પરમહંસ યોગાનંદ
ભવ્ય રાવલ
પરમહંસ યોગાનંદ : પ્રેમાવતાર, યોગાવતાર, જ્ઞાનાવતાર, મહાવતાર
પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા યોગદા સત્સંગ સોસાયટી ૧૨૫ વર્ષોથી ભારતીય યોગ પરંપરાનાં મહત્વ અને જરૂરિયાતનો પ્રચાર-પ્રસાર કરી રહી છે
યોગદા ‘યોગ’ અને ‘દા’ બે શબ્દનાં મિલનથી બને છે. ‘યોગ’નો અર્થ મિલન, સમત્વ અને સામંજસ્ય છે જ્યારે ‘દા’નો અર્થ જે એ આપે છે એવો થાય છે. મતલબ કે, ‘યોગદા’ એટલે ‘એ જે યોગ આપે છે.’ એ જ રીતે સત્સંગમાં પણ બે શબ્દ ‘સત’ અને ‘સંગ’ જોડાયેલા છે. જેનો અર્થ ‘સતની સાથે સંગ કરવો’ એવો થાય છે. ઈ.સ. ૧૯૧૬માં પરમહંસ યોગાનંદે ‘યોગદા સત્સંગ’ શબ્દનાં નિર્માણ સાથે વિશ્વ માનવોને ક્રિયા યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું.
પરમહંસ યોગાનંદ ધાર્મિક ઉદારવાદીઓનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેનારા ત્રીજા ભારતીય સંત હતા. તેમની પહેલા સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થએ આ પ્રકારનાં ધર્મ સંમેલનમાં ભારતનું પ્રતિનિધત્વ કરી વિશ્વ ફલક પર ભારતનાં પ્રાચીન અધ્યાત્મ વિજ્ઞાનની સમજ આપી છે.
ગોરખપુરમાં જન્મેલા પરમહંસ યોગાનંદ વીસમી સદીનાં એક મહાન આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત થઈ ગયા. જેમણે પોતાના જીવન પર્યત વિશ્વભરમાં ક્રિયાયોગનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. પોતાની આત્મકથા ‘યોગી કથામૃત’ તથા સ્વય લિખિત પુસ્તકો, પ્રવચનો અને શિક્ષા દ્વારા પરમહંસ યોગાનંદે ક્રિયાયોગ દ્વારા ઈશ્વર સાક્ષાત્કાર અને જીવન જીવવાની વિધિઓની ભેટ આપણે સૌને આપી છે. આ સાથે જ આજથી એક સદી પૂર્વે ઈ.સ. ૧૯૧૭માં પરમહંસ યોગાનંદે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇંડિયાની સ્થાપના કરી હતી. વાયએસએસનાં નામથી જાણીતી આ સંસ્થા શૈક્ષણિક સંકુલો, સ્વાસ્થ કેન્દ્રોમાં સેવા કાર્ય સિવાય સામાજિક જવાબદારીનાં ભાગરૂપે અસરગ્રસ્ત લોકો માટે સહાય કાર્ય કરે છે.
મહાવતાર બાબાજીથી લાહિડી મહાશય અને તેમનાથી યુક્તેશ્વરજીથી પરમહંસ યોગાનંદને મળેલા ક્રિયાયોગનાં દિવ્ય વારસા સમા આધ્યાત્મિક ખજાનાનો વાયએસએસ સંસ્થામાંથી આજે કરોડો લોકો લાભ લઈ પોતાનું જીવન પરિવર્તિત કરી રહ્યા છે. જેમાં પરમહંસ યોગાનંદની આત્મકથા ‘યોગી કથામૃત’નો ફાળો સવિશેષ છે. સ્વામી પરમહંસ દ્વારા વાયએસએસ નામક આધ્યાત્મિક સંસ્થાનો પાયો પશ્ચિમ બંગાળનાં દિહિકામાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંચી સહિત પૂરા ભારત અને સમસ્ત વિશ્વમાં અને ખાસ તો યોગદા સત્સંગનું મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમેરિકાનાં લોસ એન્જલસમાં નાખવામાં આવ્યું. પશ્ચિમનાં દેશોમાં યોગદા સત્સંગ ‘સેલ્ફ રિયલાઈજેશન ફેલોશિપ’ એસઆરએફ નામથી ભારતીય યોગ અને અધ્યાત્મની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે શિક્ષા આપે છે. જ્યારે કલકત્તા સ્થિત દક્ષિણેશ્વર આશ્રમનાં મુખ્ય કેન્દ્ર મારફત ભારત, નેપાળ, શ્રીલંકામાં ક્રિયાયોગ દ્વારા પ્રાણાયામની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે શિક્ષા આપવામાં આવે છે. ભારતમાં મુખ્ય રાંચી, નોયડા, દ્વારહાટ, જગતપુરી આશ્રમ સહિત ૨૦૦થી વધુ ધ્યાન કેન્દ્રો ધરાવતી યોગદા સત્સંગ સોસાયટીનાં ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, બરોડા જેવા મુખ્ય શહેરોમાં ધ્યાન કેન્દ્રો કાર્યરત છે. દેશ-દુનિયામાં યોગ વિશેની જાગૃતતા છેલ્લાં બે-પાંચ વર્ષમાં ફેલાઈ છે જ્યારે પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા ૧૨૫ વર્ષોથી ભારતીય યોગ પરંપરાનું મહત્વ અને જરૂરિયાત નિસ્વાર્થભાવે નિષ્ઠાપૂર્વક જણાવી રહ્યા છે.
ઈ.સ. ૧૯૨૦માં અમેરિકાનાં બોસ્ટનમાં આયોજીત ઈંટરનેશનલ કોંગ્રેસ ઓફ રિલિજીયસ લીબ્રલ્સને સંબોધિત કરી પરમહંસ યોગાનંદે દુનિયાને ભારતનાં ધર્મ, અધ્યાત્મ અને દર્શનથી પરિચિત કરાવ્યા. તેઓનાં આજથી ૯૫ વર્ષ પૂર્વે કરેલા સંબોધન ધ્યાનમાં લઈ વર્તમાન સમયમાં વિશ્વ બંધુત્વ, ભાઈચારા અને માનવતાની સ્થાપનામાં યોગની જરૂરિયાતનું મહત્વ સમજીને સંયુક્ત રાષ્ટ્ર સંઘએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા કરેલી છે. ‘પ્રેમાવતાર’ તરીકેનું બિરુદ મેળવનાર સ્વામી યોગાનંદે દુનિયાને આપેલી ધ્યાન અને યોગ ક્રિયાનું અનુસરણ આજે વિશ્વભરમાં થઈ રહ્યું છે. પરમહંસ યોગાનંદ સ્થાપિત વાયએસએસનાં ધ્યાન કેન્દ્રો શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે ધ્યાનનું મહત્વ અને ફાયદાઓનો ફેલાવો કરી રહ્યા છે. સ્વામી યોગાનંદે પોતાના જીવન દરમિયાન એક લાખથી વધુ લોકોને ક્રિયા યોગની શિક્ષા આપેલી છે. જેમનું એ કાર્ય આજે તેમના દ્વારા સ્થાપિત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. પતંજલિનાં અષ્ટાંગ યોગનાં આઠ યોગને ક્રમશ: યમ અર્થાત નૈતિક સદાચાર, નિયમ અર્થાત ધર્માચરણ, આસન અર્થાત શરીરની ઉચિત સ્થિતિ, પ્રાણાયામ અર્થાત પ્રાણ નિયંત્રણ, પ્રત્યાહાર અર્થાત ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી વિમુખ કરી આંતરિક દિશામાં લઈ જવી, ધારણા અર્થાત એકાગ્રતા અને ધ્યાન, સમાધિ અર્થાત પરાચૈતન્યનો અનુભવ એ યોગની મુખ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ છે. યોગના આ આઠ માર્ગમાં ઈશ્વરાભૂતિનો સાક્ષાત્કાર કરાવનાર માનવતાની સેવાનાં આદર્શ પરમહંસ યોગાનંદજીનું સ્થાન સદીનાં મહાન સંતમાં થાય છે. વર્તમાન સમયમાં તેમનાં વિચાર અને ક્રિયા યોગથી કરોડો લોકો આકર્ષિત થઈ રહ્યા છે. યોગાનંદજી અને તેમની સંસ્થાનો ધ્યેય ક્રિયા યોગની સાચી સમજણ સાથે પૂર્વ અને પશ્ચિમનાં સમાજનો પરસ્પર સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સાયુજ્ય સાધી આધ્યાત્મિક વિકાસ કરવાનો છે. આ વિકાસ એટલે દૈનિક, વૈજ્ઞાનિક અને ભક્તિમય જ્ઞાન સાથે ક્રિયા યોગનું ધ્યાન ધરવું. યોગાનંદજીએ લોસ એંજલસમાં ૭ માર્ચ ૧૯૫૨ના રોજ મહાસમાધી લીધી. મહાસમાધીનાં ૨૦ દિવસ પછી ૨૭ માર્ચ સુધી તેમનો દેહ કાંસાની પેટીમાં સચવાયો હતો. અગ્નિસંસ્કાર સમયે તેમનો મૃતદેહ જીવંત ગંધમુક્ત હતો તેવું અમેરિકન સંશોધકોએ નોટરી કરાવી સર્ટીફીકેટ આપ્યું છે!
ડેઝર્ટ : ‘યોગી કથામૃત’ પુસ્તકને કિશોર સ્ટીવ જોબ્સે વાંચી તેનાંથી પ્રભાવિત થતા અધ્યાત્મની ખોજમાં હિમાલય આવ્યા હતા. વર્ષમાં એક વખત યોગી કથામૃતનો આસ્વાદ લેતા જોબ્સના આગ્રહથી એપલના સહસ્થાપક વોલ્ટર ઈસાકસન, સેલ્સસેર્સ.કોમના સીઈઓ માર્ક બેનીઓફ અને વિશ્વની જુદા-જુદા ક્ષેત્રોનાં મહાનુભાવોએ આ સૂક્ષ્મ દુનિયા અને તેવી જ શક્તિનો પાત કરાવતી આત્મકથાથી ઊર્જા મેળવ્યાનો પશ્ચિમના દેશોના મંચ પર જાહેર એકરાર કર્યો છે. સિતારવાદક પંડિત રવિશંકરે બિટલ્સના જ્યોર્જ હેરિસનને આ પુસ્તક માટે ભલામણ કરી તે પછી જ ‘બિટલ્સ’ ભારતીય સંસ્કૃતિ અને ગૂઢ અધ્યાત્મવાદ તરફ આકર્ષાઈ તેઓની પ્રતિભા ખીલી ઉઠી હતી.
***