વાળંદમિત્રને ‘ભાવભીનો’ પત્ર
વાળંદ...જેના કારણે સમયાંતરે આપણા માથાનું સામ્રાજ્ય ખાલી થાય છે તે સામાજિક મિત્ર. આમ તો આપણે રોજીંદા જીવનમાં વાળંદ અને દરજીનો ઉપકાર ક્યારેય ન ભૂલવો જોઈએ, કારણકે બંને આપણી શારીરિક સુંદરતા માટે જવાબદાર છે. અમારા જેવા યુવાનો આજકાલ જેટલો સમય કોલેજમાં લેક્ચરમાં નહિ વિતાવતા હોય તેટલો સમય વાળંદને ત્યાં વિતાવીએ છીએ. લગભગ દર અઠવાડિયે કે પંદર દિવસે વાળ સેટ કરાવાના બહાને અમે તેમને ત્યાં ચાલ્યા જતા હોઈએ છીએ. જોકે વાળંદ મિત્રનો મોટાભાગનો ધંધો પણ યુવાનોને કારણે જ ચાલે છે, તેમાં કોઈ શક નથી. બાકી ત્રીસ વટાવી ગયેલા તો જઈને ખાલી ખુરશી પર બેસે છે અને વાળંદ મિત્ર મોઢું બગાડી આડી–અવળી કાતર ફેરવી વાળનું ગુંચ ઓછું કરી આપે છે. વાળ કપાવવા એ આમ તો બોરિંગ કામ છે, પણ જે રીતે મિત્ર વાળ કાપતી વખતે વાતોના વડા અને ઈડલી સંભાર કરે છે, તેને લીધે જ હજુ સુધી ત્યાં એન્ટરટેઈન્મેંટનો ટેમ્પો જળવાઈ રહ્યો છે.
એકરીતે કહીએ તો “ઝેન્ડર બાયસ” ઓછું થવાની શરૂઆત જો કોઈ ફિલ્ડે કરી હોય તો તે આ છે. જોકે તેના કારણે આજકાલ સ્ત્રીઓ દ્વારા ચલાવાતા સલુનમાં પોતાની બહેનોને મુકવા આવતા ભાઈઓની સંખ્યા વધી રહી છે!! મોટાભાગના લોકો આમતો તેમના ફિક્સ કરેલા વાળંદ મિત્રથીખુશ જ છે, પરતું હજુ ઘણા એવા છે જેઓ દરવખતે દુકાન બદલતા હોય છે, અને તેનું કારણ છે તેમની કેટલીક ફરિયાદો. આવી બધી ફરિયાદોને એકઠી કરી અમે બધાનો ઠેકો લીધો હોય તેમ અહીં રજુ કરીએ છીએ. હવે એમ નહિ પૂછતા કે ફરિયાદ કોને કરો છો? પોલીસને તો કરાય નહિ, કારણકે તેઓ ખુદ અહીં લાંબી મજા માણતા હોય છે!!!
***
હે મારા વ્હાલા વાળોનું નિકંદન કરનાર.....
અમને બધાને ખબર જ છે કે તમે જે કામ કરો છો તે આસાન નથી (તમે કહો એ પહેલા જ અમે સ્વીકારી લીધેલ છે. એટલે “તમને શું ખબર અમારું કામ કેવીએ રીતે થાય છે? એવો પ્રશ્ન જ ન ઉદભવે, અને અમારી વાત આગળ વધે) તમારા કામમાં ખુબ જ મહેનત છે અને વાળ પણ!! પણ તમે કરતા આ કામ બાબતે અમને થોડી ફરિયાદો છે.
અમારી સૌથી પહેલી ફરિયાદ એ છે કે તમે હળાહળ જુઠ્ઠું બોલો છો. હોટ સીટ પર બેઠેલો માણસ હજુ હમણાં જ બેઠો હોય, તો પણ તમે અમારા જેવા નવા આવનારને “બસ...બે જ મિનિટ બેસોને સાહેબ? આમનું પતવા જ આવ્યું છે” કહો છો. અને પછી અડધા કલાક સુધી નવા આવનારને પણ અમારી સાક્ષીમાં આ જ વાક્યનું રટણ ચાલુ રાખો છો. અમારે પણ અસહ્ય ગરજ હોવાથી અને અમારા “વાળ-બચ્ચો”નું ભવિષ્ય જોતા તમારા આ જુઠ્ઠાણા સામે નમવું પડે છે.અને એમાં પણ રવિવાર કે રજાનો દિવસ હોય તો તો પતિ જ ગયું સમજો!!!
બીજી અમારી ફરિયાદ એ છે કે તમે તમારી દુકાનમાં કોઈ વાળ કપાવ્યા પછી જાજો સમય ‘ટાઈમપાસ’ કરવા બેસી ન રહે એટલા માટે ‘આરામદાયક’ કોઈજ સુવિધા રાખતા નથી. તમે છાપું મંગાવો છો, એ પણ એવું કે જેનું નામ પણ અમે પહેલીવાર સાંભળ્યું હોય!! વેઇટિંગમાં બેસવા માટે માત્રને માત્ર સ્ટીલના સ્ટુલ અમને નસીબ થતા હોય છે, જેના પણ પગ ડગતા હોય છે!! વળી, અમારો નંબર આવ્યો હોય અને અમે ખુશીને માર્યા ખુરશી પર જેવા બેસીએ છીએને તમને ‘માવો’ ખાવાની ઈચ્છા થાય છે. એટલે પાંચ મિનીટ સુધી જોઇને સારો લાગતો ચેહરો પણ અમને ખરાબ લાગવા લાગે છે. “માવો અમારી વખતે જ ખાવાનો?” એવી ફરિયાદ કરીએ તો પણ તેનો જવાબ પાંચ મિનિટ પછી જ્યારે માવાની પહેલી પિચકારી રોડ પર છૂટે ત્યારે જ મળે છે. કોઈક-કોઈક વાર તો દાઢી કરવાના પાણીમાં એ કથ્થાઈ છાંટા જોઇને અમને તમારી નિયત પર શંકા થતી હોય છે, પણ તમારી “અરે...આટલા ભાવમાં દાઢી બીજા કોઈ કરી આપે તો આપણે મુંડન કરાવી લેવું” વાત સાંભળી અને મોઢામાં વાળ ન જાય તે બીકથી તેનો જવાબ પણ આપતા નથી!!
ફરિયાદનો ક્રમ આગળ વધારતા, અમારી આગળની ફરિયાદ એવી છે કે બેસતા પહેલા તમે અમને બતાવવા ખાતર સરસ સ્ટાલીશ ‘કેટલોગ’ બતાવો છો, અને તેની સાથે-સાથે “તને તો લ્યા રેગ્યુલર જ સુટ થશે” કહી અમારા અરમાનો પર પાણી ફેરવી દો છો. અમને આ બાબતનું ખોટું પણ લાગતું હોય છે,પણ પાછળ બેઠેલી ભીડને જોતા ક્યારે તમેં અમને “ઉતર...નથી કાપવા તારા વાળ” કહીદો એ ડરથી અમે કાઈંજ બોલતા પણ નથી.
તમારી સરેરાશ દિવસની આવક અમે ૪૦૦ ગણીએ. અને રવિવારના અલગ ૧૦૦૦ આસપાસ ગણીએ. એટલે આશરે તમારી મહિનાની સરેરાશ આવક ૧૫૦૦૦ જેટલી હશે (લગ્નની સિઝનમાં આ આંકડો ૨૫૦૦૦ પહોચતો હોય છે). ના....આ ગણતરીથી અમેં કઈંજ સાબિત કરવા માંગતા નથી. અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે મહેરબાની કરીને તમારી વ્હાલી કાતર અને પાણી ભરવાના ટબની બદલી કરો. એ કિચુડ-કિચુડ કરતી ઉંમરલાયક કાતરનો કરુણ અવાજ અમને ખરેખર દુખી કરે છે. વળી પેલા ટબને તો ભર ઉનાળામાં પણ ઠંડી લાગતી હોય તેમ તમે વાળની ચાદર ઓઢાડી અંધારામાં રાખો છો!! ન તો તમે વર્ષોથી વાપરતા દાઢી કરવાનો કુચડો બદલો છો કે ન તો તમે વપરાઈ ગયેલી કોસ્મેટિક ક્રીમોના ખોખા ડિસ્પ્લેમાંથી ઉતારો છો. આ ડિસ્પ્લે જોઇને નવો આવનાર મુરતિયો એકવાર વિચાર કરવા લાગે કે આટલી બધી ક્રીમો લગાવતા હશે એટલે ભાવ પણ વધારે હશે. અને આની ધંધા પર પણ અસર પડે છે. જોયું...અમે તમારા માટે કેટલું સારું વિચારીએ છીએ!!!
તમારી વાતો કરવાની કળાથી અમે ખુબ જ ઈમ્પ્રેસ છીએ. પરંતુ તમે વાતોનો અંત લાવતા નથી અને વળી જે-તે વાતનું ‘કનક્લુઝન’ સામેવાળાને નક્કી કરવા પર છોડી દો છો, એમાં પાછો સામેવાળો એટલું બધું વિચારવા માંડે કે દસ-બાર વાળતો એમ જ ખરી જાય!! અમને ખબર છે કે ‘વાળવિજ્ઞાન’માં તમે પી.એચ.ડી કરેલ છે.પણ લગભગ છેલ્લા ઘણા વર્ષોથી તમારા નુસખા અપનાવ્યા છતાં લોકોના માથામાં નવા વાળનો એક ફણગો પણ ફૂટ્યો નથી. ક્યારેક તમે અમને માથામાં દહી નાખવાનું, ક્યારેક ડુંગળીનો રસ (જો કે આ પ્રયોગ કરતી વખતે ડુંગળીના રસ કરતા આંખોમાંથી રસ વધારે છુટતો હોય છે!!), કુવારપાઠું નાખવાનું અને છેલ્લે તમારા કાકાના મામાના ભાણીયાએ વાપરેલ તેલની સલાહ આપો છો. તમે સલાહ આપો છો એતો બરાબર પણ તમે જે આત્મવિશ્વાસથી આ સલાહ આપો છો, એટલો આત્મવિશ્વાસ તો આપણા મોદી સાહેબને પણ નહિ હોય!! વળી અમે તમારે ત્યાં આવીએ એ દિવસે અમે સવારે લોકલ સમાચારપત્ર પણ વાંચતા નથી. કારણકે અમને વિશ્વાસ હોય છે કે તેના કરતા પણ વધુ ‘ઓથેન્ટિક’ અને ‘ડીટેઇલ’ સમાચાર તમારે ત્યાં આવ્યા પછી મળશે, પછી ભલેને તે વાત- સ્પોર્ટ્સ, ધર્મ, ઝઘડાકે અર્થશાસ્ત્રની જ કેમ ન હોય?
કાતરથી વાળ કાપ્યા પછી જ્યારે અસ્ત્રો તમે હાથમાં પકડો છો, ત્યારે ભૂલથી પણ અમે તમને “બ્લેડ બદલી કે નહિ?” પૂછીએ ત્યારે અમારે સમજી લેવાનું કે એકાદ જગ્યાએથી ‘લોહીની ટીશી’ ફૂટશે જ. તમને ખોટું લાગે છે એ વાત જાણતા હોવા છતાં આજકાલ ટીવી પર આવતી એડને કારણે અમારે તો એ વાત કેહવી જ રહી!! તદુપરાંત જ્યારે કાતર અને અસ્ત્રા બંનેનું કામ પતિ જાય ત્યારે લગાવાતા પાઉડરની કંપની જો અમે ભૂલથી પણ જોવાનો પ્રયત્ન કરીએ તો “આટલામાં તો આજ પોષાય” કહી ગળામાં ફાંસેલો ટુવાલ અમારી જ ઉપર ખંચેરી અમને ‘ઉભો થવા’ ઈશારો કરવામાં આવે છે. છેલ્લે પૈસા આપતી વખતે પણ “ગઈ વખતે તો પચાસ લીધા હતા, આ વખતે સાઈઠ કેમ?” સવાલ પૂછીએ ત્યારે અમને સાવ અવગણીને નવરા બેસી મચ્છર મારતા વ્યક્તિને “આવી જાઓને સાહેબ” કહી અમને ધૃણાસ્પદ લુક આપો છો. તે વખતે અમને પણ “હવે...આને ત્યાં આવવું જ નથી” મનોમન નક્કી કરી લઈએ છીએ.પણ જ્યારે વાળ લાંબા થઇ જાય છે ત્યારે “ગણીયો જ ચાલશે” કહી તમારે ત્યાં રળ્યા આવી જઈએ છીએ.
અમને તમારાથી ગમે તેટલી ફરિયાદ હોય તેમ છતાં જ્યારે અમારે ‘ટાઈમપાસ’ કરવો હોય,ગઈકાલે રાતે કોનો-કોનો ઝઘડો થયો હતો અને કોણ ભારે પડ્યું હતું?, રમેશભાઈના લાલાને કેટલા ટકા આવ્યા, કનુ ધોબી કોની સાથે ભાગી ગયો, રાજુને પેલું ઘર કેટલામાં પડ્યું? અને છેલ્લે સરકાર કોની બનવાની તે જાણવા તો અમારે તમારો જ આશરો લેવો પડતો હોય છે!! અને આ બધી ફરિયાદો છતાં અમે તમને અને તમારા કામને તહેદિલથી નમસ્કાર કરીએ છીએ.
--અન્ય પાલનપુરી