રાણી પદ્માવતી:
એક પુસ્તકનું કાલ્પનિક બીજ કે પછી નક્કરતા?
અમુક એવા પ્રશ્નો જે હંમેશા રાજપૂત સમાજ અને રાજસ્થાન ઘરાનાના રાજા અને શાસકોનો સાચો ઈતિહાસ જાણવા ઉત્સુક કરે, તેને આ લેખમાં સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવ્યો છે. રાણી પદ્માવતી અંગે પ્રશ્નો અને તેના ઈતિહાસ વિષે જાણવાની ઉત્સુકતા, રાજસ્થાન સિવાયના રાજ્યો અને કસબામાં ખરેખર વધતી જાય છે.
* મેવાડ અને ચિત્તોડ વિષે ખ્યાલ:
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અથવા તો અન્ય રાજ્યોને એવો અંદાજ છે કે, રાજસ્થાનમાં મેવાડ અથવા ચિત્તોડ નામના શહેર અથવા કસબા હશે/છે. પરંતુ, મેવાડ એ અમુક પ્રદેશોનો સમૂહ છે, જે ઐતિહાસિક મહત્ત્વની સાથે-સાથે રાજપૂત ઘરાનાની મહત્ત્વતા પણ ધરાવે છે. મેવાડમાં ઉદયપુર, ભિલવાડા, ચિત્તોડગઢ, પ્રતાપગઢ જેવા રાજસ્થાનના દક્ષિણી પ્રદેશમાં આવેલા જિલ્લાઓ આવેલા છે. છેલ્લા ૭૦૦-૮૦૦ વર્ષથી મેવાડનો આ જ પ્રદેશ રહ્યો છે, ક્યારેક ઓછો તો ક્યારેક વધુ!
મેવાડ (મેવાર)ની સ્થાપના રાજા ગોહિલે છઠ્ઠી સદીમાં કરી હતી. જેને આપણે ગુહિલોત, ગોહિલ, ગુહિલા કે જાણીતાં એવા ગેહલોત નામથી જાણીએ છીએ.
પરંતુ, બાપ્પા રાવળને પ્રથમ શક્તિશાળી શાસક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ચિત્તોડના કિલ્લાને જીત્યો. જેને ખૂબ પુરાણો કિલ્લો માનવામાં આવે છે. અનેક શાસકો આ કિલ્લા પર બદલાયા પરંતુ તે વીસેક સદીઓથી અડીખમ છે. ચિત્તોડ પર પહેલા મૌર્ય/મોરીવંશનું શાસન હતું. અહીં ઉલ્લેખનીય છે કે, આ મૌર્ય એટલે ચંદ્રગુપ્ત મૌર્ય કે અશોકના કાળ દરમિયાન આસપાસના મૌર્ય નહોતા.
આ કિલ્લો જીત્યા બાદ અમુક વર્ષો પછી ચિત્તોડ મેવાડનું કેપિટલ બન્યું. બાપ્પા રાવળ અને મેવાડના અન્ય શાસકોએ અનેક દસકાઓ સુધી પશ્ચિમ તરફથી થતાં આક્રમણને રોકી રાખ્યું હતું.
જાણકારી: સન્ ૭૧૨માં અબ્બાસિદ કેલિફેટે સિંધ પર કબજો જમાવ્યો હતો. મોહમ્મદ મીર કાસિમના નેતૃત્વ હેઠળ તેમણે એક આર્મી બગદાદથી મોકલી હતી અને સિંધ પ્રદેશ જીત્યો હતો. તેમણે અનેક પ્રયત્ત્નો કર્યા કે ગુજરાત અને મેવાડનો વિસ્તાર કબજે થાય. પરંતુ, પ્રતિહાર, પરમાર અને ગેહલોત રાજાઓએ એ શક્ય થવા દીધું નહીં.
* રાણી પદ્માવતી કોણ હતી?
આ જ મેવાડના વંશમાં એક રાણી થઈ ગઈ, જેનું નામ રાણી પદ્માવતી. તે પુણ્યપાલ ભાટી, કે જેઓ પુંગલ (જૈસલમેર)ની દીકરી હતી. આ માહિતી રાજસ્થાન લોકવાર્તાઓ અને સાહિત્યમાંથી મળી આવે છે.
રતન સિંહની પત્ની બની અને સન્ ૧૩૦૩માં જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે તે સમયે રાજા રતનસિંહ શાસનકર્તા હતાં.
* અલ્લાઉદ્દીન ખિલજી એ ચિત્તોડ પર ક્યારે/શા માટે આક્રમણ કર્યું હતું?
તેનો ઉદ્દેશ્ય એવો હતો કે સંપૂર્ણ ભારત પર કબજો કરવો અને રાજ કરવું. ભારત સિવાય પર્શિયા, ઈરાન, મધ્ય એશિયા સુધી તે પહોંચવા માંગતો હતો. તે પોતાને દુનિયાનો બીજો એલેક્ઝાન્ડર (સિકંદર) બનાવવા માંગતો હતો.
દિલ્લીની ગાદી પર બેઠેલો/બેસવા માંગતો કોઈપણ રાજા મેવાડ પર કબજો જમાવવા ઈચ્છતો હતો. કારણ કે, ગંગા, યમુના પટ્ટી (આજનું ઉત્તર પ્રદેશ)થી ગુજરાતની કનેક્ટિવિટી માટે, મેવાડ એ વચ્ચેનો પ્રદેશ હતો. ઉપરાંત, ગુજરાતના બંદરગાહનો ઉપયોગ કરવા માટે અને વ્યાપાર હેતુ મેવાડ કબજે હોય તો તે કામ સરળ રહેતું હતું.
રાજસ્થાનમાં મેવાડ કે મારવાડ બેલ્ટમાં જો કોઈ શક્તિશાળી રાજા હોય તો દિલ્લી કદી સુરક્ષિત રહી શકે નહીં. જેમ કે, રાણા સાંગા એ દિલ્લીમાં બેઠેલ બાબર પર હુમલો કર્યો હતો, જેને આપણે ‘બેટલ ઓફ ખંડવા’ નામે ઓળખીએ છીએ. તેથી સલ્તનતને મજબૂત કરવા માટે મેવાડ જીતવું જરૂરી છે.
આ જ રીતે અલાઉદ્દીન ખિલજીએ મેવાડ પર હુમલો કર્યો હતો.
હવે, બીજી વાર્તા ક્યાંથી આવી કે રાણી પદ્માવતી/પદ્મિનીની સુંદરતાથી મોહાઈને તેને પામવાના ઉદ્દેશ્યથી આ હુમલો અલાઉદ્દીન ખિલજી એ કર્યો હતો?
મલિક મોહમ્મદ જાયસી દ્વારા લિખિત ‘પદ્માવત’ નામના મહાકાવ્યમાંથી આ વાર્તા ઉભરીને આવે છે.
તેની રચના સન્ ૧૫૪૦માં અવધિ ભાષામાં કરવામાં આવી હતી.
અલાઉદ્દીન ખિલજી દ્વારા હુમલો કરવામાં આવ્યો તે વર્ષ ૧૩૦૩ હતું અને આ મહાકાવ્ય રચાયું તેનો સમય આ આક્રમણથી લગભગ ૨૪૦ વર્ષ પછીનો હતો. અહીંથી આ વાર્તા લોકભોગ્ય બની અને તેને ચાહના મળવા લાગી.
‘પદ્માવત’માં લખેલ ઐતિહાસિક તથ્ય (સંક્ષિપ્તમાં): રાણી પદ્માવતી પાસે એક પોપટ હતો જે તેના વખાણ કરતો હતો. આ પોપટે રાણી પદ્મિનીના વખાણ રતન સિંહ પાસે કર્યા. તેથી રાવળ રતનસિંહ તેના સ્વયંવરમાં પહોંચી ગયા. આ સ્વયંવર સિંહલ/સિંહાલ દ્વીપ (પરંતુ, શ્રીલંકા નહીં) અથવા સિંઘલ દ્વીપ (એટલે કે આજનું જૈસલમેર)માં યોજાયો હતો. ત્યાં બંનેના લગ્ન યોજાયા. ત્યારબાદ તેઓ જ્યારે ચિત્તોડ પાછા ફર્યા ત્યારે ત્યાં રાઘવ ચેતન નામનો એક આર્ટીસ્ટ / ચિત્રકાર / ગાયક હતો. તેના રાવળ રતનસિંહ સાથેના સંબંધોમાં થોડો ખટરાગ આવ્યો અને તેને રતનસિંહે દેશનિકાલ ફરમાવ્યો. ત્યારબાદ તે પહોંચ્યો, અલાઉદ્દીન ખિલજીના દરબારમાં! તેણે અલાઉદ્દીન ખિલજીને રાણી પદ્માવતીની સુંદરતા વિષે અનેક વાર્તાઓ સંભળાવી. અને, તેના મનમાં પદ્માવતીને પામવાની ચાહ શરુ થઈ અને તેણે ચિત્તોડ પર હુમલો કરવાનું નક્કી કર્યું. સૈન્ય લઈને તે ચિત્તોડ પહોંચ્યો અને ૮ મહિના તે કિલ્લાની બહાર બેઠો રહ્યો. આટલા મહિનાઓ પછી રાવળ રતનસિંહને એક સંદેશો મોકલ્યો. તેમાં તેણે રાણી પદ્માવતીને એક વખત જોવાની માંગણી કરી.
રાજપૂત ખાનદાનમાં એક એવો રિવાજ હતો કે રાણીઓ હંમેશા પરદા પાછળ રહતી હતી. તેઓ પરપુરુષને પોતાનો ચહેરો દર્શાવી શકે નહીં. પરંતુ, એક એવો ઉપાય સૂચવાયો કે, જેમાં રાણી પદ્માવતીનો પડછાયો પાણી અથવા કાચ મારફતે બતાવવામાં અવે. અનેક લોકોને મૃત્યુથી બચાવવા તેઓ આ બાબતે સહમત થયા.
ખિલજીને કિલ્લામાં બોલાવવામાં આવ્યો અને તેને પડછાયો દેખાડવામાં આવ્યો. પરંતુ, ખિલજીએ વિશ્વાસઘાત કર્યો અને રાજા રતનસિંહને બંદી બનાવી લીધા અને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ, જાયસીના ‘પદ્માવત’ અનુસાર પદ્મિનીએ પોતાના ચુનિંદા સૈનિકોને ચિત્તોડથી દિલ્હી મોકલ્યા (આજની સર્જિકલ સ્ટ્રાઈક જેવું). રાણીએ એવો આભાસ કરાવ્યો કે રાણી પોતે દિલ્હી આવી રહી છે. સૈનિકોએ રાજા રતનસિંહને છોડાવ્યા અને ચિત્તોડ પાછા લઇ આવ્યા. જેમાં બે શ્રેષ્ઠ લડવૈયા, ગોરા અને બાદલે પોતાનો જીવ ગુમાવ્યો.
ત્યારબાદ, ખિલજી ફરીથી ચિત્તોડ પર હુમલો કરવા આવ્યો. પરંતુ, આ વખતે ચિત્તોડના ખાતામાં હાર જ હતી. કારણ કે, ચિત્તોડના મોટાભાગના સૈનિકો દિલ્હીની ચડાઈમાં મૃત્યુ પામ્યા હતાં. તેથી આ હાર થાય તે પહેલા જ રાણી પદ્માવતી અને અન્ય સોળ હાજર અન્ય મહિલાઓએ જૌહર (પોતાને આગમાં હોમવું) કર્યું.
આ રાણી પદ્માવતીની ‘પદ્માવત’ અનુસાર વાર્તા છે.
* શાકા અને જૌહર એ શું હોય છે?
‘જૌહર’ અને ‘શાકા’ એવી રૂઢિઓ છે જે એકસાથે જ થાય છે પરંતુ બંને એકબીજાથી અલગ છે. મહિલાઓ ત્યારે જૌહર કરે છે જ્યારે કોઈ વિદેશી આક્રમણ થાય, પોતાની હાર નિશ્ચિતપણે દેખાતી હોય, લડાઈમાં જીત નહીં થઈ શકે તેવું સાબિત થાય, તાકાત ઓછી હોય અને વિરોધી સૈન્ય ઘુસી આવે અને પોતાની ઈજ્જત અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે નહીં, તે માટે સ્ત્રીઓ એકસાથે મોટી આગમાં પોતાને હોમી દેતી હતી.
જૌહરમાં જતાં પહેલા દરેક મહિલાઓ પોતાનો લગ્નનો પોશાક પહેરતી હતી, આભૂષણ પહેરતી હતી અને ત્યારબાદ મોટી આગ બનાવીને તેમાં પોતાને હોમતી હતી. આ સતીપ્રથાથી બિલકુલ અલગ છે. તેમાં પતિનું મૃત્યુ થાય ત્યારબાદ તેઓ સતી થાય છે. જ્યારે જૌહર થયા બાદ બીજે દિવસે રાજાઓ, સૈનિકો લડવા જતાં હતાં જેથી જીવિત પાછું ફરવાનો મોહ કે ઈચ્છા સંપૂર્ણપણે નાશ પામે અને યુદ્ધમાં તેઓ વીરતાભર્યું પ્રદર્શન કરે અને મુલક બચાવવા પોતાની જાન ગુમાવે.
શાકામાં જૌહર પામેલી પોતાની પત્ની, બાળકો કે પછી માતાની રાખને અગ્નિકુંડમાંથી લઈને, રાજા અને સૈનિકો બીજે દિવસે સ્નાનવિધિ બાદ શરીર પર લગાવીને કેસરિયો સાફો બાંધતા હતાં. તેઓ એવું જ સમજી લેતા હતાં, અમારે જીવતું પાછું આવવાનું નથી.
આ બંને મધ્યયુગીન કાળની સાયકોલોજિકલ રૂઢિઓ હતી. જેમ કે, દ્વિતીય વિશ્વયુદ્ધમાં રશિયા (તત્કાલીન USSR)ના લોકો વિદેશી સૈન્ય આક્રમણ કરે ત્યારે ઠંડા પ્રદેશોમાં ચાલ્યા જતાં હતાં, જેથી વિદેશી સૈન્ય મોસ્કોમાં પહોંચે ત્યારે તેમને ખાલી શહેર જોવા મળતું હતું. આથી જીતની ખુશી ઓસરી જતી હતી. એ જ રીતે ખિલજી જે ઉદ્દેશ્યથી આવ્યો હતો તે ઉદ્દેશ અસફળ રહ્યો. ચિત્તોડનો કિલ્લો મળ્યો પરંતુ પદ્માવતી ન મળી શકી!
* સમગ્ર વાર્તા વિષે કેટલાંક તથ્યો:
વાર્તાના અંતમાં છેલ્લે મલિક મોહમ્મદ જાયસી એવું લખે છે કે, ‘આ વાર્તા મેં બનાવી છે’. લાઈક, ફિલ્મો શરુ થાય તે પહેલા ‘બેઝ્ડ ઓન ટ્રુ ઈવેન્ટ્સ’ લખેલું આવે છે, તે જ રીતે!
તત્કાલીન ઇતિહાસકાર અમીર ખુશરોએ ‘ખાઝા-ઇન-ઉલ-ફતેહ’માં અનેક લડાઈઓ વિષે લખ્યું છે. જેમાં અલાઉદ્દીન ખિલજીની દરેક લડાઈ વિષે લખ્યું છે. તેમણે સ્પષ્ટપણે રણથંભોરના જૌહર (સન્ ૧૩૦૧) વિષે ઉલ્લેખ કર્યો છે પરંતુ ચિત્તોડના જૌહર (સન્ ૧૩૦૩, માત્ર બે વર્ષ બાદ)નો ઉલ્લેખ કર્યો નથી. રાણી પદ્માવતી વિષે પણ તેમણે પ્રત્યક્ષ કોઈ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સોલોમન અને શીબા વિષે લખીને પરોક્ષ માહિતી આપી છે.
જાયસી પછી વિસ્તૃત રેફરન્સ કોઈ મળ્યો હોય તો તે છે, સન્ ૧૫૮૯માં હેમરતન દ્વારા લખાયેલ ‘ગોરા બાદલ પદ્મિની ચોપાઈ’ છે. અહીં વીરરસનું વર્ણન વધુ માત્રામાં કરવામાં આવ્યું છે.
ત્યારબાદ, બ્રિટિશકાળમાં કર્નલ ટોડ દ્વારા ઉપર્યુક્ત પુસ્તકો અને લોકો પાસેથી મૌખિક માહિતીનો રેફરન્સ લઈને અંગ્રેજીમાં પદ્માવતી વિષે લખવાનું શરુ કર્યું. આ પુસ્તકો ત્યારબાદ બંગાળમાં આવી અને તેનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થવા લાગ્યો અને ફરીથી આ વાર્તા લોકોની જીભે ફરવા લાગી. જવાહરલાલ નેહરુ એ પણ પોતાના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં રાણી પદ્માવતીની આ જ વાર્તાને વર્ણવી છે.
***