પૃથિવીવલ્લભ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૨૪. ભોજ
નવા પ્રણયીની ઉત્સાહભરી આંખે તે મૃણાલને જોઈ રહ્યો. તે ગઈ એટલે તે જરા હસ્યો, ફર્યો અને નિરાંતે ઊંઘવા માટે એક ખૂણામાં જઈ લંબાવ્યું. થોડી પળમાં તેની સેવામાં સદા હાજર રહેતી નિદ્રાદેવી તેને પ્રસન્ન થઈ.
થોડી વારે ભોંયમાં કંઈક દૂરથી આવતો અવાજ સંભળાવા માંડ્યો. જાણે કોઈ જમીનમાં ખોદતું હોય તેમ લાગતું હતું એ અવાજ ધીમે-ધીમે પાસે ને પાસે આવવા લાગ્યો.
મુંજે ધીમેથી આંખ ઉઘાડી ને કાન માંડ્યાં; અડધી ઘડીમાં તો સૂતો હતો તેની નીચેના પથ્થર નીચે કોઈ ખોદતું દેખાતું.
મુંજ ત્યાંથી ખસ્યો, અંધારામાં પોતાની મેળે હસવા લાગ્યો. તેના હોઠ તિરસ્કારમાં મરડાયા ! તેને લાગ્યું કે તૈલપ અત્યારે ચોરીછૂપીથી તેનું ખૂન કરવા આ માર્ગે મારાઓ મોકલતો હશે.
‘બિચારો તૈલપ ! બીજો કંઈ રસ્તો સૂઝ્યો નહિ.’ કહી તે આઘેના ખૂણામાં જઈ તબિયત વાળી શાંતિથી ઊભો.
ઘડી ગઈ ને પથ્થર હાલવા લાગ્યો. બીજી પળે તે ઊંચકાયો અને કોઈએ ડોકિયું કર્યું.
‘મહારાજ !’
‘કોણ છે ?’ શાંતિથી મુંજે પૂછ્યું.
‘એ તો હું - ભોજ,’ કહી પેલા આવનારે ચકમચ ઘસી કાકડો ચેતાવ્યો.
‘કોણ, ભોજ ? તું અહીંયાં ?’
રસનિધિ - ‘ભોજ’ નામે સંબોધેલો પુરુષ તે જ હતો - ભોંય પર કાકડો મૂકી, કૂદકો મારી સુરંગમાંથી મુંજ આગળ આવ્યો, ને મુંજ ભોજને ભેટી પડ્યો : ‘દીકરા ! તું ક્યાંથી આવ્યો ?’
રસનિધિ - ભોજ જવાબ આપે તે પહેલાં સુરંગમાંથી ધનંજય અને બીજા બે-ત્રણ કવિઓ કૂદીને બહાર આવ્યા.
‘ઓહોહો ! કેમ છે ? ધનંજય ! હલાયુધ ! અગ્નિમિત્ર !’ કહી મુંજ તેમને ભેટ્યો.
હલાયુધે ભોંય પર પડેલો કાકડો ઊંચકી ઊંચો ધર્યો.
‘કવિરાજો ! આ શું ?’
‘મહારાજ ! આપને બચાવવા.’ ભોજે કહ્યું.
મુંજ હસ્યો : ‘પણ તું આજે સવારે આ કવિવરોમાં ક્યાંથી આવ્યો ?’
‘મહારાજ ! લશ્કરમાં ભંગાણ પડ્યું ને આપ પકડાયા એટલે હું વેશ બદલી આ લોકોના વૃંદમાં અહીંયાં આવ્યો.’
‘ને મને બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો !’ મુંજે કહ્યું, ‘આવું જોખમ શા માટે ખેડ્યું ?’
‘મહારાજ આપ વિના અમે કેમ રહી શકીએ ?’
‘ગાંડા ! પછી તું ક્યારે રાજ કરશે ?’
‘મહારાજ ! મને રાજ્યલક્ષ્મીની તૃષ્ણા નથી.’
‘તને મારી નાખવા મોકલ્યો ત્યારે તો તેં બીજું જ કહ્યું હતું.’ હેતથી હસીને મુંજે કહ્યું, મને શું કહ્યું છે તે યાદ છે ?’
‘ઌહ્મઙ્ગેંઌક્રબ્ ગૠક્રધ્ ટક્રભક્ર ગળ્ૠક્રભટ્ટ ૠક્રળ્ધ્પ અસ્ર્ક્ર સ્ર્ક્રજીસ્ર્બ્ભ’
‘તેથી જ મારે ધરણીને અનાથ કરવી નથી. ચાલો.’ કહી ભોજે સુરંગ દેખાડી.
‘માયખેટની બહાર તું લઈ જઈશ !’
‘તેની પણ તજવીજ કરી છે. અડધા પ્રહરમાં આપણે અવંતીનો પંથ પકડીશું. હવે ચાલો, વિલંબ કરવો કામનો નથી.’
‘શું કામ આ તસ્દી લીધી ?’
‘મહારાજ ! આ વાત કરવાનો વખત નથી.’
‘શા માટે નહિ ?’ ઠંડે પેટે મુંજે કહ્યું, ‘આવો આનંદ ક્યાં મળવાનો હતો ?’
‘પણ કોઈ આવી લાગશે તો પકડાઈ જઈશું.’
‘તે તેં કેમ જાણ્યું કે અહીંયાંથી નીકળતાં નહિ પકડાઈએ ? કવિરાજો ! મને તમે કેમ બચાવવાના હતા ?’
‘પ્રભો !’ ધનંજયે કચવાઈ કહ્યું, ‘અહીંયાંથી શહેર બહાર નીકળે એવી સુરંગ હાથ લાગી છે.’
‘સુરંગ હાથ લાગે છુટાતું હોય તો જોઈએ શું ? તમે પણ આવી ભ્રમણામાં પડ્યા ? અમાત્ય રુદ્રાદિત્યની ભવિષ્યવાણી ભૂલી ગયા ? તેણે શું કહ્યું હતું ? પૃથિવી-વલ્લભ જીવનમાં એક જ વાર ગોદાવરી ઓળંગશે બીજી વાર નહિ. હું એક વાર ઓળંગી ચૂક્યો,’ સ્વાસ્થ્યથી પૃથિવીવલ્લભે કહ્યું.
‘મહારાજ !’ ભોજે અધીરા બની કહ્યું, ‘ભવિષ્યવાણી તો ભગવાન ભાસ્કરાચાર્યની ખરી નથી પડી. તેને આધારે તે આપથી અહીંયાં રહેવાય !’
મુંજ હસ્યો : ‘ભોજ ! ભોજ ! તું ઉતાવળિયો જ રહ્યો. હું આજે નહિ આવી શકું.’
ચારે જણા સ્તબ્ધ બની જોઈ રહ્યા.
‘અરે, કાલ પહેલાં તો શુંયે થાય !’
‘શું થશે ? સૂર્યનો ઉદય ને અસ્ત,’ બેદરકારીથી મુંજે કહ્યું.
‘પણ આજે વાંધો શો છે ?’ ધનંજયે પૂછ્યું.
મુંજ હસ્યો : ‘મારે અભિસારિકા આદરવી છે.’
‘હેં !’ ચમકીને ધનંજય ને ભોજ બોલી ઊઠ્યા.
‘કેમ ગભરાઈ ઊઠ્યા ? કામબાણને આ કારાગૃહનું અંધારું નડતું હશે ? નહિ, કવિરાજો ! જ્યાં વિશ્વવ્યાપી પરબ્રહ્મ પણ ન પહોંચે ત્યાં એ બાણો ત્રાસ વર્તાવે છે - ભૂલી ગયા ?’
ભોજ કચવાઈ હોઠ કરડી રહ્યો. ધનંજય પૃથિવીવલ્લભની બેદરકારી જોઈ અંજાઈ રહ્યો.
‘મહારાજ !’ તેણે હસીને કહ્યું, ‘અહીંયા કોણ મળ્યું ?’
‘તૈલંગણની મહાતપસ્વિની, તૈલપની બહેન !’
‘શું કહો છો ?’ ધનંજયે પૂછ્યું.
ભોજને કંપારી આવી. હલાયુધ ને અગ્નિમિત્ર વિચાર કરવા લાગ્યા કે આ સ્વપ્ન હતું કે સાચું.
‘ખરી વાત, તે બિચારી વિરહાગ્નિમાં બળી મરે છે.’
‘મહારાજ !’ ભોજથી ન રહેવાયું, ‘આ વખત તો મહેર કરો અમારા પર નહિ તો અવંતી પર.’
ભોજનો ક્રોધ જોઈ મુંજ હસ્યો : ‘બેટા ! જીવ છોડાય - કંઈ અભિસારિકાને દીધેલાં વચનો તોડાય ? તું હજુ કાચો છે.’
પેલા ચારે એકબીજા તરફ જોઈ રહ્યા. તે મુંજને ઓળખતા હતા. તે જાણતા હતા કે તે નિશ્ચલ હતો.
‘ત્યારે કાલે ક્યારે ?’
‘મધ્યરાત્રિએ.’
‘મહારાજ ! એક દિવસમાં કંઈનું કંઈ થઈ જાય તો ?’ ભોજે છેલ્લો પ્રયત્ન કર્યો.
‘થવા દે. તેમાં શું થયું ?’
ભોજ થાક્યો. આનો જવાબ શો આપવો તે જડ્યો નહિ. તેણે નિસાસો મૂક્યો.
‘ઠીક ત્યારે. જીવતા રહીશું તો કાલે મધરાતે.’
‘મને ને મૃણાલને બેને લઈ જવાની તૈયારી કરજો.’
આ શાંતિ તે સહી શક્યા નહિ. એક શબ્દ પણ બોલ્યા વગર ચારે જણા સુરંગમાં પાછા પેઠા.
સુરંગને મોઢે પથ્થર ઢાંકી પૃથિવી-વલ્લભ તેના પર સૂતો. થોડી વારે તે નિદ્રાવશ થઈ ગયો.
પેલી તરફ સુરંગમાંથી ભોજ ને કવિઓ કચવાતા કચવાતા બહાર આવ્યા.
‘કવિરાજ !’ ભોજે કહ્યું, ‘આ તે કોઈ માણસ છે ?’
‘ના, દેવ છે.’
‘મેં તો ગુસ્સામાં કહ્યું હતું કે પૃથિવી આની સાથે આવશે ! પણ એ તો ‘જરૂર આવશે જ’ એમ માની બેઠા છે.’ ‘એ જ એની ખૂબી છે,’ કહી થાકેલો ધનંજય ભોંય પર બેસી ગયો.