Matchfixing in Gujarati Short Stories by K. K. Desai books and stories PDF | Matchfixing

Featured Books
Categories
Share

Matchfixing

મેચ ફીક્ષિંગ

By K.K. Desai

kkd3006@rediffmail.com




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મેચ ફીક્ષિંગ

ઈન્ટર કોલેજીએટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચની ફાઈનલ ઓવર ચાલી રહી હતી. આ મેચ જીતનાર કોલેજ અને ખેલાડીઓને ઘણા મોટા ઈનામો અપાવાના હતા, તે ઉપરાંત શ્રેષ્ઠ ખેલાડીને ઘણો મોટો પુરસ્કાર મળવાનો હતો અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્વાની તક હતી.

સતીશ બોલર હતો તો સામે છેડે એનો પરમ મિત્ર સુરેશ બેટિંગમાં હતો. છેલ્લી ઓવર નો છેલ્લો બોલ બાકી હતો અને સામેની ટીમને જીતવા માટે ત્રણ રન ની જરૂર હતી. સતીશે ઈશારત કરીને સુરેશ ને મળવા બોલાવ્યો. બન્ને પીચની અધવચ્ચે મળ્યા. લોકો જોઈ રહ્યા હતા. આવું તો કોઈએ જોયું નહોતું. આ લોકો મેચ ફીક્ષિંગ કરતા હતા ? ત્રણ રન થશે કે કેમ તે અંગે જબરી ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ઘણી મેચમાં છેલ્લા બોલમાં વિનિંગ સ્ટ્રોક ઘણાએ માર્યા હતા.

સુરેશ પણ આશ્ચર્ય સાથે આવી રહ્યો હતો. સતીશે કહ્યું, “હું લુઝ બોલ નાખીશ, તુ બાઉન્ડરી મારજે, હીના મેચ જોવા આવી છે.” અને સુરેશ કઈ જવાબ આપે તે પહેલા તે બોલીંગ કરવા માટે સ્ટાર્ટ લેવા જતો રહ્યો. આશ્ચર્યમાં ગરકાવ થયેલો સુરેશ વિચાર કરતો કરતો પોતાની ક્રીઝ ઉપર પરત ફર્યો.

સતીશ અને સુરેશ નાનપણ થી જ સાથે રમતા. આહવાના ના ગામડામાં બન્ને ધુળીયા રસ્તા ઉપર લખોટી, ગીલ્લી દંડા વી રમતા રમતા મોટા થઈ રહ્યા હતા. શિયાળાની સવારમાં બન્ને કોઈ ખેતર મા વરીઆળી ખાતા હોય કે ખેતરમાંથી ગાજર કે મુળા ખાતા હોય.

ચોમાસામાં તળાવમાં ભૂસકા મારતા મારતા સુંદર લાલ કમળ તોડી લેતા તો સફેદ પોયણા ને પણ લઈ આવતા. તો વળી કાચા શિંગોડા તોડી એને બાફી ને ખાતા. હીના પણ ત્યારે સાથે જ હોય, અને ત્રણે જણ ભેગા મળીને આનંદથી આરોગતા. પછી તો બન્ને સાથે ક્રીકેટ પણ રમતા થયા સત્યા સુર્યા- ની જોડી ગામ માં પ્રખ્યાત હતી.જમવાનો વખત હોય ત્યારે જે ઘેર એ બન્ને હોય ત્યા જ જમી લેતા.

ગામમાં કોઈ એમને ચંગુ મંગુ ની જોડી કહેતા તો કોઈ ખાપરા કોડીયાની જોડી કહેતા.પણ મોટે ભાગે બધાનો એક મત હતો કે અત્યારે તો તેઓ નાના છે પણ મોટા થશે અને સ્વાર્થ નો ટકરાવ થશે ત્યારે જોડી તૂટી જતા વાર નહી લાગે . અને એના સમર્થન માં ઘણા દાખલા પણ આપતા હતા. પણ સુરેશ અને સતીશ તો મક્કમ હતા કોઈ અમારી જોડી તોડી શકશે નહી.

ગજરાબા- સુરેશના દાદી નિવૃત્ત પ્રાથમિક શિક્ષિકા હતા. ગોરો પ્રભાવશાળી દેહ. ગોળ મોઢું અને મોટો લાલ ચાંદલો. તેમણે શિસ્ત અને સંયમ ના પાઠ જીવનમાં ઉતાર્યા હતા. એમનો અનુભવ હતો કે નાનપણના કુમળા મગજ માં જો સંસ્કારના બીજ રોપાય તો તે બાળક મોટું થતા સારો માણસ બને છે... તેથી તે આ બન્ને બાળકોમાં પણ સારા સંસ્કાર ના બીજ રોપાય તે માટે જાગૃત અને પ્રયત્નશીલ રહેતા. અને તે માટે જુદી જુદી, પંચતંત્રની નીતિ કથાઓ, ચાણક્યની વાર્તાઓ એમને કહેતા. એક વાર એમણે બે મિત્રો અને રીંછની વાત કહી. જેમાં બન્ને મિત્રો જંગલમાં ફરવા ગયા હતા અને અચાનક રીંછ આવી જતા એક મિત્ર ઝાડ ઉપર ચઢી ગયો, બીજો મિત્ર ચઢી શક્યો નહી એટલે મરવાનો ડોળ કરીને પડી રહ્યો. રીંછ એને સુંઘીને જતું રહ્યું. પછી ઝાડ પર ચઢેલા મિત્રએ પેલાને પૂછ્‌યું,

“રીંછે તને શુ કહ્યું ?” બીજાએ જવાબ આપ્યો, “એણે કહ્યું કે તારી મુશ્કેલી વખતે જે મિત્ર મો ફેરવી લે તે મિત્ર નો ભરોસો કરીશ નહી.” આ વાર્તાની બંનેના મન પર ઘેરી અસર પડી અને બન્નેએ નક્કી કર્યું, ગમે તે થઈ જાય આપણી મિત્રતાની વચ્ચે કશું પણ આવવું જોઈએ નહી. કાળક્રમે દાદી બીમાર પડયા અને એમણે દેહત્યાગ કર્યો, ત્યારે સુરેશ ઘણું રડયો અને સતીશ પણ એટલું જ રડયો.

દાદીને ખોવાનું દુઃખ બન્ને માટે અસહ્ય હતું. અને સુરેશે મુંડન કરાવ્યું ત્યારે સતીશે પણ કરાવ્યું.

એક વાર ચોમાસા ના દિવસો હતા. ઉપરવાસના ભારે વરસાદને પરિણામે પાસેની ગીરા નદી ગાંડી તૂર થઈ હતી. સામાન્ય દિવસોમાં નમણી, લજામણી નારી જેવી શાંત નદી ચોમાસામાં અલ્લડ, કુદતી, ઉછળતી તોફાની યુવતી જેવી થઈ જતી. અને ચોમાસા સિવાય જ્યા ચાલીને સામે પાર જી શકાતું ત્યા ભલભલા તરવૈયાઓને પણ ગભરામણ થાય તેમ વહેતી.

કોઈ કારણ વશ સતીશ સામે પાર ગયો હતો. ગયો ત્યારે નદી માં એટલું પાણી નહોતું. પણ અચાનક ઘોડાપુર આવ્યા અને ત્યારે સતીશ નદીની અધવચ્ચે હતો. લોકોમાં બુમાબુમ થઈ ગઈ. કોઈને સમજ નહોતી પડતી એને કેવી રીતે બચાવવો. અને સુરેશની નજર સામે ગજરાબાનું મુખારવિંદ ચમકી રહ્યું. એણે મનોમન કહ્યું, “યમ રાજ, અમારી મિત્રતાની વચ્ચે તને પણ નહી આવવા દઉં”

અને પળવાર નો વિચાર કર્યા વગર સુરેશ ટ્રેક્ટર ના ટાયર ની હવાભરેલી ટ્‌યુબ લઈને કુદી પડયો. લોકોએ એને વારવાનો પ્રયત્ન કર્યો. ઘણાએ કહ્યું એ તો જશે પણ તુ પણ જશે . પણ કોઈની પરવા કર્યા વગર એણે ઝંપલાવી દીધું, અને થાકેલા સતીશ પાસે જી પહોંચ્યો. એના હાથમાં ટ્‌યુબ ભેરવી ધીરે ધીરે એને કીનારા તરફ સહીસલામત લઈ આવ્યો. લોકોએ એમને હાર તોરા કર્યા અને સુરેશનું સન્માન કર્યું. સતીશ ઘણો લાગણીવશ થઈ ગયો એણે કહ્યું, “ સુરેશ તુ ના હોત તો હું જીવતો ના રહ્યો હોત” . આંખમાં આંખ પરોવી સુરેશે વિના વિલંબે જવાબ આપ્યો,

“તુ જીવતો ના હોય તો હું પણ કેમ કરીને જીવવાનો ? “

શાળાનું શિક્ષણ પૂરૂં થયું અને આગળ ભણવા માટે બન્ને ને નજીકના શહેરમાં જવાનું થયું. સુરેશ વિજ્જ્ઞાન કોલેજ મા ગયો તો સતીશે કોમર્સ લીધું. હીનાને પણ કોલેજ મા આવવું પડયું અને તે મહિલા કોલેજમાં દાખલ થઈ.

ત્રણે જુદી જુદી હોસ્ટેલમાં રહેતા હતા . પણ રવિ વારે અચૂક મળતા. સુરેશ અને સતીશ તો ક્રીકેટ માટે લગભગ રોજ સાંજે મળતા.

મોટા થયા એટલે બન્ને ને હીના માટે આકર્ષણ થયું તેમ હીના ને પણ બન્ને ગમવા લાગ્યા પરંતુ આ સંબધ હજુ મિત્રતાનો સંબંધ હતો.

અનંગ ક્યારે એના બાણ છોડે છે તે કોઈને ખબર પડતી નથી અને આ ત્રણે ની બાબતમાં પણ એવું જ થયું.

એક વાર સુરેશ સાંજે પોતાના ક્રીકેટ ગ્રાઉન્ડ ઉપર જી રહ્યો હતો અને એણે હીના અને સતીશને પાણી પૂરી ની લારી પર પાણી પૂરી ખાતા જોયા, થોડોક ખટકો લાગ્યો પણ એણે પોતાની જાતને સંભાળી લીધી.

થોડા વખત પછી હીના એ એની કોલેજ ના ગેધરીંગ માં આવવા માટે આમંત્રણ આપ્યું. અને ત્યારે સતીશ ગામ ગયો હોવાથી હીના એને આમત્રણ આપી શકી નહી. પરંતુ સતીશ એ ફંક્શન જોવા માટે ગામ થી આવી ગયો . હીનાનો એમાં એક ડાન્સ હતો અને અતિસુંદર ડાન્સ પછી સુરેશ એને અભિનંદન આપી રહ્યો હતો અને બન્ને જણ બહુ આનંદથી વાતો કરતા હતા એટલે સતીશે પોતાની હાજરીની જાણ થવા દીધા વગર ત્યાંથી ચાલતી પકડી.

બન્ને ને ખ્યાલ આવી ગયો હતો કે એ બન્ને હીનાને પ્રેમ કરી રહ્યા હતા. પરંતુ હીના ના મનમાં શુ છે તે બન્ને માંથી કોઈ જાણતું નહોતું.

હીના બન્ને જોડે પહેલા જેવોજ મીત્રતાનો સંબંધ રાખી રહી હતી.

એક વાર હીના હાથ ઉપર મેંદી મુકાવીને આવી તેમાં અંગ્રેજી “એસ” અક્ષર આગળ પડતો હતો. સુરેશે પૂછ્‌યું આ “એસ” કોના નામનો છે ? હીના એ ખડખડાટ હસતા હસતા કહ્યું, “બહુ ખાંડ ના ખાતા , “એસ” થી ફક્ત તમારા જ નામ શરૂ નથી થતા.” પણ બન્ને એ આગ્રહ જારી રાખ્યો ત્યારે એણે કહ્યું એ તો મારી બેનપણી સ્મિતા નો છે. આ મેંદી તેણે જ મૂકી છે. અને હસતા હસતા ચાલી ગઈ અને બન્ને મોઢું વકાસીને જોઈ રહ્યા.

હીના નક્કી નહોતી કરી શકતી કે એને કોણ વધારે ગમે છે. પણ એને ખબર હતી કે જે દિવસે એ કોઈ પણ એક ને પસંદ કરશે ત્યારે બંનેની મૈત્રી તૂટી જશે. અને તેથી એમની મૈત્રી ના તૂટે તે માટે એ પ્રયત્નપુર્વક બન્ને જોડે સમાન અંતર જાળવતી અને કોઈ પણ એક જોડે એ વધારે પડતો સમય ગાળતી નહી. બને ત્યા સુધી બન્ને સાથે હોય ત્યારે જ તે મળતી.

બન્ને પોત પોતાની કોલેજમાં ક્રીકેટ માં સારૂં નામ કમાઈ ચુક્યા હતા. અને કોચિંગ કેમ્પમાં પણ બન્ને સાથે પ્રેક્ટીસ કરતા. કોઈ કોઈ વાર હીનાની હાજરી ત્યા પણ રહેતી. હવે બન્ને પરિપક્વ યુવાન થઈ રહ્યા હતા. અને નવરા પડે એટલે એમને વિચાર આવતો હીના અને મિત્રની વચ્ચે કોની પસંદગી કરવી ? સતીશને આ વિચાર આવતો ત્યારે એ વિચારતો કે સુરેશે એની જીંદગી બચાવી હતી એટલે એણે મિત્ર માટે પોતાના પ્રેમનું બલિદાન આપવું જોઈએ, અને તેથી જ એણે સુરેશને કહ્યું કે પોતે એવો બોલ ફેંકશે જેથી સુરેશ નામ અને દામ બન્ને કમાઈ શકે. મિત્રતા જાળવવા માટે બન્ને પોતાના પ્રેમ નું બલિદાન આપવા પણ તૈયાર હતા ,પણ આ અતિ નાજુક મુદ્દે બન્ને કોઈ વાત કરતા નહી.

અને આજે ઈન્ટર કોલેજીયેટ ટુર્નામેન્ટમાં સામ સામે આવી ગયા હતા.

સતીશ જયારે બોલિંગ કરવા જી રહ્યો હતો ત્યારે સુરેશ પણ ધીરે ધીરે પોતાની બેટિંગ કરવા માટે સજ્જ થઈ રહ્યો હતો. એક ક્ષણમાં એને ભૂતકાળના ત્રણેની મિત્રતા ના પ્રસંગો યાદ આવી ગયા. સતીશ એને એક તક આપવા માંગતો હતો કે પોતે હીનાની નજરમાં ઊંંચું સ્થાન મેળવી શકે. મિત્રતા જાળવવા માટે તે કારકિર્દીને ભોગે પણ , અભૂતપૂર્વ અને એની સમગ્ર જિંદગીને મોટો વળાંક આપી શકે એવું બલિદાન આપવા જી રહ્યો હતો. અને , એની નજર સામે ગજરા બાનું હસતું મોઢું ચમકી રહ્યું હતું.

સતીશે ધીરે ધીરે ગતિ મેળવી અને એની લેગ સાઈડ ઉપર બોલ ફેંક્યો. લેગ સાઈડ સુરેશની બહુ મજબુત સાઈડ હતી અને તે આસાનીથી છક્કો મારી શકે એમ હતો. લોકો પણ વિચાર કરતા થઈ ગયા. નક્કી સુરેશ ચોગ્ગો મારશે. એ થોડો પાછો હટ્‌યો અને ફટકો મારવા માટે એનું બેટ પાછળ ગયું અને એની સ્ટમ્પસ પડી ગઈ. એ હીટ વિકેટ આઉટ થઈ ગયો હતો. મેદાન ઉપર જબરી ઉત્તેજના હતી. કોઈ સમજી ના શક્યું કે આવી સુંદર તક સુરેશ ને મળી તે છંતા તે ફટકો મારી ના શક્યો. આ કઈ જાતનું મેચ ફીક્ષિંગ હતું ?

અને બધા ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યા હતા. સતીશ અને સુરેશ સાથે સાથે પરત ફરી રહ્યા હતા. સતીશે કહ્યું. “તેં બાઉન્ડરી કેમ ના મારી?” સુરેશ એની સામે જોઈ રહ્યો અને ધીરેથી કહ્યું, “હીના મેચ જોવા આવી છે” અને બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા. અને એકદમ ભેટી પડયા. બન્ને મનમાં વિચારી રહ્યા હતા,“ આપણે નક્કી કર્યું હતું, આપણી મિત્રતાની વચ્ચે કઈ પણ આવું જોઈએ નહી.”

By K.K. Desai

kkd3006@rediffmail.com