Nail Polish - 6 in Gujarati Moral Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | નેઈલ પોલિશ

Featured Books
Categories
Share

નેઈલ પોલિશ

નેઇલ પોલિશ

પ્રકરણ – ૬

(વહી ગયેલી વાત - દિકરી આનંદીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી બાદ, બધા મહેમાનોને ઇન્ડિયા રવાના કર્યા અને બીજે જ દિવસે જયને રોડ એક્સીડેન્ટ નડ્યો.)

અકસ્માત ખુબ જ ગંભીર હતો. જાણ થતાની સાથે જ દિનકરરાય, ઉર્મિબેન અને લાવણ્યા હોસ્પિટલ પહોંચ્યા. શામજીભાઈને જાણ કરવામાં આવી. ડોક્ટરોની ટીમે તરત જ જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. લગભગ બે કલાક બાદ ડોક્ટરોએ ખાતરી આપી કે જાન ને કોઈ ખતરો નથી, પરંતુ મલ્ટીપલ ફ્રેક્ચર્સ છે. વાત સાંભળી ઉર્મિબેને ભગવાનનો મનોમન ઉપકાર માન્યો. શામજીભાઈ અને મમતાબેન ખુબ જ અસ્વસ્થ થઇ ગયાં. જરૂરી બધા ટેસ્ટ થઇ ગયાં બાદ ડોક્ટરોની ટીમે તરતજ જરૂરી ઓપરેશન કરવાની જાણ કરી ટ્રીટમેન્ટ શરુ કરી દીધી.

શામજીભાઈ અને દિનકરરાયે આ અકસ્માતની વાત ઇન્ડિયા કોઈને કરવી નહિ એવું નક્કી થયું, જેથી આનંદથી પાછા ફરેલ મામા-મામી અને દાદીનો આનંદ માનસિક પીડામાં ન પરિણમે.

જયના ઓપરેશન દરમિયાન બધા કુટુંબીઓ ત્યાં હાજર હતા. પરંતુ આ ઘટનાથી શામજીભાઈ કંઈક વિચારમાં પડી ગયાં. એઓ મનોમન કંઈક તાળો મેળવવાની કોશિશ કરી રહ્યાં હતા. આ પહેલા આનંદીના નામકરણના દિવસે વફાદાર કિરણના અકસ્માતની ઘટના બની હતી, આજની ઘટના પણ આનંદીના વર્ષગાંઠની સાથે જ બની. આજ સુધી કિરણના ખૂની પકડાયા નહોતા. કદાચ આ બંને પરિવારને નુકસાન પહોંચાડનાર કોઈ ત્રીજું છે તો નથીને ?

આમ તો બંને પરિવારના સંબંધો લંડનમાં બધા જોડે સારા હતા. કોઈ પણ એમનો દુશ્મન હોય શકે એ અશક્ય હતું. જયના અકસ્માતની સાથે કોઈક ઘટના સંકળાયેલ હોય એવું લાગતું નહોતું, પરંતુ અકસ્માત કરનાર વાહન અકસ્માત કરી નીકળી ગયું હતું. ફક્ત શંકા હતી કે કોઈએ જાણીબુઝીને કર્યું કે એ ફક્ત એક અકસ્માત જ હતો ?

લંડન પોલીસ અકસ્માતથી હરકતમાં આવી ગયી હતી. હવે ચાલાક શામજીભાઈએ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીને વધુ માહિતી ભેગી કરવા માટે રોક્યા, જેથી શંકાનું નિવારણ થાય. આ વાત એમણે કોઈને કરી નહિ.

જયના અકસ્માતના બે દિવસ બાદ પરેશભાઈએ શામજીભાઈને ફોન કર્યો. જમાઈના તબિયતની પૂછપરછ કરી અને બનેલ ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું. જમાઈની જાન બચી ગઈ એની ખુશી વ્યક્ત કરી. શામજીભાઈને પણ એમની સાથે વાત કરી સારું લાગ્યું. લાવણ્યાના લગ્ન પછી, બીજીવાર બંને વચ્ચે વાત થઇ.

હોસ્પિટલના ડિસ્ચાર્જ બાદ જયને આરામની જરૂર હતી, જય હજુ ચાલી શકે તેમ નહોતો. એના પગનું અને ખભાનું ઓપરેશન કરવું પડ્યું હતું. જય ઘરેથી જ ઓફિસના કામકાજ સંભાળી રહ્યો હતો. જયને રોજ ઘણા બધા શુભેચ્છકોના ફોન આવતા. જયના ધંધાને કોઈ નુકસાન નહોતું. ધંધાની પ્રગતિનો ગ્રાફ દિન-પ્રતિદિન ઉપર જ જઈ રહ્યો હતો.

છેલ્લા થોડાક મહિનાઓથી લંડન પોલીસ પરેશાન હતી. લગભગ એક વરસ બાદ પણ કિરણના મર્ડરને પકડી શકી નહોતી કે કોઈ સુરાગ પણ મળ્યા નહોતા. ઇન્ટેલિજેન્સ ટિમ અનુસાર કોઈક હોશિયાર શાતિર ધંધાધારી ટિમ સક્રિય હોય એ ચોક્કસ હતું. બનેલ ઘટનાઓને ધ્યાનમાં લઇ લંડન પોલીસે પોતાના સિટીઝન્સ માટે સતર્કતા રાખવાં માટે એક અભિયાન ધર્યું. જાહેર જગ્યાઓ પર અને ટી વી ઉપર પ્રકાશિત કરવા માટે જાહેરાતો બનાવવાનું નક્કી થયું.

પહેલા થોડાક હોર્ડીંન્ગ્સ મુખ્ય મુખ્ય જગ્યાએ મૂક્યાં. હાઇવે ઉપર સીસીટીવી ના કેમેરાઓની સંખ્યા વધારાઈ અને નવા સ્પોટ આઈડેન્ટિફાય કરી સીસીટીવી કેમેરાઓ મુકવામાં આવ્યા. લોકોને સતર્ક રહેવા જાણ કરાઈ. ઇમરજન્સી સેલ તૈયાર કરી તાત્કાલિક સેવાઓ બહાલ કરી. લગભગ છ સાત મહિનાઓમાં ઘણું બધું કર્યું અને ગુન્હાઓ પણ ઓછા થયા, પરંતુ હજુ એ શાતિર ગુન્હેગારો પોલીસથી એક કદમ આગળ હતા.

છ મહિના વીતી ગયા. હવે જય ફિટ હતો. પોલીસ અનુસાર બનેલ ઘટના એક અકસ્માત જ હતો એવું ફલિત થયું હતું. પરંતુ શામજીભાઈના પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીની નજર થઇ ગયેલ બંને ઘટનાઓ ઉપર હતી.

આ વરસમાં દિનકરરાયની કંપની - ડિનો ગ્રાફિક્સ લંડનમાં પચાસ વરસ પુરા કરી રહી હતી. જય અને દિનકરરાયની ઈચ્છા હતી કે આ પ્રસંગનું ગ્રાન્ડ સેલિબ્રેશન થાય. પચાસમાં વરસની ઉજવણી ધામધુમથી થાય તે માટે જયે સરસ વિવિધ જાહેરાતો (advertisements) બનાવવાનું નક્કી કર્યું હતું. તેની ફિલ્મ પણ બનાવવાની હતી અને ઇંગ્લેન્ડમાં એની ખુબ જાહેરાત કરવાની ઈચ્છા હતી. પ્રોજેક્ટની રૂપરેખા નક્કી કરાઈ અને ફોટોગ્રાફીના દરેક ક્ષેત્રને જિંદગી સાથે આવરી લેતી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. જયની આ સોચ કાબિલે તારીફ હતી અને એનું શૂટિંગ તદ્દન નવી ટેક્નોલોજીથી કરવાનું નક્કી થયું, જેથી જોનારની આંખો અંજાઈ જાય.

શૂટિંગ માટે આકર્ષક સ્થાનોનું લિસ્ટ બનાવવામાં આવ્યું. સુંદર કુદરતી સ્થળોનું શોર્ટ લિસ્ટ થયું, પરંતુ અનુભવી દિનકરરાયે શૂટિંગ તો ફક્ત પોતાના શહેરમાં જ કરવી એવી સલાહ આપી. લંડન શહેર જે એની જિંદગી સાથે જોડાયેલ છે, લોકો સાથે જોડાયેલ છે અને જાહેરાતની થીમ સાથે જોડાયેલ છે. - જિંદગી અને ફોટોગ્રાફીની થીમ ખરેખર અદભુત હતી. એક સફળ વ્યક્તિ, એક સફળ સોચ, વાહ ! બધા એમની વાત ઉપર આફ્રિન થઈ ગયા.

શામજીભાઈનો હીરાનો ધંધો પણ ખુબ વિકસ્યો હતો. માર્કેટમાં એમનું નામ હતું. એક ઈમાનદાર ધંધાધારી તરીકે વ્યાપારી વર્ગ એમનો આદર કરતો. આ વર્ષે બોનસમાં પોતાના કર્મચારીઓને એમના ઉત્તમ સહકાર માટે મોટી મોટી ભેટ સોગાદ આપી હતી. કર્મચારીઓની પત્નીઓને પણ સોનાના હાર ભેટમાં આપ્યા. બધાને ખુબ આનંદ થયો. બધાનું નવું વર્ષ અનોખું રહ્યું.

લંડન શહેરના જુદા જુદા સ્ટ્રીટમાં ફોટોગ્રાફી થઇ, લાઈવ શૂટિંગ કરવાનું ચાલુ થઇ ગયું. ખુબ જ ઉમદા રીતે જુદી જુદી રીતે જુદા જુદા એંગલથી લાંબી લાંબી, દિવસ રાત્રી અને મધ્ય રાત્રીએ પણ લાઈવ શૂટિંગ કરવામાં આવતું હતું, જેથી જિંદગી સાથેની દરેક ક્ષણ ફોટોગ્રાફી કે ડિજિટલી કવર થઇ જાય. દરેક શૂટિંગ ખુબ જ સાવધાની પૂર્વક ગુપ્ત રીતે કરવામાં આવતું હતું, જેથી કોઈને એ ખબર ના પડે અને જોઈતા શોટ્સ જ મળે. જયની દરેક ટિમ ખુબ જ કાર્યદક્ષ અને ઉમદા હતી.

ઘણાં દિવસો સુધી શૂટિંગ થતું રહ્યું. જુદી જુદી રીતે એડિટિંગ શરુ થયું. શૂટિંગના દરેક અંશ અલગ રીતે કોમ્પ્યુટરોમાં એરિયા પ્રમાણે સુરક્ષિત (Save) કરી દીધા.

આજનું શૂટિંગ લંડનના પ્રખ્યાત રસ્તા ઉપર હતું. એક વિશાલ કોમ્પ્લેક્સની બિલ્ડિંગની નીચે. આ બિલ્ડીંગના પહેલા મળે શામજીભાઈની ઓફિસ હતી. શામજીભાઈ એ આલીશાન ઓફિસમાં બેસતા.

એકધારા શૂટિંગની જરૂરિયાત હોવાતી સ્પાઈડર કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા જેથી કોઈને ડિસ્ટર્બ ના થાય. અમુક જગ્યાએથી ટ્રોલી શોટ લેવાતા હતા. કોઈક જગ્યાએથી સ્ટીલ ફોટોગ્રાફી થઇ રહી હતી. કોઈ જગ્યેથી જિમી જીબ કેમેરા ક્રેનથી શૂટિંગ થઇ રહ્યું હતું. એક ચોવીસ કલાકના ફોટો શૂટનો કાર્યક્રમ લંડન પોલીસના પર્મિશનથી ચાલુ હતો.

કોઈ કોઈ કેમેરાઓ પાસે પોલીસ હાજર હતી, જેથી કોઈ અઘટિત ઘટના ના બને. શૂટિંગ દરમિયાન સવારના અગિયાર વાગે એક ક્રેન કેમેરાને સ્ટીલ કરી શોટ લેવા માટે તૈયાર રાખ્યો હતો. ક્રેન કેમેરાના મોનીટર ઉપર એક વિચિત્ર દ્રશ્ય જોઈ પાસે ઉભા રહેલા એક પોલીસ ઓફિસરે વોકી ટોકીથી નજીકના મુખ્ય પોલીસ ચોકી ઉપર મેસેજ આપ્યો It’s emergency, rush immediately ….. કહી પોલીસ ઓફિસરોની ટિમ બોલાવી લીધી. બધાએ આલીશાન બિલ્ડિંગની ઓફિસની બહાર નીચે, ઉપર પોઝિશન લઇ લીધી. મુખ્ય ઓફિસરના આદેશથી ઓપરેશન ચાલુ થયું. એ દરમિયાન નીચેના કેમેરામેનને ક્રેન કેમેરાથી એ સ્પોટની શૂટિંગ ચાલુ રાખવા કહ્યું. પોલીસની કાર્યવાહી કાબિલે તારીફ હતી.

એ શામજીભાઈની ઓફિસ હતી એક ગેંગ હાથમાં પિસ્તોલ લઇ કંઈક ધમકી આપતી હોય એવું લાગતું હતું. શામજીભાઈ પરસેવે રેબઝેબ હતા. પોલીસે એક ક્ષણમાં અંદર ઘુસી જઈ, બહુજ સિફતથી બધાને એરેસ્ટ કર્યા. શામજીભાઈ અચંબિત નજરે બધાને જોઈ રહ્યા. ગુન્હેગારોમાં એક વ્યક્તિનો ચહેરો ક્યાંક જોયો હોય એવું લાગતું હતું.

(ક્રમશઃ)