સોનુ-પુત્ર સુખ-
રીમા અમેરિકાથી આવી. મીરાને ખબર આપી ત્યારે તે તો રાજી રાજી થઇ ગઇ વીસ વર્ષ બાદ બંને સખીઓ મળી..બહુ આગ્રહ કરીને ઘરે લઇ ગઇ..ત્યારે ૧૮ વર્ષનાં સોનુને જોયો..શરીર પૂર્ણ વિકસીત પણ મગજ માત્ર ચાર વર્ષનું. મમ્મીની સાથે બીજો નેહ નીતરતો ચહેરો જોયો પણ અચાનક તે ચમક્યો અને સમતુલા ગુમાવીને ભીંત સાથે ટકરાયો અને ઢમ દઇને અવાજ આવ્યો ત્યારે રીમાથી રાડ પડાઇ ગઇ. મીરાએ તેને પકડી તો લીધો પણ માથામાં તેને વાગ્યું અને તે છાનો રાખવા માંડી…”સોનું માસી છે ..તેનાથી ડરવાનું ના હોય!”
રીમા માટે આ સખત આઘાત હતો.. તેની આંખો ઉભરાઇ ગઈ. તેની સખીનાં દુઃખે તે દુઃખી દુઃખી થઇ ગઇ. તે પણ મા હતીને? સંતાનનું દુઃખ તે જોઇ શકતી ન હતી.
મીરા બોલી “ તું શું કામ દુઃખી થાય છે? આ બધુ તો અમારા માટે હવે સામાન્ય છે. તેનું ઓચિંતુ ચમકવું અને ગબડી જવું એ જ તો તેના મગજ્નાં વિકાસનો અભાવ છે.”
”પણ આનો ઉપાય શું?”
“ ઉપાય તો હજી જડ્યો નથી… જેટલા ડોક્ટરો એ કહ્યા તે ઉપાયો બધ્ધા જ કરી જોયા… પથ્થર એટલા દેવ પુજીએ તેમ જ્યાં થી કોઇ આશાનો ઝબકાર દેખાય તે બધેજ ફરી વળ્યા. અને હજીય તે પોતાની જાતે ઝાડો પેશાબ કરે અને આ ગબડતો અટકે તેટલા માટે કેટલાય ઉપાયો કરીયે છે…પહેલા તો તેને લઇ ને ફેરવવો સહેલ હતું પણ હવે શરીર વધ્યુ તેથી મયંક પણ થાકી જાય છે.”
“ તે જનમ્યો ત્યારથી જ આવો હતો?
“ નારે ના. જનમ્યો ત્યારે તો વેરીને પણ વહાલ આવે તેવો રૂપાળો અને તરવરીયો હતો.પણ તે ચાર વર્ષનો હતો ત્યારે મેનીન્જાઇટીસનો ભોગ બન્યો અને તાવ માથે ચઢી ગયો..છતી માવજતે કે પછી ડોક્ટરની બેદરકારી કે કોઇ પણ કારણે તેને ખેંચ આવી અને તે બેભાન થઇ ગયો.તે દિવસ અને આજ ની વાત તેનું શરીર વિકસે પણ મગજનો વિકાસ અટકી ગયો.
“ત્યારે તું નોકરી કરતી હતી?”
‘ હા. અને એજ તો મારી ભુલ હતી.આયાને ભરોંસે તેને ઉછેર્યો..પણ આયા તો મા નહીં ને? કોઇક તબક્કે મને લાગ્યૂં કે હું ચુકી ગઇ અને તેથી જ સોનુનો વિકાસ ધીરો થયો. “
મયંકે મીરાને અટકાવતા કહ્યું; “એમ નહીં વિચારવાનું..આપણું સંતાન છે અને પ્રભુનો કેવો ઉપકાર કે તેનું બાળપણ આપણ ને હજી માણવા મળે છે.’
રીમા કહે “ આ તો માને માટે શ્રાપ છે. અને આ બાળકને પશું જેમ જીવતો જોવાનો પીડાતો અને રીબાતો જોવાનો એ કંઇ સામાન્ય વેદના નથી. અત્યારે જો ડોક્ટરની બેદરકારી ના હોત તો છોકરો અત્યારે બાઇક ફેરવતો હોત..”
મીરા કહે “ મયંકની ખરી કસોટી તો સવારે રોજ જ થાય..તેને ઝાડો કરાવતા કલાક થાય..નાના બાળકને જેમ સીસોટીઓ વગાડતા અને તેની બાળક્રિયાઓમાં થી વાળી શૌચક્રિયા પુરી કરાવવામાં
સવારનાં ૯ વાગી જાય અને દસ વાગે એટલે નોકરી એ જવાનું. ઘરમાં બાની ૨૪ કલાક્ની હાજરી એટલે નોકરી થાય નહિંતર સોનુને સાચવવા મારે ઘરે જ રહેવું પડે.”
રીમા કહે “આવા ખોડખાંપણ વાળા છોકરાઓની શાળાઓ અમેરિકામાં તો હોય છે તેવું અહીં નથી?”
“છે ને .. બધું જ છે તેને દસ વર્ષ રાખ્યો પણ મને સતત લાગ્યા કરે કે આવા પચાસ બાળકો વચ્ચે બે કે ત્રણ કેર ટેકર એટલે તેની જાળવણી કેવી રીતે થતી હશે? મુકવા જઇએ ત્યારે સોનુ રડે અને એ રૂદન આખો દિવસ અમને બંનેને બેચેન રાખે. મન કઠોર કરીને અમે ટેવાયા ત્યારે એક એવો પ્રસંગ બન્યો કે અમારો વિશ્વાસ જ ઉઠી ગયો. તે દિવસે વરસાદ હતો તેથી મયંક થોડા વહેલા સોનુને લેવા તેની સ્કુલે ગયા..સામાન્ય રીતે જ્યારે લેવા જાવ ત્યારે સોનુ ને તૈયાર કરીને રાખ્યો હોય..પણ તે સમયે હું વહેલો ગયો હતો ત્યારે પચાસે પચાસ બાળકો ચોકમાં વરસાદમાં ભીજાતા હતા.. ગળાડુબ પાણીમાં કોઇ કેર ટેકર હતો નહીં.મયંકે રાડારાડ કરી મુકી..પણ કેરટેકરને મન આ સામાન્ય ઘટના હતી. સોનુ કંઇ કેટલુંય ગંદુ પાણી પી ગયો હશે કે તેને મરડો થઇ ગયો. જે કંઇ ખાય ને અર્ધો કલાકે પાણી જેવા ઝાડા થયા કરે.તે દિવસ્ની વાત અને આજ દિન સુધી તેને રેઢો નથી મુક્યો..ઘરમાં કોઇ ને કોઇ હાજ્રર હોયજ.”
રીમા તો અરેરાટી પામી ગઈ.
“ આવી સંસ્થાઓ અનુદાનો અને ધર્માદા મેળવવા માટે જ સક્રિય હોય છે..બાળકોનાં નંબરો તેમને માટે આવકો વધારવાનું સાધન જ હોય છે.”
મીરા કહે “થોડીક આરાજકતા આવી સંસ્થાઓમાં હોય પણ મારો સોનુ તેનો ભોગ બને તે મને જચતું નહોંતું તેથી તેને ઘરે તાલીમ આપવાની શરુ કરી…તે વખતે નાની ખુશ્બુ પેટમાં હતી તેથી પ્રેગ્નન્સી લીવ અને સતત હાજરી થી તેને સંસ્કારી બનાવવામાં સફળતા મળી.
હવે તે મમ્મા પપ્પા બોલે છે..શ્લોકો સાંભળે છે..આનંદ જાહેર કરે છે..રડે છે હસે છે..ભુખ લાગેછે ત્યારે અને તરસ લાગે ત્યારે અવાજો કરે છે. પડી જાય ત્યારે માથાને ના વાગે તેનો ખયાલ રાખે છે…ખુશ્બુને જોઇ મલકે છે..ભાઇ બહેન ને પણ બહુ બને છે.
“હવે એટલે તે થોડોક મગજની રીતે મોટો થયો તેમ કહેવાય?”
“ હા અને ના.. આ દરે તેનો વિકાસ તેના શરીરનાં વિકાસ કરતા ઘણો ઓછો છે. એટલે અમારી તપ્શ્ચર્યા તો અમારા જીવન નાં અંત સુધી છે જ.. મયંક હવે ચર્ચામાં સક્રિય થયો.
“રીમા બહેન સોનુ માટે બે વિચારો કાયમ જ રહે છે…એક વિચાર એને પીડાતો જોઇ દુભાવાનું, દુઃખી થવાનું અને બીજો વિચાર એ પણ આવે કે પ્રભુએ અમને એવા સક્ષમ જોયાં એટલે તેમના આ સંતાન ને જાળવવા અમને મા બાપ બનાવ્યા…પહેલો વિચાર કાયમ એમ દુઃખ આપે કે અમારા કોઇ માઠા કર્મ કે પાછલા જન્મનું કોઇ બાકી લહેણું લેવા તે અમારે ત્યાં પુત્ર રુપે આવ્યો જ્યારે બીજો વિચાર કાયમ જ એ આવે કે આ પણ પ્રભુની સેવા જ છે.
આ વાતો ચાલતી હતી ત્યાં ફરી તે ચમક્યો અને સમતુલન ગુમાવ્યું પણ આવખતે રીમા જોઇ શાકી કે તેનું મસ્તક ટકરાય ના તે માટે તે ઉંચુ રાખતો હતો. રીમાથી ફરી થી “હાય હાય રે બા!”થઇ ગયું
મીરા એ તેને ફરીથી સાચવી લીધો અને બોલી..”સોનુ! બોલ તો માસી! તે તારી ચિંતા કરે છે..”
એ મધ મીઠુ મલક્યો અને બોલ્યો “માઆઆઆસી” અને રીમા તો ખુબ ખુશ થઇ ગઈ..”સોનુ..બેટા.. ફરી એક વખત કહેને માસી….
પાછળથી 12 વર્ષની ખુશ્બુ આવીને બોલી માસી જયશ્રી કૃષ્ણ! અને તેની નકલ કરતા તે પણ બોલ્યો..” માઆઆઆસી…જેસ્રીકૃષ્ન”
રડતી માસીને એકદમ પ્રફુલ્લિત જોઇ તે પણ હસ્યો…
ખુશ્બુ ને જોઇ તે ફરીથી મલક્યો “બેના”
બંને નાં શરીર સરખા. ખુશ્બુ બરોબર મયંક્ની કોપી..નમણી અને હસમુખી તે બોલી.. “ “માસી! ચિંતા ના કરશો..વિજ્ઞાન પ્રગતિ કરે છે ગુગલ તો કહે છે સ્ટેમ સેલ રીસર્ચ આવા દર્દીઓ માટે આશિર્વાદ છે. તે સારો થઇ જશે મને ગળા સુધી વિશ્વાસ છે.…
રીમા ખુશ્બુ નાં માથે હાથ ફેરવતી બોલી “ હા બેટા! ઉપરવાળાને હું પણ પ્રાર્થના કરીશ કે સોનુ જલ્દી સાજો થાય અને મીરા અને મયંક પુત્રસુખ પામે.”
સેરીબ્રલ પાલ્સીનાં દર્દીઓ ઉપર થતા વેરા આંતરા વાળા વહેવારોથી તંગ આવી જઇને મીરા એ લીધેલો નિર્ણય સાચેજ બહું હિંમત માંગી લેતો નિર્ણય એ પણ ખુશ્બુનો આશાવાદ તથા મીરા અને મયંકની તેના પ્રત્યેનાં લગાવને જોઇ રીમા મનો મન બોલી..” ધન્ય છે ત્રણેય. જે ઉપાધીને ઉપાધી ના સમજતા સમજણ પૂર્વક લબ્ધીમાં ફેરવી રહ્યા.છે.
Vijay Shah, 36, Nilkamal Society Nizampura Vadodara 390002 phone 0265 27844465 Vijay Shah 13727 Eldridge Springs way Houston Tx 77083 USA Phone number 1-281-56-5116