Sambharanu in Gujarati Short Stories by Vicky Trivedi books and stories PDF | સંભારણું

Featured Books
Categories
Share

સંભારણું

સંભારણું....

હેતલના લગ્નને હજુ એક મહિનો થયો હતો. પતિ રાજેશ, સાસુ રેણુકા, સસરા લાભશંકર, દેવર સોહિલ, નણંદ માર્ગી, જેઠ નિકુલ અને જેઠાણી શોભના બધા હજુ એક જ ઘરમાં રહેતા હતા. સત્ય છે કે બધી આંગળીઓ સરખી ન હોય ! હેતલને પણ એક જ મહિનામાં એ બધું સમજાઈ ગયું હતું....

હેતલ રતિલાલ અને ભાગીરથીની એકની એક દીકરી હતી. લાડમાં મોટી થયેલી. અમદાવાદની કોલેજમાં ભણેલી અને જીવનના પારદર્શક સત્યોથી અજાણ ! રતીલાલે લાભશંકરનું ખોરડું જોઈને દીકરી દીધી હતી અને લાભશંકરે પણ દીકરી જ માંગી હતી ! રતિલાલ અને લાભશંકર જેવા સમાજમાં વખાણ પામતા હતા સાચે જ એવા ઉચ્ચ કોટિના શુદ્ધ બ્રાહ્મણ સંસ્કારો પોતાની અંદર ધરાવતા પણ હતા !

હેતલને લગ્નના પહેલા જ દિવસથી પિયરની યાદ પિયરની ઝાકમઝોળ સાંભરવા લાગી હતી. સવારે નવ વાગે ઉઠીને મા ઉપર તાડુંકવાનું કામ હવે ભૂતકાળ બની ગયો હતો ! અહીં તો બધું અલગ જ હતું ! લગ્નના પહેલા જ દિવસે પાંચ વાગ્યાનું એલાર્મ ખણખણીને ઊંઘને ભગાડવા લાગ્યું.

"મમ્મી આ બંધ કરને પ્લીઝ હું જાગવાની નથી ખોટું મારા હાથે તૂટી જશે !" હેતલ ઊંઘમાં જ બબડી

"હેતલ અહીં મમ્મી નથી " રાજેશનું બે વાર રિપીટ થયેલ વાક્ય ત્રીજી વાર કાને પડતા હેતલને ભાન થયું કે પોતે ક્યાં છે !

હેતલ આળસ મરડીને જાગી, હાથ મો ધોઈને રસોડા તરફ ગઈ ત્યાં શોભના ગેસ સ્ટવ ઉપર તપેલી મૂકતી નજરે ચડી. હેતલને થયું હાસ હમણાં ચા મળી જશે ! એ સોફા ઉપર બેસી ગઈ પણ એને ત્યાં જોતા જ શોભના બોલી, " અરે હેતલ ત્યાં કેમ બેઠી છે ? આવ અહીં..... લે હવે રસોડું તારે જ તો સંભાળવાનું છે ને "

શોભના રસોડામાંથી બહાર આવી ગઈ. ફરી એક વાર કડવું સ્મિત આપી બોલી, " મસાલો નાખી દીધો છે " અને રૂમમાં ચાલી ગઈ...

કચવાતા મને હેતલ ઉભી થઇ રસોડામાં ગઈ અને ચા ઉકાળવા લાગી.

"અરે હેતલ તું જાગી ગઈ બેટા ?" મરમાળ સ્મિત સાથે એ માં ના શબ્દો રસોડાના દરવાજે ઉભી હેતલને સંભળાતા જો કોઈ વાર હેતલ વહેલી જાગતી તો !

પણ આજે તો પોતે વહેલી જાગીને ચા બનાવે છે ! જો ઘરે હોત તો બા ચા ઉકાળતી હોત અને પોતે ઘોર નિદ્રામાં ઊંઘી હોત ! મમ્મી મોડા જગાડવા આવોત અને તોય પોતે છણકો કરોત ! હસતે ચહેરે બધું સહન કરી લેતી માં નું ચિત્ર ઊભું થઈ ગયું ! હદયમાં એક ઉભરો આવી ગયો ! એ ઉભરામાં ચા ક્યારે ઉભરાઈ ગઈ એ ધ્યાન પણ ન રહ્યું !

"અરે ચા નથી આવડતી તને ? જો તો ઢોળી નાખી !" સાસુ સુધી શબ્દો પહોંચે એવા જોર ભર્યા અવાજે શોભના બોલી...

"હ... ના ના.. એતો ...." શુ બોલવું કાઈ સુજ્યું નહિ. હેતલ વિલું મોઢું લઈને ઉભી રહી....

"શુ થયું સવાર સવારથી ?" ઉપરના માળથી સીડી ઉતરતા ઉતરતા રેણુકા બેન બોલ્યા....

"અરે જુવોને મમ્મી..... આ હેતલને જરાક ચા જોડે ઉભા રહી ધ્યાન રાખવા કહ્યું અને હું બાથરૂમમાં ગઈ એમાં તો અર્ધી ચા ઢોળી દીધી !"

"હેતલ બેટા ધ્યાન રાખો, પિયરમાં કરતા એ અહીં ન કરાય..." રેણુકા બેન હસીને બોલ્યા...

"જી મમ્મી...." હેતલ બસ એટલું જ બોલી.

સાસુ હસીને બોલ્યા એ જોઈ શોભનાનું મોઢું ઉતરી ગયું ! અને બીજું આયોજન મનમાં ઘડવા લાગી.....!

દસ વાગતા સુધી તો હેતલને એવા હજારો અનુભવ થઇ ગયા જે પિયરમાં ક્યારેય નહોતા થયા..... પોતે દસ વાગે તો માંડ નાહી ધોઈને પરવારતી ને અહીં તો દસ વાગતા સુધી કેડનો કડાકો થઈ ગયો હતો ! કામ તો ઠીક પણ ઘડી ઘડી મોઢું બગાડતી જેઠાણી એને વસમી લાગતી હતી ! તો શું આ શોભના સ્ત્રી નથી ? જેઠાણી બનીને એનું સ્ત્રી હ્ર્દય ક્યાં મરી ગયું ? કવિઓ ખોટા વખાણ કરી ગયા છે સ્ત્રીના....! હેતલ મનોમન કડાકૂટ કરતી હતી!

પહેલીવાર હેતલને થયું કે લાડ કોને કહેવાય? એ નાની હતી ત્યારે દિવાળીની રજાઓમાં મમ્મીને પુરી બનવડાવતી. ચોરસ, પંચકોણ કે ત્રિકોણ પુરીઓ એ બનાવી શકતી! પણ મમ્મી અને પપ્પા સવારે નાસ્તામાં એની બનાવેલી એ કઢંગી ત્રિકોણ અને પંચકોણ પુરીઓ શોધી શોધીને ખાતા! પપ્પા તો કહેતા " જો મારી હેતલ બનાવે એ પુરીની મીઠાશ જ અલગ હોય!!!!!"

આજે પોતે બટન ટાંકતા જખમી થઈ તોય બધી ક્રેડિટ ભાભીને જ મળી? હું ધીમે ધીમે બધું શીખી જઈશ એવું કોઈએ કેમ ન વિચાર્યું? હેતલને ઉદાસ ચહેરે પિયરની યાદો તાજી થતી હતી ત્યાં ફરી શોભના આવી, " અરે હેતલ! ચલ ચલ જમવાનું બનાવીએ, મોડું થશે."

હેતલ ઉભી થઈને શોભના પાછળ રસોડામાં ગઈ. સાસુ બહાર બેઠા બેઠા બટેટા સમારતા હતા. શોભનાએ લોટ બાંધીને કહ્યું, " લે તું રોટલી બનાવ હું કિરણ અને પીયૂષને તૈયાર કરું."

હેતલ રોટલી બનાવવા લાગી પણ કેવી રોટલી! પૂરું ધ્યાન આપવા છતાં રોટલી ગોળ ન બની! હેતલ ફરી ફરીને રોટલી ભાંગીને લોયો બનાવી એજ રોટલી ફરી વણવા લાગી ! પણ કાઈ વળ્યું નહીં! ઉભી ઉભી રડવા લાગી! અને ધીમે ધીમે એના બસમાં ન રહ્યું ડુસકા નીકળવા લાગ્યા!

એ જોઈ સાસુ નજીક આવીને બોલ્યા, " શુ થયું બેટા ?"

" આ રોટલી..... "

સાસુએ રોટલી તરફ નજર કરી "કાઈ વાંધો નહિ, ધીમે ધીમે આવડી જશે...." હેતલને માથે હાથ ફેરવીને કહ્યું અને સાસુ રોટલી બનાવવા લાગ્યા...

સાસુ કામ કરે અને પોતે ઉભી રહે! એ વાત હેતલને ગમી નહિ આખરે માઁ ના સંસ્કાર બોલ્યા, "મમ્મી હું ચા, જાડું પોચુ અને વાસણ કરીશ થોડા દિવસ મને જમવાનું નહિ આવડે ત્યાં સુધી!"

"હા બેટા..... " સાસુએ હસીને કહ્યું... હેતલ ખુશ થઈ ગઈ પણ એક પ્રશ્ન ફરી થયો જો સાસુ માઁ જેવી ન હોત તો ? તો મારું શું થાત ?

શોભના બાળકોને તૈયાર કરતી કરતી આ બધું આડી નજરે જોતી હતી અને સાસુની ભલાઈ ઉપર બળતી હતી! બધો ગુસ્સો બાળકોને કપડા પહેરાવવામાં અને ટાઇ બાંધવામાં ઉતારતી હતી!

જમવાનું બની ગયું એટલે બધાએ જમી લીધું. શોભના બાળકોને શાળાએ મુકવા ચાલી ગઈ. જતા જતા હેતલ સામે જોઇને એ બોલી, "આ છોકરાઓની કાસ..... ન હોય એને જલસા....."

હેતલ પણ સાસુને કહ્યા મુજબ બધા વાસણ લઈને ચોકડીમાં ચાલી ગઈ. મનમાં શોભનાનો કચવાતો ચહેરો અને એની કટાક્ષ ફર્યા કરતી હતી.....

વાસણ ધોતા ધોતા એના હાથમાં એક તપેલી આવી! નવી તપેલી...... !!! ઉપર જોયું તો ભાગીરથી રતિલાલ... પૂરું નામ વાંચી ન શકી.... આવી જ તપેલી.... હા આવી જ તપેલી જ્યારે પોતાને ન ગમે એવું જમવાનું બનતું ત્યારે હેતલ આવી જ તપેલી ઊંઘી ફેંકી દેતી....!!! છતાં એ મમ્મી અને પપ્પા મને વળાવતી વેળાએ કેટલા રડ્યા હતા??? હેતલની આંખમાંથી આંસુ પડી એ મેલા પાણીમાં મળી ગયુ...! માઁ ...... મને માફ કરજે.... એજ પશ્ચાતાપ શબ્દ પણ ફફડતા હોઠમાંથી સરી પડ્યો....

વિકી ત્રિવેદી "ઉપેક્ષિત"