Chandrashekhar Aazad in Gujarati Biography by MB (Official) books and stories PDF | Chandrashekhar Aazad

Featured Books
Categories
Share

Chandrashekhar Aazad


ભગતસિંહનાં પણ ગુરૂ

ચંદ્રશેખર આઝાદ

-ઃ લેખક :-

સિદ્ધાર્થ છાયા

siddharth.chhaya@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ભગતસિંહનાં પણ ગુરૂ - ચંદ્રશેખર આઝાદ

જેનાં નામમાં જ ‘આઝાદ’ શબ્દ હોય તેને ગુલામી કેવીરીતે પસંદ હોય? ભારતમાતાને અંગ્રેજોની ગુલામીની બેડીઓમાંથી આઝાદ કરવા માટે કેટલાય દિવાનાઓએ પોતાનાં જીવની બિલકુલ પરવા ન કરી પરંતુ ઈતિહાસનાં પાનાંઓ પર તેઓ કાયમ માટે અમર થઈ ગયા, આવાંજ એક દિવાના હતાં ચંદ્રશેખર આઝાદ. ઘણીવાર આઝાદીનાં આ દિવાનાઓની વાર્તાઓ સાંભળીએ ત્યારે આપણું મન એમ કહેવા લલચાતું હોય છે કે એમણે પસંદ કરેલાં મૃત્યુના પ્રકાર કરતાં જો એ સમયે તેમણે કોઈ અન્ય નિર્ણય કર્યો હોત તો વધુ લાંબા સમય સુધી માભોમની સેવા કરી શક્યા હોત. પરંતુ જો આપણે આવાં આઝાદીનાં આ લડવૈયાઓની તે સમયની માનસિકતાને ધ્યાનમાં રાખીને વિચારીએ તો આપણને એવો ખ્યાલ જરૂરથી આવી જાયછે કે તેમને માટે દેશ માટે ફના થઈ જવુંજ એક માત્ર લક્ષ્ય હતું. આથી મોત વહેલું આવે કે મોડું તેમણે તો તેને હસતાં મોઢે સ્વીકારવાનું જ હતું. ચંદ્રશેખર આઝાદ પણ આવાંજ એક આઝાદીનાં દિવાના હતા જે માત્ર ચોવિસ વર્ષની ઉંમરે શહીદ થઈ ગયાં. જેમના હાથ નીચે હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લિકન એસોશિએશન નામની સંસ્થા બની જેમણે ભગતસિંહ જેવાને પણ આકષ્ર્િાત કર્યા. રામપ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિરી અને અશ્ફાકુલ્લા ખાન જેવા અન્ય મહાન સ્વાતંત્ર્‌ય સેનાનીઓ જેમનાં મિત્રો હતાં તેવા ચંદ્રશેખર આઝાદની કહાણી આજે આપણે જાણીશું.

જન્મ, બાળપણ અને યુવાની

ચંદ્રશેખર આઝાદનો જન્મ ૭ જાન્યુઆરી ૧૯૦૬ ના દિવસે હાલમાં મધ્ય પ્રદેશમાં આવેલા અલીરાજપુર જીલ્લાનાં ભાવરા ગામમાં થયો હતો. જો કે તેમનાં બાપ-દાદાઓ હાલનાં ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના ઉન્નાઉં જીલ્લાનાં બદરકા ગામ સાથે સંબંધ ધરાવતાં હતા. ચંદ્રશેખર આઝાદના પિતાનું નામ સિતારામ તિવારી હતું અને ચંદ્રશેખર આઝાદની માતા જગરાની દેવી તેમના ત્રીજા પત્ની હતાં. તેમના પહેલાં બે પત્નીઓ ખુબ નાની ઉંમરમાં અવસાન પામ્યાં હતા. સિતારામ અને જગરાની દેવીના પ્રથમ સંતાન સુખદેવના જન્મ પછી આખું તિવારી પરિવાર બદરકા છોડીને અલીરાજપુર આવી ગયાં હતાં. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા માં-બાપ આપણી કારકિર્દીને કોઈ એક રસ્તે મોકલવા માંગતા હોય અને આપણે એ રસ્તા ઉપર ચાલી નીકળીએ પણ ખરાં, પરંતુ સંજોગો અચાનક જ એવા આવી પડે કે આપણે આપણા માં-બાપે સુચવેલા રસ્તાથી કોઈ અલગજ રસ્તે ચાલવા લાગીએ અને લોકોમાં પણ આપણું નામ થઈ જાય. ચંદ્રશેખર આઝાદ સાથે પણ કશુંક આવુંજ થયું હતું.

ચંદ્રશેખર આઝાદનું ક્રાંતિકારી જીવન

માતાને પોતાનાં આ પુત્રને સંસ્કૃત ભાષાનો પ્રકાંડ પંડિત બનાવવો હતો. આથી ચંદ્રશેખરના પિતાએ તેમને કાશી વિદ્યાપીઠ ભણવા મોકલ્યાં. આ સમયે ચંદ્રશેખર આઝાદની ઉંમર માત્ર પંદર વર્ષની હતી. ચંદ્રશેખર તિવારીનું નામ ચંદ્રશેખર આઝાદ કેવીરીતે પડયું તેની પાછળની વાર્તા પણ ખુબ રસપ્રદ છે. બન્યું એવું કે ચંદ્રશેખર જયારે કાશી આવ્યાં ત્યારેજ ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. ચંદ્રશેખર તિવારી તેનાથી ખુબ આકર્ષાયા. તેમણે આ અસહકારની ચળવળમાં ભાગ પણ લીધો અને તેને લીધે તેઓ પોલીસ દ્વારા પકડાઈ ગયા. કોર્ટમાં જ્યારે તેમને જજ સમક્ષ પેશ કરવામાં આવ્યા અને તેમનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પોતાના પિતાનું નામ સ્વતંત્રતા અને પોતાનાં ઘરનું સરનામું જેલ આપ્યું. આ બાબત ચારેબાજુ ફેલાઈ ગઈ અને ત્યારથીજ ચંદ્રશેખર તિવારી, ચંદ્રશેખર ‘આઝાદ’ તરીકે ઓળખાવા લાગ્યા. આમ પોતાનું નામ બદલવા પાછળ ચંદ્રશેખર આઝાદનો એકજ મતલબ હતો કે તેઓ બાળપણથી જ આઝાદ છે, આથી કોઈપણ અન્ય દેશની તાકાત તેમને કદીયે ગુલામ બનાવી શકે તેમ નથી.

૧૯૨૨ની ચૌરીચૌરા હિંસક ઘટનાથી આહત થયેલા ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. પરંતુ આઝાદ માટે પોતાની ચળવળ ચાલુજ હતી. તેમણે જ્યાંસુધી ભારતને સંપૂર્ણ આઝાદી ન મળે ત્યાંસુધી પોતાની લડત ચાલુ રાખવાનું નક્કી કરી લીધું હતું. ચંદ્રશેખર આઝાદ એવું પણ માનતા કે ભારતનું મજબુત ભવિષ્ય સમાજવાદમાં છે. આ સમયે તેઓ એક યુવાન ચળવળકારને મળ્યાં જેનું નામ હતું પ્રણવેશ ચેટરજી. પ્રણવેશ ચેટરજીએ ચન્દ્રશેખર આઝાદની ઓળખાણ રામપ્રસાદ બિસ્મિલ સાથે કરાવી, જેમણે હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશન ની સ્થાપના કરી હતી અને તેનું કામ આઝાદીની લડત સતત ચાલુ રાખવાનું હતું. ભારતને સંપૂર્ણ આઝાદી અપાવવી. આઝાદી મળ્યાં બાદ દેશનાં તમામ નાગરિકોને તેમની જાતી, ધર્મ કે અન્ય કોઈપણ બાબતે ભેદભાવ રાખ્યા વિના સમાન અધિકારો અને તકો આપવી તેવા હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશનના લક્ષ્યથી ચંદ્રશેખર આઝાદ ખુબ પ્રભાવિત થયા. આ જ કારણસર આઝાદે આ પક્ષમાં જોડાવવાનું નક્કી કર્યું. આઝાદ સાથેની ઓળખાણ સમયેજ બિસ્મિલ તેમનાં વિચારોથી પ્રભાવિત થયા હતાં. પક્ષ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા કેટલી હદ સુધીની રહેશે એવા એક સવાલનાં જવાબમાં આઝાદે એક ફાનસની જ્યોત ઉપર પોતાની હથેળી ત્યાંસુધી મૂકી રાખી હતી જ્યાંસુધી તેની ચામડી બળી ન ગઈ. બસ, હવે તેઓ હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશનના સક્રિય સભ્ય બની ગયા.

પક્ષ બનાવવો એક અલગ બાબત છે અને પક્ષ ચલાવવો એ એક બીજી બાબત છે. પક્ષ ચલાવવા માટે ખુબબધા નાણાની જરૂર હતી. આથી હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશને પણ ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમને મળતું મોટાભાગનું ફંડ સરકારી તિજોરીમાંથી કરેલી લૂંટ પછી મળેલાં નાણામાંથી જ મળતું હતું. ચંદ્રશેખર આઝાદને સમાજવાદી વિચારધારા પર આધારિત એક ભારતીય રાષ્ટ્ર બનાવવું હતું. આઝાદ અને તેમના પક્ષનાં સભ્યોએ બ્રિટીશ સરકાર અને તેના અમલદારો વિરૂદ્ધ ઘણાબધા હિંસક કર્યો પણ કર્યા. ચંદ્રશેખર આઝાદની ચળવળના મોટાભાગનું આયોજન રામ પ્રસાદ બિસ્મિલના ઘર શાહજહાનપુરમાંથી જ થતું હતું. ચંદ્રશેખર આઝાદે ૧૯૨૫માં કાકોરી ટ્રેનની લૂંટ, ૧૯૨૬માં વાઈસરોયની ટ્રેન ઉડાવવાનો પ્રયાસ અને ૧૯૨૮માં લાલ લાજપતરાયના અપમૃત્યુનો બદલો લેવા લાહોરમાં સોન્ડર્સની હત્યા કરવાના કાર્યોમાં ભાગ લીધો હતો. ચંદ્રશેખર આઝાદે કોંગ્રેસ લાંબા સમય પહેલાં જ છોડી દીધી હોવા છતાં, તેમજ તેઓ કોંગ્રેસના અહિંસાના સિદ્ધાંતની વિરૂદ્ધ કાર્ય કરતાં હોવા છતાં, કોંગ્રેસના મોટા નેતા મોતિલાલ નહેરૂ તેમને કાયમ નાણાંકીય મદદ કરતાં રહેતાં હતાં.

ઝાંસીને બનાવ્યો પોતાનો ગઢ

ચંદ્રશેખર આઝાદે ઝાંસી શહેરને પોતાની ચળવળને ચાલુ રાખવા માટે થોડો સમય માટે પોતાનો ગઢ બનાવ્યું હતું. ઝાંસી પાસે આવેલું ઓરછાનું જંગલ આઝાદને પોતાની કામગીરી માટે એકદમ યોગ્ય સ્થળ લાગ્યું. આ જંગલ ઝાંસીથી લગભગ પંદર કિલોમીટરના અંતરે આવેલું હતું. અહીં તેઓ તેમની સાથે જોડાયેલાં નવા તેમજ જુના સાથીઓને બંદુક કેમ ચલાવવી તેની ટ્રેઈનીંગ આપતાં હતા. પરંતુ આ આખાયે સમય દરમ્યાન તેઓ સતાર નદીની પાસે આવેલા હનુમાન મંદિર પાસે રહેતા હતાં. અંગ્રેજ સરકારને શક ન જાય એથી તેમણે પોતાનું નામ અને વેશ બદલીને પંડિત હરિશંકર બ્રહ્‌મચારી રાખ્યું હતું. આ સમયે તેઓ જંગલની નજીક આવેલા ધીમરપુરા ગામનાં બાળકોને ભણાવવાનું છદ્‌મ કાર્ય પણ કરતાં રહ્યા હતા. ભારતને આઝાદી મળ્યાં પછી મધ્ય પ્રદેશ સરકારે ધીમરપુરા ગામનું નામ બદલીને આઝાદપુરા રાખી દીધું હતું.

ઝાંસીનાં જ સદર બઝારમાં આવેલા બુંદેલખંડ મોટર ગેરેજમાં ચંદ્રશેખર આઝાદે કાર ચલાવતાં પણ શીખી લીધું હતું. ટૂંકમાં આઝાદ એવી તમામ કળાઓ હસ્તગત કરી લેવા માંગતા હતા જે અંગ્રેજોથી બચવા અને તેમનો સામનો કરવા માટે તેમને ભવિષ્યમાં કામ આવી શકે. આ સમયે તેઓ કોંગ્રેસના નેતાઓ જેવાકે સિતારામ ભાસ્કર ભાગવત અને રઘુનાથ વિનાયક ધુલેકરનાં સંપર્કમાં પણ આવ્યા હતાં. ઝાંસીમાં અમુક સમયે છુપાઈ રહેવા માટે આઝાદ રૂદ્ર નારાયણ સિંઘનાં ઘરમાં પણ રહ્યા હતા. આ ઘર આઝાદના ઘર જે નાગરા વિસ્તારમાં હતું તેનાથી અમુકજ અંતરે આવેલી નઈ બસ્તીમાં આવ્યું હતું.

ભગતસિંહ સાથે સંપર્ક અને લાજપતરાયનાં મૃત્યુનો બદલો

૧૯૨૪માં રામ પ્રસાદ બિસ્મીલે હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશનની સ્થાપના કરી હતી. જેમાં ચેટરજી, સચિન્દ્ર નાથ સાન્યાલ અને સચિન્દ્ર નાથ બક્ષી જેવા નેતાઓ શામેલ થયાં હતા. પરંતુ કાકોરી ટ્રેનની લૂંટ પછી બ્રિટીશ સરકાર હરકતમાં આવી ગઈ હતી અને એકપછી એક આઝાદીને લગતી ચળવળોને કડક હાથે દબાવવામાં લાગી ગઈ હતી. આ લૂંટને અંજામ આપી દીધા પછી રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લા ખાન, ઠાકુર રોશન સિંઘ, રાજેન્દ્ર નાથ લાહિરીને ફાંસીની સજા આપી દેવામાં આવી. જ્યારે ચંદ્રશેખર આઝાદ, કેશબ ચક્રવર્તી અને મુરારી શર્મા જેવા ચળવળકારો ત્યાંથી ભાગી જવામાં સફળ થયાં. બિસ્મિલ અને અન્ય નેતાઓની ગેરહાજરીમાં પણ હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશનનો ઝંડો કેવીરીતે ઉંચો રહેવો જોઈએ તે વિચાર આઝાદને સતત ચિંતા અપાવતો હતો આથી તેમણે નવા સાથીઓ શોધ્યાં જેમાં શીઓ વર્મા અને મહાવીર સિંઘ જેવા ચળવળકરો તેમને મળ્યાં. આ ઉપરાંત ભગવતી ચરણ વર્મા અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ જેવા દેશમાટે ફના થઈ જવા માટે કોઈપણ હદે જી શકનારા વિરલાઓ પણ મળ્યાં. આ તમામે આઝાદી પછી ભારતને સમાજવાદી વિચારધારા પર ચલાવવા માટે સંસ્થાનું નામ બદલીને ધ હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લિકન એસોશિએશન નામ રાખ્યું. આ સમય દરમ્યાન ૧૯૨૮માં ભારતની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા સાયમન કમીશનની રચના કરવામાં આવી. આ કમીશનમાં એકપણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતમાં તેનો ચારેકોર વિરોધ શરૂ થયો. આવાંજ એક વિરોધ પ્રદર્શનનું લાહોરમાં ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે લાલા લાજપતરાયે નેતૃત્વ કર્યું. પોલીસને આ પ્રદર્શન બેકાબુ બનવાની બીક લાગતાં તે સમયનાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ જેમ્સ એ સ્કોટે લાઠીચાર્જનો આદેશ આપ્યો. પોલીસવાળાઓ નિર્મમતાથી દેખાવકારો પર તૂટી પડયા. આ લાઠીચાર્જને લીધે લાલા લાજપતરાયને પણ ગંભીર ઈજાઓ થઈ અને ૧૭ નવેમ્બર ૧૯૨૮ના દિવસે હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું. બસ, હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લિક એસોશિએશનના નેતાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેમણે લાલા લાજપતરાયના અપમૃત્યુનો બદલો લેવાનું નક્કી કર્યું.

હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લિક એસોસીએશને આ લાઠીચાર્જનો હુકમ કરનાર પોલિસ સુપ્રિટેન્ડેન્ટ જેમ્સ એ સ્કોટની હત્યા કરવાનું કાવતરૂં ઘડયું. પરંતુ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરૂ અને સુખદેવ થાપરે જેમ્સ સ્કોટની હત્યા કરવાનાં સમયે તેની ઓળખાણમાં થાપ ખાધી અને તેની બદલે આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ જ્હોન પી સોન્ડર્સની હત્યા કરી નાખી. હત્યાના સ્થળેથી આ તમામ ભાગવામાં તો સફળ થયાં, પરંતુ આ તમામ પાછળ અંગ્રેજ સરકાર હાથ ધોઈને પાછળ પડી ગઈ.

ચંદ્રશેખર આઝાદની શહીદી

આમતો આ તમામ ભારતનાં ખૂણેખૂણે ભાગી જીને છુપાઈ ગયાં હતાં. આ સમય એવું જાણવામાં આવે છે કે ચંદ્રશેખર આઝાદ કોમ્યુનિસ્ટ રશિયા સાથે હાથ મેળવીને ભારતની આઝાદી માટે વધુ કાર્ય પણ કરવા માંગતા હતા. અંગ્રેજોથી છુપાઈને પોતાનું કાર્ય કરતાં રહેવાના આઝાદે તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમછતાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ લાહોર એસેમ્બલીમાં બોંબ નાખવાનાં આરોપસર પકડાઈ ગયા. જયારે ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદમાં રહેતાં એક અન્ય ક્રાંતિકારી સુખદેવ રાજને મળવા જતાં હતા ત્યારે તેમણે પોલીસનો સીધો સામનો કરવાનો આવ્યો. જો કે આ બાબતે પણ બે-ત્રણ જુદાજુદા નામો અને ઘટનાઓ પણ બહાર આવે છે. અમુક ઈતિહાસકારોના કહેવા અનુસાર, ચંદ્રશેખર આઝાદ વીરભદ્ર અને પૃથ્વીરાજ આઝાદ નામનાં અન્ય બે ક્રાંતિકારીઓની સાથે હતાં. આ તમામ રશિયાની મદદ કેવીરીતે લેવી તે બાબતે ચર્ચા કરી રહ્યા હતા અને પોલીસ અચાનક ત્યાં આવી પહોંચી હતી. એક માન્યતા અનુસાર પોલીસના તમામ અધિકારીઓ હથિયારબંધ હતા અને ભાગતી વખતે આઝાદે તેમના પર ગોળીઓ ચલાવી. આઝાદનું આમ કરવું એ સુખદેવ રાજને ભાગી જવામાં મદદરૂપ જરૂર સાબિત થયું, પરંતુ આઝાદ ફસાઈ ગયા.

જયારે બીજી માન્યતા અનુસાર, ચર્ચા સમાપ્ત થયા બાદ વીરભદ્ર ત્યાંથી પોતાને કોઈ અન્ય કામ હોવાનું કહીને જતાં રહ્યા હતા અને થોડાં સમય બાદ જ પોલીસ ત્યાં આવી ગઈ હતી. આ માટે વીરભદ્રના કાર્યને અત્યંત શંકાસ્પદરીતે જોવામાં આવ્યું હતું. ચંદ્રશેખર આઝાદ અને પૃથ્વીરાજ ભાગીને આલ્ફ્રેડ પાર્કમાં જતાં રહ્યા જેને પોલીસે ઘેરી લીધો. પોલીસે અંધાધુંધ ફાયર કર્યું. આઝાદને પગમાં પણ ગોળી વાગી આથી તેમણે પૃથ્વીરાજને ત્યાંથી ભાગી જવાનું કીધું. આઝાદને ગોળી વાગી છે તેની જાણ પોલીસ સુપ્રિટેન્ડેન્ટને થઈ ચુકી હતી. આથી તેણે આઝાદને પોતાનો જીવ બચાવવાનાં બદલામાં બંને હાથ ઊંંચા કરીને શરણાગતી સ્વીકારી લેવાનું કહ્યું. આઝાદે હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના વખતેજ પ્રતિજ્જ્ઞા લીધી હતી કે તેઓ જિંદગીભર પોલીસનાં હાથે જીવતાં નહીં પકડાય. આથી પોલિસનો સામનો કરતાં કરતાં ૨૭ ફેબ્રૂઆરી ૧૯૩૧ના દિવસે અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં છેલ્લી ગોળી પોતાના માથામાં ધરબી દઈને આઝાદે મૃત્યુ પામવું પસંદ કર્યું. તેમની આ કોલ્ટ પિસ્તોલ આજે પણ અલ્હાબાદના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. અંગ્રેજ સરકારે જેમ ભગતસિંગ, સુખદેવ અને રાજગુરૂના પાર્થ્િાવ દેહો સાથે કર્યું હતું તેમ ચંદ્રશેખર આઝાદનાં પાર્થ્િાવ દેહનાં પણ અલ્હાબાદના રસુલાબાદ ઘાટ પર ગુપચુપ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા અને તેમનાં અસ્થિ ખુબ ઉતાવળે ગંગામાં વિસર્જિત કરી દેવામાં આવ્યાં. પરંતુ જેમજેમ લોકોમાં ચંદ્રશેખર આઝાદની શહિદીની વાત ફેલાવા માંડી તેમતેમ તેઓ આલ્ફ્રેડ પાર્કમાં ભેગા થવા લાગ્યા અને બ્રિટીશ સરકારની વિરૂદ્ધમાં તેમજ ચંદ્રશેખર આઝાદના વખાણમાં સુત્રોચારો કરવા લાગ્યા હતાં.

ચંદ્રશેખર આઝાદનો વારસો

ચન્દ્રશેખર આઝાદના મૃત્યુ બાદ ભારતનાં લોકોએ જાતેજ તેમને ‘શહીદ’ નું ઉપનામ આપી દીધું હતું. જે આલ્ફ્રેડ પાર્કમાં આઝાદે પોતાનાં માથામાં ગોળી મારી હતી, તે આલ્ફ્રેડ પાર્કને આઝાદી મળ્યાં પછી ‘ચંદ્રશેખર આઝાદ પાર્ક’ નામ આપવામાં આવ્યું છે. ભારતમાં એવી અસંખ્ય સ્કુલ, કોલેજ તેમજ રસ્તાઓ છે જેમને ચંદ્રશેખર આઝાદનું નામ મળ્યું છે. ફિલ્મ શહીદ જે ૧૯૬૫માં અદાકાર અને નિર્દેશક મનોજકુમારે બનાવી હતી તેનાથી માંડીને બોલીવૂડમાં એવી અસંખ્ય ફિલ્મો બની ચુકી છે જેમાં ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવવામાં આવ્યું હોય. સની દેઓલ, અજય દેવગણ તેમજ અખિલેન્દ્ર મિશ્રા જેવા અદાકારોએ રૂપેરી પરદા પર આઝાદનું પાત્ર ભજવ્યું છે. ૨૦૦૬માં આવેલી રંગ દે બસંતી ફિલ્મમાં એ સમયનાં આઝાદીનાં ચળવળકારોને આજનાં જમાનાના યુવાનોમાં તાદ્રશ કરવામાં આવ્યાં હતા અને આમિર ખાને ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવ્યું હતું. એક માહિતી અનુસાર આ વર્ષે ચંદ્રશેખર આઝાદને સાંકળી લેતી એક ટેલીવિઝન સિરિયલ પણ આવવાની છે.

ચંદ્રશેખર આઝાદે માત્ર ભગતસિંહ અને તેનાં સાથીઓને જ આઝાદીની ચળવળ દરમ્યાન રસ્તો દેખાડયો હતો એવું નથી. તેમના ‘આઝાદ’ વિચારો આજેપણ ઘણાબધા યુવાનોને પ્રેરણા આપવા માટે સમર્થ છે. ચંદ્રશેખર આઝાદનું નામ ભારતનાં મહાન ચળવળકારોની સાથે ખુબ અભિમાનથી લેવામાં આવે છે. તે સમયે અહિંસક ચળવળનું મહત્વ હિંસક ચળવળ કરતાં વધારે હતું. પરંતુ ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવ, બિસ્મિલ અને આઝાદ જેવા યુવાનોતો દીવાના હતાં. તેમને તો કોઈપણ ભોગે ભારતમાતાની આઝાદી જોઈતી હતી. આ માટે તેઓ કદાચ વધુ સમય રોકાવા તૈયાર ન હતાં અને આથીજ તેમણે હિંસાત્મક આંદોલનનો સહારો લીધો હતો. છેવટે તેઓ પોતાનાં લક્ષ્ય સુધી પહોંચવામાં અસમર્થ રહ્યા, પરંતુ ઈતિહાસનાં પાનાંઓ પર પોતાનાં નામ તેમણે અમર જરૂર કરી દીધા. આઝાદી મેળવવાની સહુથી મોટી ચળવળના હેતુ સાથે ચંદ્રશેખર આઝાદ કે તેમના સાથીઓ ભલે સહમત નહોતા, પરંતુ આઝાદી માટે માત્ર તેમણે પોતાની જાનની બાજી લગાવીજ નહીં પરંતુ ખરેખર પોતાનો જીવ પણ આપી દીધો હતો. આથી ભારતની આઝાદીના જે મીઠાં ફળ આજે આપણે ખાઈ રહ્યાં છીએ તેમાં આ તમામનો ફાળો પણ નાનોસુનો નથી.

પોતાની શરતે જીવનાર અને મરનાર પરંતુ તેમછતાં માભોમની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ જનાર એવા ચંદ્રશેખર આઝાદને શત શત નમન.