21 mi sadi nu ver - 33 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનુ વેર - 33

Featured Books
Categories
Share

21મી સદીનુ વેર - 33

21મી સદીનું વેર

પ્રકરણ-32

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવદલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

શિતલે વાતની શરૂઆત કરતા કહ્યુ કે “હું અઠવાગેટ સર્કલ પાસે ઉભી હતી ત્યાં એક ટેક્ષી મારી પાસે આવીને ઉભી અને મને તેના ડ્રાઇવરે અંદર બેસી જવા કહ્યુ એટલે હું ટેક્ષીમાં બેસી ગઇ અને તેણે ટેક્ષીને સ્ટેશન પર જવા દીધી. જેવી ટેક્ષી થોડી આગળ ગઇ કે તરતજ તેણે મારી પાસેથી મારો મોબાઇલ માંગ્યો. મે તેને મોબાઇલ આપ્યોકે તરતજ તેણે મોબાઇલ સ્વિચ ઓફ કરી કારના ખાનામાં મુકી દીધો. ત્યારબાદ તેણે કાર સ્ટેશન પર જવા દીધી. ”

શિતલ હજુ વાત કરતી હતી ત્યાં વેઇટર ઓર્ડર લઇને આવ્યો. એટલે શિતલ વાત કરતી બંધ થઇ ગઇ. વેઇટર ઓર્ડર લઇને ગયોએટલે રૂપેશે કહ્યુ “આ બધી તો મને ખબર છે. પણ તુ ત્યાં રેસ્ટોરન્ટમાં ગઇ અને હું તારી પાછળ આવ્યોતો તુ ત્યાં ન હતી. ”

શિતલે કહ્યુ “ખોટી ઉતાવળ નહી કર હું તને બધુજ વિગત વાર કહુ છું તે સાંભળ. ટેક્ષી તે રેસ્ટોરન્ટ પાસે પહોચીકે એટલે ડ્રાઇવરે મને કહ્યુ “મેડમ સામે રેસ્ટોરન્ટમાં તમારી રાહ જોવાઇ રહી છે. ” હું ટેક્ષીમાંથી નીચે ઉતરી. મને થોડો ડર લાગતો હતો. પણ મે તને બાઇક પર પાછળ ઉભેલો જોયો એટલે મને થોડી હિંમત આવી. અને હું રેસ્ટોરન્ટમાં દાખલ થઇ. જેવી હું દાખલ થઇ કે તરતજ એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો મિસ. શિતલ મારી સાથે આવો. હું તેની સાથે ગઇ તો તે મને રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં લઇ ગયો ત્યાં એક દરવાજો હતો તે ખોલી અમે થોડા આગળ વધ્યા કે એક સીડી આવી તે ઉતરી અમે નીચે ઉતર્યા તો ત્યાં રેસ્ટોરન્ટનુ અંડર ગ્રાઉન્ડ પાર્કીંગ હતુ જ્યાંથી રેસ્ટોરન્ટનો બધો સામાન અને તેના માણસો આવ જા કરતા હશે એવુ મને લાગ્યુ. અમે તે પાર્કીંગમા દાખલ થયા ત્યાંજ એક બીજી ટેક્ષી અમારી પાસે આવીને ઉભી રહી એટલે અમે બન્ને તેમા બેસી ગયા આ ટેક્ષી એ પ્રકાની હતી કે આગળ પાછળ આજુ બાજુ બધેજ પડદા લગાવેલા હતા. એટલે ટેક્ષીની બહારની કોઇ વસ્તુ દેખાય નહી. ટેક્ષી લગભગ અડધો કલાક ચાલી હશે ત્યારબાદ ટેક્ષી રોકાઇ એટલે અમે તેમાંથી નીચે ઉતર્યા અને મે આજુ બાજુ જોયુ તો કોઇ એપાર્ટમેન્ટનુ પાર્કીંગ હતુ જ્યાં આજુબાજુ નવા એપાર્ટમેન્ટની સાઇટ ચાલી રહી હતી. પણ કોઇ જગ્યાએ કોઇ બોર્ડ મારેલુ ન હતુ ત્યારબાદ અમે લીફ્ટમાં ત્રીજા માળે ગયા. હવે મને ખુબજ ડર લાગી રહ્યો હતો. પણ હવે મારી પાસે તેની સાથે જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. અમે ત્રિજા માળે એક ફ્લેટમાં દાખલ થયા તો સામે તે દિવસે હતો તેજ યુવાન હતો. તેણે મને કહ્યુ “વેલકમ મીસ શિતલ. સોરી તમને થોડી તકલીફ પડી પણ આ સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. તમે કોઇ ખોટો ડર નહી રાખતા. તમે એકદમ સેફ પાછા તમારે ઘરે પહોંચી જશો. ” એમ કહી તેણે મને બેસવા કહ્યુ હુ બાજુ માં પડેલ સોફા પર બેઠી અને આખા રૂમનુ નીરીક્ષણ કરવા લાગી પણ એવી કોઇ ચીજ ના દેખાઇ કે જેની મદદથી આપણને કોઇ ક્લુ મળે. થોડીવાર બાદ એક સ્ત્રી આવીને ચા આપી ગઇ. એ સ્ત્રીને જોઇને મને થોડી રાહત થઇ. ત્યાર બાદ તે યુવાને મને કહ્યુ સોરી મારે તમને પ્રોજેક્ટર પર થોડી વસ્તુ ઓ બતાવવી છે એટલે અમે આ મેઇન લાઇટ બંધ કરીએ છીએ. એમ કહી કિશને લાઇટની સ્વીચ ઓફ કરી દીધી અને પ્રોજેક્ટર ચાલુ કર્યુ. ”

આટલુ બોલતા શિતલ હાફી ગઇ એટલે રૂપેશે કહ્યુ “પહેલા આ ખાઇલે પછી વાત કર. ”

એટલે બન્ને એ નાસ્તો પુરો કર્યો પછી ફરી થી શિતલે વાત શરૂ કરી. “પ્રોજેક્ટર ચાલુ થતા તેના પર દેખાતા દ્રશ્ય જોઇ અને ઓડીયો સાંભળી મારા તો હાથ-પગ ઢીલા થઇ ગયા. તું બીલીવ નહી કરી શકે પણ તેની પાસે આપણી બન્નેની મોટાભાગની વાતનુ રેકોર્ડીંગ હતુ. અને અમુક આપણા અંગત દ્રશ્યો પણ હતા. જે જોઇ મને શરમ આવી એટલે તેણે થોડા ભાગ કાપી આગળ વધારી. તેમા આપણો આખો પ્લાન અને તેના માટે કરેલી આપણી બધીજ ચર્ચા. લગભગ છેલ્લા પંદર દિવસની બધીજ આપણી દિનચર્યા રેકોર્ડ કરેલી હતી. ”

આ સાંભળી રૂપેશના પણ હાથ-પગ ઢીલા થઇ ગયા તે એટલુજ બોલી શક્યો “ એ લોકો આટલી બધી વિગત કઇ રીતે મેળવી શકે”

શિતલે કહ્યુ “મને પણ એજ સવાલ થયો હતો. તેમા અમુક દ્રશ્યો તો મારા ઘરના પણ હતા. એટલે જ મને અંદાજ આવી ગયોકે આ કોઇ નાનો માણસ નથી પણ બહુ પહોંચેલી માયા છે. આ વિચાર આવતાજ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. આ વાત તે યુવાનના ધ્યાનમાં આવી ગઇ એટલે તેણે પ્રોજેક્ટર બંધ કરી દીધુ અને બોલ્યો” સોરી મિસ શિતલ તમને હેરાન કરવાની મારી ઇચ્છા નહોતી પણ આ તો તમને ખ્યાલ આવે કે અમારી પાસે શુ શુ છે એટલે તમને આ બતાવવુ પડ્યુ. અને ખાસ તો તમારા બોયફ્રેંડ ને જાણ થાય કે તેની સામેનો માણસ કેટલી પહોંચ ધરાવે છે જેથી તે અત્યારે જે ગાંડપણ કરે છે તે ફરી થી ના કરે. તમે જ જોઇ લો અમારે તમને કેમ આટલા હેરાન કરી અહી સુધી લાવવા પડ્યા. એમ કહી તેણે મને તેનો મોબાઇલ આપ્યો તો તેમા તુ અને તારા માણસો હોટેલ બહાર તેની રાહ જોતા હતા તેનુ લાઇવ રેકોર્ડીંગ હતુ. ત્યારબાદ મોબાઇલ તેણે મારી પાસેથી લઇ અને બાજુમાં મુકી દીધો. અને પછી બોલ્યો મે તમને પહેલાજ કહ્યુ હતુ કે મારી સાથે ચાલાકી કરવાની કોશિશ ના કરતા. હવે તમને ખુબ સમજાવ્યા પણ તમે સમજ્યા નહી એટલે મારે આ રીતે તમને ઉઠાવી લાવવા પડ્યા. હવે તમે વિચારો અહી હું તમારી સાથે કંઇ પણ કરુ તો તમારો બોયફ્રેન્ડ શુ કરી શકવાનો. ” ત્યારબાદ શિતલ થોડી રોકાઇને બોલી

“ આ સાંભળી મને તો ખુબજ ડર લાગ્યો અને મારા ધબકારા વધી ગયા. પણ આ ડર તેણે મારી આંખોમાંથી જોઇ લીધો. એટલે તે બોલ્યો તમે ચિંતા ના કરો આજ ફરક છે તમારા અને અમારામાં અમે એટલી હદે ક્યારેય નહી ઉતરીએ. ”

ત્યારબાદ તે રૂમમાં આંટા મારતો-મારતો બોલવા લાગ્યો “સારા માણસો પોતાની સારાઇ છોડી શકતા નથી એટલેજ તમારા જેવા તેનો લાભ લે છે. પણ એકવાત સમજી લેજો કે જ્યારે સારો માણસ વિફરે છે ત્યારે ગમે તેવો નરાધમ પણ તેને પહોંચી શકતો નથી. ”

આટલુ બોલી તે મારા તરફ આગળ વધ્યો અને મારી સામે મુકેલી ટીપોઇ પર બેસી ગયો. ત્યારે તેનો ચહેરો જોઇ મારા હોંશ ઉડી ગયા. તે એકદમ ખુંખાર લાગતો હતો તે મારી આંખમાં જોઇ બોલ્યો

“મિસ. શિતલ આપણી આ છેલ્લી મુલાકાત છે તમારે કાંઇ કહેવુ હોય તો કહી દો. હવે પછી આપણે મળીશુ નહી. ”

મને તો શું કહેવુ તે સમજાતુ જ નહોતુ એટલે મે કહ્યુ “તમારે શુ જોઇએ છે મારી પાસેથી?”

આ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “આ તો હું તમને કહેવાનો હોયને. ”

આટલુ બોલતા તેના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઇ ગયુ અને ફરીથી તેની આંખમાં ક્રુર ચમક આવી અને તે બોલ્યો” હવે હું પોઇન્ટ પર જ આવુ છું. તમારે મને એક અઠવાડીયામાં 10 લાખ રૂપીયા આપવાના છે. તમે કઇ રીતે તે મેળવશો તે તમારો અને તમારા પેલા ચમચાનો પ્રશ્ન છે. અને આ પૈસા ક્યાં? અને કયારે? પહોચાડવા તે હું તમને પાછળથી જાણ કરીશ. ”

આ સાંભળીને મારી તો હાલત જ કફોડી થઇ ગઇ અને મારાથી કંટ્રોલ નહી થતા રડી પડાયુ. તેણે મને થોડીવાર રડવા દીધી પછી તેનો એક માણસે આવીને મને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીવાથી મને સારુ લાગ્યુ એટલે મે તેને કહ્યુ “તમને ખબર નથી મારી પાસે તો પાંચ હજાર રૂપીયા પણ નથી. હું તમને 10 લાખ કઇ રીતે આપીશ. ”

આ સાંભળી તે ફરીથી જોરથી હસી પડ્યો અને બોલ્યો “મિસ. શિતલ જે માણસ તમારા ઘરમાંથી તમારૂ વિડીયો રેકોર્ડીંગ કરી શકતો હોય તેને તમારી આર્થિક સ્થિતિની તો ખબર જ હોય ને. મને ખબર છે તમારી કે તમારા ચમચા પાસે 10 લાખ નથી. પણ તમારા ચમચાનુ મકાન વેંચી નાખો એટલે તમને 10 લાખ મળીજ જાશે. અને આમ પણ આ તો રોકાણ છે. આના કરતા તો અનેક ગણા તમે પેલા તમારા પતિ પાસેથી છુટાછેડા આપવાના બદલામાં કઢાવવાના છો. અને આમપણ તમે કયાંથી કાઢશો એ તમારો પ્રોબ્લેમ છે. મને અઠવાડીયામાં પૈસા નહી મળે તો હું આ તમારી બધીજ વિગત તમારા પતિને આપી દઇશ તેના બદલામાં તે મને આટલા રૂપીયા જરૂર આપશે. અને હવે તમે જઇ શકો છો અને હા હવે તમારી લાઇફ લાઇન પુરી થઇ ગઇ છે એટલે પેલા તમારા બોયફ્રેંડને સમજાવી દેજો કે ખોટી ચાલાકી કરવાની કોશિશ ના કરે નહીતર ગુમાવવાનુ તમારે જ છે. ઓકે બાય. “

તેણે જવાનુ કહ્યુ એટલે હું ઉભી થઇ અને દરવાજા પાસે પહોંચી કે તે બોલ્યો “ હજુ તમારા માટે મે એક કિંમતી ગિફ્ટ બાકી રાખી છે તે કાલે તમને મળી જશે. પછી હું તમને ફોન કરીશ તમે તમારો ફાઇનલ નિર્ણય મને જણાવી દેજો. ”

ત્યારબાદ હું ત્યાથી નીકળી લીફટમાં નીચે ગઇ અને જે ટેક્ષીમાં આવી હતી તેમાંજ બેસી ગઇ એટલે ટેક્ષી મને અહી ઉતારી ગઇ અને ઉતરતી વખતે ટેક્ષી ડ્રાઇવરે મને મારો મોબાઇલ આપ્યો. અને ત્યારબાદ મે તને ફોન કર્યો. ” વાત પુરી કરીને શિતલ જાણે ખુબ થાક લાગ્યો હોય તેમ ખુરશીને ટેકો દઇને આખો બંધ કરીને બેસી ગઇ. આ વાત સાંભળીને રૂપેશ તો દિગ્મુઢ થઇ ગયો હતો તે પણ કઇ બોલી શકે એમ નહોતો. તેને પણ ખ્યાલ નહોતો કે સામે આટલી પહોંચેલી ગેંગ હશે. થોડીવાર બાદ બન્ને ત્યાંથી ઘરે જવા નિકળ્યા.

કિશને હોટલના રૂમ પર પહોંચીને સુરેશ પાલને ફોન લગાવ્યો અને કહ્યુ “થેંક્યુ સુરેશભાઇ તમારો ખુબ ખુબ આભાર. તમારી મદદથી પ્લાન એકદમ સરસ રીતે પુર્ણ થઇ ગયો. અને તમારા બન્ને માણસો અને કામવાળી એ ખુબજ સરસ રીતે આખો પ્લાન સંભાળી લીધો. હવે લગભગ મારુ કામ થઇ જાશે. ”

“અરે કિશનભાઇ તમારા જેવા મિત્ર માટે આટલુ તો કરીજ શકુને. ફરીથી આવો મળવા તો પાછા સાથે જમીએ. ”

“ના,હવે કાલે તો જુનાગઢ જવા નીકળી જવુ છે. તમારી મદદથી આ પ્લાન સફળ થઇ ગયો. અને હવે પછી તો તે જુનાગઢથી પણ હેંન્ડલ કરી શકાશે. એટલે હવે કાલે તો નીકળી જવાનુ છે. તમે કયારેક જુનાગઢ આવો તો અમને પણ મિત્રતા નીભાવવાનો મોકો મળે. ”

ત્યારબાદ થોડી વાતો કરી કિશને ફોન મુકી દીધો. અને તે બેડ પર લાંબો થઇ વિચારવા લાગ્યો. હવે કાલે જુનાગઢ નીકળી જવુ પડશે. આમપણ હવે કામ પણ પતી ગયુ છે અને ઇશિતા પણ કાલે નીકળી જવાની છે. ઇશિતાની યાદ આવતા જ કિશન વિચારવા લાગ્યો આજ છેલ્લો દિવસ છે ઇશિને પણ દીલ ખોલીને મળી લેવુ પડશે. હવે પાછા કયારે મળીશુ તે કાંઇ નક્કી નથી. આજ ની રાત ઇશિતા અને મારા માટે છેલ્લી રાત છે. ”

તે હજુ વિચારતો જ હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી કિશને જોયુ તો ઇશિતાનો જ ફોન હતો. કિશને વિચાર્યુ આ ટેલીપથી જેવી કોઇક ચીજ હશે તો ખરીજ નહીતર હું યાદ કરૂ અને ઇશિતાનો ફોન આવે તેવુ દર વખતે ના બને. તેણે ફોન રીશિવ કર્યો એટલે ઇશિતાએ કહ્યુ “એય આજે છેલ્લો દિવસ છે આપણો સાથે રહેવાનો. ચાલ 15 મિનિટમા આવીજા મને લેવા. ”

કિશન ફોન મુકી બાથરૂમમાં જઇ ફ્રેશ થયો અને કપડા ચેંજ કરવા માટે જેવો તેણે તેનો વોર્ડરોબ ખોલ્યો કે સામે તેને પેકેટ દેખાયુ અને કિશનને યાદ આવ્યુ કે આ પેકેટ નેહાની ફ્રેંડને દેવાનુ તો બાકીજ છે. તેણે તે પેકેટ બહાર કાઢી બેડ પર મુક્યુ અને કપડા પહેર્યા અને વ્યવસ્થિત તૈયાર થઇ રૂમ લોક કરી બહાર નીકળ્યો. અને લોબીમાં ચાલતા ચાલતા તેણે પેકેટ પરનો નંબર ડાયલ કરી ફોન કાન પર લગાવ્યો. જો તેણે ફોનની સ્ક્રીન પર લખાયેલુ નામ જોયુ હોત તો તેને ફોન કરવાની જરૂર જ ના પડી હોત. એકાદ રીંગ પછી ફોન ઉચકાયો એટલે કિશને કહ્યુ “હેલો મેડમ હું કિશન પંડ્યા બોલુ છું તમારી ફ્રેંડ નેહાએ તમારા માટે એક ગિફ્ટ મોકલી છે જે મારે તમને આપવાની છે તો તમે મને કયાં મળશો?”

“ કોણ જુનાગઢવાળી નેહા?”

“ હા, એજ, હું તમને આ ગિફ્ટ ક્યાં પહોંચાડુ?”

“તમે એક કામ કરો અઠવાગેટ સર્કલ પર આવી જાવ હું અડધા કલાક્માં ત્યાં તમને મળીશ. ”

“ઓકે બાય”

ત્યારબાદ કિશને મોબાઇલ ખીસ્સામાં મુકી દીધો અને લીફ્ટમાં નીચે ગયો અને પાર્કીંગમાંથી બાઇક લઇ તે ઇશિતાના ગેસ્ટહાઉસ તરફ બાઇક જવા દીધી. તે પહોંચ્યો ત્યારે ઇશિતા તેની રાહ જોઇને બહાર જ ઉભી હતી. ઇશિતાએ ઉપર બ્લેક સ્લીવલેશ ટીશર્ટ અને નીચે પીંક કેપ્રી પહેરી હતી. વાળ શેમ્પુ કરીને ખુલ્લા રાખેલા હતા. કિશનતો તેને જોઇજ રહ્યો અને બોલ્યો “ અરે યાર તુ એટલી બધી હોટ લાગે છે કે સામેવાળા રસ્તા પર જોશે જ નહી. ”

“બસ હવે બહુ મસ્કા ના માર” એમ કહી ઇશિતા બાઇક પાછળ બેસી ગઇ એટલે કિશને બાઇકનો યુ ટર્ન લીધો અને બાઇક ને ફરીથી આવ્યો હતો તેજ રસ્તા પર જવા દીધી. બાઇક પર જ કિશને ઇશિતાને કહ્યુ આપણે પેલા “મારી આસીસ્ટંન્ટ નેહાની કોઇ મિત્ર સુરતમાં રહે છે તેને આ ગિફટ નેહાએ મોકલેલી છે તે આપવાની છે. તે અઠવાગેટ સર્કલ પર મળશે એટલે પહેલા ત્યાંજ જઇએ પછી નક્કી કરીએ કઇ બાજુ જવુ. ”

ઇશિતા એ કહ્યુ “ઓકે તારે જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જા આજે છેલ્લો દિવસ છે. મન ભરીને માણી લેવો છે પછી કોને ખબર શુ થશે?” આ બોલતા બોલતા ઇશિતાની આંખમાં આંસુ આવી ગયા. એટલે કિશને બાઇક સાઇડમાં લઇ ઉભી રાખી અને નીચે ઉતરી ઇશિતાને કહ્યુ “ જો ઇશિ આજે આપણો છેલ્લો દિવસ છે અને આજે ફુલી એંજોય કરવુ છે કોઇ પણ જાતની ઉદાસી નહી. હુ તારો જ હતો તારો જ છુ અને આજીવન તારો જ રહીશ. આજે તો આપણે એકબીજાને મન ભરીને માણી લેવાના છે કે જેથી આ યાદોના સહારે બાકીનો સમય નીકળી જાય. અને આજે મારે મારી કોલેજ ટાઇમની ગર્લફ્રેંન્ડ ઇશિતા સાથેજ ગાળવો છે. ઓકે”

આ સાંભળી ઇશિતા ઉદાસી ગાયબ થઇ ગઇ અને તેના મો પર હાસ્ય ફરી વળ્યુ અને બોલી “જા લબાડ તારા જેવો એ ગર્લફ્રેંડને લાયક જ નથી. ”

“ એટલે હુ નાલાયક છું એમને તો પછી આજે તને બતાવુ કે નાલાયક બોયફ્રેન કેવો હોય એમ કહી કિશને ઇશિતા સામે આંખ મારી એટલે ઇશિતા કિશનની છાતીમાં મુક્કો માર્યો આ ગર્લફ્રેંડને પણ નાલાયક બોયફ્રેન્ડને સિધા કરતા આવડે છે. ”

ત્યારબાદ બન્ને અઠવાગેટ ગયા અને ત્યાં રાહ જોવા લાગ્યા ત્યાંજ કિશનના મોબાઇલમાં રીંગ વાગી કિશને જોયુતો નેહાનોજ ફોન હતો. નેહાએ કહ્યુ “કિશનભાઇ પેલી મારી ફ્રેંડનો હમણા મારા પર ફોન આવ્યો તે 5 મિનિટમાં અઠવાગેટ પહોંચે છે. તમે ક્યાં છો?”

“અમે અઠવાગેટ પર જ ઉભા છીએ. હુ તેને કેમ ઓળખીશ?”

“હા હમણા હું તેને પુછીને કહુ છુ કે તેણે કેવા કપડા પહેર્યા છે. ”

“ઓકે”

ત્યારબાદ કિશને ફોન કટ કરી નાખ્યો અને ઇશિતાને કહ્યુ તેની ફ્રેંડ 5 મિનિટમાં અહી આવે છે અને નેહા હમણા આપણને કહેશે કે તેણે શુ પહેરેલુ છે? એટલે આપણને તેને ઓળખવામાં સહેલુ પડે.

***

નેહાની મિત્ર કોણ હશે? કોણે કિશનની ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શુ કરશે? કિશનનો શુ પ્લાન છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160

Mail id – hirenami. jnd@gmail. com