Ramdas in Gujarati Short Stories by RAKESH RATHOD books and stories PDF | રામદાસ

Featured Books
Categories
Share

રામદાસ

રામદાસ

“આવો...આવો.... રામદાસ. પધારો... આ લો તમારા કામની બક્ષીસ..!”

સ્ટેશનમાં પગ મુકતાની સાથે જ સાથી કર્મચારીઓ હસી હસીને મજાક ઉડાવવા લાગ્યા. રામજીભાઇના હાથમાં એક કાગળીયું પકડાવ્યું.

‘શું છે... આ..?’

‘અરે..! કીધુ તો ખરું... તમારા કામની બક્ષીસ... સાંભળ્યું છે કે ગઇ કાલે પણ તમે ડ્યુટી પર નહોતા..! સાહેબ ચેકિંગમાં આવેલા, તમને ફોન પણ કર્યો હતો... પણ તમારો તો ફોન પણ બંધ હતો... અને અત્યારે સીધા અહિં હાજરી ભરવા આવો છો... જનાબ..! આ એ જ તમારી બેદરકારીની નોટીસ છે.. અને આજથી તમારી ડ્યુટી રોજની રાત્રે કરવામાં આવી છે. હવેથી તમારે રોજ રાતે સેંટ્રલ બેંક આગળ સિક્યોરીટીની ડ્યુટી ભરવાની છે.. આ તમારી સજા છે..’

હાજરી પુરી... હાથમાં નોટીસ લઇ ને રામદાસ ધીમા પગલે ચાલવા લાગ્યા... એક પણ શબ્દ બોલ્યા વગર... બસ,.. મનમાં વિચારો ચાલે છે..

આજ – કાલ કરતાં ત્રીસ વર્ષ થઇ ગયા. બાવીસ વર્ષની ઉમરે રામદાસ એક કોંસ્ટેબલ તરીકે પોલીસની નોકરીમાં જોડાયેલા ને હવે બસ થોડા જ વર્ષો બાકી હતા.. નોકરી પુરી થવામાં.. આજ સુધી માત્ર નિષ્ઠાથી અને પુરી ઇમાનદારીથી નોકરી કરી છે.

પહેલી જ વાર જ્યારે રામદાસ નોકરી જોઇન કરી ને આવેલા ત્યારે પહેલા મહિનાના પગારની સાથે તેમને ૨૦૦૦ રૂપિયા વધારાના આપવામાં આવેલા..

‘આ શું છે...? કેમ ૨૦૦૦ રૂપિયા વધારાના..?’

‘એ તમારો હિસ્સો છે.’

‘શાનો..?’

‘હપ્તાનો...’

‘મારે નથી જોઇતો.. મને એ હરામનો ને કોઇની આંતરડી બાળીને મેળવેલો પૈસો ન ખપે...’ અને રામદાસ એ બે હજાર ટેબલ પર મુકી ને ચાલતો થયેલો... ત્યારે પહેલી જ વાર બધાએ તેને ગાંડો કહેલો. ને મશ્કરી કરી હતી.

ત્યારથી લઇ ને આજ સુધી એ જ બધા રામદાસની મજાકજ ઉડાવતા રહ્યા છે. કારણ કે તે ઇમાનદારીથી નોકરી કરે છે.. બસ એટલે જ...

પણ રામદાસની એક સૌથી મોટી કમજોરી પણ છે... ભગવાનની ભક્તિ,.. તેનું ભજન કિર્તન...

રામદાસને ભગવાનની ભક્તિની એટલી પ્રિતિ અને શ્રધ્ધા છે કે.. તે ક્યારેય ભગવાનની ભક્તિનો અવસર ચુકતા નથી.. પછી ભલેને ગમે તેવી પરિસ્થિતિ હોય.. અને એટલે જ ક્યાંયથી પણ જો ભગવાનના ભજનનું વાયક (આમંત્રણ) મળે તો રામદાસ ગયા વિના ન જ રહે.. પછી જે થવું હોય તે થઇ જાય...

ગઇ કાલે રાતે પણ રામદાસને બાજુના ગામમાંથી ભજનનું વાયક મળ્યુ હતું.. અને એટલે જ તે ડ્યુટી હોવા છતાં પણ પોતાને રોકી શક્યા નહિ ને ભજનમાં ચાલ્યા ગયેલા. એ વખતે કદાચ સાહેબ ચેકીંગમાં આવ્યા હશે અને રામદાસ ડ્યુટી પર ન હોવાથી તેમને આ નોટીસ આપી છે.

કંઇ વાંધો નઇ.. દિવસના બદલે રાતની નોકરી કરીશું... શો ફેર પડે છે..? રહી વાત પ્રભુના ભજનની.. એ તો બધુ એના જ હાથમાં છે ને..? એ તો હવે પ્રભુ તું કરે એ ખરુ.. અને આવા વિચારે રામદાસ હસી પડ્યા ... બેફિકરાઇ થી...

‘કેમ.. એકલા એકલા હસો છો ગાંડાની માફક...? શું થયું છે..?’ ઘરમાં પગ મુકતાની સાથે જ રામદાસની પત્નિએ ટીખળ કરી..

‘કંઇ નઇ... બસ એમજ.. આજથી હવે નોકરી રાતની થઇ ગઇ એ જ વિચારે...’

***

આજે લગભગ હવે એક મહિનો થઇ ગયો... રાતની ડ્યુટી ચાલુ થયે.. રોજ રાતે બેંક આગળ આખી રાત ડ્યુટી ભરવાની... સાહેબે રામદાસને સજા કરી હતી... પણ રામદાસને એનાથી કોઇ ફર્ક નહોતો પડ્યો. એ તો બસ રોજ ડ્યુટી પર આવે છે.. ને બેઠાબેઠા પગ ઉપર થાપ આપી ને ધીમા અવાજે ભજનો ગાયા કરે છે...રોજ રાતે ગાડી ચેકિંગમાં (પેટ્રોલીંગમાં) આવે છે અને સહી કરીને લઇ જાય છે... રાત પસાર થઇ જાય છે.. સવારે સ્ટેશને હાજરી આપી ને ઘેર ચાલ્યા જાય છે..

રામદાસને ફરી એકવાર ભજનનું વાયક મળ્યું.. રાતની ડ્યુટી છે ને જવાબદારી... જવુ કઇ રીતે ? જવુ કે ના જવુ ? વિચારોમાં ગુંચવાયા...

હા... ના..., હા... ના... મન સાથે ને હૃદયમાં ઉઠતી ઇચ્છાઓ સામે રામદાસ મથી રહ્યા...સાહેબે પોતાની બેદરકારી બદલ સજા કરી હતી એટલે હવે રજા મળવાની તો કોઇ આશા જ ન હતી.. અને રજા વગર જાય ને ફરી વાર એવુ થાય તો..? છેવટે મનને મનાવીને ડ્યુટી પર તો ગયા... પણ જેવા ભજનનો ચાલુ થયાનો અવાજ સંભાળાયો કે રામનાસનું હૃદય વિહવળ બની ગયું.. લાખ રોકવા છતા તે રોકાયું નહિ.. અને રામદાસ ચાલી નિકળ્યા...

આખી રાત ભજન કર્યા ને સવારે સીધા સ્ટેશને હાજરી ભરવા ગયા.. કદાચ આજે પણ નોટીસ મળશે.. કંઇ વાંધો નઇ.. થઇ પડશે..

હાજરી ભરી... કોઇ કંઇ બોલ્યું નહિં... કદાચ સાહેબ નઇ આવ્યા હોય.., પણ કેમ..? રોજ રાતે એકવાર તો ગાડી આવે છે ને રાતે સહી પણ કરાવે છે... તો ગઇ કાલે..? કંઇ સમજાતું નથી.. પણ કોઇએ કંઇ કહ્યુ નહિ..

આવું ફરી બે વાર થયું.. રામદાસ ડ્યુટી છોડી ને ભજનમાં ચાલ્યા જતા.. ને સવારે આવી ને હાજરી ભરી જતા પણ કોઇ ફરીયાદ ન હતી.. ના કોઇ નોટીસ..

‘કેમ છો રામદાસ..? હવે સુધરી ગયા હોય એવું લાગે છે’. ઇંસ્પેક્ટરે રામદાસની મજાકભરી ટીખળ કરી.

રામદાસ કંઇ જ બોલ્યા નહિં... ઇંસ્પેક્ટર સાહેબની વાત કદાચ તેમને જલદી સમજાઇ નહિ... માત્ર તેમની સામે જોઇ રહ્યા...

ઇંસ્પેક્ટરે મજાકના મુડમાં રામદાસના ખભા પર હાથ ભરાવ્યો... એક મિત્રની જેમ તેઓ રામદાસની સાથે ગોઠીયાપણું કરી ને ધીમે ધીમે ચાલતા બોલતા ગયા... ‘ કેમ રામદાસ હવે ભજન બજન બંધ કરી દિધા કે શું..? હમણાંથી તમારી કોઇ ફરીયાદ નથી આવી.

રામદાસને નવાઇ લાગી.. સાહેબ... આજે રાતે ગાડી ચેકિંગમાં આવી હતી..?

‘કેમ...? અરે યાર ભૂલી ગયા કે શું.. ? હું જ તો આવ્યો હતો.. અને તમે જ તો પોતે સહી કરી હતી.. કેમ આમ પુછો છો...? ફરી ગયું છે કે શું ..?’ ઇંસ્પેક્ટરને નવાઇ લાગી..

‘સાહેબ મને.. એ મારી સહી બતાવશો...?’

અરે.. કેમ...?

પ્લીઝ... સાહેબ... પ્લીઝ.. રામદાસ હાથ જોડી પડ્યા.

અરે.. આ... આ શું કરો છો..? .... હા... હા જાઓ પેલા રજિસ્ટરમાં જઇને જોઇ લો.

હુબહુ... એ જ... મારી જ સહી છે... રામદાસની આંખમાંથી આંસુ સરી પડ્યા..

હે... પ્રભુ... આ શું... ? મારા કારણે તારે ડ્યુટી ભરવી પડી.. હું તારા ભજન ગાઉ ને તું મારી ડ્યુટી ભરે .. મારા બદલે નોકરી કરે...

હૃદય ચિત્કાર કરી ઉઠ્યું... કરુણતાની સીમા વટાવી ગયું.. નથી જોઇતી એવી નોકરી મારા પ્રભું... તારી ભક્તિ કરતા તો રોકે ને જે તારી પાસે ડ્યુટી કરાવે ...

અને... રામદાસ એક કાગળ લઇ... રાજીનામુ લખી નાખ્યું...

- રાકેશ રાઠોડ