21 mi sadi nu ver - 32 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનુ વેર - 32

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

21મી સદીનુ વેર - 32

21મી સદીનું વેર

પ્રકરણ-32

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

સવારે ઉઠીને કિશને નિત્યક્રમ પતાવ્યા પછી નાસ્તો કરવા ગયો. ત્યાંથી આવીને તેણે 11 વાગ્યા સુધી થોડા ફોન કર્યા અને નેહાને ફોન કરી ત્યાંના કેસની વિગતો અને કામની ચર્ચા કરી. જેવા અગીયાર વાગ્યા એવો કિશને શિતલને ફોન લગાવ્યો કિશનને ખબર હતી કે 11 વાગ્યે શિતલ તેની ઓફીસ પહોંચી જતી. બે રીંગ વાગ્યા બાદ સામેથી ફોન ઉચકાયો એટલે કિશને વાત શરૂ કરતા કહ્યુ. “ કોણ શિતલ વસાવા બોલે છે? “

“ હા, હું શિતલ જ બોલુ છુ. તમે કોણ બોલો છો? “

“ હુ તમારો એક શુભ ચિંતક બોલુ છું. મારે તમને મળવુ છે. ”

“ તમે પહેલા તમારૂ નામ કહો. અને મને શુ કામ મળવા માગો છો?”

“ નામમાં શુ રાખ્યુ છે? કામ મહત્વનુ છે. અને કામ મારૂ નહી પણ તમારૂ છે. જો તમે ઇચ્છતા હોય કે તમારી બંધ મુઠી બંધ જ રહે તો તમે મને મળવા આવો. ”

થોડીવાર સામેથી કોઇ જવાબ ના આવતા કિશનના મોઢા પર સ્માઇલ આવી ગયુ. કેમ કે કિશન આ રીતે શિતલને કંફ્યુઝ કરવાજ ઇચ્છતો હતો. થોડીવાર બાદ શિતલે કહ્યુ “ જો મિસ્ટર તમે જે કોઇ હોય તે મને નથી ખબર કે તમે મને શુ કામ ફોન કર્યો છે પણ મને લાગે છે કે તમે કોઇ ખોટો નંબર લગાવી દીધો છે. ”

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો “ અરે મેડમ હોય કાઇ, આ નંબર શોધવા માટે તો ખુબ મહેનત કરવી પડી છે. અને તમારા અવાજ ઉપરથી જ ખબર પડે છે કે નંબર તો સાચો જ છે. અને મે તો તમારી મદદ માટે ફોન કર્યો છે. ”

શિતલે વિચાર્યુ આ રીતે ગભરાવાથી કામ નહી ચાલે એટલે તેણે કહ્યુ “ જો તમને એક વાત કહી દઉ છુ તમે મને ખોટી ડરાવવાની કોશિષ કરો નહી. મારી કોઇ બંધ મુઠી નથી. અને તમે મને ઓળખતા નથી હું તમને આ રીતે ખોટા બ્લેકમેઇલીંગના કેસમાં અંદર કરાવી દઇશ. ”

આ સાંભળી કિશન ફરીથી જોરદાર હસ્યો અને બોલ્યો “ અરે મેડમ હું તમને એટલો ઓળખુ છુ જેટલો તમારો બોયફ્રેંન્ડ પણ નથી ઓળખતો. તમારી આખી જન્મ કુડળી મારી સામે પડી છે. અને હવે ખોટી મજાક કરવાની બંધ કરો અને સીધા વાત પર આવો મારી પાસે ટાઇમ નથી. ”

આ બોલતી વખતે કિશનનો અવાજ એટલો ઉંચો થઇ ગયો કે શિતલ રીતસરની ધ્રુજી ગઇ. તેને સમજાઇ ગયુ કે આ જે કોઇ છે તે પુરતો પહોચેલો માણસ છે. તે વિચારવા લાગી કે કોણ હોઇ શકે જે મારા વિશે બધુજ જાણતુ હોય. સામેથી કોઇ જવાબ ના મળતા કિશને કહ્યુ “ ઓકે મિસ શિતલ જો તમે તમારા બોયફ્રેંડની વાત તમારા પતિથી છુપાવતા ના માગતા હોય તો મને કોઇ વાંધો નથી. બાય”

કિશનની વાત સાંભળી શિતલ ના હોસ કોસ ઉડી ગયા. એટલે તેણે તરતજ કહ્યુ

“ સોરી તમે ફોન નહી મુકતા હું તમે કહો છો ત્યાં મળવા માટે તૈયાર છુ. ”

“ કિશને કહ્યુ ઓકે તો તમે મને બપોરે બે વાગ્યે અઠવાલાઇન્સ પર આવેલ “ કોફી કાફે ડે ( C. C. D)

આવી જજો. ત્યા જમણી બાજુ પરના કોર્નર ટેબલ પર બેસી જજો. હું તમને ત્યાંજ મળીશ. ઓકે બાય. ” એમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો.

ત્યારબાદ કિશને બેસીને આખી વાતનુ રેકોર્ડીંગ સાંભળ્યુ. તેને લાગ્યુ વાતચિત તો મે બરાબર જ કરી છે. તે ગભરાઇ પણ ગઇ હતી. છતા જોઇએ મળવા આવે છે કે નહી નહીતર પછી બીજો પ્લાન અમલમાં મુકવો પડશે. ઘણીવાર સુધી તે એમજ વિચાર કરતો બેઠો રહ્યો. ત્યારબાદ તે જમવા ગયો. જમીને આવીને તે 1;30 વાગ્યેજ સી. સી. ડી પહોચી ગયો. ત્યાં પહોંચી જે ટેબલ તેણે નક્કી કર્યુ હતુ તેની એક્ઝેટ સામેના ખુણાના ટેબલ પર તે બેઠો. તેણે ટેબલ એ રીતે પસંદ કર્યુ કે જેથી દરવાજામાંથી આવતા દરેક વ્યક્તિને તે પાસેના રોડ પરથીજ જોઇ શકે. કિશને એક કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો અને તે પીતા પીતા બેઠો. 15 મિનિટ પછી એક યુવાન ટોપી અને ગોગલ્સ પહેરીને દાખલ થયો. તેને જોઇને કિશનના ચહેરા પર સ્માઇલ આવી ગયુ. તે યુવાન શિતલ માટે નક્કી કરેલા ટેબલની એકદમ પાછળના ટેબલ પર જઇને બેઠો. થોડીવાર બાદ એક યુવતી જીન્સ અને ટીસર્ટ પહેરી દાખલ થઇ તેણે પહેલા આખી કાફેમાં નજર ફેરવી પછી તે પેલા યુવાનના પાછળના ટેબલ પર જઇને બેઠી. તે શિતલ હતી. કિશને થોડીવાર તેને બેસવા દીધી. અને જોયુ કે કાંઇ હાલ ચાલ થાય છે કે નહી. થોડીવાર બાદ તેણે શિતલને ફોન કર્યો અને કહ્યુ કોઇ પણ જાતની ચાલાકી કર્યા વગર તમારી સામેના ખુણાના ટેબલ પર હું બેઠો છું ત્યાં આવી જાવ. શિતલ ટેબલ પરથી ઉભી થઇ અને સામેના ટેબલ પર ગઇ. કિશને કહ્યુ “બેસો. ”એટલે શિતલ તેની સામેની ખુરશી પર બેઠી. કિશને પુછ્યુ “બોલો શુ લેશો? “

આ સાંભળી શિતલે કહ્યુ “ મારે કાઇ નથી લેવુ. હું અહી તમારી સાથે ગપ્પા મારવા નથી આવી જે પણ કહેવુ હોય તે કહી દો. મારી પાસે વધુ સમય નથી. ”

આ સાંભળી કિશને કહ્યુ “ સમય તો આમ પણ તમારી પાસે હવે ઓછો જ છે પણ છતા કઇક લેવુ તો પડશે જ. ”

આ સાંભળી શિતલ કિશન સામે જોઇ જ રહી. અને વિચારવા લાગી કેટલો હેંડસમ યુવાન છે. પણ અત્યારે તે મને સહેજ પણ ગમતો નથી. અનીચ્છાએ શિતલે કહ્યુ “ કોલ્ડ કોફી વીથ આઇસ્ક્રીમ”

કિશને વેઇટરને બોલાવી ઓર્ડર આપ્યો. અને પછી બોલ્યો “હા તો મિસ શિતલ કદાચ અત્યારે તમને મારા પર ખુબ ગુસ્સો આવતો હશે. પણ તમને એક વાત કહુ મને પણ ખુબજ ગુસ્સો આવેલો જ્યારે મે તમારૂ અસલી રૂપ જોયુ હતુ,”

આ સાંભળી શિતલે કહ્યુ “ જો મિસ્ટર હું અહી તમારો બકવાસ સાંભળવા નથી આવી. તમારે જે કાંઇ પણ કહેવુ હોય તે સ્પષ્ટ કહો. ”

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો “ તમે ખેલ તો બીજાની જીંદગીને ચકરાવે ચડાવી દો એવા કરો છો અને વાત સ્પષ્ટ સાંભળવી છે. ઓકે બધુ જ સ્પષ્ટ થઇ જશે. પણ સ્પષ્ટ વાત સાંભળવા માટે સ્પષ્ટ વાત સ્વીકારવાની ત્રેવડ હોવી જોઇએ જે તમારામાં નથી. ”

કિશને હજુ બોલવા જતો હતો ત્યાં વેઇટર ઓર્ડર લઇને આવી ગયો એટલે કિશન વાત કરતો રોકાઇ ગયો. જેવો વેઇટર ઓર્ડર લઇને ગયો કે તરતજ કિશને કહ્યુ “ મેડમ સ્પષ્ટ વાત સાંભળવા માટે સાચો ઇરાદો જોઇએ. ”

શિતલે કહ્યુ “ વાત સાંભળવા માટે તો તમને મળવા આવી છુ. નહીતર તમને ના પાડી શકી હોત. ”

આ સાંભળી કિશનના મો પર તુચ્છકાર ભરેલુ સ્માઇલ આવી ગયુ અને બોલ્યો “ના પાડવાની તો તમારી ત્રેવડ નહોતી. જેના માટે 6 વર્ષથી મહેનત કરી હોય તે કારસો ફેઇલ જાય તે તમને અને તમારા બોય ફ્રેંડને ક્યાંથી પરવડે? “

ત્યારબાદ શિતલના રીએક્શન જોવા તે થોડીવાર રોકાયો. હવે તેને શિતલની આંખમાં એક પ્રકારનો ભય દેખાતો હતો. અને આજ તકની કિશન રાહ જોતો હતો. એટલે કિશને કહ્યુ મેડમ વાત સાંભળવી હોય તો પહેલા તમારા મોબાઇલ માં જે કોલ તમે ચાલુ રાખ્યો છે તે બંધ કરી દો. ”

આમ કહી કિશને મોબાઇલ લેવા હાથ લંબાવ્યો. શિતલ તો જાણે ભુત જોતી હોય તેમ તેના હાથ તરફ જોતી રહી. શિતલને હજુ સુધી સમજાયુ નહોતુ કે કિશનને કેવી રીતે ખબર પડી કે તેણે તેના બોયફ્રેંડ વાત સાંભળી શકે તે માટે કોલ કરીને ચાલુ રાખ્યો છે. શિતલને એક વાત સમજાઇ ગઇ કે સામે બેઠેલો યુવાન જેવો તેવો નથી. શિતલ તરફથી કોઇ પ્રતિભાવ નહી મળતા કિશને ફરી થી કહ્યુ “મોબાઇલ પ્લીઝ. ”

શિતલે પર્સમાંથી મોબાઇલ કાઢીને કિશનના હાથમાં મુકી દીધો. કિશન મોબાઇલમાં કોલ કટ કરીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો. અને બોલ્યો મેડમ એક વાત સમજી લેજો કે મારી પાસે વધુ ચાલાક થવાની કોશીષ કરશો તો ગુમાવવાનુ તમારેજ છે. ”

શિતલના મોઢાના હાવભાવ જોઇ કિશન સમજી ગયો કે હવે તે પુરી મારા કંન્ટ્રોલમા આવી ગઇ છે.

એટલે કિશને કહ્યુ “ ઓકે હવે તમને પહેલા એક વસ્તુ બતાવી દઉ જેથી તમને આખી વાત સમજાય જાય. ” એમ કહી કિશને તેની બેગમાંથી એક કવર કાઢી શિતલના હાથમાં મુકી દીધુ.

શિતલે કવર લઇ અને જેવુ અંદરથી વસ્તુ બહાર કાઢી એ સાથેજ તે જાણે પથ્થર હોય તેમ થીજી ગઇ. એ કવરમાં તેના અને રૂપેશના અંગત ક્ષણોના ફોટા હતા. શિતલે એક પછી એક બધાજ ફોટા જોયા. અને બોલી “તો તમે મને આ ફોટાને હિસાબે બ્લેક મેઇલ કરવા માગો છો એમ? ”

કિશને કહ્યુ “ના, બ્લેક મેઇલ તો તમે કોઇને કરો છો હું તો માત્ર તેમા મારો ભાગ માગુ છું?”

આ સાંભળી શિતલ મુંજાઇ ગઇ કે આ કેટલુ જાણે છે તે ખબર પડતી નથી. તેના હાવભાવ જોઇ કિશને તેના પર્શમાંથી બીજો એક કાગળ કાઢ્યો અને બોલ્યો “તમારી બધીજ મુંજવણ આ કાગળ જોઇ દુર થઇ જશે. ” એમ કહી કિશને તે કાગળ શિતલના હાથમા આપ્યો, એ કાગળ લઇ શિતલે વાચ્યો એવો તેનો શક દુર થઇ ગયો. એ કાગળ શિતલના વકીલે શિખરને મોકલેલી છુટાછેડાની નોટીસ ની નકલનો હતો. આ જોઇ શિતલની આંખમાંથી આંશુ વહેવા લાગ્યા. તેને સમજાઇ ગયુ હતુ કે સામેવાળા માણસ પાસે તેના બધાજ પતા હતા. અને હવે તે તેને બ્લેક મેઇલ કરી શકે એમ હતો.

શિતલના આંખમાંથી આંશુ નીકળતા જોઇ કિશને તેને ટીશ્યુ પેપર આપ્યુ અને બોલ્યો “ આ આશુ જો મે અઠવાડીયા પહેલા જોયા હોત તો ચોક્કહશ મને તમારી દયા આવી હોત પણ અત્યારે નહી કેમકે હવે હું તમારી અસલીયત સારી રીતે જાણુ છુ. ”

શિતલ હવે ફરીથી પોતાના અસલી રૂપ માં આવી ગઇ અને બોલી “ તમે શુ ઇચ્છો છો મારી પાસેથી?”

આ સાંભળી કિશનના મોઢા પર સ્માઇલ આવ્યુ અને તે બોલ્યો “હા, હવે તમે કાઇક શિતલ વસાવાને છાજે તેવી વાત કરી. મારે શુ જોઇએ છે તે તો હું તમને પછી કહીશ પહેલા તમે સામે બેઠેલ તમારા બોયફ્રેંડને આ બતાવી નક્કી કરો કે તમે શુ આપી શકો એમ છો. હું તમને કાલે ફરી કોલ કરીશ. અને આ વખતે સામે બેઠેલા મી. રૂપેશને કહેજો કે કોઇ ચાલાકી ના કરે નહીતર તમારી છ વર્ષની મહેનત પર પાણી ફરી જશે. ” એમ કહી કિશન બીલ ચુકવી ત્યાંથી નીકળી ગયો.

તેના ગયા પછી થોડીવાર બાદ રૂપેશ પોતાના સ્થાન પરથી ઉભો થયો અને શિતલ પાસે આવ્યો. શિતલે તેને આખી વાત કહી અને કહ્યુ “ આપણે ખરાબ રીતે ફસાઇ ગયા છીએ. તે બધુજ જાણે છે. તે એકલો નથી લાગતો તેની આખી ટુકડી છે. અને તેને બધીજ વાતની ખબર છે,તે એ પણ જાણતો હતો કે તુ સામે બેઠો છે. ”

ત્યાર બાદ બન્ને એ ઘણી વાતો કરી પણ તેને કોઇ ઉકેલ સુજ્યો નહી. રૂપેશે કહ્યુ “કાલે એ મળવા આવે ત્યારે તેને પકડીને બધુ ઓકાવી લઇએ. ”

આ સાંભળીને શિતલ ગુસ્સે થઇ ગઇ અને બોલી “ શુ ગાંડા જેવી વાત કરે છે. હું તને કહુ છું કે તે એકલો નથી તેની આખી ગેંગ છે. અને તે કાઇ બધુ સાથે લઇને ફરે તેવો ગાંડો નથી. અને હવે આપણો પ્લાન સફળ થવાની નજીક છે ત્યારે કોઇ ઉતાવળ કરીને બાજી બગડી જાય તેવુ ના કરાય. ”

રૂપેશને પણ શિતલની વાત સાચી લાગી એટલે તેણે કહ્યુ “તો હવે શુ કરવુ છે આનુ?”

શિતલે કહ્યુ “ હમણા કાંઇ કરવુ નથી. કાલે તે મળીને શુ કહે છે અને શેની માંગણી કરે છે તે જોઇએ. પછી તેનુ શું કરવુ છે તે વિચારીશુ. ” રૂપેશ પણ તેની વાત સાથે સહમત થયો. અને ત્યાર બાદ બન્ને ત્યાંથી નીકળી અને ઘરે ગયા.

બિજા દીવસે કિશને થોડા કામ પતાવ્યા અને બપોર સુધી ફર્યા કર્યો. તેણે છેક સાંજે 4 વાગે શિતલને ફોન કર્યો. તે જાણતો હતો કે શિતલ તેના ફોનની સવારથીજ રાહ જોતી હશે. પણ કિશન હવે આ બધી બાબતમાં પાવરધો બનતો જતો હતો. તે જાણતો હતો કે કોઇને બહુ લાંબો સમય ઉંચાટમાં રાખી રાહ જોવડાવો તો તેની હિંમત અડધી તુટી જાય છે. અને કિશનના પ્લાન મુજબ આ ખુબજ જરૂરી હતુ. તેથી છેક 4 વાગે શિતલને ફોન કર્યો. અને કહ્યુ કે “તમે એક્ઝેટ 5 વાગે અઠવાગેટ સર્કલ પર વળાંકમાં ઉભા રહેજો ત્યાં એક કાર તમારી પાસે આવીને ઉભી રહેશે તેમા બેસી જજો. ”એમ કહી કિશને ફોન મુકી દીધો. તરતજ શિતલે રૂપેશને ફોન કરી જાણ કરી એટલે રૂપેશે કહ્યુ “ તુ ચિંતા ના કરતી હું બાઇક લઇને તારો પીછો કરીશ અને એવુ કાઇ લાગે તો મને કોલ કરી દેજે હું આવી જઇશ. ”

સાંજે 5 વાગે શિતલ અઠવાગેટ સર્કલ પર ઉભી હતી ત્યાં એક ટેક્ષી આવી અને તેની પાસે ઉભી તેના ડ્રાઇવરે દરવાજો ખોલીને કહ્યુ “મિસ. શિતલ બેસી જાવ. ”. શિતલ કાંઇ પણ બોલ્યા વગર ટેક્ષીમાં બેસી ગઇ એટલે ડ્રાઇવરે કહ્યુ “તમારો મોબાઇલ મને આપી દેવો પડશે”. શિતલને એકવાર તો ના પાડી દેવાની ઇચ્છા થઇ ગઇ. પણ તે બોલી શકી નહી. તેણે મોબાઇલ ડ્રાઇવરના હાથમાં મુકી દીધો. ડ્રાઇવરે કારને સ્ટેશન તરફ જવા દીધી અને સ્ટેશનની સામે આવેલ એક હોટલ પાસે ગાડી રોકી. અને શિતલને કહ્યુ “સામે રેસ્ટોરન્ટમાં તમારી રાહ જોવાઇ રહી છે. ” શિતલ ટેક્સીમાંથી ઉતરી અને તેણે રૂપેશને શોધવા માટે પાછળ નજર કરી. રૂપેશ બાઇક લઇને ઉભો હતો. એટલે શિતલને થોડી રાહત થઇ અને તે રેસ્ટોરન્ટ તરફ આગળ વધી. જેવી શિતલ રેસ્ટોરન્ટમાં દાખલ થઇ કે તરતજ રૂપશે બાઇક થોડી આગળ લઇ પાર્ક કરી અને એક ફોન કર્યો અને કહ્યુ “ હા સ્ટેશનની સામે બધાને લઇને આવી જા. દીકરાને આજ સીધો કરી દઇએ. ” એમ કહી તેણે ફોન કટ કરી દીધો અને શિતલ જે રેસ્ટોરન્ટમાં દાખલ થઇ હતી તેમાં ગયો. અને રેસ્ટોરન્ટમાં ચારે બાજુ નજર કરી પણ ક્યાંય શિતલ તેને દેખાઇ નહી. તે રેસ્ટોરંટમાં અંદર ગયો અને બધાજ ટેબલ પર બેઠેલા વ્યક્તિ પર તેણે નજર નાખી લીધી પણ તેને કયાંય શિતલ દેખાઇ નહી. તેને કપાળ પર પરસેવો વળી ગયો. હવે તેને સમજાઇ ગયુ હતુ કે પોતે ઉલ્લુ બની ગયો છે. અને તેને ખબર પડી ગઇ કે આ વ્યક્તિ જે પણ છે તે ખુબજ હોશિયાર અને તેના કરતા બે સ્ટેપ આગળ વિચારે છે. અને તેની માંગણી સ્વિકાર્યા સિવાય કોઇ વિકલ્પ નથી. અચાનક તેને કઇક યાદ આવતા તેણે શિતલને કોલ કર્યો પણ શિતલનો મોબાઇલ સ્વિચઓફ આવતો હતો. રૂપેશના મોમાંથી એક ગંદી ગાળ નીકળી ગઇ અને તેને પોતાની જાત પર ખુબ ગુસ્સો આવ્યો. પણ તે હવે કાંઇ કરી શકે તેમ નહોતો. તે ત્યાંથી બહાર નીકળ્યો અને તેણે બોલાવેલા માણસો પાસે ગયો. તેણે અડધો કલાક શિતલની રાહ જોઇ અને કેટલીય વખત શિતલને ફોન કર્યા પણ શિતલનો ફોન સતત સ્વિચઓફ આવતો હતો. તેથી તે મનમાં ને મનમાં ઘુંઘવાઇ રહ્યો હતો. છેલ્લે કંટાળીને તેણે બીજા બધાને જવાનુ કહ્યુ અને પોતે બાઇક લઇને ફરી પાછો અઠવાલાઇંસ આવ્યો. તેણે વિચાર્યુ કદાચ ટેક્ષી પાછી શિતલને અહીજ ઉતારવા આવે. તે અઠવાલાઇન્સ સર્કલ પર પહોંચીને કલાકેક રાહ જોઇ છેલ્લે તે ત્યાંથી નીકળવાનુજ વિચારતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી તેણે જોયુ તો શિતલનો જ ફોન હતો. તરતજ તેણે શિતલને કહ્યુ “તુ ક્યાં છે? હું તને ક્યારનોય ફોન ટ્રાઇ કરૂ છુ તારો ફોન કેમ સ્વિચઓફ આવે છે?”

શિતલે તેને કહ્યુ “ હુ અત્યારે તારી સામે ના રોડ પર જ ઉભી છુ” એમ કહી શિતલે હાથ ઉચો કર્યો રૂપેશે પણ હાથ સામે હાથ ઉચો કર્યો અને ફોન કટ કરી બાઇક સ્ટાર્ટ કરી તેની પાસે લઇ જઇને ઉભી રાખી. હજુ રૂપેશ કઇ પુછેતે પહેલાજ શિતલે કહ્યુ બધી વાત પછી કરૂ છુ પહેલા કોઇ સારી બેસી સકાય તેવી જગ્યા પર લઇલે. શિખરે બાજુમાં આવેલ રેસ્ટોરન્ટ પર ગાડી લીધી અને બન્ને અંદર દાખલ થયા. બન્નેએ એક ખુણાનુ ટેબલ પસંદ કર્યુ અને ત્યાં જઇને બેઠા એટલે શિતલે કહ્યુ “પેલા કઇક ઓર્ડર આપ ખુબ ભુખ લાગી છે પછી તને બધી વાત કરૂ. ”રૂપેશે વેઇટરને બોલાવી એક પાવભાજી, એક મૈસુર મસાલા ઢોસા અને બે થમ્સઅપનો ઓર્ડર આપ્યો. અને બોલ્યો હવે તુ મને બધી જ વાત વિસ્તાર થી કહે.

***

શું શિખર કંઇ છુપાવતો હશે ? કોણે કિશનની ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160

Mail id – hirenami. jnd@gmail. com