અંતર આગ
6 - દક્ષ પબ્લિકેશન હાઉસ
ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ રાઠોર રાજવીર દક્ષના પબ્લિકેશન હાઉસમાં લાકડાની ચેરમા જમણો હાથ ચેરના હાથા પર ટેકવી, હાથની મુઠ્ઠી વાળીને તેના પર લમણો રાખી ખૂન વિશે વિચારી રહ્યો હતો. બે ત્રણ હવલદાર થોડે દુર એની ખુરશીના પાછળના ભાગમાં ઉભા હતા. તેઓ કૈક ચર્ચા કરી રહ્યા હતા.
"સાહેબ હું વચારતા હશે માધુ ભૈ (ભાઈ)?" એક હવલદારે બીજાને પૂછ્યું.
"ભગવાન જાણે મગન ભાઈ. કદાચ હત્યાઓ કેમ થઈ એનો તાગ મેળવતા હશે." માધુએ જવાબ આપ્યો.
"પણ સાહેબને ચ્યો કોય આવડે શે! આજ હુધી તો કોઈ ગનેગાર ને પકડ્યો હોય એવું મને ઇયાદ નથી ભૈ." મગન ઇન્સ્પેક્ટરની ખીલ્લી ઉડાવતા બોલ્યો.
બન્ને હસી પડ્યા અને ઇન્સ્પેક્ટર સુધી એ અવાજ જાય તે પહેલાં જ બંને એ પોતાની જાતને રોકી લીધી. ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ માત્ર સારા માણસ માટે જ સારો હતો એ વાત બંને હવાલદારથી છાની ન હતી.
"હા એટલે જ તો મી. આદિત્યને ખાનગી મદદ માટે બોલાવ્યા છે સાહેબે." માધુએ કહ્યું.
"આદિત્ય વડી કોણ શે?" મગને નવાઈથી પૂછ્યું.
"અરે બે મહિના પહેલા આપણાં જુના સાહેબની બદલી થઈને આ સાહેબ આવ્યા ત્યારે બાજુના એરીયામાં પણ નવા સાહેબ આવ્યા હતા ને એમનું નામ આદિત્ય છે." માધુએ ધીમા અવાજે કહ્યું.
"હા પણ ઇ ખાનગી મદદ ચ્યમ કરશે?"
"સાંભળ્યું છે કે આપણા સાહેબ અને મી. આદિત્ય સાથે ભણેલા છે." કહી માધુએ ધીમે થી ઉમેર્યુ, "બંને ભાઈબંધ છે."
"તો તો ખૂની આવતા જનમારે મળશે હવે." મગન ઉછળ્યો.
"કેમ?"
"શુ ચ્યમ? અરે આપડા સાહેબ હારે જે માણહ ભાઈબંધી કરે ઇનું ભેજું વડી ચેટલું હાલે.....?"
"ના...ના... મગનભાઈ, એ તમારી ભૂલ છે. મી. આદિત્ય ખૂબ જ પ્રામાણિક, બહાદુર અને સાતીર ઇન્સ્પેક્ટર છે. જાસૂસીમાં પાવરધા છે એ."
"તમને ચ્યમ ખબર ઇ?" મગને ફરી મો બગાડીને પૂછ્યું.
"મને આપણા સાહેબે એક વાર કહ્યું હતું. મી. આદિત્યના ભૂતકાળ વિશે. અરે શુ વાત કરું તમને મગનભાઈ મી. આદિત્ય જેવો કોઈ ઇન્સ્પેક્ટર મેં નથી સાંભળ્યો કદી!"
"ચમ ઇવું તો હુ છ ઇનમાં?"
"મી. આદિત્ય અનાથ છે." માધુ ઉભા પગે થાકી ગયો એટલે બેસી ગયો. બેસીને રાહત અનુભવીને બોલ્યો, "એ પોતે અનાથ છે. નાના હતા ને ત્યારે એ છાપા વેચીને પેટ ભરતાં પછી કોઈ ભલા માણસે એમને શાળામાં ભણવા બેસાડ્યા પોતાના ખર્ચે."
"અજુયે ઘોર કળજુગ તો નથી આયો હો ભૈ." મગન વચ્ચે બોલી ગયો.
"હા ઘણા દાતારી હજુ છે મગનભાઈ. મી. આદિત્ય છાપા વેચીને પછી ભણવા જતા પાછા આવીને વધેલા છાપાનો એક એક શબ્દ વાંચી લેતા. વાંચવાથી જ્ઞાન મળ્યું પછી તો શાળામાં રમત ગમતમાં ભાગ લેવાનું ચાલુ કર્યું અને ટ્રોફીઓ મળવા લાગી! કોલેજના દિવસોમા તો તેઓ રોજ 5 કિલોમીટર ની દોડ લગાવતા. પછી તો એમને રાષ્ટ્રીય સ્તરે પણ દોડમાં અને બોક્સિંગમા કેટલાય સર્ટિફિકેટસ મળ્યા હતા. ને પછી એ પી.એસ.આઇ. પણ બની ગયા."
"ઇમ. એવા મે’નતું પોલીસવાળાય હોય ઈતો મને ચયા ખબર જ હતી લો કયો!" મગનના મૂખેથી ઉદગાર સરી પડ્યો. "મારા મનને તો ઇમ કે પોલીસવાળા હંધાય મોટા પેટવાળા હોઈ. ધોડવાની તો વાતજ ચ્યો આવે.....!"
"કેમ ન હોય. તમને કહું મી. આદિત્યને તો પી.એસ.આઇ. બન્યા પછી અસામાજિક તત્ત્વો દૂર કરવા માટે કેટલાય એવોર્ડ મળ્યા છે. કહેવાય છે કે મી. આદિત્યની જ્યાં બદલી થાય છે ત્યાંના ગુંડા મવાલીઓ શહેર જ છોડી દે છે."
"શુ વાત કરો તમી.!"
"હા એટલું જ નહીં એમને તો કેટલાય બંધ થઈ ગયેલા કેસ રી-ઓપન કરીનેય કેટલાયને ન્યાય અપાયો છે."
"ના હોઇ માધુ ભૈ......!!!"
ગાડીની બ્રેક અને તેના પછી આવતા હોર્નના સતત અવાજથી ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ વિચારોમાંથી બહાર આવ્યો. તેણે હવાલદાર તરફ ફરીને જોયું. ગભરાતા બંને હવાલદારને ઝડપથી ઉભા થતા વાર ન લાગી ન એમને ભારી શરીર ક્યાંય નડયું. રુદ્રસિંહે ઇશારાથી બહાર જઈ કોણ છે એ જોઈ આવવા કહ્યું. માધુ તરત જ બિલ્ડીંગ બહાર દોડી ગયો અને તરત પાછો ફર્યો. તે આવીને રુદ્રસિંહને કાઈ કહે એ પહેલાં જ રુદ્રસિંહની નજર દરવાજામાં પ્રવેશતા આદિત્ય અને મનુ ઉપર ગઈ. મગનની નજરે પણ એજ જોયું જે રુદ્રસિંહ જોયું હતું. "હાચો હાચ આ ઇન્સ્પેક્ટર સાહેબ તો વાઘ જેવા લાગે છે!!!" મગન મનોમન બોલ્યો પણ શબ્દો તેના હોઠના પોલાણમાંથી જાણે સરી આવ્યા હોય અને બધાએ સાંભળ્યું હોય એમ માધુએ મગન સામે જોયું!
"આ છોકરો? મર્ડરની જગ્યા પર તું તારા છોકરાને લઈને આવ્યો યાર? અને .... અને તે લગન ક્યારે કર્યા આદિત્ય? તે મને કહ્યું પણ નઇ?" રુદ્રસિંહ મનુને જોઈને બોલી ઉઠ્યો પછી ભાન થયું હવાલદાર સાંભળતા મારે આદિત્યને આ બધું ન કહેવું જોઈએ એટલે અટકી ગયો.
"મેં લગન નથી કર્યા યાર. અને આ 27 વર્ષના આદિત્યને 15 વર્ષનો છોકરો કઈ રીતે હોય? તારે મને ગમે તે રીતે બસ પરણાવી જ દેવો છે? તું ફસાયો એટલુ ઓછુ છે.....!" મી. આદિત્ય હસીને બોલ્યા.
"તો આ કોણ છે?"
"રુદ્ર આ મનુ છે અને હા એને મારો મિત્ર જ સમજ."
"ઓકે લેટ્સ કમ ટુ ધ પોઇન્ટ. આ સામે જે ચેમ્બર છે એ મી. રાજવીર દક્ષનું ચેમ્બર હતું. એની બાજુમાં જે મોટો રૂમ છે એમા પ્રિન્ટિંગની વધેલી પસ્તી વગેરે ભરમાં આવતા. અને પેલો વીશાળ હોલ જેને અત્યારે લોક છે એમા પ્રિન્ટિંગ મશીનરી છે અને....."
"હમમ. વેલ આઈ વિલ ચેક ઇટ." મી. આદિત્યએ એક સ્મિત સાથે રુદ્રસિંહને વચ્ચે જ અટકાવી દીધો.તેઓ સૌ પહેલા રાજવીર દક્ષની ચેમ્બરમા ગયા. ચેમ્બરમા મખમલી ચાદર પાથરેલી હતી. રાજવીર દક્ષના મોટા મેજ ઉપર બે ચાર દુબઈની બનાવટના કાચના પ્યાલા પડ્યા હતા. પ્યાલાની પાસે એક વિદેશી દારૂના લેબલવાળી વાઈન બોટલ અરધી ખાલી પડી હતી. મેજ અને દીવાલ વચ્ચે ખાસ્સું અંતર હતું ત્યાં એક રિવોલવિંગ ચેર હતી. એવીજ એક ચેર ડાવી તરફની દીવાલ પાસે મેજ થી 4 ફુટ દૂર ઉલટી પડી હતી. કદાચ બંને ચેર મેજના બંને છેડે ગોઠવેલી હશે પણ કોઈએ લાત મારીને એ ચેરને ખસેડી હશે એવું સપસ્ટ લાગતું હતું.
મેજ ની જમણી તરફ જ્યાં મખમલી ચાદર પાથરેલી નહોતી ત્યાં એક ગ્લાસ અને એવાજ લેબલવાળી બોટલ ફર્સ પર પડી હતી. ગ્લાસ બે ત્રણ ટુકડામાં તૂટેલો હતો પણ બોટલ એની મજબૂત બનાવટ અને ઉપર લાગેલા લેબલને લીધે ફૂટી નહોતી. બંને બોટલના લેબલ એક જ હતા એના પરથી મી. આદિત્ય સમજી ગયા કે રાજવીર દક્ષ એ જ બ્રાન્ડની શરાબનો દિવાનો હશે.
મી. આદિત્યએ ચેમ્બરમાં ચારેબાજુ નજર કરી થોડા કાગળ ચેમ્બરમાં વિખેરાયેલા હતા. પછી મેજની પાછળના ભાગમા એક બારી તરફ નજર કરી અને ત્યાં થોડી વાર દેખી રહ્યા. બારીના કાચમાં કોઈ ગોળ વસ્તુ જોર પૂર્વક મારવામાં આવી હોય એ રીતે કાચમાં એક કાણું પડેલ હતું.....
"આ બારીનો કાચ ....." રુદ્રસિંહે કહ્યું પછી ઉમેર્યું, "અંદરથી કોઈ વસ્તુ બહાર ફેંકવામાં આવી હશે કે બહારથી કોઈ વસ્તુ અંદર મારવામા આવી હશે?"
"અંદરથી ..... અંદરથી જ બહાર કોઈ વસ્તુ ફેંકવામાં આવી હશે રુદ્ર." મી. આદિત્ય મક્કમતાથી બોલ્યા.
"તને કઈ રીતે એટલી ખાતરી છે?" રુદ્રસિંહે પૂછ્યું.
"વેલ મારો કોન્ફિડન્સ ચેક કરવો હોય તો તારા હવાલદારને બહાર મુક બારીની બહાર એક પેપર વેઇટ પડ્યું હશે." મી. આદિત્ય જરાક હસ્યા.
"ગો એન્ડ ચેક....." રુદ્રસિંહે મગનને કહ્યું.
મગન બહાર ગયો. મી. આદિત્યએ ચેમ્બરમાં આમતેમ ફરી એક નજર કરી. રુદ્રસિંહ તો જાણે કેસ મી. આદિત્યનો જ હોય એમ બધું એમના પર છોડીને બેફિકર બની ગયો.
"હા સાહેબ તમે હાચા આ રયુ પેપર વેટ લ્યો....." મગન નવાઈમાં એની ગામઠી ભાષામાં બોલ્યો.
ઘડીભર રુદ્રસિંહ, મગન, માધુ અને મનુ બધા જ મી. આદિત્યને તાકી રહ્યા. બધાના મનમાં એકજ સવાલ હતો મી. આદિત્ય એ બારીની બહાર પેપર વેઇટ પડ્યું છે એવું કંઈ રીતે જાણતા હશે?
"આદિત્ય યાર તારો જવાબ......"
"હું લાજવાબ છું એમજ ને.....?" મી.આદિત્યએ રુદ્રસિંહને વચ્ચે જ અટકાવી દીધો. "એમાં કઈ જાદુ નથી રુદ્ર જો ટેબલ પર સ્ટેપલર, સ્ટેમ્પ પેડ, પિન, પંચ બધું જ એમને એમ પડ્યું છે. ચેમ્બર માં કાગળ વિખેરાયેલા છે એનો અર્થ એજ થાય કે ટેબલ ઉપર પેપર વેઇટ ખૂટે છે."
"ઓહ માય ગોડ તું પોલિશ નઇ જાસૂસમા હોવો જોઈએ યાર....." રુદ્રસિંહ ડઘાઈ ગયો હતો. "અને આ એક બોટલ નીચે પડી છે તો બીજી કેમ ટેબલ પર જ છે?" રુદ્રસિંહ પૂછ્યું..
"મર્ડર ક્યારે થયા?" મી. આદિત્યએ પૂછ્યું.
"શનિવારે....."
"રિપોર્ટ શુ આવ્યો?"
"બોડી મળી ત્યારે એ વિકૃત થઈ ગઈ હતી. રિપોર્ટ મુજબ બોડી મળી એના 35 થી 45 કલાક પહેલા મર્ડર થઈ ગયા હશે."
"35 થી 45 કલાક." કાંઈક વિચારી મી. આદિત્ય ફરી બોલ્યા, "શનિવારે રાત્રે બધા કામદાર અને એમ્પ્લોયી ગયા પછી બંને મર્ડર થયા હશે."
"રિપોર્ટ મા બીજું શું હતું?"
"જયદીપને ખોપડીના પાછળ ના ભાગમાં બુલેટ ઘુસેલી હતી અને રાજવીરનો એક હાથ અને કરોડરજ્જુ ભાંગેલા હતા. તેની ગરદનમાં કોઈ ધારદાર કદાચ સ્ક્રુ ડ્રાઇવર સખત રિતે મારવામાં આવી હશે એવું એના ગરદન ઉપરના ઊંડા ઘાને લીધે લાગતું હતું."
"વેલ. એવરીથિંગ ઈઝ ક્લિયર. આ બંને મર્ડર પ્લાનિંગથી થયા છે. ખૂની ચાલાક છે રુદ્ર એણે કોઈ કલ્યું છોડ્યો જ નથી."
"હા મેડિકલ રિપોર્ટમાં કોઈ ફિંગરપ્રિન્ટસ નથી મળી." રુદ્રસિંહે કહ્યું "પણ ખૂની કોણ હોઈ શકે?"
"રાજવીર દક્ષ કોઈ દૂધે ધોયેલો માણસ ન હતો રુદ્ર. એને ઘણા દુશ્મન હશે. એ બધામાંથી કોઈ પણ હોઈ શકે. પણ પહેલા મને એ જગ્યા બતાવ જ્યાંથી ઈકજેટલી બોડી મળી હતી. કદાચ કોઈ કલ્યું ખૂનીથી છુટી ગયો હોય."
"ઓકે ચાલ." કહી રુદ્રસિંહ બધાને વોસરૂમ તરફ લઈ ગયો.
"કિલર ને ખબર જ હશે કે શનિવારે રાત્રે રાજવીર અને જયદીપ અહીં મિટિંગ કરે છે. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે કાતિલ નો ઈરાદો પહેલેથી જ બંને ને મારવાનો હશે નઈ તો એ રાજવીરને તેના ઘરે પણ મારી શક્યો હોત."
"હમમ...." રુદ્રસિંહ સાંભળી રહ્યો.
"કદાચ કાતિલને એ લોકોએ જ મોકો આપ્યો હશે એવું મને લાગે છે રુદ્ર."
"મતલબ?"
"એટલે એમ કે ગાર્ડ જ્યારે આડા અવળો થયો હશે ત્યારે કાતિલ આવીને ક્યાંક છુપાઈ ગયો હશે. બંને ને એક સાથે મારવા તો શક્ય નથી એટલે એ બંને અલગ પડે એની રાહ જોતો ક્યાંક એમની ઉપર નજર રાખીને છુપાઈ ગયો હશે. જો મારો અંદાજ સાચો હોય તો કાતિલ રાજવીરના ચેમ્બરની પેલી ખુલ્લી બારી પાસે કયાંક હશે. કારણ બીજે ક્યાંયથી એની ચેમ્બરમાં બેઠેલા રાજવીર અને જયદીપ પર પળેપળ નજર રાખવી શક્ય નથી." મી. આદિત્ય અટક્યા અને ફરી કહ્યું. "મગન જરા જોઈ આવ એ ખુલ્લી બારીની બહાર ગાર્ડનનું ઘાસ દબાયેલું છે કે કેમ."
"જી સાહેબ." કહી મગન ગયો.
"મારા અંદાજે કાતિલને એમણે જ જાતે મોકો આપ્યો હશે?"
"કઇ રીતે?"
"રુદ્ર મર્ડર તો વોસરૂમમાં થયા છે તો પછી ચેમ્બરમાં બધી વસ્તુ વેર વિખેર કેમ છે? કારણકે ચેમ્બરમા એ બંને અંદરો અંદર જઘડી પડ્યા હશે."
"મેજની બાજુમાં તૂટેલો ગ્લાસ અને બોટલ પેલી ચેર એ બધું એમના વચ્ચેના ઝગડામા થયું હશે. રાજવીરની ચેર ઉપર જયદીપ બેઠો હશે અને એની સામે રાજવીર બેઠો હશે. બંને કોઈ વાતે ઝઘડયા. રાજવીરે ગુસ્સામા ટેબલ પરથી પેપર વેઇટ ઉઠાવીને જયદીપને માર્યું હશે જયદીપ ખસી ગયો એટલે પેપર વેઇટ સિધુ બારીના કાચને તોડીને બહાર નીકળી ગયું હશે."
મનું ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
"જયદીપ ચેર પરથી ઉભો થઇ રાજવીર પાસે આવીને એનું માથું ટેબલ ઉપર પછાડયું હશે. એટલે પેલી બોટલ અને ગ્લાસ જે છેડા ઉપર હતા એ નીચે પડ્યા પણ પેલી અર્ધી ભરેલી બોટલ એના વજન ને લીધે પડી નઇ."
"પણ આ બધું ખૂનીએ નથી કર્યું એની શુ ખાતરી?"
"રુદ્ર કાતિલ બંનેને સામે આવીને છુટ્ટા હાથની મારામારી કરે તો કદાચ એ હારી જાય કદાચ બે માંથી એક ભાગી જાય કદાચ અવાજ થાય બહારથી ગાર્ડ પણ આવી જાય. કાતિલ આવુ જોખમ ન જ લે."
"હમમ એ પણ છે."
"જયદીપ રાજવીરને ત્યાં જ છોડીને વોસરૂમ તરફ ગયો હશે પછી રાજવીર થોડીવાર ત્યાંજ સ્વસ્થ થવા બેઠો હશે પછી ગુસ્સામા એને ડ્રોઅરમાથી પોતાની ગન ઉઠાવી જયદીપ તરફ ધસ્યો હશે. જયદીપ વોસરૂમમા ફ્રેશ થવામા વ્યસ્ત હતો ત્યારે રાજવીરે આવેશમા તેને પાછળથી શૂટ કરી દીધો હશે."
"તો ખૂનીએ એક રાજવીરને જ માર્યો એમ?"
"ઈગજેટલી. રાજવીર પોતાના ભત્રીજાને જ મારીને લાસ અને ગનને તાકતો રહ્યો હશે. એણે ગન ફેંકી દીધી હશે ત્યારેજ કાતિલે એને પાછળથી આવીને હાથ મરડીને કંમર ઉપર ઘૂંટણથી પ્રહાર કરી એની કરોડરજ્જુ તોડી દીધી એટલે એ ત્યાંજ ઢગલો થઈ ગયો હશે. પછી કોઈ સ્ક્રુ ડ્રાઇવરથી એની ગરદનમાં એવી રીતે વાર કર્યો જેથી ખૂન નીકળીને એ ધીરે ધીરે તડપી તડપીને મરે."
મગન આવ્યો "હા હો સાહેબ, ઘાસ ઉપર કોઈ ફર્યું હોય ઇમ દબાયેલું શે....."
"રાજવીરની ગન ઉપર એના જ ફિંગર પ્રિન્ટસ છે રિપોર્ટમાં બીજે ક્યાંય પણ એના ફિંગરપ્રિન્ટસ નથી અને અહીં સી.સી. ટીવી પણ નથી તો ખૂની કઈ રીતે મળશે?" રુદ્રસિંહેએ બેચેન થઈને કહ્યું.
"ખૂનીને પકડવો શક્ય નથી પણ એ ખુદ ચાહે છે કે એ પકડાઈ જાય....." મી. આદિત્યએ કહ્યું.એમના એ વાક્ય પર બધા સ્તબ્ધ થઈ ગયા.....
"કઈ રીતે?" રુદ્રસિંહે પૂછ્યું.
મી. આદિત્યએ વોસરૂમમા લોહીથી ખરડાયેલું એક પુસ્તક ઉઠાવીને રુદ્રસિંહને આપ્યું. રુદ્રસિંહ પોતાના નેપકીનથી ખુન સાફ કર્યું પુસ્તક ઉપર ટાઇટલ હતું "અંતર આગ"....
"આ પુસ્તક..... મને કંઈ સમજાતું નથી આદિત્ય તું શું કહેવા માંગે છે.?" રુદ્રસિંહે આસચર્ય થી પૂછ્યું.....
"જો મારો અંદાજ સાચો હોય તો કિલર આ પુસ્તક "અંતર આગ"થી પોલીસને કોઈ મેસેજ આપવા માંગે છે.....
રુદ્રસિંહ ચિંતિત અને નવાઈ ના ભાવ વાળા ચહેરે "અંતર આગ" પુસ્તકને જોઈ રહ્યો.....
***
To be continue.....
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’