Shivtatva - 7 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-7

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-7

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૭. શિવનું લિંગ સ્વરૂપ

શિવપુરાણ, લિંગપુરાણ અને સ્કંદપુરાણમાં શિવલિંગનો અનેરો મહિમા ગવાયો છે. આ ત્રણે પુરાણોમાં એક કથા કોમન રીતે કહેવાય છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પોતાના તત્ત્વનો પ્રાદુર્ભાવ શોધવા માટેનો વિવાદ થયો ત્યારે તેમની વચ્ચે એક જ્યોતિર્મય અગ્નિસ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનું મૂળ શોધવા માટે બ્રહ્મા ઉપર તરફ અને વિષ્ણુ નીચે તરફ ગયા, પરંતુ ઘણાં વર્ષોના અંતે પણ તેઓ સ્તંભનો આધાર કે અંત શોધી શક્યા નહીં. આખર તેઓએ આ સ્તંભની અહંકાર છોડીને પ્રાર્થના કરતાં શિવે તેમને પોતાના સ્તંભરૂપ લિંગનું મહત્ત્વ સમજાવ્યું. આ રીતે શિવનો પ્રથમ પ્રાદુર્ભાવ લિંગસ્તંભના રૂપમાં થયો હોવાથી શિવની લિંગ સ્વરૂપે પૂજા થાય છે તેવી પુરાણોક્ત કથા છે. પુરાણોની કથાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મા અને વિષ્ણુ જે આ જગતના આદિ દેવો છે તેઓ પણ જે સ્વરૂપના રહસ્યનો અંત પામી શક્યા નથી ત્યાં સામાન્ય માનવીનું શું ગજું છે ?

શિવ આદિ-અનાદિ અને અનંત છે અને વળી શિવ નિરંજન નિરાકાર છે. તેમનું સત્ય રૂપ માનવબુદ્ધિની સમજણમાં આવી શકે તેવું નથી. જેથી આપણી સમજણમાં આવી શકે તેવી તેમના રૂપ કે દેહની કલ્પના કરવા માટે પણ લિંગાકાર ઉત્તમ છે; કારણ કે તેમાં આકાર પણ છે અને નથી પણ. જેથી લિંગ આકાર અને નિરાકાર બંને સ્વરૂપનું યોગ્ય પ્રતીક છે. માનવ તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ અને વિરાટાતિવિરાટ શિવને લિંગ સ્વરૂપે કલ્પના કરીને તેમની પૂજા કરે છે.

પુરાણો કહે છે કે જગત સર્વ પ્રથમ અંડાકાર સ્થિતિમાં ઉત્પન્ન થયું હતું. જેની પ્રતિકૃતિ રૂપે દરેક યોનીમાં પહેલા અંડાકાર સ્વરૂપ સર્જાય છે. લિંગનો આકાર તે અંડાકારનો પ્રતિદ્યોતક છે અને જગતના પ્રાદુર્ભાવનું સ્મરણ કરાવે છે.

વિજ્ઞાનની દૃષ્ટિએ સમગ્ર જગત અણુ-પરમાણુના જોડથી બન્યું છે. અણુમય શક્તિઓ જે આકારમાં સુરક્ષિત રહે છે તે પણ લિંગાકાર છે. મહારાષ્ટ્રના ટ્રાંબે ખાતે આવેલ ભારતનું અણુમથક દૂરથી જોતા કે કોઈ ફોટામાં જોતાં જાણે શિવલિંગ હોય તેવું પ્રતીત થાય દુનિયાના વિવિધ દેશોએ બનાવેલાં અણુમથકોને પણ લિંગાકાર જ આપવો પડ્યો છે; કારણ કે લિંગાકાર અણુ-પરમાણુની સુરક્ષા માટેનો પણ યોગ્ય આકાર છે.

શિવલિંગ ઉપર આપણે ત્યાં પાણી (જલ) ચડાવવાનો પણ અનેરો મહિમા છે. પુરાણોક્ત માન્યતા છે કે લિંગમાં રહેલી ઊર્જાની ગરમીને ઠંડક આપવા માટે શિવલિંગ ઉપર પ્રતીક રૂપે પાણી અર્પણ કરવામાં આવે છે. વર્ષ ર૦૧૩માં જાપાનના ફુકુશીમાં દાયાચી ખાતે આવેલ નૂકલીઅર સેન્ટરમાં અર્થક્વેકના કારણે કૂલિંગ સેન્ટરમાંથી રેડએશન થયાના સમાચારો બહાર આવ્યા હતા. નૂક્લીઅર સેન્ટર કૂલિંગ સેન્ટરમાં એટમ એનર્જિની હીટ કૂલ કરવા માટે પાણીનો જ ઉપયોગ થાય છે, પરંતુ એ રીતે વપરાયેલું પાણી હીટિંગથી રેડીએશનવાળું થાયછે. જેને માનવજીવન માટે ઘાતક સમજવામાં આવે છે. પરમાણુ રેડીએશનના કારણે અકસ્માત થઈ શકે છે. તે કારણે જ લોકો અણુમથકો પોતાનાં ક્ષેત્રોમાં સ્થાપવાની વાતથી પણ ડરતા થયા છે. અણુ ઊર્જાને શાંત કરવા માટે પાણી સિવાય અન્ય કોઈ ઉપયોગ હજી સુધી શોધી શકાયો નથી. જોકે શિવલિંગ ઉપર દૂધ અને બીલીપત્ર ચડાવવાનું પણ મહત્ત્વ છે. કદાચ ભવિષ્યે આ વસ્તુઓ પણ પરમાણુ ઊર્જાનું રેડીએશન રોકવાના ઉપયોગમાં આવી શકે.

આપણે ત્યાં વિવિધ પ્રકારના શિવલિંગની પૂજા માટે વિવિધ ફળકથનનું વર્ણન પણ કરાયું છે, પરંતુ મોટા ભાગે લોકો ફળકથનમાં જેટલો રસ દાખવે છે તેટલો તેના મહિમાને જાણવામાં નથી દાખવતા. સ્ફટીક લિંગની, પાર્થિવ લિંગની, પાષાણ લિંગની, પારદ લિંગની કે તેવાં વિવિધ લિંગોની પૂજા કરનારાઓ પણ શિવલિંગનો ખરો મહિમા નથી જાણતા. પુરાણમાં શિવલિંગનું જે મહિમાગાન થયું છે તેનું તત્ત્વ જાણ્યા વગર થતી પૂજામાં સાચો ભાવ રહેતો નથી.

સામાન્ય રીતે લિંગ શબ્દ જાતિ દર્શાવવા માટે પ્રયોજાય છે, જેમ કે પુલિંગ, સ્ત્રીલિંગ વગેરે. તેવી જ રીતે સૂક્ષ્મ શરીર માટે પણ લિંગદેહ એવો શબ્દ વપરાય છે. આપણાં પુરાણોએ આકાશને પણ લિંગ તરીકે ઓળખાવ્યું છે. આકાશ એ લિંગ છે અને પૃથ્વી તેની પીઠિકા છે. પુરાણકારોએ મુખ્યત્વે બે લિંગ જણાવ્યાં છે. જેમાં સ્થૂળ લિંગ અને સૂક્ષ્મલિંગનો સમાવેશ થાય છે. શિવના નિરંજન નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરવું, તેનું જ ચિંતન-મનન અને નિદિધ્યાસન કરવું, તે તત્ત્વનું જ શ્રવણ-કીર્તન કરવું તે સૂક્ષ્મલિંગની ઉપાસના છે. જે સ્થૂળલિંગની ઉપાસના કરતાં શ્રેષ્ઠ છે, પરંતુ શરીરધારી માણસ શિવના નિરંજન - નિરાકારપણાનું સહજભાવે ચિંતન કરી શકતો નથી કારણ કે શરીરધારીની ધારણાઓ પણ શરીરમય હોય છે. જેથી સ્થૂળલિંગની ઉપાસના દર્શાવવામાં આવી છે. સ્થૂળલિંગમાં મુખ્યત્વે પાંચ પ્રકારે ઉપાસના થાય છે તેવી હકીકત શિવપુરાણની વિદ્યેશ્વરસંહિતામાં કહેવાય છે. જેમાં સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, પ્રતિષ્ઠિત લિંગ, ચર લિંગ અને અચર લિંગ છે.

જેમ પૃથ્વીને ચીરીને બીજ બહાર આવે છે તે રીતે પ્રકૃતિના ગર્ભમાંથી બહાર આવેલ લિંગને સ્વયંભૂ લિંગ કહે છે. પ્રણવરૂપ ૐકારને બિંદુ લિંગ કહે છે. જે લિંગની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. જે લિંગ જંગમ રીતે એકથી બીજી જગ્યાએ ફેરવવામાં આવે તેવું અને જેની પીઠિકા તથા લિંગ અલગ ન હોય તે ચર લિંગ છે. જ્યારે પીઠિકા અને લિંગ બંને વચ્ચે ખંડ હોય, બંને અલગ હોય તેવા લિંગને અચર લિંગ કહે છે. ઘણા વિદ્વાનો સમગ્ર ચર-અચર જગતને જ લિંગ સ્વરૂપ માને છે. વેદો પણ કહે છે કે સમગ્ર જગત શિવથી ઉત્પન્ન થયું છે, શિવમાં જ સ્થિત છે અને શિવમાં જ તેનો લય થાય છે. તેથી સમગ્ર જગતનું ચર-અચર રૂપ પણ શિવલિંગ સ્વરૂપ છે.

‘‘ત્વતો જગદ્‌ભવતિ દેવ સ્મરારે ત્વય્યેવ તિષ્ઠતિ જગન્મૃ વિશ્વનાથ ત્વય્યેવ ગચ્છતિ લયં જગદેતદીશ લિંગાત્મકં હર ચરાચરવિશ્વરુપિન’’

(વેદસાર શિવસ્તવ-૧૧)

શિવની લિંગ સ્વરૂપે પૂજા-આરાધના કરતી વ્યક્તિ માટે શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ જેવો અધિકાર હોય તેવા લિંગની આરાધના કરે તેમાં કોઈ હરકત નથી, પરંતુ વિવિધ લિંગોમાં શિવની આરાધના કરતા સાધકે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવિધ લિંગોમાં પણ શિવ તો એક જ છે. વળી જે શિવ સ્થૂળ લિંગમાં છે તે સૂક્ષ્મ લિંગમાં છે તે સૂક્ષ્મ લિંગમાં પણ મોજૂદ છે. ખરેખર તો શિવ મોજૂદ ન હોય તેવી કોઈ જગ્યા નથી. સમગ્ર જગત શિવનું જ રૂપ છે. જેની પ્રતીત ઉપાસના શિવલિંગમાં થાય છે.