Premni Jeet ke pachhi in Gujarati Love Stories by Parth Toroneel books and stories PDF | પ્રેમની જીત કે પછી...

Featured Books
Categories
Share

પ્રેમની જીત કે પછી...

(ગયા સપ્તાહે તમે વાંચ્યું... શ્રેયા અને હિરેન ‘કોફી લવર્સ કાફે’ પર મળે છે. હિરેન જોબ મળ્યાના ખુશખબર શ્રેયાને કહી તેને પ્રપોઝ કરે છે. શ્રેયા હિરેનની પ્રપોઝલ નો અસ્વીકાર કરવા તેની ડિસએબીલીટી અને એક નોર્મલ જીવનસાથી તરીકે તેની જરૂરિયાત નહીં સંતોષી શકે તેના કારણો જણાવે છે. છતાં પણ હિરેન શ્રેયાને જેવી છે તેવી સ્વીકારવા તૈયાર છે એમ સમજાવે છે. શ્રેયા પ્રપોઝલનો ‘હા’ કે ‘ના’નો જવાબ આપ્યા વિના બન્ને ત્યાંથી ભૂલા પડે છે. ઘરે પહોંચીને શ્રેયા તેના રૂમમાં જાય છે. રૂમમાં કશુંક પટકાવાનો અવાજ શ્વેતાભાભીને રસોડામાંથી સાંભળાય છે... દરવાજો ખૂલતાં જ... ગળામાંથી ચીસ નીકળી જાય છે, ‘શ્રેયા....?’)

***

શ્રેયાનું શરીર જમીન પર ઊંધું ઢળી પડેલું હતું. તેની આજુબાજુ ક્રચીસો પડેલી જોઈને શ્વેતાની આંખો આઘાતને માર્યી પહોળી થઈ ગઈ. દ્રષ્ટિ જાણે ભયના કાળા વાદળોમાં ડૂબી ગઈ. બધુ જ અંધકારમય દેખાવા લાગ્યું. શ્વેતાએ ઝડપભેર પગ ઉપાડી ઊંધા પડેલા શ્રેયાના શરીરને સીધુ કરી તેનું માથું સાચવીને હાથમાં લીધું ત્યાં જ... માથામાંથી લોહીની વહેતી ધારા જોઈને આંખોના ડોળા બહાર નીકળી પડ્યા. હે ભગવાન... કહેતા જ મોં પર હાથ દબાવી દીધો. આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. શ્રેયાના જમણી બાજુના કપાળમાં કોચ પડી ગઈ હતી! તેમણે આંસુથી ભરાયેલી તેમની ઝળહઝળતી આંખો લૂછી લીધી. વહેતા લોહીને રોકવા કોચ પર હાથ દબાવી દીધો. રડતાં રડતાં ભીના સ્વરે ફફડતા હોઠ વચ્ચેથી શબ્દો સર્યા જતાં હતાં, “શ્રેયા... શ્રેયા...ઉઠ શ્રેયા... હે ભગવાન...આ શું થઈ ગયું... શ્રેયા આંખો ખોલ...” બોલતા તેમનો અવાજ તરડાઇ ગયો. છાતીમાં કશુંક અઘટિત બનવાનો નાદ વાગવા લાગ્યો. શું કરવું? કોને બોલાવવું? ક્યાં જવું? એની સમજ જાણે એ ક્ષણે દિમાગમાંથી હણાઈ ગઈ હતી. શ્રેયાને કશું થશે તો નહીં ને!! એ અકળ વિચારે રગેરગમાં ભયભીતતાની ધ્રૂજારી પ્રસરાવી દીધી. કોચ પર હાથ દબાવતાં ગરમ લોહીથી ખરડાયેલું કપાળ, ચહેરો અને વાળ જોઈને તેમનું હૈયું કંપી ઊઠતું હતું. ફ્લોર પર ફેલાયે જતું લોહીનું તળાવ જોઈને તેનું શરીર અંદરથી ધ્રૂજવા લાગ્યું. ગરમ લોહીથી ખરડાયેલા બન્ને હાથમાં બેભાન શ્રેયાનું કમકમાટી ઉપજાવતું એ દ્રશ્ય તેમનાથી જોયું જીરવી શકાતું નહતું. ડરની વીજળી સીધી જ છાતીમાં ભોંકાઇ ગઈ હોય એવો આઘાત તેની આરપાર સોંસરવો ઉતરી ગયો હોય એવું મહેસુસ થતું હતું. હાથમાંથી જીવંત પળો કાળો કાળ છીનવી રહ્યો હોય એવી આશા વિહોણી લાગણીઓ ભીતરમાં ચૂંથાવા લાગી. તેમણે ભીની આંખે રૂમમાં બેબાંકળી નજર ફેરવી. ફોન પર નજર પડતાં તેમણે કઠણ કાળજે સૌથી અગત્યનું કામ પહેલું કરી લેવાનું નક્કી કર્યું. શ્રેયાનું માથું સાચવીને નીચે મૂકી, સાડીનો છેડો ફાડી તેના માથા ફરતે વીંટી દીધો. ધ્રૂજતી આંગળીથી ૧૦૮ નંબર લગાવી રડમસ અવાજે ફોન જોડ્યો. બીજે છેડે ફોનમાંથી અવાજ સંભળાતા જ વિકટ પરિસ્થિતિની તુરંત જાણ કરી, એડ્રેસ લખાવી તરત જ એમ્બ્યુલસ મોકલવા વિનંતી કરી. શ્રેયાના કપાળમાંથી વહેતા લોહીથી સાડીનો પાટો લોહિયાળ બની ફેલાતો જતો હતો. તેમની આંખો આસુંથી ઉભરાઇ જતી. તેમણે ફોનનો વાયર ખેંચી આખો ફોન લઈને શ્રેયાની બાજુમાં બેસી ગયા. એક હાથે લોહી વહેતા ઘાને દબાવ્યો અને બીજા ધ્રૂજતા હાથે મયંકને ફોન કર્યો.

સામે છેડે ફોનનું રિસીવર ઊંચકાયું...

“હેલ્લો, મયંક... શ્રેયાને ખૂબ વાગ્યું છે, એના માથામાંથી લોહી નિકડે છે... તમે જલ્દી ઘરે આવી જાવ... જલ્દી... એ બેભાન પડી છે અહીં.... મને ખૂબ ડર લાગે છે મયંક... ઘરે પણ કોઈ નથી... પ્લીઝ તમે જલ્દી આવી જાવ...” શ્વેતાએ એકી શ્વાસે દર્દઘુંટયા અવાજે કહી દીધું.

“શું.....?” મયંકની છાતીમાં ફાળ પડી. “હું-હું અત્યારે હાલ જ આવું છું શ્વેતા... ૧૦૮ને ફોન કર્યો તે??” ભયભીત અવાજમાં પૂછ્યું.

“હા કર્યો, એમ્બ્યુલસ ત્યાંથી નિકડી ગઈ છે. તમે અત્યારે જ ત્યાંથી નિકડો...જલ્દી...” શ્વેતાએ રડતાં રડતાં બોલી.

“હા...શ્વેતા, તું ગભરાઇશ નહીં... સોસાયટીમાં જયેશભાઈને ફોન કરું છું હું, એ અત્યારે જ ત્યાં આવી જશે.. તું બિલકુલ હિંમત ન હારતી... હું હાલ જ ઘરે પહોંચું છું...” ગભરાયેલા અવાજે ફોન કટ કર્યો.

થોડીક મિનિટોમાં પડોશમાંથી જયેશભાઇ ‘ફસ્ટ એડ કેર’નું બોક્સ લઈને શ્રેયાના રૂમમાં દોડી આવ્યા. તે ડોક્ટર નહતા પણ શ્રેયાનું વહેતું લોહી રોકવા એન્ટિસેપ્ટિક દવા લગાડી કોચ પર પાટો બાંધી દીધો. શ્રેયાને ઉઠાડવા ઠંડા પાણીના છાંટા મોઢા પર છાંટયા, પણ શ્રેયાએ કોઈ હરકત ન બતાવી. શ્વેતા છાતી પર હાથ મૂકી રડી પડી, “શ્રેયાને કશું થશે તો નહીં ને!!”

“શ્વેતાબેન તમે હિંમ્મત રાખો. શ્રેયાને માથા પર વાગવાના આઘાતથી બેભાન થઈ ગઈ છે... પ્રોપર ટ્રીટમેંટ માટે ડોક્ટર એમ્બ્યુલસમાં આવતા જ હશે... તમે બસ પ્રાર્થના કરો, ઉપરવાળો બધું સારું જ કરશે...,” તેમણે અસ્વસ્થ અવાજે શ્રેયાના માથે બાંધેલો પાટો દબાવેલો રાખતા કહ્યું.

થોડીક જ મિનિટોમાં ઈમરજન્સીની સાયરન સાથે એમ્બ્યુલસ સોસાયટીમાં અચાનક દોડતી આવતા જોઈને બધાનો જીવ અધ્ધર થઈ ગયો. શ્રેયાને શું થયું હશે? એ વિચારમાં બધાનું મન ચિંતાતુર બની અટકળો લગાવવા લાગ્યું. એમ્બ્યુલસમાંથી સ્ટેચર બહાર કાઢી બેભાન શ્રેયાને એમાં સૂવાડી. એમ્બ્યુલસની અંદર સ્ટ્રેચર લઈ જઇ ડોક્ટર્સે એમની સારવાર શરૂ કરી. એમ્બ્યુલસ ઈમરજન્સી સાયરનના પડઘા કાનમાં પાડી સોસાયટીમાંથી બહાર નીકળીને રોડ પર પાણીના રેલાની જેમ દોડવા લાગી.

શ્રેયાને હોસ્પિટલમાં દાખલ કરાઇ. ડોક્ટરે ઈન્જેક્સન્સ અને નીડલ્સ નસોમાં ખોંસી ભાનમાં લાવવા દવાઓ પ્રસરાવી. હોસ્પિટલ બેડની બન્ને બાજુ ગ્લુકોઝ અને લોહીના બાટલામાંથી ઊતરતી પાઇપ નિડલ્સ થ્રૂ શ્રેયાની નસોમાં વહી રહી હતી. શ્રેયાને એનેસ્થેસિયાનું ઈન્જેક્સન આપી, વાગેલી કોચ પર ચાર ટાંકા લઈને વહેતું લોહી અટકાવી દીધું. શ્રેયાનું ભાનમાં આવવું ખૂબ જરૂરી હતું, નહીંતર તેના માટે ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ શકે એવું હતું.

સાંજના દસ વાગ્યા હતા. શ્રેયા હોસ્પિટલના બેડમાં સૂતી હતી. બહાર આખો પરિવાર ચિંતાતુર ચહેરે ભીતરમાં ઘૂંટાતા ભયમાં બેઠો હતો. હરેક શ્વાસે પ્રાર્થનાની માળા ફરતી હતી. રમિલાબેને ‘શ્રેયાને હોસ્પિટલમાં દાખલ કરી છે’ એ સમાચાર સાંભળતા જ જાણે એમનું કાળજું ચિરાઈ ગયું હોય એવી વેદના છાતીમાં અનુભવી. શ્વેતા એના ત્રણ વર્ષના દીકરાને ખોળામાં લઈને સુવડાવતી હતી. હજુ પણ તેની આંખો સામે એ બિહામણું દ્રશ્ય તાજું તરતુ હતું. બધાના ચહેરા શોકમગ્ન હતા. પાડોશી એમની પીઠ પર હાથ પસવારી હૂંફાળા સ્વરે દિલાસો આપી આશાનું કિરણ પૂરતા હતા. ભૂખ્યા પેટે અને હરિના નામને વાગોળતાં બધાએ આખી રાત હોસ્પિટલના રેસ્ટ રૂમમાં વિતાવી.

સવારે વહેલા પાંચ વાગે ઊઠીને રમિલાબેન નજીકના મંદિરમાં જવા નીકળ્યા. મંદિરમાં જઈને હૈયું રેડી ભીની આંખે પ્રાર્થના કરવા બેસી ગયા. બપોરના ત્રણ વાગ્યા સુધીના એક જ જગ્યાએ ભક્તિમય ખોવાયેલા રમિલાબેનના ખભા પર હળવો હાથ સ્પર્શ્યો. આંસુમાં લદાયેલી ભીની પાંપણો ખોલી તેમણે બાજુમાં નજર કરી. શ્વેતાએ ભીની આંખે પણ હરખાતાં હોઠે ખુશીના સમાચાર આદ્ર સ્વરે આપતા કહ્યું, “મમ્મી, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી.”

રમિલાબેનના હોઠ જરાક રડમસ હસ્યાં, પણ કશું બોલી ન શક્યા.

“હા, મમ્મી... શ્રેયા ભાનમાં આવી ગઈ છે. મયંકે સમાચાર કહ્યા એવી તરત જ હું શ્રેયાને મળી તમને ખુશખબર કહેવા દોડી આવી, શ્રેયા તમને યાદ કરે છે મમ્મી...”

શ્રેયાના ભાનમાં આવ્યાના શબ્દો કાનમાં પડતાં જ રમિલાબેનની આંખોમાં બાઝેલા દૂ:ખના આંસુ હરખના આંસુમાં પલટાઈ વહેવા લાગ્યા. સાસુ-વહુ બન્ને મંદિરમાં ભાવવિભોર થઈ ભેટી પડ્યા. શ્રેયાને જાગેલી જોવા બેતાબ બનેલી આંખો અને અધીરા પગ સડસડાટ સીડીઓ ચડી રૂમમાં દાખલ થયા. શ્રેયાની નજર મમ્મી પર પડતાં જ આંખોમાં ભીનાશ વ્યાપી ગઈ. માતૃવાત્સલ્યભર્યો હાથ શ્રેયાના માથા પર મૂકી મમતાભર્યા સ્વરે કહ્યું, “બેટા, હવે જરાય ચિંતા ન કરતી હો, ભગવાનની મહેર જેના માથે હોય એને કશું થતું હશે બેટા. મને તો ગળે સુધી વિશ્વાસ હતો કે મારા કાળજાના ટુકડાને ભગવાન સૂની આંચ નહીં આવવા દે...” કહીને ગાલ પર મમતાભરી બચી ભરી લીધી.

“મમ્મી... તારી પ્રાર્થના ભગવાન ન સાંભળે એવું ક્યારેય બને!! આઈ લવ યુ મમ્મી...” ગળગળા સ્વરે શ્રેયાએ કહ્યું, આંસુનો રેલો સરકીને કાન પાસે પહોંચ્યો. ગળા ફરતે દર્દ ઘુંટાયેલી લાગણીઓ વચ્ચેથી થૂંક ગળા નીચે ઉતાર્યું.

નવિનભાઇએ રૂમમાં આવી શ્રેયાના હાથ પર પિતૃત્વનો હુંફભર્યો હાથ ફેરવી, સ્મિત સાથે કહ્યું, “શ્રેયા, બેટા હવે માથે દુખાય છે?”

“થોડુંક દુખાય છે,” શ્રેયાએ કહ્યું, “પપ્પા, બહુ વધારે વાગ્યું હતું મને?” એમના હાવભાવ નિરખતા જિજ્ઞાસાવશ પૂછ્યું.

“ના ના, કંઈ વધારે નહતું... તું એ બધી ચિંતા છોડ અને બસ આરામ કર બેટા... હવે ડોક્ટર તને રજા આપે એટ્લે અમારા હૈયામાં હાશકારો થશે...” નવીનભાઇએ આછું સ્મિત કરતાં કહ્યું.

“હોસ્પિટલના પગથિયાં કોઈ દુશ્મનનેય ચડવા ન પડે તો સારું ભઈસા’બ...” રમિલાબેને નિ:સાસો નાંખી માથું ધૂણાવતાં કહ્યું.

મયંકે રૂમમાં દાખલ થઇ શ્રેયાની બાજુમાં આવીને કહ્યું, “મમ્મી-પપ્પા તમે રેસ્ટ રૂમમાં જઇ કશુંક નાસ્તો બાસ્તો કરી લો... કાલ રાતના ભૂખ્યા છો તમે, અને નિંરાતે આરામ કરો. હું અહીં જ બેઠો છું.” કહીને એમને નાસ્તો અને આરામ કરવા રેસ્ટ રૂમમાં મોકલ્યા.

“ભાઈ, સાચું કહે જે હો, કેટલા ટાંકા આવ્યા છે મને?” શ્રેયાએ ભીની આંખે પૂછ્યું.

“અરે શ્રેયું... ચાર ટાંકા જ છે... નો નીડ ટુ વરી એબાઉટ... તું બસ આરામ કર...” મયંકે તેના ગાલ પર હાથ મૂકીને કહ્યું.

“ઓહ ગોડ!! એટલા બધા ટાંકા આવ્યા??” શ્રેયાએ આંખો પહોળી કરીને કહ્યું.

“અરે શ્રેયું, તું ચિંતા ના કર... તું જેટલી બ્યુટીફુલ દેખાતી હતી એટલી જ બ્યુટીફુલ દેખાઈશ ઓકે... ડોક્ટર રેકમેન્ડ કરે એ ટ્યુબ થોડાક મહિના લગાવીશ એના પછી તો ખબર પણ નહીં પડે કે ત્યાં ટાંકા લીધા છે. તું ચિંતામુક્ત થઈને બસ આરામ કર...” ચિંતાનો છેડો કાપતા કહ્યું.

દરવાજા પર ક્નોક ક્નોક થયું. મયંકે નજર પાછળ ફેરવીને જોયું. “હેય... હિરેન... જો તારી ફ્રેન્ડે માથે કેવો પોપટ પાડ્યો છે.” હસીને ખભા પર હાથ મૂક્યો, “શ્રેયા, હું તારી મેડિસિન માટે કેમિસ્ટ સ્ટોર્મમાં જતો આવું છું ઓકે! હિરેન તારી જોડે રહેશે તો વાંધો નહીં ને!”

“ઇટ્સ ઓકે ભાઈ...” શ્રેયાએ કહ્યું.

શ્રેયા અને હિરેનની આંખો એકબીજામાં પરોવાઈ. લાગણીના સૂર એકબીજાના ભીતરમાં પુરાયા. હિરેન શ્રેયાના બેડની બાજુમાં આવીને કહ્યું, “ઓહ ગોડ શ્રેયા, મને બિલકુલ ખબર ન હતી કે તને માથે વાગ્યું છે ને તું અહીં આ હોસ્પિટલમાં એડમિટ છે. અંકિતાએ મને બધુ ફોન પર કહ્યું ત્યારે ખબર પડી. હાઉ ડુ યુ ફીલિંગ નાઉ?” કહીને તેના હાથ પર હાથ મૂકી અંગૂઠાથી જરાક પસવાર્યો.

“ઇટ્સ ઓકે હિરેન... આઈ એમ ફિલિંગ ફાઇન નાઉ...” શ્રેયાએ મંદ હસીને કહ્યું.

હિરેને હુંફાળું હસીને કહ્યું, “અંકિતા અને હું સાથે જ અહીં આવ્યા. એ હમણાં જ આવતી હશે...”

“થેંક્સ હિરેન ફોર કમિંગ હિયર...” શ્રેયાએ કહ્યું.

“અરે... એમાં શું થેંક્સ કહેવાનું!” હિરેને શ્રેયાની આંખમાં જોઈને કહ્યું, “બેસ્ટ ફ્રેંડ્સ થઈને તને આવી પરિસ્થિતિમાં મળવા ન આવું એવું ક્યારેય બનતું હશે!”

અંકિતા વોર્ડ શોધતી રૂમમાં પ્રવેશી. શ્રેયાના હાથમાં નિડલ્સો અને માથા પર પાટો બાંધેલો જોઈને તેની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. શ્રેયાના ખભા પર હાથ મૂકી લાગણીભીના સ્વરે તેના ખબરઅંતર પૂછ્યા. થોડીક વાતચીત બાદ નર્સ રૂમમાં આવી શ્રેયાને દવાઓ આપીને આરામ કરવા કહ્યું. હિરેન અને અંકિતાએ શ્રેયાને ‘ગેટ વેલ સુન’ કહી ત્યાંથી બહાર નિકડ્યા.

***

શું શ્રેયા હિરેનની પ્રપોઝલનો જવાબ આપશે?

આગળની સ્ટોરી એકદમ રસપ્રદ છે મિત્રો. Next part સોમવારે પબ્લીશ્ડ થશે.

આ પુસ્તક અમેઝોન કિંડલ પર પણ અવેલેબલ છે.

You can reach to author through:

Facebook Page – www.facebook.com/Toroneel

Facebook – www.facebook.com/ParthToroneel

Email Id – parthtoroneel@gmail.com