એહસાસ
ભાગ – 4
એક તરફ દિવાનગઢ પેલેસ માં સગાઈ ની વિધી ચાલી રહી હતી, અને બીજી તરફ સમરતપુર માં શહબાઝ હુસૈન અને સાયમા બેગમ એકમાત્ર દુઆ નું હથિયાર લઈ રબ્બે કાયનાત પાસે લાડકી દીકરી સફા જયાં હોય ત્યાં એની સહીસલામતી ની આજીઝી કરતા હતા,એ જયાંથી કિડનેપ થઈ, નસીબજોગે એ કોલેજ નાં ગેટ થી આગળ એક લારીવાળાએ એ વેન નો નંબર જોયો હતો, પણ એનો કોઈ લાભ ન થયો, ગાડી મહારાષ્ટ્ર ની હતી, મહારાષ્ટ્ર નાં દરેક જિલ્લા નાં આર.ટી.ઓ માં પોલીસે ઇન્કવાયરી કરી, એ નંબર રજિસ્ટર ન હતો, હાઈવે કંટ્રોલીંગ પોલીસ કે કોઈ ઢાબા વાળા પાસે થી પણ એ વેન વિશે કોઈ જાણકારી ન મળી,શહબાઝ કે સાયમા બંને માંથી એક ને પણ સપનેય ખ્યાલ નહોતો કે ત્રેવીસ વર્ષ પૂર્વે ઘેર થી ભાગી ને શાદી કરવાનાં જે પગલા એ એમનાં નવાબી ખાનદાન ને લાંછન લગાડયુ હતુ, એનું પગેરૂ સફા સુધી પહોંચ્યુ હતુ, એ બંને ભૂતકાળ ભૂલી ચૂક્યા હતા અથવા યાદ કરવા માંગતા નહોતા, કાશ, સાયમા બેગમ પોતાના નવાબ બાપ ને એક વખત યાદ કરી લેત કે અબ્બાજાન શતરંજ નાં કેવા શોખીન હતા, તો કદાચિત અત્યાર સુધી એ બંને એમની ચાલ ને સમજી સફા સુધી પહોંચી ગયા હોત…!!
***
એવુ ન હતુ કે સફા અરબાઝ સાથે નાટક કરી રહી હતી, એ ખરેખર એને પસંદ કરતી, એને શાદી પણ અરબાઝ સાથે જ કરવી હતી, પરંતુ મમ્મા-ડેડી ની પરમિશન લઈ ને, પરંતુ આ અજીબ કેદ માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતો હતો, એવા માં નાની અને મામી ઓ તરફ થી એને અરબાઝ વિશે નો અભિપ્રાય પૂછાયો, તો એને એક ચાન્સ નજર માં આવ્યો, સગાઇ વિશે પૂછયુ એટલે તાત્કાલિક હોંકારો ભણી દીધો, એ સગાઈ દ્વારા પેલેસવાસીઓ નો વિશ્વાસ જીતી મમ્મા ને અહીં લાવવા માંગતી હતી..
અરબાઝ ને સંપૂર્ણ વિશ્વાસ માં લઈ એક દિવસ એણે ઘણા પ્યાર થી પોતાની પ્રપોઝલ મૂકી,, “ અરબાઝ, આપણે મમ્મા - ડેડી પાસે જઈએ, મારે એમની સાથે તમારી મુલાકાત કરાવી મારી પસંદ બતાવવી છે, મમ્મા ને તમે ખૂબ જ પસંદ આવશો, મને પૂરો યકીન છે, એમ પણ મારી મમ્મા તમારા ફોઈ જ તો છે, આઈ થિન્ક, હવે આપણી સગાઈ પણ થઈ ગઈ છે, તો તમને કોઈ પ્રોબ્લેમ ન હશે…”, એ ક્ષણિક ચોંક્યો, અને પળવાર માં સ્વસ્થતા પણ કેળવી લીધી, એને આ ઘડી એ સફા થી આ વાત ની અપેક્ષા બિલકુલ ન હતી, “ ઓકે, આપણે મન્ડે નાં જઈશું, મારે થોડુ વર્કઆઉટ પણ છે ત્યાં, સો ચાર દિવસ પ્લીઝ વેઈટ ડિયર, ઓલરાઈટ ? સફા ખુશ થઈ હામી ભરી,આજે વેનસડે હતો, આ ચાર દિવસ કાઢવા એની માટે અઘરા હતા, પણ અરબાઝ લઈ જવા રાજી થયા એ મોટી વાત હતી, કેટકેટલા પ્લાન બનાવી નાખ્યા એણે મનમાં, કે ઘરે જઈ મમ્મા ને આ કહેશે, ડેડી ને આવુ કહેશે, વગેરે.. વગેરે….
સાંજ નો સમય હતો, એ કઝીન મુબશ્શીરા સાથે ગાર્ડન માં ટહેલી રહી હતી, આ એનો ડેઈલી રૂટીન હતો આ ટાઈમે, એને ગાર્ડન ખૂબ ગમતુ, અને ગમે તેવુ હતુ પણ, કિલ્લા નો ગેટ ખૂલ્યો અને અરબાઝ ની ફોરેસ્ટ જીપ અંદર આવી, આમ તો પેલેસ માં અગિયાર -બાર નાની મોટી કાર નો કાફલો હતો, પણ અરબાઝ ને ખુલ્લી જીપ માં ફરવુ ગમતુ, એને પણ.. જીપ પોર્ચ માં ઉભી રાખી એ ઝડપ થી દોડતો એની પાસે આવ્યો, હાથ માં એક ન્યૂઝપેપર હતુ, “ સફી, ગજબ થઈ ગયો,, સમરતપુર માં તોફાનો ફાટી નિકળ્યા છે, આ જો ” દિવાનગઢ નાં એકમાત્ર ન્યૂઝ પેપર “ ખબરે દિવાન” હેડીંગ ન્યૂઝ એ જ હતા, સફા ડિટેલ માં ન્યૂઝ વાંચવા લાગી, ‘ ઈડરગઢ નાં કોઈ બે જૂથ વચ્ચે નાં ઝગડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ, સંજોગોવસાત એ બે જૂથ અલગ ધર્મ નાં હોઈ કોમવાદી રૂપ આપી દેવામાં આવ્યુ, મિડિયા અને તોફાની તત્વો ની મહેરબાની થી તોફાનો સમરતપુર અને રાયકાનગર સુધી વિસ્તર્યા છે, ત્રણે શહેરો માં અંધાધૂંધી નો માહોલ , મોટાભાગના વિસ્તારોમાં કર્ફયુ લાગુ કરવામાં આવેલ છે, લશ્કર અને પોલીસ શાંતિપૂર્ણ વાતાવરણ ઉભુ કરવાનાં પ્રયાસ માં સક્રિય..’ “ મેં મારા એક દોસ્ત ને તારા મમ્મા ડેડી નું ધ્યાન રાખવા કહ્યુ છે, ડોન્ટ વરી..”
“થેંકયુ અરબાઝ, એ લોકો ને કંઈ થશે તો નહિ ને?” સફા એ થોડા ચિંતાતુર સ્વરે કહ્યુ, અરબાઝે માથે હળવી ટપલી મારી, અને એને બાથ માં ભરી લઈ બોલ્યો, “ ઓહ સફી, આઈ ટોલ્ડ યુ, ડોન્ટ વરી, એ મારા પણ ફોઈ-ફુઆ છે, હું પણ નથી ચાહતો કે એ લોકો ને કંઈ થાય, અને મામલો ઠંડો પડે એટલે આપણે એમને મળી આવીશું..”
છેલ્લા ચાર દિવસ દરમ્યાન સફા એ કંઈ કેટલીયવાર મમ્મા-ડેડી નાં મોબાઈલ અને લેન્ડલાઈન પર કોલ કરવા ટ્રાય કરી, એક ફોન જો લાગ્યો હોય તો..! તોફાનો ને કારણે કદાચ નેટવર્ક જામ કરવામાં આવ્યુ હતુ, પાંચમા દિવસે તોફાન શાંત થયા ની ખબર મળી, અરબાઝે એક બે દિવસ સફા ને થોભી જવા સમજાવી, પણ ફોન લાગતા ન હોવાથી સફા એક ની બે ન થઈ, એને મમ્મા - ડેડી ની ખૂબ ચિંતા થતી હતી, જે ઓળખીતા ને અરબાઝે ધ્યાન રાખવાનું કહ્યુ હતુ, એનો ફોન પણ બંધ આવતો હતો, છેવટે નછૂટકે અરબાઝે દાદા ની રજા લઈ રેન્જ રોવર ગેરેજ માંથી કાઢી, અને સફા ને લઈ સમરતપુર તરફ પ્રયાણ કર્યુ…
***
શહબાઝ હુસૈન બે દિવસ થી ઘર માં બેઠા કંટાળી ગયા હતા, એ ડરપોક ન હતા, પણ નફરત અને હિંસા એમના લોહીમાં ન હતી, બની શકે ત્યાં સુધી ખોટો ઝગડો કરવા થી દૂર રહેતા, સફા નો પત્તો બે મહિના થી મળતો નહોતો અને એક નવી મુસીબત એમની સાથે સાથે આખા શહેર પર આવી હતી, ઈડરગઢ નાં તોફાનો ની અસર અહીં પણ વર્તાઈ રહી હતી, નાના મોટા છમકલા થી શરૂઆત થઈ આખુ સમરતપુર શહેર તોફાનો ની ચપેટ માં આવી ગયુ, સવાર-સાંજ એકબીજા સાથે હંસી-બોલી ને વ્યવહાર રાખનાર બંને કોમ નાં લોકો એકમેક નાં ચેહરા જોવા માંગતા ન હતા, શું મળવાનું હતુ, ખબર નહિ ! બસ મારો-કાપો નાં અવાજો આવતા રહેતા, ચીસો સંભળાતી,, ઠેર ઠેર માણસો સાથે માનવતા પણ મરી રહી હતી, ક્ષણિક આવેશ માં આવી જઈ રાજરમત રમતા તોફાની ઓને સાથ આપનાર ધર્માંધ લોકો નિર્દોષો ને મારતા અને પોતે પણ મરતા, તોફાની તત્વો એવા લોકો ને આગળ કરીને હટી જતા, એમણે તો બીજી જગ્યાએ પણ આગ સળગાવવી હતી ને..! કેટલાય ગરીબો નાં ઝૂપડા, વ્યાપારીઓ ની દુકાનો ધર્મ નાં નામે સળગતી રહી, આજે ત્રીજો દિવસ હતો આ ગાંડપણ નો, કર્ફ્યુ યથાવત હતો, ચોથા દિવસે ધર્મઝનૂન શાંત થયુ, અને શાંતિપૂર્ણ વાતાવરણ નો પાયો નખાયો..
રાત્રે દસ વાગ્યે મોબાઈલ અને લૅન્ડલાઇન ફોન ચાલુ થયા, પાંચ મિનિટ થઈ હશે અને એક ફોનકૉલે એમને અંદર સુધી હલાવી નાખ્યા, અજાણ્યા નંબર પરથી આવેલ એ કૉલરે પોતાની ઓળખાણ હાઈવે પોલીસ તરીકે આપી સનસનીખેજ માહિતી આપી “ અમને એક બાવીસ-ચોવીસ વર્ષ ની યુવતી ની લાશ ઈશાન ચેકપોસ્ટ પાસે નાં પુલ નીચે થી મળી છે, લાશ ની હાલત બહુ જ ખરાબ છે, ચેહરો ઓળખાતો નથી, પરંતુ કદ-કાઠી તમારી પુત્રી સાથે મેળ ખાય છે, સાત્વિક હોસ્પિટલ નાં મૉર્ગ માં આવી જોઈ લો. ”
એ એકલા જ નીકળી જવા માંગતા હતા, પણ સાયમા બેગમે એમને જવા ન દીધા, અને રડતા રડતા ઝડપ થી કાર માં બેસી ગયા,કયારેક ધીમે તો ક્યારેક ફાસ્ટ કાર ચલાવી મોર્ગ પહોંચ્યા, ત્યાં સંપૂર્ણ સન્નાટો હતો, અંદર તપાસ કરી તો જાણવા મળ્યુ કે એવી કોઈ લાશ અહીં આવી જ નથી, ' કુદરત પણ કેવી આકરી પરિક્ષા લે છે, માંડ બે મહિને સફા ની એક ખબર મળી, તે પણ જુઠી..' મનમાં બબડતા તેઓ સાયમા ને લઈ ફરી કાર માં બેસી સ્ટાર્ટ કરી, આગળ વધારી રોડ પર લીધી એટલા માં પાછળ થી કંઈક સળવળાટ સંભળાયો, બીજી પળે એમની ગરદન પર રિવોલ્વર નું નાળચુ મુકાયુ, અને એક ઘેરો અવાજ આવ્યો, “ યુ ટર્ન લઈ પાછળ નાં રસ્તે જવા દો, જરા પણ હોશિયારી કરવાની કોશિશ કરી છે તો બંને જીવ થી હાથ ધોઈ બેસશો, જેમ કહુ તેમ માનશો તો કોઈ તકલીફ નહિ પડે..”
ક્રમશ….