આંધી-૯
વોકીટોકી પર થયેલી વાતચીતોનો અવાજ તણે સાંભળ્યો હતો પરંતુ એક્ઝેટ શું કહેવાયું હતું એ તે સમજ્યો નહોતો. જેને ભારે વ્યગ્રતાથી ક્રોધે ભરાઇને ચેન ને કેમ્પમાં શું બન્યુ છે તે કહયું...! ચેન આશ્વર્ય અને આઘાતથી જેનની સામે જોઇ રહયો. તેને જેનની કહેલી વાત ઉપર વિશ્વાસ બેસતો ન હતો. ટ્રક પુરપાટ ઝડપે કેમ્પની દિશામાં ભાગી રહી હતી અને એટલી જ ઝડપે જેન અને ચેનના દિમાગમાં વિચારોનાં વંટોળ ઉઠયા હતાં.
તેમને કેમ્પથી નીકળ્યે હજુ દોઢેક કલાક જેટલો સમય થયો હતો ત્યાં જ તેમનાં વોકીટોકી ઉપર આવેલા સંદેશે તેમને ધ્રુજાવી મુકયા હતાં. આવતીકાલ સવાર થતા પહેલા તેઓના હાથમાં એટલો મોટો દલ્લો આવવાનો હતો કે જેનાથી બે ટ્રક ભરાય તેટલા હથિયારો તેઓ ખરીદી શકે. તેમના કેમ્પથી સો-એક કીલોમીટર દુર, પહાડીઓને વટાવી એક ગામ હતું. એ ગામના મુખીની દિકરીનાં આવતીકાલે લગ્ન થવાના હતાં. જેન અને ચેને મુખીની દિકરીનાં લગ્નની રાત્રે જ એ ગામ ઉપર ત્રાટકવાનું નક્કી કર્યું હતું...અને એકલા મુખી જ નહી, આખા ગામને લૂંટીને, તહસ-નહસ કરવાના ભયાવહ ઇરાદાઓ સાથે તેઓ તેમના ચુનંદા અઠ્ઠયાવીસ સાથીદારોને સાથે લઇને યોજનાબધ્ધ રીતે નીકળી પડયા હતાં. લૂંટફાટ કરવી, ખૂના-મરકી અને અત્યાચાર આદરવો , ચારે-તરફ ભયાનકતા અને અરાજકતાનો હાહાકાર ફેલાવવો એ જ તેમનું કામ હતું. એ કામ કરવામાં તેઓને પાશવી આનંદ આવતો. કોઇની પણ છાતી ઉપર બેરહમીપૂર્વક ગોળીઓ વરસાવવી તેમના માટે તો જાણે એક ખેલ સમાન હતું. જે બસ્તી, ગામ કે કસ્બા ઉપર તેઓ ત્રાટકતા ત્યાં બર્બરતાપૂર્વક હત્યાઓનો સીલસીલો આચરતા. તે બસ્તીના લોકોને જીવતા જલાવતા, સ્ત્રીઓ ઉપર પાશવી રીતે બળાત્કાર ગુજારતા, નાના-નાના બાળકોને ઉભે-ઉભા ચીરી નાંખવામાં આવતા અને પછી આખા ગામમાં લૂંટફાટ ચલાવવામાં આવતી... આ જ તેમનું કામ હતું. તેમાં કોઇ નૈતીકતા નહોતી, કોઇ દયા કે લાગણી નહોતી, નકસલવાદનાં ઝંડા હેઠળ વીના કોઇ મકસદ, વીના કોઇ કારણે તેઓ ખુલ્લેઆમ કત્લેઆમ ચલાવતા. તેમને રોકવાવાળુ કોઇ નહોતું કારણકે તેમની પીઠ ઉપર સ્થાનીક રાજકારણીઓના ચાર હાથ ફરતા હતાં. જીલ્લા કે રાજ્યનું પોલીસ તંત્ર પણ તેમનાથી ડરતું. જો કોઇ પોલીસ અફસર પ્રામાણીકપણે નકસલવાદીઓને ઝેર કરવાની કોશીષ કરતો તો તેની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતી.
આજે પણ એ જ હેતુથી તેઓ નીકળ્યા હતા.. પરંતુ જે સંદેશો તેમને મળ્યો હતો એ ભયાનક હતો. જો એ સંદેશો સાચો હોય તો તાત્કાલીક કેમ્પ પર પહોંચવું જરૂરી હતું. જેન ભયાનક ઝડપે જંગલના ઉબડ-ખાબડ રસ્તા ઉપર ટ્રકને દોડાવી રહયો. લગભગ અડધા કલાક બાદ તેઓનો ટ્રક કેમ્પથી પાંચેક કીલોમીટર દુર સુધી આવી પહોંચ્યો. હવે તેને ફક્ત એક પહાડી જ વટવાની હતી. સામે દેખાઇ રહેલી પહાડીની પાછળ તેનો કેમ્પ હતો.... જેને દાંત ભીંસીને એક્સિલેટર દાબ્યું....
***
દુરથી આવતી હેડલાઇટોનો પ્રકાશ તેણે જોયો. તેના ચહેરા પર એ પ્રકાશને જોઇ એક કાતીલ અને પાશવી મુસ્કુરાહટ છવાઇ. અત્યાર સુધી જેવી પરિસ્થિતી તે ઇચ્છતો હતો એવી જ પરિસ્થિતી સર્જાતી ગઇ હતી તેનો આનંદ તેના જીગરમાં વ્યાપ્યો હતો. તેને ખ્યાલ આવ્યો હતો કે જે ટ્રક વીશે તે અનુમાન કરી રહયો હતો એ જ ટ્રક સામેથી આવી રહ્યું છે. તે સાબદો થયો. તેણે પગ પાસે, કાચબાની પીઠ જેવા ગોળ પથ્થર ઉપર મુકેલું રકેટલોન્ચર ઉઠાવ્યું. રોકેટ લોન્ચરના આગળના ગોળ ભુંગળા જેવા ભાગમાં તેનો જહાજનાં ટોરપીડો જેવો બોમ્બ ગોઠવ્યો.... ભારેખમ રોકેટ લોન્ચરને બહુ જ આસાનીથી પોતાના જમણા ખભા પર મુકયું અને તેનો આગલો ભાગ જમણી આંખની સીધમાં લાવી નિશાન સેટ કર્યું.
બરાબર વીસ મીનીટ બાદ દાઉકી જેને ટ્રકને એક જોરદાર બ્રેક મારી થોભાવી. તેણે ટ્રકને થોભાવવી પડે તેમ જ હતી, કારણકે ટ્રકની હેડલાઇટોના અજવાળામાં સામે..., રસ્તાની વચ્ચોવચ...., રસ્તો બંધ થઇ જાય એ રીતે એક જીપ ઉભી હતી. એ જીપને એવી રીતે ઉભી રાખવામાં આવી હતી કે જ્યાં સુધી તેને ખસેડવામાં ન આવે ત્યાં સુધી તેની ટ્રક આગળ જઇ શકે તેમ નહોતી. એકાદ સેકન્ડનાં ક્ષણાર્ધમાં દાઉકી જેનના મગજમાં એ જીપને આમ રસ્તા વચ્ચે ઉભેલી જોઇને ગુંચવણ ઉભી થઇ. તે અટવાયો.... અને તેણે બ્રેક મારી ટ્રકને અટકાવી હતી. પરંતુ એ ક્ષણાર્ધ બાદની બીજી જ સેકન્ડે તે પરિસ્થિતીની ભયાનકતા સમજ્યો હતો અને તે થડકી ઉઠયો. તેને તરત સમજાયું કે એ જીપ શું કામ બરાબર રોડની વચ્ચોવચ ઉભી રાખવામાં આવી હશે....!
પરંતુ.... ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુકયું હતું. એ જીપથી અડધા કીલોમીટર ઉપર પહાડીની ટોચે ઉભેલા એક યમદુતની આંગળીઓએ એક હરકત કરી નાંખી હતી. રોકેટલોન્ચરનું ટ્રીગર દબાયું અને તેમાંથી આગનો એક ગોળો ટ્રકની દિશામાં ભયાનક ઝડપે ઉડયો.... સેકન્ડનાં દસમાં ભાગમાં દાઉકી જેન ડ્રાઇવર તરફનો દરવાજો ખોલીને બહાર ખાબકયો હતો...અને તેની બીજી જ સેકન્ડે ટ્રક એક ભયાનક ધમાકા સાથે હવામાં ઉછળ્યો. નિશાન બરાબર તેનાં ટાર્ગેટ ઉપર લાગ્યું હતું. રોકેટ લોન્ચરમાંથી વછૂટેલો બોમ્બ ટ્રકની બરાબર મધ્ય ભાગમાં ટકરાયો હતો અને ટ્રકમાં બેઠેલા ચેન-લી સહીતના બીજા અઠ્ઠયાવીસ વ્યક્તિઓ કંઇ સમજે-વિચારે એ પહેલા તો મોત તેમને આંભી ચૂકયું હતું.. વાવાઝોડામાં સુકા પાંદડા ઉડે એમ ટ્રક હવામાં ઉંચકાઇને દસ ફુટ દુર જમીન ઉપર વીખેરાયને તૂટી ગયો. ધમાકો એટલો ભયાનક હતો કે ટ્રકમાં હતા એ તમામ વ્યક્તિઓના શરીરના ફુરચે-ફુરચા ચારેબાજુની જમીન ઉપર ટ્રકનાં ભંગારની સાથે પથરાઇ ગયા. ઠેર-ઠેર ટ્રકનો કાટમાળ સળગી રહયો હતો અને તેની વચ્ચે ક્ષપ્ત-વિક્ષીપ્ત માનવદેહનાં અંગો વેરાયા હતાં. ભલ-ભલા કઠણ હ્રદયનાં માનવીનું હૈયું હલબલાવી નાંખે એવો માજરો ત્યાં નજરે ચડતો હતો.
તેનું મીશન સમાપ્ત થયું... ખભા પરથી રોકેટલોન્ચર તેણે નીચે નાંખ્યુ. પોકેટમાંથી સીગારેટ કાઢી સળગાવી.... એક ઉંડો કસ લગાવ્યો અને હવામાં ધુમાડાનાં ગોટ છોડયા. કાચબાની પીઠ જેવા પથ્થર ઉપર તે આરામથી બેઠો અને સીગારેટ ફૂંકવા લાગ્યો તેની નજરોમાં ગજબની ચમક હતી. જે ભયાનકતા અને ક્રૂરતાની હદ વટાવીને તેણે નકસલવાદીઓના કેમ્પનો અને નકસલીસ્ટોનો સફાયો બોલાવ્યો હતો એ જોતા અત્યારે તેના હ્રદયમાં પારાવાર ઉત્તેજના છવાવી જોઇએ.... પણ તેને એવો કોઇ થડકારો થતો નહોતો. રોજ ઓફિસે જઇ યંત્રવત પોતાનું કાર્ય પુરુ કરનારા વ્યક્તિની જેમ જ અજબ શાંતીથી તે બેઠો હતો. દેશનાં દુશ્મનોને તેનાં આખરી અંજામે પહોંચાડવા બદલ કોઇ હરખ તેને નહોતો થતો કે પછી આવી બર્બરતાપૂર્વક માણસોને મારવાનો કોઇ રંજ નહોતો. તેણે તો જાણે પોતાની ડ્યૂટી નીભાવી હતી.... અને આ માટે જ તેને ઘડવામાં આવ્યો હતો.
તેણે થોડીવાર બાદ થેલામાંથી એક ષટકોણ આકારનું ચળકતા રંગનું યંત્ર કાઢયું અને પોતાના ગોઠણ ઉપર ગોઠવ્યું. એ ષટકોણ આકારનાં યંત્રની જાડી કીનારી પર આંગળી ફેરવી અને તેની ખરબચડી કીનારીનો એક ભાગ દબાવ્યો. ધીરે-ધીરે યંત્રના ઉપરનાં પડ પર કોઇ કમળના ફુલની પાંખડીઓ ખુલે તેમ ઉઘડયા. યંત્રની બરાબર વચ્ચે એક નાનકડા હોલ જેવી જગ્યામાંથી લગભગ ચારેક ઇંચ જેટલી લંબાઇનો મોબાઇલના ટાવર આકારનો એન્ટેના આટોમેટીક બહાર નીકળ્યો. તેણે એ આખી રચના ધ્યાનથી જોઇ અને પછી એ ષટકોણ યંત્રમાં કી-પેડ જેવા બટનો હતા તે દબાવ્યા. થોડીવારમાં જ એ યંત્રમાંથી ઉઠતા તરંગોએ તેને બેઝકેમ્પ પર લઇ જવા માટે અલાયદા રખાયેલા હેલીકોપ્ટરના કોકપીટની ફ્રીકવન્સી પકડી... અને સંદેશો મળતા જ હેલીકોપ્ટરનાં પાયલોટે હેલીકોપ્ટરનું એન્જીન સ્ટાર્ટ કર્યું.
આસામના એ ગાઢ જંગલ વિસ્તારમાંથી તે જ્યારે હેલીકપ્ટરમાં બેઠો ત્યારે વાતાવરણમાં સવારનો આછો ઉઝાસ ફેલાવા લાગ્યો હતો. એ આછા ઉઝાસમાં તેણે ધરતીના આ તરફના છેડે જે તબાહી મચાવી હતી એનું અનુમાન તે નજરોથી લગાવી રહયો. નકસલવાદીઓનો કેમ્પ અને તેમની ટ્રક બળીને ખાખ થઇ ચુકી હતી. જેટલા પણ નકસલવાદીઓ કેમ્પમાં, અને એ ટ્રકમાં હતાં તેનો ખાત્મો બોલાઇ ગયો હતો. ભયાનક તબાહીનું વરવું દ્રશ્ય નીચે ધરતી પર ફેલાયેલું હતું. તે આસામનો આ જંગલ વિસ્તાર છોડી પોતાના બેઝકેમ્પ તરફ ઉડયો... તેનું મીશન સમાપ્ત થયું હતું.
પરંતુ.... એક વાતથી તે અજાણ હતો..... અને તે એ કે.... રોકેટ લોન્ચરથી તેણે જ્યારે ટ્રકને ફૂંકી માર્યો હતો ત્યારે, તેની એક સેકન્ડ પહેલા જ નકસલીસ્ટોનો સરદાર, દાઉકી જેન... ટ્રકનો દરવાજો ખોલીને બહાર છલાંગ લગાવી ચૂકયો હતો. તે જીવતો રહયો હતો.... પરંતુ ટ્રકમાં જે અગનજ્વાળા ઉઠી હતી તેમાં તે લપેટાયો હતો...! છતાં તે જીવીત બચ્યો હતો.
(સમાપ્ત)
આગળની કહાની માટે રાહ જૂઓ. બહું જલ્દી મળીશું દોસ્તો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા.