(નવા વર્ષની શરૂઆતમાં લેખક અને તેમના પિતાને અલગ કરી દેવામાં આવ્યા. લેખકનો નંબર બાંધકામની ટુકડીમાં આવ્યો. એક દિવસ જર્મનોએ ભઠ્ઠી માટે કેદીઓ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી. શું લેખક અને તેમના પિતા ભઠ્ઠી માટે પસંદગી પામશે ? જાણવા માટે આગળ વાંચો...)
અમારો બ્લોક પ્રમુખ અમારી વચ્ચે આવ્યો. તે એક જર્મન યહૂદી હતો. તે આ કેમ્પમાં ઘણા સમયથી હતો. તેણે અમને ભેગા થવાનો આદેશ આપ્યો. તેણે અમારા ગભરાયેલા ટોળાને સંબોધવાનું શરૂ કર્યું.
"તમને બધાને ખબર જ હશે કે અત્યારે ભઠ્ઠી માટે કેદીઓ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. તમારે આ પ્રક્રિયા માંથી પસાર થવા તમારા કપડાં ઉતારવા પડશે. હું ઈચ્છું છું કે તમે બધા જીવતા રહો. મારા બ્લોક માંથી કોઈની પસંદગી ન થાય તેવી મારી ઈચ્છા છે. હું કેટલીક સલાહ આપીશ. તમે તેનું પાલન કરશો તો તમારી પસંદગી થવાની શક્યતા ઘટશે."
તેનો અવાજ થોડીવાર માટે ધ્રુજ્યો.
"થોડી વાર પછી ત્રણ ડોક્ટરોની ટીમ આવશે. તે તમને તપાસશે. તમારે કોઈ પણ રીતે અશક્ત નથી દેખાવાનું. તમારા ચહેરા અને હાથને મસળો જેથી તે ફિક્કા ન દેખાય. છાતી કાઢીને ટટ્ટાર ઉભા રહો. તમારા પાતળા હાથ સંતાડવાનો પ્રયત્ન કરો. જયારે દોડવાનો વારો આવે ત્યારે જાણે તમારી પાછળ મોત પડ્યું હોય તેમ દોડજો. આશા છે કે તમે બધા બચી જશો."
મારી સાથે ઇલેક્ટ્રોનિક ભાગો જોડવા માટેની ટુકડીમાં હતા તે બે ભાઈઓ, યોશી અને ટીબી ને પણ મારી જેમ આ બ્લોકમાં મુકવામાં આવ્યા હતા. યોશીને મેં બ્લોક પ્રમુખના સંબોધન પછી પ્રાર્થના કરતા જોયો. મને તે પેહલા નાસ્તિક લાગતો. મોતના ઓછાયો ભલભલાને આસ્તિક બનાવી દે છે. ટીબી ચુપચાપ ખૂણામાં ઉભો હતો.
અમને બધાને કપડાં ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો. મેં મારા કપડાં ઉતારીને મારા પલંગ પર મુક્યા. અમને બધાને નગ્ન અવસ્થામાં લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા. મૃત્યુ પછી કદાચ નર્કના દ્વારે આવી જ લાઈન થતી હશે.
થોડીવારમાં ત્રણ ડોકટરો અમારા બ્લોકમાં પ્રવેશ્યા. તેમની વચ્ચે કુખ્યાત ડોક્ટર મેંગલ પણ હતો. તેના હાથમાં એક નોટ અને પેન હતા. તેણે પેહલા અમારા બ્લોક પ્રમુખ અને તેના સ્ટાફ ને તપાસ્યા. તે બધા પાસ થઇ ગયા. પછી સામાન્ય કેદીઓ એટલે કે અમારો વારો આવ્યો. કેટલાક અશક્ત દેખાતા કેદીઓના નંબર તેણે નોંધ્યા.
બાકી રહેલા કેદીઓને દોડાવવાનું શરૂ થયું. યોશી અને ટીબી મારી આગળ હતા. તેઓ દોડ્યા. મેં જોયું કે તેમનો નંબર મેંડલે નોહતો નોંધ્યો. તેઓ પાસ થઇ ગયા હતા. કોઈએ મને પાછળથી ધક્કો માર્યો. હવે મારો વારો હતો. હું દોડ્યો. મારા અશક્ત શરીરમાં તાકાત હતી તે તમામ તાકાત ભેગી કરીને હું દોડ્યો. દોડતા દોડતા હું મારી જાતને કહી રહ્યો, "દોડ, ભઠ્ઠીને લાયક છોકરા, દોડ. તાકાત લગાવ નહીં તો આ તારા જીવનની છેલ્લી દોડ હશે."
મારી દોડ પુરી થતા હું યોશી અને ટીબી પાસે આવ્યો. મેં તેમને મારો નંબર નોંધાયો કે નહીં તે વિશે પૂછ્યું.
"તે તારો નંબર કેવી રીતે નોંધે ? તું દોડ્યો જ એટલું ઝડપી કે તેને તારો નંબર જ નહિ દેખાયો હોય." યોશી બોલ્યો.
હું રાજી થયો. હું બચી ગયો હતો. મારા પોતાના જીવન સિવાય બીજી કોઈ વાત ત્યારે મહત્વ નોહતી ધરાવતી. બધા મારા જેવા ભાગ્યશાળી નોહતા. જે પસંદગી પામ્યા હતા તે ખૂણામાં ઉભા રડી રહ્યા હતા.
થોડીવાર પછી ડોક્ટર ગયા. અમારો બ્લોક ઓફિસર પાછો ફર્યો. તેણે અમને કહ્યું," ચિંતા ન કરો. તમને બધાને કંઈ નહિ થાય."
"પણ તેમણે મારો નંબર નોંધ્યો છે." એક કેદી રડતા રડતા બોલ્યો.
"તેનો મતલબ એમ નથી કે તમારે ભઠ્ઠીમાં મરવું પડશે. તેનો મતલબ માત્ર એટલો જ છે કે તમારું સ્વાસ્થ્ય સારું નથી." બ્લોક ઓફિસરે સાંત્વના આપી.
થોડીવાર પછી કેમ્પમાં પસંદગીની પ્રક્રિયા પુરી થવાનો સંકેત આપતી ઘંટડી વાગી. હું તરત મારા પિતાના બ્લોક તરફ દોડ્યો. મેં તેમને મળતા જ પૂછ્યું," તેમણે તમારો નંબર લખ્યો ?"
"ના" તેઓ બોલ્યા.
હું ખુશીથી તેમને વળગી પડ્યો. અમે બન્ને બચી ગયા હતા.
ફરી સુવાની ઘંટડી વાગી. મારે ફરી મારા બ્લોકમાં પાછું ફરવું પડ્યું. કેમ્પમાં અમારું જીવન ઘંટડીઓના ઈશારા પર ચાલતું. અમે ઘંટડીઓના દાસ હતા. અમે ઘંટડીઓના ઈશારે કામ કર્યા રાખતા. હું ક્યારેય પણ સારી દુનિયાનું સપનું જોઇશ ત્યારે તે ઘંટડીઓ વગરનું હશે.
થોડા દિવસો વિત્યા. અમે પસંદગી પામેલા નામો વિશે ભૂલી ગયા. એક દિવસ જયારે અમે પથ્થર ઉપાડવા માટેના કામ માટે નીકળતા હતા ત્યારે અમારો બ્લોક ઓફિસર અમારી પાસે આવ્યો. તે દસ કેદીઓના નામ બોલ્યો. આ બધા કેદીઓને કામ પર નોહતું જવાનું. ડોક્ટર મેંગલ પોતે નોંધેલા નામ નોહતો ભુલ્યો. અમારા બ્લોકમાં સન્નાટો છવાઈ ગયો.
"અમે તો સશક્ત છીએ. અમને કામ પર જવા દો. અમારે મરવું નથી..." પસંદગી પામેલા કેદીઓ રડવા લાગ્યા.
"તમને અહીં રાખવામાં બીજો કોઈ ઉદ્દેશ પણ હોય." બ્લોક અધિકારીએ સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો.
થોડીવાર પસંદગી પામેલા કેદીઓ દલીલો કરતા રહ્યા. બ્લોક અધિકારી સમજાવતો રહ્યો પણ તેઓ ન માન્યા. તેઓ ભયભીત હતા. કંટાળીને બ્લોક અધિકારી પોતાના રૂમમાં જતો રહ્યો.
તે દિવસે અમે જલદી કેમ્પ છોડીને જવા માંગતા હતા. અમારે આ નર્કથી દૂર જવું હતું. અમારે ભઠ્ઠીના પડછાયાથી દૂર જવું હતું. અમે અમારા સાથીઓને રડતા મૂકીને ચાલતા થયા.
બહાર નીકળતા જ મારા પિતા દોડતા મારી પાસે આવ્યા.
"તેમણે મને પણ કેમ્પમાં રહેવાનું કહ્યું છે." તેઓ બોલ્યા. તેમની જાણ બહાર મેંડલે તેમનો નંબર નોંધી લીધો હતો.
મારા માથે આભ તૂટી પડ્યું.
"હવે તમે શું કરશો ?" મેં પૂછ્યું.
"ચિંતા ન કર, તેઓ હજું ફરી વખત પસંદગી કરવાના છે. કદાચ હું બચી જાઉં." તેમણે મને સાંત્વના આપી.
હું ચૂપ રહ્યો.
તેમને એમ લાગ્યું કે સમય નીકળી રહ્યો છે. હું થોડી ક્ષણોમાં તેમનાથી અલગ થઇ જઈશ અને તેઓ કેમ્પમાં એકલા રહી જશે. કદાચ કાયમ માટે અમે અલગ થવાના હતા. તેઓ ઝડપથી બોલવા લાગ્યા. તેમના ગળે ડૂમો ભરાઈ ગયો. તેઓ મને ઘણી વાતો કેહવા માંગતા હતા.
"આ ચપ્પુ રાખ. તને કામ આવશે. હવે એ મારા કોઈ કામનું નથી. આ ચમચી પણ રાખ. તે પણ તને કામ આવશે." તેઓ મને બન્ને વસ્તુઓ આપતા બોલ્યા.
એક બાપ પોતાના દીકરાને પોતાની સંપત્તિ આપી રહ્યો હતો.
"આવી વાતો ન કરો. તમને પણ આ વસ્તુઓની જરૂર પડશે." હું રડતા રડતા બોલ્યો. "તમને કંઈ નહિ થાય. હું સાંજે કામ પરથી આવીશ ત્યારે તમે અહીં જ હશો."
મારા પિતાએ પોતાની થાકેલી આંખો વડે મારી તરફ જોયું. તેઓ આ સંઘર્ષથી થાકેલા લાગતા હતા.
"મારી વાત સાંભળ...રડ નહીં. આ વસ્તુઓ રાખ. મારી પાસે સમય નથી." મારા પિતા બોલ્યા.
અમારા ટુકડી પ્રમુખે મને ચાલવા માટે આદેશ આપ્યો. હું મારા પિતાને કેમ્પમાં મૂકીને ચાલી નીકળ્યો. મારા પિતા ત્યાં જ ઉભા હતા. કદાચ તે હજુ મને કઈંક કેહવા માંગતા હતા પણ અમે ઝડપથી પરેડ કરતા ચાલી નિકળ્યા.
(ક્રમશ:)