નેઇલ પોલિશ
પ્રકરણ – ૪
ઇન્ડિયામાં આવી દિનકરરાય, ઉર્મિબેન અને જય ખુશ હતાં. કદાચ ત્રણ વરસ બાદ આવ્યા હશે. જય બહુજ ખુશ હતો. જય પહેલીવાર ઇન્ડિયા આવ્યો હતો. બિલીપત્ર ફાર્મની સુંદરતા એને ખુબ ગમી. વરસાદ પછીના દિવસો હતાં તેથી ચારેકોર હરિયાળી હતી. ડુંગરપરથી પડતા ઝરણાનું પાણી દૂરથી ખુબજ આહલાદક લાગતું હતું. સવારમાં પક્ષીઓનો કલરવ કાનને સુખદ સંદેશો આપતો હોય એવું લાગતું.
બે ત્રણ દિવસ બિલીપત્ર ફાર્મમાં રહ્યા બાદ, દિનકરરાય અને ઉર્મિબેને પોતાના કુટુંબીઓને મળવા નીકળી પડ્યા, સાથે સાથે જયના સગપણની જાણ તો કરેલ હતી, તે કામ પણ આટોપી લેવા ઉત્સુક હતાં. જે સગાઓ ગુજરાતની બહાર હતાં એમને બિલીપત્ર ફાર્મ ઉપર કન્યાઓ સાથે પધારવા આમંત્રણ અપાયેલા હતાં.
લગભગ દસ દિવસમાં બધી કન્યાઓ જોવાઈ ગયી અને એમના કુટુંબ અને ખાનદાનને લગતી બધીજ માહિતી જાણમાં હતી. આવેલા માંગા ઉત્તમ પરિવારના હતાં. ઘણી કન્યાઓ સુંદર અને શિક્ષિત પણ હતી. હવે વારો હતો જય અને ઉર્મિબેનના સિલેક્શનનો.
બે ત્રણ દિવસની ગડમથલ બાદ પતિ દિનકરરાયના સલાહ મુજબ સર્વ સંમતિથી એક કન્યા ઉપર પસંદગી ઉતારી. નામ હતું લાવણ્યા. જેવું નામ તેવું રૂપ.
લાવણ્યાનું પરિવાર લંડનમાં જ સ્થિત હતું. પિતા શામજીભાઈ હીરાના વેપારી અને માતા મમતાબેન આદર્શ ગૃહિણી હતાં. પોતાની દિકરીને ઇન્ડિયાના સંસ્કાર મળી રહે એ માટે લાવણ્યાને એની ચાર વરસની ઉંમરથી જ ઇન્ડિયામાં મોસાળમાં ઉછેર માટે મોકલી હતી. લાવણ્યાના મામા વિઠ્ઠલભાઈનો હીરાનો ધંધો હતો. દાદી રુક્ષ્મણીબેન લાવણ્યને ખુબ પ્રેમ કરતા, તેથી લાવણ્યને કદી મા મમતાબેનની જરૂર ભાસતી નહોતી. મામા અને મામી પણ ખુબજ ઉદાર અને માયાળુ સ્વભાવના હતાં.
લાવણ્યને વહુ તરીકે પસંદ કરવાનું કારણ એક એ હતું કે એના મા-બાપ લંડનમાં જ હતાં. બીજું એમનું પણ હીરાના માર્કેટમાં નામ હતું. ત્રીજું મહત્વનું કે મમતાબેને પોતાના જીગરના ટુકડાને સંસ્કાર સારા મળી રહે એ માટે પોતાનાથી અળગી રાખી હતી એટલે કે સંસ્કારોનું મૂલ્ય એ ખાનદાનમા કેટલું મોટું છે એ કળી આવતું હતું. ઉર્મિબેનના નાના કુટુંબે પણ લંડનમાં રહી પોતાના મા ભોમના સંસ્કારોને ટકાવી રાખ્યા હતાં.
ઘણી બધી બાબતો ધ્યાનમાં લઇ, ઘડિયા લગ્નને બદલે, સરસ ઉચિત તિથિ અને તારીખ નક્કી કરી જેથી લગ્નમાં પધારનાર માટે અને બંને પક્ષોને પૂરતો સમય મળી રહે. જય અને લાવણ્યાના લગ્નને હજુ એક મહિનો બાકી હતો તેથી જય લંડન પાછો ફર્યો અને લાવણ્યા પણ ખરીદી માટે પોતાના મમ્મી પપ્પા જોડે લંડન ગયી.
પહેલીવાર જય પોતાના વ્યવસાયથી અળગો રહ્યો હતો. પાછા ફરી તપાસ કરતા ખબર પડી કે બધુ જ વ્યવસ્થિત હતું, તેથી જયને શાંતિ થઇ. લગ્ન માટે પાછા ઇન્ડિયા પરત ફરવાનું હોવાથી, બધી જવાબદારીઓ સોંપી દીધી જેથી ધંધામાં કોઈ અડચણ ના થાય.
દિનકરરાય અને ઉર્મિબેને ઉત્સાહથી બધી તૈયારીઓ કરી લીધી. લાવણ્યના મામાએ પણ બંને પક્ષના મોભાને અનુરૂપ ઉત્સાહથી લગ્નની ઉત્તમ વ્યવસ્થા ગોઠવી દીધી. બધુજ સરસ રીતે ચાલી રહ્યું હતું. કંકોત્રીઓ પણ વહેંચાઈ ગયી.
એક શાનદાર રિસોર્ટમાં ખુબજ ધામધૂમતી જય અને લાવણ્યાના લગ્ન પૂર્ણ થયા. બંને પક્ષોને અતિ આનંદ થયો. લગ્ન પછી બંને પક્ષના સગાઓ અને ખાસ મિત્રો બિલીપત્ર ફાર્મ ખાતે આમંત્રિત કરવામાં આવ્યાં જેથી શાંતિથી બધાને મળી શકાય. દિનકરરાયના બિલીપત્ર ફાર્મની કુદરતી સુંદરતા બધાને બહુ ગમી. લાવણ્યા તો આફ્રિન હતી એ ફાર્મ ઉપર.
લગ્ન બાદ જયનું કુટુંબ લંડન પાછું ફર્યું. ધંધાની પોઝિશન જાણ્યા બાદ જય અને લાવણ્યા હનીમૂન માટે રવાના થવાના હતાં. છેલ્લા બે મહિના દોડધામથી પુરા થયા હતાં. હવે ઉર્મિબેનને ખુબજ શાંતિ લાગતી હતી.
જય અને લાવણ્યાના લગ્નની કંકોત્રી પરેશભાઈને પણ મળી હતી, પરંતુ પરેશભાઈને આ સગપણ બહુ ગમ્યું નહતું. પરેશભાઈની ઈચ્છા હતી કે સગપણ એમના દિકરા રાકેશ જોડે થાય. પરંતુ આખો કાર્યક્રમ અચાનક એવો આટોપાઈ ગયો કે શામજીભાઈ, પરેશભાઈને રૂબરૂ મળી પણ ના શક્ય અને ફક્ત કંકોત્રી મોકલાવીને આમંત્રણ આપ્યું. એકજ ધંધાના હરીફ પરેશભાઈ ખુબ જ નારાજ હતાં અને એટલે એમની ત્યાંથી કોઈ લગ્નમાં હાજર નહોતું રહ્યું. પરંતુ શામજીભાઈએ લંડન પાછા ફરી, પરેશભાઈને રૂબરૂ ના મળી શકાયું માટે માફી માંગી અને સમય મળ્યે ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. પરેશભાઈએ બહુ લાંબી વાત ના કરી પણ નવું સગપણ એમને ચોક્કસ ખટક્યું હતું ! મનની વાત મનમાં જ રહી ગઈ હતી !
જય અને લાવણ્યાનું લગ્ન જીવન ખુબ જ આનંદમાં પસાર થઇ રહ્યું હતું. લગ્ન બાદ લાવણ્યા પોતાની દાદી રુક્ષ્મણીબેનને ખાસ મળી આવી હતી. મામા અને મામી ખુબજ ખુશ હતાં. થોડાક મહિનાઓમાં દિનકરરાય અને ઊર્મિબેનને ત્યાં પારણું બંધાય એ ચોક્કસ હતું. શરદ પૂનમને દિવસે એમની ત્યાં પૂનમ જેવી સુંદર કન્યાએ જન્મ લીધો. વર્ષો બાદ એમના કુટુંબમાં કન્યા જન્મી હતી એટલે દિનકરરાય અને ઉર્મિબેનની પુત્રીને રમાડવાની ઈચ્છા પૌત્રીએ પુરી કરી હતી. દિનકરરાય અને શામજીભાઈનું ફેમિલી ખુબ ખુશ હતું. સુંદર હસતા ચહેરા ઉપર ગાલ ઉપરનું એ નાનકડું ડિમ્પલ આનંદની અનુભૂતિ કરાવતું, એટલે એનું નામ આનંદી રાખવામાં આવ્યું અને નામકરણની વિધિ બંને કુટુંબોએ ખુબજ ધૂમધામથી ઉજવી.
બીજે દિવસે કુસુમબેને શામજીભાઈને ફોન કર્યો કે કિરણ ગઈ કાલે રાત્રે ઘરે આવ્યો નથી. શું આપે હીરાની ડિલિવરી કરવા બહાર તો મોકલ્યો નથીને ? કુસુમબેનના શબ્દો સાંભળી શામજીભાઈના પેટમાં તેલ રેડાયું. વર્ષોથી વફાદાર એમની કંપનીમાં કામ કરતો કિરણ ગઈ કાલે હીરાની ડિલિવરી કરવા ગયો હતો, પરંતુ ડિલિવરી બાદ ડિલિવરી લેનાર હીરા મળ્યાનું કન્ફર્મેશન કરે છે. એવો ફોન ન તો આવ્યો હતો, ન તો કિરણે ડિલિવરી થઇ ગયાનો ફોન કર્યો હતો. કદાચ નામકરણ વિધિમાં બધા મશગુલ હતા એટલે ફોન આવ્યો હોય, પરંતુ રિસીવ કરવાનો રહી ગયો હશે, એટલે એમણે પોતાના ફોનમાં બધી ડિટેલ ચેક કરી, પરંતુ એવા કોઈ ફોન આવેલ નહોતા. એમણે શાંતિથી કિરણની પત્ની કુસુમબેનને વળતો ફોન કરું છું એમ કહી વાત બંધ કરી.
શામજીભાઈએ હીરાની ડિલિવરી લેનાર પાર્ટીને ફોન કરતા ખબર પડી કે કિરણનો નીકળતી વખતે ફોન હતો, પરંતુ હજુ સુધી એ ડિલિવરી આપવા આવ્યો નથી. શામજીભાઈને હવે કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ. એમણે તરત બીજો ફોન કિરણને કર્યો. કિરણનો ફોન સ્વિચ્ડ ઓફ આવતો હતો. બે ત્રણ કલાકોમાં બધી શક્યતાઓને ફમ્ફોળ્યા બાદ લંડન પોલીસને જાણ કરવામાં આવી. કુસુમબેનને પણ હકીકતની જાણ કરી અને શાંતિ રાખવા કહ્યું. શામજીભાઈના એ કુટુંબ ઉપર ચાર હાથ હતાં એટલે કુસુમબેન વાત સમજી શક્યા.
વર્ષોથી શામજીભાઈની કંપનીમાં આવો એકપણ બનાવ બન્યો ન હતો. કિરણ એમનો સૌથી વફાદાર માણસ હતો. આજ સુધીની હીરાની ડિલિવરીનું કામ એજ કરતો. એક કુટુંબી જેવો હતો એટલે અવિશ્વાસને કોઈ સ્થાન ન હતું. શામજીભાઈને હીરાની કિંમત કરતાં કિરણની જાણ વધુ કિંમતી હતી. જ્યાં જ્યાં એમણે શક્યતાઓ લાગી ત્યાં ત્યાં બધે પૂછપરછ કરાવી. પોતાના માણસોને જે રૂટ ઉપરથી કિરણ જવાનો હતો તે રૂટ ઉપર ચકાસણી કરાવી, કદાચ એક્સીડંટ તો નથી થયોને ? લંડન પોલીસ પણ ખુબ જ સતર્કતાથી શોધ લઇ રહી હતી. શામજીભાઈના પત્ની મમતાબેન રોજ કુસુમબેનને એના ઘરે મળવા જતા અને સારું થશે એવો દિલાસો આપતાં.
આઠ દિવસ બાદ હાઇવેથી વીસ મીટર અંદર આવેલી ઝાડીમાંથી કંઈક દુર્ગંધના આધારે છાનબીન કરતાં ખબર પડી કે એક કાર ઝાડીમાં અંદર છે અને કારમાં સડેલી હાલતમાં એક બોડી છે. લંડન પોલીસે ગાડીના નંબર પ્લેટના આધારે નક્કી કર્યું કે લાશ કિરણની જ હોવી જોઈએ. બોડીને પોસ્ટમાર્ટમ માટે મોકલી ત્યારે એના ખીસાના પાકીટ માં એનું આઇડેન્ટિટી કાર્ડ મળ્યું. કિરણને છાતીમાં ગોળી વાગેલ હતી. રિપોર્ટ અને પુરાવાના આધારે બોડી કુસુમબેનને સોંપવામાં આવી. શામજીભાઈએ વિધિવત અંતિમ સંસ્કાર કર્યા. મમતાબેને, કુસુમબેનની હવે પછીને બધી જવાબદારી ઉપાડી લીધી.
લંડન પોલીસને ખરા ગુન્હેગાર શોધવાના બાકી હતાં અને શામજીભાઈને એમના ધંધાને નુકસાન પહોંચાડનાર દુશ્મનનો તાગ મેળવવાનો હતો.
(ક્રમશઃ)