો નંબર દેખાતો હતો. કિશને કોલ રીશિવ કર્યો તો સામેથી એક સ્ત્રી અવાજ આવ્યો

“કેમ છો મિસ્ટર કિશન?”

કિશનને અવાજ આ પહેલા સાંભળેલો હોઇ તેવુ લાગ્યુ પણ તેને યાદ ના આવ્યુ કે ક્યારે સાંભળ્યો હતો એટલે કિશને કહ્યુ “મજામા છું, પણ તમે કોણ બોલો છો?”

“ બસ આટલી જલદી ભુલી ગયો. તારા શુભેચ્છકને. ”

કિશનને યાદ આવ્યુ કે આ તો પેલી સ્ત્રી જ છે જેણે મને નુરીનો કેસ જીત્યો ત્યારે ફોન કર્યો હતો. ત્યારે તેણે કહ્યુ હતુ કે તુ હજુ થોડો પ્રગતિ કર પછી તને તારા જીવનનુ એક રહશ્ય કહીશ. કિશનને યાદ આવતા તરતજ તે સાવચેત થઇ ગયો. અને બોલ્યો

“અરે હા,હા યાદ આવ્યુ. પણ શુભેચ્છક નામ આપતા નથી અને બહુ લાંબા સમય પછી ફોન કરે છે. એટલે ભુલાઇ જ જાય ને. ”

“ કાંઇ વાંધો નહી દિકરા,પણ તું ઘણી પ્રગતિ કરી રહ્યો છે અને હવે ટુંક સમયમાંજ તને રહસ્યથી વાકેફ કરીશ પણ આજે મે તને એક હિન્ટ આપવાજ ફોન કર્યો છે. હું તને એક લીંક આપીશ તેનાથી તુ આગળ વધજે. અને વચ્ચે હું તને મદદ આપતી રહીશ. પણ એક વાત ધ્યાન રાખજે કે જેવો તુ આ મારી બતાવેલી વાતમાં આગળ વધીશ એવો જ તારા પર ખતરો શરૂ થઇ જશે. એટલે પુરતો સાવચેત રહેજે. અને હવેજ તારી પરીક્ષા શરૂ થાય છે. ”

આ સાંભળી કિશનને ગણેશે તેને હમાણા કલાક પહેલા આજ વાત કરેલી તે યાદ આવી ગઇ. કિશનને થયુ આ થોડાક જ કલાકમાં બે વખત સાંભળવા મળ્યુ. શુ આ કોઇ સંકેતતો નહી હોયને. પણ તરતજ તેણે આ વિચાર ખંખેરી નાખ્યા અને કહ્યુ “ તમે ચિંતા નહી કરો હું તે માટે પુરી રીતે તૈયાર છુ. તમે કોણ છો તે મને ખબર નથી પણ તમારી સાથે વાત કર્યા પછી મને લાગે છે કે તમે જે કોઇ પણ હોય પણ તમને મારા પ્રત્યે લાગણી છે. અને એટલે જ મને તમારી વાત પર વિશ્વાસ કરવાનુ મન થાય છે. ”

આ સાંભળી સામે થોડીવાર ખામોશી છવાઇ ગઇ. પછી ફરીથી અવાજ આવ્યો

“હા દિકરા મને તારા માટે લાગણી છે. એટલે જ તને કહુ છુ કે તુ સાવચેત રહેજે. ”

“તમે ચિંતા નહી કરો. હું સંભાળી લઇશ. ”

“સારૂ તો સાંભળ કાલે તુ સિવિલ હોસ્પીટલ જજે ત્યાં વોર્ડનંબર-5 માં 35 નંબરના બેડ પર જજે ત્યાંથી તને આગળ વધવાનો રસ્તો મળશે. તારી બુદ્ધિ અને આવડતને કામે લગાડજે આ તારી કસોટી છે. અને સાવચેતીથી આગળ વધજે. ભગવાન તારૂ ભલુ કરે’’

કિશન હજુ તો કંઇ કહેવા જાય તે પહેલા ફોન કટ થઇ ગયો.

ફોન બાજુમાં મુકી કિશન વિચારવા લાગ્યો કે આ સ્ત્રી કોણ હોઇ શકે. તેની વાતચિત પરથી મને એવુ કેમ લાગે છેકે તેને મારા પ્રત્યે લાગણી છે. કોઇ મને ફસાવવા તો આવી ચાલ નહી ચાલતુ હોયને. તેણે મને સિવિલ હોસ્પિટલમાં જવાનું કેમ કહ્યુ? અને આ વાતને મારી પર્સનલ લાઇફ સાથે શું સંબંધ હશે? આમ કિશનને વિરોધાભાસી વિચારો આવવા લાગ્યા. કિશનને લાગ્યુ કે તે એવા કોઇ ચક્રવ્યુહમાં દાખલ થઇ રહ્યો છે કે જેમાં કોણ દોસ્ત છે? અને કોની સામે લડવાનુ છે? શા માટે લડવાનુ છે? એ કાંઇ ખબર નથી. આમનેઆમ વિચારો કરવાથી તે થાકી ગયો અને તેને ઉંઘ આવી ગઇ.

સવારે નેહાના ફોનથી તેની ઉંઘ ઉડી. નેહા એ તેને કેસના પેપર બાબત ફોન કર્યો હતો એટલે કિશને તેની સાથે વાત કરી પછી નિત્યક્રમ પતાવ્યો અને કપડા પહેરી કોર્ટ પર જવા નીકળ્યો.

***

કિશન કોર્ટથી નીકળી સિવિલ હોસ્પીટલ પર પહોંચ્યો ત્યારે 1 થવા આવ્યો હતો. તે સિવિલનાં ગેટમાં દાખલ થયો ત્યાંથી સીધો જ રસ્તો નીચે ઉતરી વોર્ડ નંબર 5 તરફ જાય છે. કિશને તે રસ્તા પર બાઇક જવા દીધી એટલે સામે વોર્ડ નંબર 5નું બિલ્ડીંગ આવ્યુ. એટલે કિશને ત્યાં સાઇડમાં રહેલ જગ્યામાં બાઇક પાર્ક કરી અને મેઇન ગેટમાં દાખલ થયો ત્યાંજ તેના નાકમાં સ્પીરીટની અને દવાની તીવ્ર વાસ પ્રવેશી. આજુબાજુ રહેલ ગંદગી જોઇ કિશનને તંત્ર પર ગુસ્સો આવ્યો. તે મનોમન બોલ્યો”અહી તો સાજોસારો માણસ પણ બીમાર થઇ જાય તેવુ છે. આ લોકો સફાઇ પણ વ્યવસ્થીત જાળવતા નથી. ”. તેણે આજુબાજુ જોયુ તો એક વોર્ડબોય દેખાયો,વોર્ડબોયને કિશને પુછ્યુ

“ વોર્ડનંબર 5 ક્યાં છે?”

વોર્ડબોયે કહ્યુ “ આગળ જઇ ડાબીબાજુ વળી જજો એટલે સામેજ છે. ”

કિશન વોર્ડ 5 પાસે આવ્યો અને ત્યાં અંદરનુ દ્રશ્ય જોઇને વિચારવા લાગ્યો આ તો હોસ્પીટલ છે કે રેલ્વે પ્લેટફોર્મ. બધાજ દરદીના સગા વ્હાલા આંટા મારતા હતા. અને અવાજ પણ થતો હતો. સફાઇની કોઇ વ્યવસ્થા નહોતી. કિશનને પાછુ વળી જવાનુ મન થયુ પણ તે આગળ વધ્યો અને બેડ નંબર 35 પાસે પહોચ્યો. ત્યાં જઇ તેણે જોયુ તો એક યુવતી બેડ પર સુતી હતી તેની ઉમર લગભગ 20થી 22 વર્ષ હશે અને તેની બાજુમાં એક અધેડ વયની સ્ત્રી બેઠી હતી. બન્ને ના ચહેરા પરથી લાગતુ હતુ કે તે બન્ને મા-દીકરી હશે. કિશન થોડીવાર વાતની શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતો ઉભો રહ્યો. પછી તે બેડ પાસે ગયો અને બાજુમાં ટેબલ પર બેસી રહેલ અધેડ મહિલાને કિશને પુછ્યુ “શુ થયુ છે આ બહેનને?”

તે મહિલા એવા ભાવ સાથે કિશન સામે જોવા લાગી જાણે કે તેને સવાલ સમજાયોજ ના હોય. એટલે કિશને ફરીથી પુછ્યુ “ બહેનને શુ થયુ છે? કેમ અહી લાવવા પડ્યા છે? “

મહિલા થોડી વાર તો શુ કહેવુ તે વિચારવા લાગી પણ પછી તેણે કહ્યુ “સાહેબ મને અભણને શુ ખબર પડે શુ થયુ છે? અને ડૉકટરો પણ કાઇ જણાવતા નથી. ”

કિશનને થયુ કે આની પાસેથી તો કોઇ માહિતી નહી મળે એટલે તેણે પુછ્યુ “તમારી સાથે કોઇ પુરૂષ છે કે તમે બન્ને જ છો?”

“હા મારો દિકરો છે તે અહીજ ક્યાક હશે. તમે કોણ છો?”

“હું પત્રકાર છુ. છાપામાં લખુ છું. ” કિશન ખોટુ બોલ્યો.

કિશન હજુ કંઇ પણ આગળ પુછે એ પહેલા તેનો દીકરો આવી ગયો એટલે તે મહિલા એ કહ્યુ “આ મારો દિકરો આવ્યો. ” એમ કહી તેણે તેના દિકરાને કહ્યુ “ ગગન આ ભાઇ મને કાઇક પુછે છે. તુજ તેની સાથે વાત કર. ”

કિશને ગગન સાથે હાથ મિલાવ્યા અને કહ્યુ “મારૂ નામ કિશન પંડ્યા છે અને હું પત્રકાર છુ. સરકારી તંત્રની બેદરકારી વિશે છાપામાં લખુ છુ. ” એમ કહી કિશને પુછ્યુ

“ આ છોકરી તમારી બહેન છે?“

“હા”

“ તેને શુ થયુ છે કેમ અહી લાવ્યા છો?”

ગગન થોડીવાર રોકાયો પછી બોલ્યો “આપણે બહાર જઇને વાતો કરીએ. ”

અને પછી તે આગળ ચાલવા લાગ્યો અને કિશન પણ તેની પાછળ ચાલવા લાગ્યો પણ તે પહેલા તેણે બેડ પર સુતેલી યુવતી પર નજર નાખી. યુવતી સુંદર હતી પણ બિમારીને લીધે તેનુ શરીર એકદમ લેવાઇ ગયુ હતુ. કિશને વિચાર્યુ આ છોકરીને મારી સાથે શુ સંબંધ હશે? અને પછી તે ગગનની પાછળ ગયો. બન્ને મેઇનગેટની બહાર નીકળીને સામે મોટા વડના ઝાડની નીચે આવેલ બેંચ પર જઇને બેઠા. એકાદ મિનિટ ગગન કંઇ બોલ્યો નહી એટલે પછી કિશને જ વાતની શરૂઆત કરતા કહ્યુ “તમારી બહેનતો એકદમ યંગ છે તેને આટલી નાની ઉંમરમાં શું થઇ ગયુ કે જેથી તેને અહી હોસ્પીટલમાં દાખલ કરવી પડી?”

ગગન વાત કરવીકે નહી તેની અસમંજસમાં કિશન સામે જોઇ રહ્યો. કિશનને લાગ્યુ કે તે કોઇ ગડમથલમાં છે અને ગુચવાઇ ગયો છે એટલે કિશને તેને કહ્યુ “જો ગગન તું કોઇ જાતનો ડર રાખીશ નહી હું માત્ર પત્રકારજ નથી સાથે સાથે વકીલ પણ છું. ” એમ કહી કિશને ખીસ્સામાંથી પોતાનુ કાર્ડ કાઢ્યુ અને ગગનને બતાવ્યુ. ગગને કાર્ડ જોયુ એટલે તેને થોડો વિશ્વાસ આવ્યો અને તેની ગભરામણ ઓછી થઇ એટલે કિશને કહ્યુ “ગગન તુ જે પણ વાત મને કરીશ એ વાત હું કોઇને કહીશ નહી અને જો છાપામાં છાપીશ તો પણ તેમાં તારૂ નામ ક્યાંય પણ નહી આવે એ હું તને વચન આપુ છું. અને જો તારો કોઇ પર્શનલ પ્રોબ્લેમ હશે તો હું તને મારાથી બનતી બધી મદદ કરીશ. ”

“પણ સાહેબ તમને અમારી પાસે આવવાનુ કોણે કહ્યુ?”

“ ગગન હું પત્રકાર છુ મારા ઘણા બધા સોર્સીસ હોય છે. આ તો અમારૂ કામ છે એટલે માહિતીતો અમે ગમે ત્યાંથી મેળવી લઇએ છીએ. પણ હું સામાન્ય પબ્લીકની પરેશાની દુર કરવામાં માનુ છુ. માત્ર સમાચાર છાપવામાં માનતો નથી. એટલેજ મારે તારી વાત જાણવી છે. ”

આ સાંભળી ગગનની બધીજ આશંકા દુર થઇ ગઇ. અને તેણે કિશનને વાત કહેવાનુ શરૂ કર્યુ. ગગન જેમ જેમ વાત કરતો ગયો તેમ તેમ કિશનને પ્રશ્નો વધતા ગયા. અને કિશનને લાગ્યુ કે તેણે પોતાનો હાથ સાપના કરંડીયામાં નાખી દીધો છે.

***

કોણે કિશનની ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શુ કરશે? કિશનનો શુ પ્લાન છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ

whatsapp no - 9426429160