Maitri in Gujarati Short Stories by Angel Dholakia books and stories PDF | Maitri

Featured Books
Categories
Share

Maitri

મૈત્રી

એંજલ ધોળકિઆ



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મૈત્રી

સાંજના ૫ વાગ્યે પોતાના ડુપ્લેક્સ બંગલોની છત પર બેઠેલો અજય કાંચના કપમાં રહેલી ગ્રીન ટી જોઈ વિચારી રહ્યો હતો કે વ્હાઈન અને આના રૂપમાં કેટલું સામ્ય અને ગુણમાં કેટલો ભેદ! તેનાથી એક નિઃશ્વાસ નંખાઈ ગયો કે કાશ તે પાર્ટીની રાતે પોતે ગ્રીન ટી જ પીધી હોત ભૂલમાં. માણસ જ માત્ર એવું પ્રાણી છે કે જેને તર્ક- વિતર્ક કરવાની ક્ષમતા છે અને હંમેશા ભૂલ કર્યા પછી તે નાની નાની વાતોના ફ્લેશબેકમાં જી અન્ય પરિબળોને બદલવાની ઈચ્છાઓ રાખી પોતાનું મન મનાવતો હોય છે! અજય પણ અત્યારે એવુંજ કરી રહ્યો હતો. એક સભાન અને સજ્જન વ્યક્તિ તરીકે એ જાણતો જ હતો કે પોતે કરેલી ભૂલ અલબત્ત અપરાધને કોઈ પણ રીતે ભૂંસી નહિ શકાય. પોતે લીધેલું એક સ્ટેપ એના જીવનને બરબાદ કરવા પુરતું હતું. એ રાતને વારંવાર રિવાઈન્ડ કરી ચુકેલો અજય ફરી એજ સફરે ઉપડી ગયો. કદાચ એ રાતને વાગોળી એ પોતાને વધુ ને વધુ પીડા આપી સજા આપી રહ્યો હતો!

***

શહેરના નામી રેસ્ટોરાં ચેઈનના બોલીવુડ થીમ બેઝ્‌ડ સેકશનમાં ઝેવિયર્સ કોલેજની રીયુનીયન પાર્ટી હતી. જગ્યા બહુ પ્રખ્યાત હતી તેમજ આ એક હાઈ સ્ટાન્ડર્ડ સોસાયટીના લોકો માટે મનોરંજનનું સ્થળ હતું એ તેના એસ્થેટિક્સ પરથી જ ખ્યાલ આવતો હતો. લગભગ ૨૦૦ લોકો આરામથી હરી-ફરી શકે એટલો એરિઆ અને દરેક ખૂણે બોલીવુડ થીમના પ્રોપ્સ ગોઠવેલા જેમકે મિસ્ટર ઈન્ડિયાની કાંડા ઘડિયાળ, તોહફા ગીતનું શણગારેલું નગારૂં, બસંતી નો ટાંગો, ફોટોસેશન માટે કલાકારોના લાઈફ સાઈઝ પોસ્ટર્સ જ્યાં કોઈ પણ પોતાનો ચહેરો મૂકી શકે! એક ખાસ લાઉન્જ હતી જ્યાં કારાઓકે તેમજ લાઈવ ડબ્ઝમેશ વિડીઓ શૂટિંગ કરી શકાય. જાણે અલગ જ નગરીમાં તમે આવી ગયા હોવ એવું ભાસે.

રીયુનિયન પાર્ટી પણ જવાન હૈયાઓની હતી! કોલેજ પૂરી કર્યાના ૬ઠ્‌ઠા જ વર્ષે આ પાર્ટી હતી માટે આવેલા ઘણાખરા કપલ્સ ત્રીસીની નજીક જ હતા. સૌ બારમાં મન ગમતી ડરીન્કસ અને કોકટેઈલ્સની મઝા માણતા હતા. સૌ હવે નોકરી કે બીઝનેસમાં સારી રીતે સેટલ્ડ હતા અને જાણે એજ બતાવવા સૌ પોતાના બેસ્ટ આઉટફીટસમાં સજ્જ થઈને આવ્યા હતા.

માહોલ એકદમ જામેલો હતો! ઘણાખરા કપલ્સ કોલેજના આગળ પાછળના બેચમાં ભણતા સહાધ્યાયીઓ હતા જયારે અમુક છુપા રૂસ્તામો હતા જેમને સાથે જોઈને સૌ ચિચિયારીઓ પાડતા. ફરી જાણે કોલેજનું જ કોઈ ફંક્શન હોય એ રીતે મહાલતા હતા. પાર્ટી શરૂ થયાના એકાદ કલાકમાં તો ઘણા નાના-નાના ગ્રુપ્સ બની ગયા અને સૌ પોતપોતાની રીતે એન્જોય કરી રહ્યા હતા. એક નાનો એવો રેમ્પ એરિયા પણ હતો જ્યાં પોતાને મોડેલ માનતા લોકો થોડું કેટવોક કરતા અને અન્ય જોનારા એમની ખેલદિલીને સરાહતા. મિજબાની સંપૂર્ણ ફરમાન પર હતી અને અજય એક ખૂણામાં ઉભો બધુંય શાંતિથી નીરખતો હતો.

કોઈ પણ વ્યક્તિ અજયને જુએ એટલે એક વખત ફરીથી તો જુએ જ! નમણો ચહેરો, ઉંચી કદકાઠી અને શાલીન બોડી લેન્ગવેજ. કોલેજકાળમાં પણ એ શરમાળ પ્રકૃતિનો ગણાતો. પરંતુ હા જેની સાથે એ ભળે એ સૌનાં દિલ ટીખળ અને મજાકિયા સ્વભાવથી પોતે જીતી લે. અજય પર કોલેજના સમયથી ઘણી છોકરીઓ મરતી અને અંદર અંદર અજયને પટાવવા માટેની શરતો લાગતી. અજય હંમેશા આ બધી બાબતોથી નિર્લેપ રહેતો. એનું તો જાણે એકજ લક્ષ્ય હતું, જિંદગી હસતા મોઢે જીવવી, ગીતો ગાવાં અને મિત્રો તથા ભણવામાં ગુલતાન રહેવું! મસ્તમૌલા જેવું વ્યક્તિત્વ હતું અજયનું!

“શું લા? પેગ બેગ પીતો થઈ ગયો?” વત્સલે અજયને પીઠ પર ધબ્બો મારતા કહ્યું.

“બીઅર પીઉં છું, તારી જેમ ખીંચતો નથી બધુય! જરા તો શરમ કર... આ આટલા કડવા પીણામાં શું મજા આવતી હશે?” અજય થોડું ચિડાઈને બોલ્યો

“અરે મારા હરફનમૌલા... તું હજીય શર્મિલા ટાગોર જ છે? મને એમ કે આટલી બિન્દાસ અને સરસ ભાભી સાથે રહીને કઈક શીક્યો હોઈશ.” વત્સલે ટીખળ ચાલુ રાખી

અજયે ચુપ રેહવું જ બહેતર માન્યું.

થોડી વારે રેમ્પ પર ચાંદનીની એન્ટ્રી પડી અને લોકો જોર જોરથી બુમો પાડવા લાગ્યા!

“જો મારી ભાભી નંબર વન આવી... ભાભી રીટર્ન્સ! “ આટલું બોલી તેણે અજય સામે જોયું. અજય કતરાઈને વત્સલ સામે જોતો હતો.

ચાંદની એક નાના શહેરની પણ ચબરાક છોકરી હતી, કોલેજના સમયથી એ અજયને પામવા માટે ઘણા પેંતરા કરી ચુકી હતી. શરૂઆતમાં એ વિષે અજયને કશું ખ્યાલ જ નો’તો પાછળથી એને આ બાબતની જાણ થઈ હતી.

આજેય ચાંદની ભીડ વચ્ચેથી અજય સામેજ ટગર ટગર જોઈ રહી હતી. અજયને એની નજર જ ન ગમી અને એ પાછળ ફરી ગયો. વત્સલે ભૂતકાળમાં આ ચાંદનીનો સારો એવો સાથ આપેલો. એટલે અજય ખાસ્સા સમય સુધી એના સારા મિત્ર વત્સલ પર ચિડાયો હતો. હજી થોડા જ સમયથી એમની વચ્ચે બરાબર વહેવાર ચાલુ થયો હતો અને ફરી વત્સલની આ કમેન્ટ એને દઝાડી ગઈ!

“અરે અરે યાર! તુંય શું નાના છોકરા જેમ કરે છે! આટલા વર્ષો થયા હવે આપણે બધા પોતપોતાની લાઈફમાં સેટલ્ડ છીએ આ કઈ સારૂં લાગે આમ રીયુનિયન માં માઢા ચડાવવા.

સામે આવે તો સારી રીતે વાત કરજે અને વી આર ફ્રેન્ડસ યાર! ધીસ પાર્ટી ઈઝ ફોર ફન માય ડીઅર મીત્રબંધુ!” કહીને વત્સલે અજયના ખભા પર હાથ મુક્યો. અજય થોડો ટાઢો પડયો. એનેય થયું કે સામે ચાલીને ખરાબ વર્તન ન કરવું જોઈએ અને હંમેશા ભૂલીને આગળ વધવું જોઈએ. એણે રેમ્પ પર ચાલતી ચાંદની ને હાથ ઉંચો કરી એક સ્મિત આપ્યું.

સૌ મસ્તીમાં હતા અને ગરબાના ટ્રેક ચાલુ થયા એટલે અજય અને તેના રૂમમેટ્‌સનું ટોળું ડાન્સ ફ્લોર પર આવ્યું અને સૌ નાચવા લાગ્યા! અડધો કલાક નાચ્યા પછી અજય એકદમ પરસેવે રેબઝેબ હતો. એક મિત્રએ ગ્લાસ પર ગ્લાસ કોક આપી અને થાકમાં એ ૩ ગ્લાસ પી ગયો, તેને થોડા સમય પછી અહેસાસ થયો કે પોતે કઈ જુદું પીણું પી ગયો છે! આખા ટોળામાં સૌ ચાંદનીની સાથે આવેલી તેની નાની બહેન સાક્ષી વિષે વાત કરતા હતા. છોકરાઓ શા માટે ચીપ વાતો કરતા હશે એ અજયને ક્યારેય ન સમજાતું. પણ મજા હંમેશા દરેકને આવતી! એ ધરમૂળથી સાદો અને સારો છોકરો હોવા છતાં હંમેશા તેમાં જોડાતો અલબત્ત ખુલ્લા દિલે હસવામાં જ અને દરેક છોકરા નું કદાચ એવુજ હોય છે. સાચે ક્યારેય કશુંય કરવાનું ન હોય પરંતુ એક ઈમેજીનેશન હોય ફેન્ટસી હોય અને એને પંપાળતા હોય છે છોકરાઓ. કદાચ મનના સંતોષ માટે પણ હોતું હશે આવું.

“મનાલી ટ્રાન્સ” સોંગ ની ધૂન વાગતા જ ટોળું ફરી જુમતું જુમતું ડાન્સ ફ્લોર પર આવી ગયું! અને ચાંદનીની બહેન સાક્ષી પણ એ ટોળામાં શામેલ હતી. ધીરે ધીરે અજયએ કોઈનો હાથ પોતાને લપેટાતો અનુભવ્યો... નશો હવે વધુ ચડેલો હતો અને એણે જોયું તો સાક્ષી તેની એકદમ નજીક આવીને ડાન્સ કરી રહી હતી! ભીડ વચ્ચે જગ્યા બદલવી કે ખસવું પણ શક્ય નહોતું અને ઉપરથી અજયના શરીરમાં લોહી બનીને ભળેલું આલ્કોહોલ અને સંગીત તેને પોતાની પ્રકૃતિથી અલગ લઈ જતું હતું.

હવે સાક્ષી અજયની એટલી નજીક હતી કે એના ઉચ્છશ્વાસ અજયને અનુભવાતા હતા! અજય સંગીતના તાલમાં ઝૂમતો હતો અને તેણે સાક્ષી તરફ જોયું... એનું રૂપ દઝાડે એવું હતું! પરફેક્ટ ફિગર અને શરીરથી ચુસ્ત બ્લેક ગાઉન તેમજ લયબદ્ધ મહાલતું શરીર, આટલી નજીકથી સાક્ષીને નીરખીને અજય થોડી વાર માટે બહેકી ગયો! અને તેણે સાક્ષીના શરીર પર હાથ મુક્યો સંગીતના તાલમાં એ હાથ સાક્ષીના શરીર પર ફરવા લાગ્યો. સાક્ષી ધીરે ધીરે અજયની નજીક આવી અને એમના વચ્ચેનું અંતર ઘટતું ગયું...

અચાનક અજયને તંદ્રામાં ધ્યાન ગયું કે સંગીત નથી વાગી રહ્યું અને જોરથી કાંચ ફૂટવાનો અવાજ એના કાનમાં પડયો... અજયને ધ્યાન આવ્યું કે એ અને સાક્ષી સ્મુચ કરી રહ્યા હતા ડાન્સ ફ્લોર પર... બધા વચ્ચે... એક એવી ભીડ વચ્ચે જેમાં એ પોતાની પત્નીને પણ લાવ્યો હતો. એ અહેસાસ સાથેજ અજયના શરીરમાં ફરતું લોહી જાણે થંભી ગયું!!! બધો નશો અમુક પળોમાં હવા થઈને ઉડી ગયો એ ઝાટકા સાથે સાક્ષીથી દુર થઈ ગયો અને જોયું તો વત્સલનું માઢું અધખુલ્લું હતું અને એ સંપૂર્ણ રીતે ચકીત થઈને અજયની સામે જોઈ રહ્યો હતો. અજયની આંખ તેની સાથે મળી અને વત્સલે જમણી તરફ જોયું... અજયે એ દિશા માં મીટ માંડી તો ત્યાં ફૂટેલી બોટલ હાથમા લઈને ઉભેલી પોતાની પત્ની ને જોઈ. અજયને સમજાયું જ નહિ કે પોતે શું અને કેટલું કરી નાખ્યું અને હવે શું થશે!

“ડેમ્ન ઈટ” કહીને અજયે પાછળ ફરીને હવામાં એક લાત ઉછાળી...

એની અંદર અત્યારે એક આગ ઉત્પન્ન થઈ હતી... ગીલ્ટ, ગુસ્સો, પ્રેમ, ડર, શરમ, રૂદન બધું એકસાથે અનુભવાતું હતું... એણે પાછળ ફરીને જોયું તો સૌ ડીનરમાં લાગી ગયા હતા અને હોલમાં તેને વત્સલ સિવાય કોઈ પોતાનું દેખાતું નહોતું... એ સ્વગત બોલ્યો “ એ જતી રહી...” અને એની આંખો માંથી અશ્રૂઓ સરી પડયા.

***

છતની પાળ પર અશ્રુઓનું નાનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ફરી એ યાદ કરીને અજયના મનમાં ગમગીની છવાઈ ગઈ હતી. મિત્રો એકાદ બે દિવસે આવીને પૂછી જતા. છેલ્લા અઠવાડિયાથી એ એકલો જ હતો અને એ એટલો ગીલ્ટમાં હતો કે સ્વબચાવ માટેની દરેક સલાહ એને પાંગળી લાગતી. કથળેલું શરીર, વધેલી દાઢી અને થાકેલી ભીની આંખો એની પીડાની ચાડીખાતી હતી! એનું મન ફરી ભરાઈ આવ્યું અને હૃદયમાં એક સણકો નીકળી ગયો. અજયે બે હાથની હથેળીઓને બંધ આંખ પર દાબી દીધી...

એને ખ્યાલ નહોતો કે એ કેટલી મીનીટો આ રીતે હાથ આંખ પર દાબીને બેઠો હતો પણ છતના દરવાજાને લાગેલા હડસેલાથી એનું ધ્યાન ભંગ થયું. આંખ ઉંચી કરી જોયું તો હરિણીને સામે ઉભેલી જોઈ એ થોડો ઉભો થયો અને હરિણીએ હાથેથી ઈશારો કરી બેસવા કહ્યું. અજય નાના બાળકની જેમ આજ્જ્ઞાંકિત થઈને બેસી ગયો.

બ્લુ જીન્સ અને સફેદ ટોપ સાથે હાથમાં ગીટાર અને બુક્સ સાથે તે ઉભી હતી. એકદમ કોલેજીયન જેવી લાગતી હતી! બંને વસ્તુઓને બાજુમાં મૂકી એ અજયની લગોલગ બેઠી.

“અજ્જુ... જો તો તારૂં પેટ અંદર જતું રહ્યું! બૈરીએ બહુ દારૂ પીવાની આદત ન પાડી એમાં તને પચ્યો જ નહિ, કેમ? “ થોડા ફિક્કા હાસ્ય સાથે તે બોલી

“જો યાર, તારી ફ્રેન્ડ છું રાધર બેસ્ટ ફ્રેન્ડ... છું ને?” અજયએ હકારમાં ડોકું હલાવ્યું અને અપલક નજરે જોઈ રહ્યો.

“હમ્મ... હું તારી ફ્રેન્ડ છું.. કેટલાય વર્ષોથી ઓળખું છું તને! અજય તરીકે.. વ્યક્તિ તરીકે... તારી દરેક નબળાઈ, તારી દરેક આદત અને કુટેવથી વાકેફ છું. તે કયા ધોરણમાં કઈ છોકરીને બોલાવી અને કેટલી છોકરીઓથી તું દુર ભાગ્યો છો એ બધું જોયું છે. બેચલર્સ અને માસ્ટર્સ દરમિયાન છોકરીઓને તારી પર મરતી જોઈ અને તને એ બધાથી નિર્લેપ બુદ્ધુ જેવો જોયો છે! સાલા છોકરી જોડે કેમ બોલાય એય ખબર ન’તી તનેતો! હંમેશા બધાથી શરમાતો જોયો છે. પબ્લિક બસમાં છોકરી ભીડ વચ્ચે તારી નજીક ઉભે તો સીકુડાઈને પણ તે છોકરીને તું ક્યાંયથી પણ અડી ના જાય એની તકેદારી રાખતો જોયો છે. હંમેશા દરેકને મદદ કરવા તત્પર જોયો છે તને. દરેક સ્ત્રીને સમ્માન આપતો જોયો છે. એક મિત્ર તરીકે મારી માટે અઘરૂં છે એ માનવું કે તું સભાન અવસ્થામાં કે જાણી જોઈને પાર્ટીમાં થયું એ કરે! પણ તે કર્યું તો છેજ ને! થયું છે તારાથી અને થઈ શકે... કદાચ બીજા કોઈ ફ્રેન્ડથી એ થયું હોત તો આપણે એને પણ એ જ કહેતને કે થાય જવા દે... મનાવી લે તારી પત્ની ને! તો તારાથી પણ એ થઈ જ શકે ને! એ એક્સેપ્ટ કરવું આટલું અઘરૂં કેમ?!

અજય અવાચક થઈને સંભાળતો હતો બધું...

હરીણીએ આગળ ચલાવ્યું

“તારી દરેક એમ્બેરેસ્સિંગ ક્ષણોમાં મોટે ભાગે કાં તો તારી બાજુમાં રહી છું ને નહીતર તારા ખુદના માઢે દિલ ખોલીને ડીટેઈલમાં એનું વર્ણન સાંભળ્યું છે. દરેક વખતે તારા બધા ગોટાળા પછી પહેલો મારો નંબર ડાયલ કર્યો છે તે! તો? આ વખતે શું થઈ ગયું અજ્જુ?” હરિણીના અવાજમાં નારાજગી અને છેતરાયાનો ભાવ હતો જાણે

“તે રાહ જોઈ? આટલા દિવસો તે રાહ જોઈ? શેની? કે પછી તને આપણી મૈત્રી પર જ ભરોસો નો’તો રહ્યો? શું વાંક છે મારો કે તું આવીને મને ભેટીને દિલ ખોલી રડયો નહિ? શું વાંક છે મારો કે તે તારી પીડા ને શબ્દો કે આંસુનો સહારો લઈને મારી સામે વ્યકત કરવી યોગ્ય ન લાગી અને આ રીતે ખાધા પીધા વિના અમ દેવદાસ જેમ બેઠો રહ્યો? હું તારી પત્ની છું એટલે?! એ વાંક છે મારો અજ્જુ? કે એક ચીલાચાલુ પત્નીની જેમ હર્ટ થઈ પાર્ટી માંથી ગુસ્સામાં પાછી આવી ગઈ એ વાંક છે મારો? મારા અજ્જુને કોઈ ભેગું જોઈ ને મારી અંદરના લાવા ને શાંત કરવા દુર જતી રહી એ ખોટું કર્યું? થોડી પત્ની છું પણ ઘણી મિત્ર પણ છું ને હું અજ્જુ, કે એ હક એ જાહોજલાલી તે છીનવી લીધી મારી પાસેથી?...” એક પત્ની નહિ દોસ્ત તરીકે બોલી રહેલી હરીણીના શબ્દો પર વિશ્વાસ નહોતો બેસતો અજયને!

ગળગળા સાદે આટલું બોલીને હરિણી અજયને લપેટાઈ ગઈ! એનો ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો અને તે ભેટીને અજયના ચહેરા પરની વધેલી દાઢી પર ચુંબનો વરસાવી રહી હતી! “હરી...” ડૂસકાંઓ સાથે અજ્જુના ગળામાંથી બસ એટલું જ નીકળતું હતું.

થોડી વાર ભેટ્‌યા પછી બંને છુટા પડયા અને અજ્જુએ હરિણીને આંસુ ભરી આંખે સલામ કરી એક હાથ એના ખભે મુક્યો અને બીજો પોતાના હાથમાં લઈ કહ્યું “આજ પછી મારી આ ફ્રેન્ડને ક્યારેય નહિ ખોઉં હું. હરી, હું પાગલ થઈ ગયો હતો આ આખા અઠવાડીઆમાં. તારા વગર જીવવું તો શક્ય જ ક્યાં હતું! પણ તને હું શું કહેત, મેં પોતેજ કોઈ કારણ વગર કુંડાળામાં સામે ચાલીને પગ મુક્યો હતો. વહેતા ઝરણાના પાણી જેવું સાફ હતું બધું. મેં બધાય વચ્ચે આપણો સંબંધ દાવ પર લગાવ્યો હતો. હું ખુદને માફ કરૂં તો તારી પાસે માફી ની આશા રાખુંને! મને યાદ છે ફ્રેન્ડશીપ ફોરેવરનું આપણું પ્રોમિસ, પણ તે એ સાચું કરી બતાવ્યું મારી જાન. એક ખરાબ પતિ સાબિત થયાના દુઃખમાં જ હું એક ખરાબ ફ્રેન્ડ પણ બની ગયો એનો ખ્યાલ ના રહ્યો મને.” એક મીઠી મુસ્કાન સાથે અજ્જુએ “સોરી માય ડીયર ડીઅર” કહીને પ્રેમથી એના નાક પર બટકું ભર્યું અને હરિણીનો ચોટલો ખેંચ્યો!

“આઉચ! એય હું પત્નીય છુંજ હો... જમવા નહિ આપું મારા વાળને કઈ કર્યું તો! હા...” આંસુ લો’તા હરિણી બોલી “અને ચલ સજા રૂપે એક સોન્ગ સંભળાવ..”

હરિણીની કમેન્ટ પર આંસુભીની આંખે હસતા હસતા અજયએ હાથમાં ગીટાર લીધું અને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી સામે જોઈ ગીત ગાવાનું ચાલુ કર્યું

“કૈસે મુજે તુમ મિલ ગયી... કિસમત પે આયે ના યકીન....”

એજ સમયે સુરજના ડૂબવા સાથે એક અમર દોસ્તીનો સદાકાળ રહેતો ચંદ્ર આકાશમાં દેખાવા લાગ્યો જે માત્ર અંધકારમાં પોતાના હોવાનો અહેસાસ કરાવે છે નિખાલસ અને સાચી મૈત્રી ની જેમજ.

“પ્રીતથી વધુ વહાલી! સદાકાળ

આ મૈત્રી હરી...”

એંજલ ધોળકિઆ