બ્લેક બોય
છેવટે મારી મા દરરોજ બ્રેડ અને ચાનો કુંજો તૈયાર કરી મને અને મારા ભાઈને ફ્લેટમાં એકલા છોડી રસોયણ તરીકે કામ પર ગઈ. જ્યારે સાંજે તેણી ઘેર પાછી ફરતી ત્યારે થાકેલી અને હતોત્સાહિત જણાતી હતી અને ખૂબ જ રડતી. ઘણીવાર જ્યારે તેણી ખૂબ જ નિરાશ થઈ જતી ત્યારે અમને બંનેને તેની પાસે બોલાવી કલાકો સુધી વાતો કરતી. વાત કરતા કરતા અમને જણાવતી કે અમારા પિતાજી નહોતા, અન્ય બાળકો કરતાં અમારા બંનેની જિંદગી અલગ હશે, બને તેટલી જલ્દીથી અમારે અમારી સંભાળ લેવાનું શીખી લેવું જોઈએ, કપડાં જાતે પહેરવા, અમારું ખાવાનું જાતે તૈયાર કરવું, જ્યારે તેણી કામ પર ગઈ હોય ત્યારે ફ્લેટનું ધ્યાન રાખવાની જવાબદારી અમારે લઇ લેવી જોઈએ, વગેરે વગેર. ડરના માર્યા અમે ગંભીરતાપૂર્વક એ બધું જ કરવાનું વચન આપતા. અમારી મા અને અમારા બાપ વચ્ચે શું બન્યું તે અમે સમજી શક્યા નહીં અને અમારી સાથેની અમારી માની લંબાણપૂર્વકની વાતો અમને અસ્પષ્ટ ડરની અનુભૂતિ કરાવવા માટેની હતી. જ્યારે જ્યારે અમે પૂછતા કે પિતાજી શા માટે છોડીને જતા રહ્યા ત્યારે તેણી જવાબમાં કહેતી કે આ વાત સમજવા માટે અમે ખૂબ નાના હતા.
એક સાંજે મારી માએ મને કહ્યું કે મારે કરિયાણું ખરીદવા જવું પડશે. શેરીના ખૂણે આવેલી કરીયાણાની દુકાને જવાનો રસ્તો બતાવ્યો. મને કામ કરવાનું ગૌરવ થયું. હું જાણે પુખ્ત ઉંમરનો હો્ઉ એવું મને લાગ્યું. બીજે દિવસે ઢળતી બપોરે અને દોરડાંનો ફાસો બનાવી હાથ પર બાસ્કેટ લટકાવતો ફૂટપાથ પર ચાલતો ચાલતો કરિયાણાની દુકાન તરફ જવા લાગ્યો. જ્યારે હું શેરીના ખૂણા સુધી પહોંચ્યો ત્યારે શ્વેત ચામડી વાળા છોકરાઓએ મને પકડ્યો, મને પછાડી દીધો, બાસ્કેટ ઝૂંટવી લીધી, મારા પૈસા પડાવી લીધા અને ભયભીત કરી મને ઘર તરફ નસાડી મુક્યો. મારી સાથે શું બન્યું એ વાત મેં મારી માને સાંજે કરી, પરંતુ તેણે કોઈ ટીકા કરી નહીં. તરત જ તેણે વસ્તુઓની યાદી લખી આપી, મને વધારે પૈસા આપ્યા અને ફરીથી મને કરિયાણાની દુકાને મોકલ્યો. પગથિયાં ઊતરી હું નીચે ગયો અને એ જ છોકરાઓની ટોળકી શેરીમાં રમતી જોઈ. હું પાછો ઘરમાં પેસી ગયો.
"શું વાત છે ?" મારી માએ પૂછ્યું.
"એ જ છોકરાઓ." મેં કહ્યું: "તેવો મને મારશે."
"આ પ્રશ્નનો ઉકેલ તારે જ લાવવાનો છે." તેણીએ કહ્યું: "હવે તું જા."
"મને ખૂબ ડર લાગે છે." મેં કહ્યું.
"તું જા, અને એ લોકો તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ." તેણીએ કહ્યું.
હું ઘરની બહાર નીકળ્યો અને ઝડપથી ફૂટપાથ પર ચાલવા લાગ્યો, એ પ્રાર્થના સાથે કે ગોરા છોકરાઓની ટોળકી મને પરેશાન ન કરે. પરંતુ હું જ્યારે તેમની સાથે થઈ ગયો ત્યારે કોઈકે બૂમ પાડી, "એ પેલો જાય છે"
તેઓ મારી તરફ આવ્યા અને મેં ઘરની દિશામાં આંધળી દોટ મૂકી. તેઓએ મને ઝડપી લીધો અને મને ફૂટપાથ પર પછાડ્યો. મેં ચીસો પાડી, કાકલૂદી કરી, લાતો મારી, પરંતુ તેમણે મારા હાથમાંથી પૈસા ઝૂંટવી લીધા. તેમણે મને ધક્કો માર્યો અને ધોલધપાટ કરી, ડૂંસકા સાથે મને મોકલી દીધો. મારી મા મને બારણામાં જ મળી.
"તેમણે મને માર્યો." મેં હાંફતા હાંફતા કહ્યું: "મારી પાસેથી પૈસા પણ પડાવી લીધા."
ઘરમાં રક્ષણ મેળવવાના ઇરાદે મેં પગથિયાં ચઢવાનું શરુ કર્યું.
"અંદર આવતો જ નહિ." મારી માએ મને ચેતવ્યો. રસ્તામાં જ મારા પગ થીજી ગયા અને હું તેની સામે એકીટશે જોવા લાગ્યો.
"પરંતુ એ લોકો મારી પાછળ જ પડી ગયા છે." મેં કહ્યું.
"તું જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે." તેણે કરડાકીભર્યા સ્વરમાં કહ્યું: "આજે રાત્રે હું તને એ વાત શીખવાડીશ કે પગભર બની ને કેવી રીતે લડવું."
તેણી ઘરમાં અંદર ગઈ અને હું ભયભીત સ્થિતિમાં રાહ જોતો ઊભો રહ્યો. મનોમન મને એ વાતનું આશ્ચર્ય હતું કે તેણી શું કરવા માંગતી હતી?! છેવટે તેણી પાછી આવી. આ વખતે વધારે પૈસા અને બીજી વસ્તુઓની યાદી હતી. આ સાથે તેણી લાંબી વજનદાર લાકડી પણ લાવી હતી.
"લે, આ પૈસા, ચિઠ્ઠી અને આ લાઠી." તેણીએ કહ્યુ: "દુકાને જા અને કરિયાણું લઇ આવ. જો પેલા છોકરાઓ તને પરેશાન કરે તો તેમની સામે લડજે."
હું મુંઝાયો. મારી મા મને લડવાનું કહી રહી હતી, જે તેમણે ક્યારેય કહ્યું નહોતું.
"પરંતુ મને ડર લાગે છે." હું બોલ્યો.
"જ્યાં સુધી કરિયાણાની બધી વસ્તુઓ લઈને ન આવે ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકીશ નહીં"
મેં કહ્યું, "એ બધા મને મારશે."
"તો પછી શેરીમાં જ રોકાજે, અહીં પાછો આવીશ નહીં."
મેં નિસરણીનાં પગથિયાં ચડી પ્રયત્નપૂર્વક ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો. મારા જડબા પર એક સનસનતો તમાચો પડ્યો. હું રડતો ત્યાં જ ઊભો રહી ગયો.
"મને કાલ સુધી રાહ જોવાદે, મા, પ્લીઝ !" મેં વિનવણી કરી.
"ના." તેણીએ કહ્યું: "અત્યારે જ જા. કરિયાણાવાળાને ત્યાંથી વસ્તુઓ લીધા વગર પાછો આવીશ તો હું તને ચાબુકથી ફટકારીશ."
તેણે જોરથી બારણું બંધ કર્યું અને અંદરથી તાળામાં ચાવીના ફરવાનો અવાજ મેં સાંભળ્યો. મારા પ્રત્યે મતભેદ દાખવતી અંધારી શેરીઓમાં હું એકલો હતો અને ગોરા છોકરાઓની ટોળકી પાછળ પડી હતી. મારી પાસે ઘરમાં અને ઘરની બહાર માર ખાવા સિવાય કોઈ પસંદગી નહોતી. રડતાં રડતાં પરિસ્થિતિ અંગે વિચાર કરતાં મેં લાઠી પકડી. જો મને ઘરમાં માર પડશે તો એ અંગે હું કશું જ કરી શકું તેમ નહોતો, પરંતુ જો શેરીઓમાં મને માર પડશે તો મારી પાસે લડવા અને મારો બચાવ કરવાની તક હતી. ધીમેધીમે હું ફૂટપાથ પર ચાલવા લાગ્યો. છોકરાઓની ટોળકી અને મારી વચ્ચે અંતર ઘટતું જતું હતું. મેં મજબૂત રીતે લાઠી પકડી હતી. મારામાં એટલો બધો ડર પેસી ગયો હતો કે હું ભાગ્યે જ શ્વાસ લઈ શકતો હતો. હું લગભગ તેમની પાસે જ પહોંચી ગયો હતો.
"પેલો ફરીથી અહીં આવ્યો !!" એક ચીસ આકાશમાં ઊઠી. તેમણે મને ઝડપથી ઘેરી લીધો અને મારો હાથ પકડવા પ્રયત્ન કર્યો.
"હું તમને મારી નાખીશ." મેં ધમકી આપી.
તેમણે સકંજો વધુ મજબૂત બનાવ્યો. ડરના માર્યા મેં લાઠી વીંઝી અને એક છોકરાની ખોપડી ફોડી નાંખી. મેં ફરીથી લાઠી વીંઝી અને બીજા એક છોકરાનું માથું ફોડી નાખ્યું. ત્યારબાદ ત્રીજાનું. જો હું પળભર પણ અટક્યો તો તેવો વળતો હુમલો કરશે એ ખ્યાલ સાથે મેં તેમને દબાણમાં રાખ્યા. ઠંડા કલેજે ફટકાર્યાં અને તેમને મારી નાંખવાનો પણ પ્રયત્ન કર્યો, જેથી તેઓ વળતો પ્રતિકાર કરી શકે નહિ. આંખોમાં આંસુ, કચકચતા દાંત અને ડર સાથે મેં દરેક ફટકો મારતી વખતે મારી બધી જ શક્તિ કામે લગાડી. તેમણે આવું ઝનૂન ક્યારેય જોયું નહોતું. પૈસા અને કરિયાણાની વસ્તુઓની યાદી પાડી દઈ મેં તેમના પર વારંવાર પ્રહાર કર્યો. છોકરાઓ બૂમો પાડતા, માથા પર હાથ ફેરવતા વેરવિખેર થઈ ગયા. મારી આવી હિંમત જોઈને આ વાત માની ન શકે તેવી સ્થિતિમાં મારી સામે ટગર ટગર જોવા લાગ્યા. હાંફતો, તેમને વળતો હુમલો કરવા લલકારતો, તેમને ટોણાં મારતો હું તેમને લડવા માટે આહ્વાન આપતો ઊભો હતો. છોકરાઓનાં મા-બાપો શેરીમાં દોડી આવ્યાં અને મને ધમકાવવા લાગ્યા અને જિંદગીમાં પહેલી જ વાર મેં મોટી ઉંમરના લોકો સામે ઊંચા અવાજે વાત કરતાં કહ્યું કે, "જો તેઓ મને પરેશાન કરશે તો તેમના છોકરાઓ જેવા જ તેમના હાલ થશે." છેવટે મને મારા પૈસા અને વસ્તુઓની યાદી મળી ગયાં અને દુકાને પહોંચી ગયો. પાછા વળતાં જરૂર પડે તો ઉપયોગમાં લેવા મેં લાઠી તૈયાર જ રાખી હતી, પરંતુ કોઇ છોકરો નજરે પડતો નહોતો. એ રાત્રે મેમ્ફિસની શેરીઓમાં હરવાફરવાની આઝાદી મેં હાંસલ કરી.
મૂળ લેખક : રિચાર્ડ રાઈટ
( સમાપ્ત )