પ્રકરણ - ૮
ઢોંગી ખેલ
(વનરાજ પોતાનો મોબાઈલ ઘરે જ ભૂલીને પિતાની સાથે બિઝનેસ મિટિંગ માટે ચાલ્યો જાય છે. એની પાસે રિયાનું લોકેટ સચવાયેલું હોય છે. એ જ રાત્રે વનરાજને પણ રિયા જેવું જ એક ખતરનાક સપનું આવે છે એટલે એને રિયા પ્રત્યે સહાનુભુતિ જાગે છે. એ રાત્રે વનરાજ ઉપર પણ જાનલેવા હુમલો થાય છે જે વનરાજને મોતની કગાર પર લાવી મુકે છે. હવે આગળ...)
લિફ્ટ પાસે અતિગંભીર ઉપરાંત નિર્વસ્ત્ર હાલતમાં વનરાજ પડ્યો હતો. સૂર્યનાં ઉગતાં પહેલા કિરણે ‘કોહિનૂર બિઝનેસ હબ’ને ઝળહળીત કરી.
સવારના આઠ વાગ્યાની આસપાસ વોચમેન બિલ્ડીંગમાં પ્રવેશયો અને લિફ્ટ પાસે પડેલા વનરાજને જોઈને ગભરાઈ ગયો. એણે તાબડતોબ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન લગાવ્યા.
થોડીવારમાં ભીડ એકઠી થઈ ગઈ. એમ્બ્યુલન્સે તાત્કાલિક વનરાજને હોસ્પિટલ પહોંચાડ્યો. પોલીસે તપાસ કરી પણ વનરાજ વિશે કોઈ ખાસ માહિતી મેળવી ના શકી. હોસ્પિટલના ડોક્ટર્સ વનરાજની આવી હાલત જોઈને ઘડીક સ્તબ્ધ રહી ગયા કારણ, કે ઠેકઠેકાણેથી શરીરની ચામડીઓ ઉખડી ગઈ હતી અને આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. ઘાવનો તો ઈલાજ થઈ ગયો, પરંતુ આટલા ભયંકર હુમલાને પરિણામે વનરાજ કોમાગ્રસ્ત થઈ ગયો હતો. જીવિત છતાં મૃત અવસ્થા...
***
બીજી તરફ રિયા અને કવિતા રિયાને આવતાં એ સ્વપ્નો અને એમની સાથે બની રહેલી ઘટનાઓનો ઉપાય શોધી રહ્યાં હતાં. આમ તો રિયા શિક્ષિત ઉપરાંત આધુનિક હતી, છતાં મનમાં રહેલા ડરને કારણે એને એક વિચાર આવ્યો કે વારંવાર બની રહેલી આવી અણધારી ઘટનાઓનો ઈલાજ તો બસ... માત્ર કોઈ તાંત્રિક કે ભુવા કે કોઈ મહાત્મા પાસે જ હોઈ શકે. માટે એણે નક્કી કર્યું કે કોઈ મહાત્મા પાસે જ આનો ઉપાય મળશે. પરંતુ એક સમસ્યા હતી કે આવા વ્યક્તિને શોધવા કઈ રીતે ?
રિયા એની સામે પડેલા ન્યૂઝપેપરમાં શોધવા લાગી તો ન્યૂઝપેપરનું લાસ્ટ પેજ ભુવા/તાંત્રિકની જાહેર ખબરોથી ભરેલું હતું. એણે એમાં એક જાહેરાતમાં આવી બાબતોના નિષ્ણાત કોઈક ડમરુબાબા હોવાનું જાણ્યું અને એ તાંત્રિક બાબા ડમરુની પાસે જવાનું નકકી કર્યું.
જાહેરાતમાં માત્ર સરનામું આપેલું હતું જે શહેરથી પાંચ કિલોમીટર દૂર હતું. સાંજના ચાર વાગ્યાની આસપાસ રિયા અને કવિતા એ સ્થળે પહોંચ્યા. એક અવાવરુ જગ્યાએ એ તાંત્રિકનું મકાન સ્થિત હતું. મકાનની ઉપર ‘ૐ’ અને અન્ય ધાર્મિક ચિહ્નો ચિતરેલાં હતાં. ઉપરાંત સઁસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં કેટલાક મંત્રો પણ હતાં.
“લાગે છે કે આપણે યોગ્ય જગ્યા પર આવ્યા છીએ.” કવિતાએ રિયાને કહ્યું.
રિયાએ માત્ર માથું હલાવીને જવાબ આપ્યો. બંને ઘરની અંદર જઈ રહી હતી પરંતુ ત્યાં દરવાજા પર સ્થિત ભગવાંધારી વ્યક્તિએ એમને અટકાવતા કહ્યું, “તમારે થોડી વાર પ્રતીક્ષા કરવી પડશે. બાબા સાધનામાં લીન છે.”
“પ્લીઝ, અમે શું અત્યારે ના મળી શકીએ...?” રિયાએ પૂછ્યું.
“તમે પ્રતીક્ષા કરો. હમણાં જ એમની સાધનાનો સમય પૂર્ણ થઈ જશે.”
આ જવાબ સાંભળ્યા બાદ રિયા અને કવિતા ત્યાં પડેલા બાંકડા પર બેસી ગઈ. રિયાએ મોબાઇલ ફોનમાં જોયું તો નેટવર્ક આવતું નહોતું. બંને એમની સાથે બનેલી ઘટનાઓથી ભયભીત હતી.
અડધા કલાકની રાહ જોવડાવ્યા બાદ તેમને અંદર જવા જણાવાયું. રિયા જેવી અંદર પ્રવેશી કે અંદરના માહોલને જોઈને દંગ થઈ ગઈ. ચારે તરફ ધૂપને કારણે ધુમાડો છવાયેલો હતો. ખોપરીઓ અને કંકાલો લટકતાં હતાં. સામે એક આસન પર ડમરુબાબા બેઠા હતા. શરીરે સંપૂર્ણ કાળા કપડાં, માથે કાળા વસ્ત્રને બાંધ્યું હતું અને ગળા પર ખોપરીઓની માળા ઉપરાંત આંગળીઓમાં વિવિધ નંગોની વીંટીઓ ધારણ કરી હતી.
રિયાએ અને કવિતાએ તેમની સામે સ્થાન લીધું.
“તો બતાઓ વત્સ, કોન હૈ વો મનહુસ સાયા જો તુમ્હેં પરેશાન કર રહા હૈ...?” ડમરુબાબાએ પૂછ્યું.
“બાબા, હમણાં થોડાક દિવસોથી મારી જોડે બહુ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. પહેલાં તો મને એવું સ્વપ્ન આવ્યું કે કોઈક કબાટના કાચમાંથી મારું લોકેટ ખેંચી રહ્યું છે. ત્યારબાદ બીજે દિવસે એ જ લોકેટના સ્થાને લાલ નિશાન જોવા મળ્યું. આ ઉપરાંત ઘણી વાર આગ લાગી હોય તેવા મહેલના દ્રશ્ય ઉપરાંત આ મારી ફ્રેન્ડ કવિતા ઘણી વાર કંઈક વિચિત્ર વર્તન કરવા લાગે છે. બસ મને સમજાતું નથી કે આ બધું સત્ય છે કે વ્હેમ...” બાબાનાં હિન્દી પ્રશ્નનો રિયાએ હડબડીમાં ગુજરાતીમાં જવાબ આપ્યો. અલબત્ત, બાબા ગુજરાતી જરૂર સમજતા હતા.
બાબા થોડીવાર ધ્યાનની સ્થિતિમાં આવી ગયા. બંને આંખો બંધ કરીને થોડીવાર મૌન રહયા. થોડીવાર પછી ગંભીર સ્વરે બોલ્યા, “બચ્ચા ! કોઈ આત્મા તુમ્હારે પીછે પડી હુઈ હૈ જો તુમ્હે ઔર તુમ્હારી દોસ્ત કો નુકસાન પહુચાના ચાહતી હૈ...”
“તો બાબા, આનો કોઈ ઉપાય છે...?” રિયાએ પૂછ્યું.
“મુશ્કિલ હૈ...” બાબાએ વિચાર કરતાં કહ્યું, “પર નામુમકીન નહિ. યે લો...” એણે ભસ્મની એક પડીકી આપી, “ઇસ્કો અપને નિવાસસ્થાન કે આસપાસ છીડક દેના. કામ હો જાયેગા.”
“ખૂબ ખૂબ આભાર બાબા.” કહીને રિયા અને કવિતા બાબાને પગે લાગીને ત્યાં પાંચસો રૂપિયા મૂકીને ઘર તરફ નીકળ્યા.
ઘરે પહોંચતા જ નવ વાગ્યા હશે. રાત થઈ ગઈ હતી. બંનેએ બહાર જ જમી લીધું હતું માટે જમવા વિશેની કોઈ ચિંતા નહોતી. ઘરે પહોંચીને ફ્રેશ થયા બાદ રિયાએ પ્રથમ કાર્ય બાબાએ આપેલી ભસ્મને રૂમની ચારે તરફ છાંટવાનું કર્યું. ત્યાર બાદ એણે પલંગ પર આડા પડીને મોબાઈલની તરફ જોયું તો વનરાજની યાદ આવી ગઈ. એને ફોન કરવાની ઈચ્છા થઈ એટલે એણે ફોન લગાડ્યો, પણ સામે કોઈએ રિસીવ જ ના કર્યો. રિયાને ચિંતા તો થઈ કે વનરાજે એનો ફોન ના ઉપાડ્યો, પણ પછી વનરાજ કામમાં વ્યસ્ત હશે એમ વિચારીને એણે ટાળી દીધું.
પછી એ નિશ્ચિંત થઈને સુઈ ગઈ. આજે પોતાને કોઈ ખરાબ સ્વપ્ન નહીં આવે એવી એને ખાતરી અને વિશ્વાસ હતો.
***
રાત્રિનાં બે વાગ્યાની આસપાસ એક વિચિત્ર ઘાટો અને વયસ્ક જેવો અવાજ રિયાને સંભળાયો.
“લોકેટ ક્યાં છે...? લોકેટ મને આપી દે... લોકેટ મને આપી દે...”
રિયા ઝબકીને જાગી ગઈ અને સામે દીવાલ પર જોયું તો લોહી દ્વારા ‘આસિતો કોપાણ લાતુકે’ લખાયેલું હતું. રિયા ગભરાઈ ગઈ. એણે તરત જ કવિતાને જગાડી.
“અરે અરે રિયા... આટલી રાત્રે... શું થયું...?” કવિતાએ પૂછ્યું.
રિયાએ સામેની દીવાલ પર આંગળી ચીંધી. પરંતુ દીવાલ પરનું વાક્ય ભૂંસાઈ ગયું હતું.
“શું છે ત્યાં ? કંઈ જ તો નથી. તું પણ સાવ ખોટી ડરે છે. તને વ્હેમ જ થયા છે.”
“વ્હેમ નહોતો કવિતા. કાનમાં આવાજ સંભળાવો અને દીવાલ પર લોહી દ્વારા લખાયેલા અક્ષરો મેં ખુદ જોયા છે...”
“તું શાંતિથી અત્યારે સુઈ જા. આપણે ફરીથી બાબાને મળવા જઈશું.”
કવિતાના સમજાવવાથી રિયા સુઈ તો ગઈ, પરંતુ બનેલી ઘટનાના જ વિચારો એના મસ્તિષ્કમાં વહી રહ્યા હતા.
સવાર પડતાં જ બંને બાબા પાસે પોહચ્યાં. રિયાએ એની સાથે બનેલી સમગ્ર ઘટના ડમરુબાબાને વર્ણવી દીધી.
“બડા જિદ્દી શૈતાન હૈ. લગતા હૈ ઇસકે લીયે પૂજા કરની પડેગી.”
“બાબા, જે કરવું હોય તે કરો, પણ આ મુસીબતમાંથી છુટકારો અપાવો.” રિયા બોલતાં બોલતાં રડવા જેવી થઈ ગઈ હતી. એનો ડર એના ચહેરા પરથી સ્પષ્ટ વર્તાતો હતો.
“આપકી મિત્ર કો બહાર ઇંતજાર કરના હોગા. ઇસ પૂજા મૈ ઈનકો અકેલે બેઠના હોગા.” બાબાએ કવિતાને કહ્યું.
કવિતા બહાર નીકળી ગઈ. અહીં બાબાએ હવન પેટાવ્યો અને મંત્રો-ઉચ્ચારણ કરવા લાગ્યા. રિયા ગભરાતા ગભરતા આ પૂજામાં સહભાગી બની રહી હતી.
“યે પાની કો એક હી સાંસ મેં પી જાઓ...” બાબાએ રિયાને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું.
રિયાએ એક જ શ્વાસમાં પાણી પી લીધું. પણ જે નહોતું થવાનું એ થઈ ગયું. થોડી વાર બાદ એને આંખે અંધારા આવવા લાગ્યાં. બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું અને તે ઢળી પડી.
આંખો ખુલી ત્યારે એ કોઈક અલગ જ જગ્યાએ હતી જ્યાં ચારે તરફ અશ્લીલ ચિત્રો હતાં. એના બંને હાથ બંધાયેલા હતા. સામે ત્રણ-ચાર પુરુષો બેઠા હતા જેમાંથી એક બાબા પોતે હતા. રિયાને બધી જ ખબર પડી ગઈ કે આ ડમરુબાબા ઢોંગી હતો જેની માયાજાળમાં પોતે ફસાઈ ગઈ હતી. એ જોર જોરથી બૂમો પાડવા લાગી.
“બચાઓ... બચાઓ...” પણ બધું નિષ્ફળ રહ્યું. એનો જ અવાજ પડઘા સ્વરૂપે એને પરત સંભળાઈ રહ્યો હતો.
“એય, ચિલ્લા મત.” બાબાએ ઉભા થઈને રિયાનાં ચહેરાને પકડીને કહ્યું, “યહાં તેરી આવાઝ કોઈ સુનને વાલા નહીં હૈ...”
“રેહને દો યાર. યે તો ચીડિયા કી ફફડાહટ હૈ. બિલકુલ ઉસવાલી કી તરહ...” બાબાના સાથીદારોમાંનો એક બોલ્યો.
“ત... તમે કવિતા સાથે શું કર્યુ...?” રિયાએ ગુસ્સામાં ઊંચા અવાજે પૂછ્યું.
“વહી જો અબ હમ તુમ્હારે સાથ કરને વાલે હૈ...” બાબો બોલ્યો.
આટલું કહીને એ રિયાના હાથ છોડતાં-છોડતાં એનાં શરીરનાં અંગોને સ્પર્શવા લાગ્યો.
રિયાએ હિંમત કરીને પોતાનું માથું બાબાના માથા સાથે અફાળ્યું. બાબો ગુસ્સે થઈ ગયો અને રિયાને જોરથી એક તમાચો મારી દીધો.
રિયાના હાથ છોડીને એને ત્યાં રહેલા બેડ ઉપર સુવડાવી દીધી. બે જણાએ એના હાથને ચુસ્ત રીતે પકડી રાખ્યા હતા.
રિયા થોડી પરેશાન થઈ ગઈ. એણે પગ વડે સામે રહેલા બાબાને લાત મારી. એ દૂર જઇને પડ્યો. એના પડવાને લીધે પેલા બંનેની પકડ ઢીલી બનતા રિયાએ પોતાનો હાથ છોડાવ્યો અને ભાગી. પરંતુ પેલા બે પાછાળ એને પકડવા દોડ્યા. રિયાએ એક ટેબલ પર પડેલા ચાકુને હાથમાં લઇ લીધું.
“દૂર જતા રહો નહિતર મને આ ચાકુ ચલાવવામાં જરા પણ વાર નહીં લાગે.” રિયાએ હિંમત કરીને કહ્યું.
“અરે, લડકી પાગલ હો ગઈ હૈ.” બાબાનો સાથી બોલ્યો.
રિયા આમ તેમ દરવાજો શોધવા લાગી. ત્યાં જ એની જમણી તરફ દરવાજો દેખાતાં એ ભાગીને એ તરફ ગઈ ને દરવાજો ઉઘાડીને બહારની તરફ નીકળી ગઈ. એ બહાર નીકળી કે સામે જ જંગલ વિસ્તાર હતો. હવે ક્યાં જવું - નો વિચાર માંડીને એ પોતાની આબરૂ બચાવવા દોડવા લાગી. બાબા અને એના સાથીદારો એની પાછળ જ હતા. રિયા જંગલમાં પ્રવેશી ગઈ.
બાબા અને સાથીદારો જીપમાં એનો પીછો કરી રહ્યા હતા. તેઓ ઝડપ વધારીને રિયાની સામે આવી ગયા.
“લગતા હૈ કી તુમ્હે ભી તુમ્હારી દોસ્ત કી તરહ હી ઠીકાને લગાના પડેગા...” બાબા ચિત્કારી ઊઠ્યો. “મતલબ કે તેં એને મારી નાખી...” રિયાની આંખોમાં આંસુ સાથે રોષ ઉભરાઈ ઊઠ્યો.
બાબા એની તરફ આગળ વધવા લાગ્યો કે રિયાએ હાથમાં રહેલું ચાકુ બાબાના પેટમાં મારી દીધું ને ત્યાંથી એકી શ્વાસે ભાગી.
બાબાના સાથીદારો બાબાને જીપમાં લઈ ગયા. રિયા જંગલમાં દિશાવિહીન બસ ભાગતી જ રહી ત્યાં એક તરફ એને રસ્તો દેખાયો. તે એ તરફ ભાગી અને રસ્તા પર એક ગાડીની સામે આવી ગઈ. દૂરથી આવતા કારવાળાએ અચાનક જ કાર રોકી લીધી.
કારમાંથી એક માણસે ઊતરીને કહ્યું, “તમે ગાંડા થઈ ગયા છો...?”
“પ્લીઝ, મારી મદદ કરો. કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે. એમણે મારી ફ્રેન્ડને પણ મારી નાખી છે અને મારી ઈજ્જત લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.” રિયાની ગભરાહટને લીધે એના શબ્દો તૂટી રહ્યા હતા.
પેલા માણસે રિયાનો હાલ જોયો અને બધું જ સમજી ગયો.
(ક્રમશઃ)
આ પ્રકરણના લેખક છે: જેનિલ ડી. ગોહીલ