હોમ કેર ટિપ્સ
મીતલ ઠક્કર
અમે તમારા માટે હોમ કેર ટિપ્સ લઈને આવ્યા છીએ. ઘરમાં જ રહેલી નાની-નાની વસ્તુઓ ઘણી વખત મોટા કામમાં આવી જતી હોય છે. ઘરની મોટી લાગતી સમસ્યા માટે નાનો અને સરળ ઉપાય હોય છે. નાની-નાની વસ્તુઓનો ઉપયોગ કરીને કરવામાં આવતો ઉપાય તમને ચોક્કસથી ફાયદો કરાવી આપશે. જેમ કે, જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો શું કરવું? પ્લાસ્ટિકની બોટલમાંની વાસ દૂર કરવા શું કરવું? ઘરના દરવાજાના ખૂણામાં કીડીઓનાં દર થતાં હોય તો શું કરવું? કાચના ગ્લાસ ચકચકિત કરવા શું કરવું? કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે શું કરવું? જેવી ઘરની રોજબરોજની અનેક મૂંઝવણોનો ઉકેલ આ હોમ કેર ટિપ્સમાં ચોક્કસથી મળશે. બસ તો આજે જ નોંધી લો તમારી ડાયરીમાં આ ઉપયોગી ટિપ્સ.
* કપડાં પર ચાના ડાઘ પડયા હોય તો તેના પર કાચુ બટાકું ઘસવાથી ડાઘ આછો થઈ જશે.
* સ્વેટર ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.
* કબાટમાં કપડાં ગોઠવતાં પહેલાં નીચે છાપાં પાથરીને પછી ગોઠવવાથી કપડાંમાં કાટના ડાઘા નહીં લાગે અને કપડાં સાફ રહેશે.
* ઓવનમાં સફેદ દંતમંજન પાઉડર ભભરાવી કોરા કપડાથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઉઠશે.
*ચાંદીનાં વાસણોને કોલગેટથી સાફ કરવાથી ચમકી ઊઠે છે.
* નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળા રહેશે અને નડશે નહીં.
* ઘરના દરવાજાના ખૂણામાં કીડીઓનાં દર થતાં હોય તો દરવાજાની કિનારીઓ પર કેરોસીનવાળું પોતું ફેરવી દેવું, તેનાથી કીડીઓ નહીં આવે.
* મિનરલ ઓઈલમાં લીંબુનો રસ મિક્સ કરો. પહેલા ફર્નીચરને સૂકા કપડાંથી લૂંછી લો અને પછી તે મિશ્રણમાં કપડું ડૂબાડી ફર્નીચર પર લગાવો. થોડીવાર સૂકાવા દો. આ મિશ્રણને ઓછામાં ઓછું ત્રણ વાર ફર્નીચર પર લગાવો. સૂકાયા બાદ તેની ચમક જોવા જેવી રહેશે.
* રાઇના પાણી વડે પ્લાસ્ટિકની બોટલ ધોવાથી તેમાંની વાસ દૂર થાય છે.
* ખાટી થઇ ગયેલી છાશને ફેંકી ન દેતાં તેમાં તાંબાનાં વાસણો બોળી રાખવાં. વાસણ ચમકી ઊઠશે.
* બંગડી હાથમાંથી નીકળતી ન હોય તો પહેલાં હાથમાં કોથળી પહેરી લો અને પછી કોથળી ઉપરથી બંગડી કાઢશો તો નીકળી જશે.
* દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.
* ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.
* આદુંને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.
* મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.
* કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.
* અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.
* વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.
* અગરબત્તી પ્રગટાવ્યા પહેલાં થોડી ભીની કરવાથી તે વધુ ખુશબુ આપશે તેમજ લાંબો સમય ચાલશે.
* ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.
* બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.
* પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.
ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.
* આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.
* અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.
* લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.
* હેરડાઇના ડાઘા કાંદાનો રસ લગાડી આછા કરવા.
* વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.
* સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.
* નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.
* રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.
* માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.
* દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.
* કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.
* બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે.
* પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.
* બાથટબ પર પીળાશ છવાઇ જાય તો મીઠું અને ટરપેઇનટાઇનથી સાફ કરવું.
* કાર્પેટ પર કોઇ પ્રવાહી પડે તો તેને લુછવાને બદલે તેના પર બ્લોટિંગ પેપર દાબવું જેથી પ્રવાહી શોષાઇ જશે.
* ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.
* સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.
* કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.
* ન્હાવાના સાબુની વધેલી નાની પતરીને, મોજામાં મૂકીને તેને શરીર પર ઘસવાથી મેલ સારા પ્રમાણમાં દૂર થાય છે.
* કપડાં પર પડેલા પાનના ડાઘ કાઢવા માટે તેના પર ચૂનો ઘસી, પછી બ્લીચીંગ પાવડર ઘસો, ડાઘ દૂર થશે.
* ફર્નિચર પરથી પેન્સિલના ડાઘા દુર કરવા લીંબૂની રસથી સાફ કરવું.
* કટાઈ ગયેલી છરી પર કાંદાનો રસ લગાડી આખી રાત રાખવી. એ પછી સવારે ધોઈ નાખવાથી કાટ જતો રહેશે.
* રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે.
* પુસ્તકોમાં જીવાત ન પડે માટે તેની સાથે મેન્થોલની ગોળીઓ અથવા તો તમાકુના પાંદડા મુકવા.
* જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો પહેલા તેના પર સૂકો લોટ ભભરાવવો, પછી તેને અખબારથી લૂછવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઇ જશે.
* મીણબત્તીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા મીણબત્તીને પાણીના ગ્લાસમાં રાખી પ્રગટાવવી.
* મારબલ પરથી ડાઘા દૂર કરવા બોરેક્સ પાવડરમાં પાણી ભેળવી સાફ કરવું.
* તૈલીય પદાર્થ કે આથાવાળા પદાર્થ કે જેમાં સોડાનો ઉપયોગ થયો હોય તેવા પદાર્થને લાંબા સમય માટે પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવા નહીં.
* કોઈ પણ વસ્તુ પર લાગેલા ડાઘ દૂર કરવા માટે તેને સોફ્ટ ડ્રિંકમાં ડુબાડેલા સ્પંઝથી ઘસવું. કાટ સરળતાથી દૂર થશે.
* કપડાં ધોતી વખતે શર્ટના કોલર સાફ કરવા સૌથી મુશ્કેલ હોય છે. આથી જ્યારે કોલર પરનો મેલ દૂર કરવો હોય તો, સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરવો ચોક્કસથી સફળતા મળશે.
* ભારે સાડી જેવી કે પ્યોર સિલ્કની અથવા તો ચાલુ સિલ્કની સાડીને જો ઘરે ધોવાની હોય તો, કપડાં ધોવાના બદલે ન્હાવાના સાબુથી ધોવાથી સાઈનિંગ ઝાંખી થતી નથી અને સરસ રહે છે.
***