Bhadram Bhadra - 1 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ 1: નામધારણ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ભદ્રંભદ્ર - પ્રકરણ 1: નામધારણ

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧. નામધારણ

સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. તેમની સાથે હું ઘણા દેશોમાં અને મુલકોમાં ફર્યો હતો. અમદાવાદથી નીકળી નરોડા, કોચરબ, સરખેજ, અસારવા, વટવા વગેરે વિવિધ ભૂમિઓમાં અમે મુસાફરી કરી હતી. તે સાલ તો અમે દક્ષિણમાં નવાપુરા સુધી જઈ પહોંચ્યા હતા. તે શહેરમાં અમે એક મહિનો રહ્યા તેટલામાં દોલતશંકરે સુધારા વિરુદ્ધ ૧૦૮ ભાષણો કર્યા હતાં. વળી એથી અગાડી વધી સાબરમતી નદી ઓળંગી અમે ઠેઠ ધોળકા સુધી જવાના હતા. એવામાં ખબર આવી કે મુંબાઇમાં માધવબાગમાં સુધારા વિરુદ્ધ એક મોટી ગંજાવર સભા મળનાર છે. ખબર આવતાં તરત દોલતશંકરે એમની હંમેશની ચંચળતા મુજબ એક ક્ષણમાં - અડધી ક્ષણમાં વિચાર ફેરવ્યો અને નિશ્ચય કર્યો કે ગમે તેટલાં વિઘ્ન આવે, ગમે તેટલાં કષ્ટ નડે, ગમે તેટલી વિપત્તિઓ પડે, પણ તે સર્વ સામે બાથ ભીડી, તે સર્વ વિરુદ્ધ વિગ્રહ કરી, તે સર્વ પર જય મેળવી મુંબાઇ જવું. મને પણ સાથે લેવાનું ઠર્યું.

અમે રાતોરાત ઊપડ્યા અને સવારે અમદાવાદ પહોંચ્યા. રવિવારે મુંબાઇમાં સભા મળવાની હતી તેથી વચમાં બે જ દિવસ રહ્યા હતા. એટલા થોડા વખતમાં આવી દૂરની મુસાફરીની તૈયારી કરવી એ અશક્ય હતું. પણ દોલતશંકરની દૃઢતા અને ઉત્સાહ કશાથી હઠે એવાં નહોતાં. એક આખો દહાડો અને એક આખી રાત અખંડ ઉજાગરો કરી એમણે સામાન બાંધ્યો. આગગાડીમાં મ્લેચ્છ ચાંડાલાદિના સ્પર્શથી દૂષિત થયેલાં પાટિયાં પર ખાવું અને પાણી પીવું એના જેવું ઘોર પાપ એકે નથી એમ દોલતશંકરે એકેએક ભાષણમાં કહ્યું હતું. તેથી ઉત્તમ દૃષ્ટાંત આપવા માટે એ સિદ્ધાંત અમલમાં આણવાનો આ વખતે એમણે ઠરાવ કર્યો. એમનો વિચાર તો એટલે સુધી થયો કે શ્વાસ પણ સ્ટેશન આવે ત્યારે નીચે ઊતરીને લેવો અને ગાડી ચાલતી હોય તે વેળા પ્રાણાયામ કરી બેસી રહેવું. પણ મેં સૂચવ્યું કે, 'આ ભારત ભૂમિમાં યવનો આવ્યા ત્યારથી હવા તો એકેએક ઠેકાણે ભ્રષ્ટ થયેલી છે અને સ્ટેશન પર પણ ભ્રષ્ટ લોકો ફરતા હોય છે; વળી ગાડી દોડે એટલે હવા તો બદલાતી જાય અને બહારની હવા આવે, તેથી શ્વાસ લેવામાં હરકત નથી.'

આ ખુલાસો સાંભળી દોલતશંકર શંકાશીલ થઈ પ્રથમ તો મારી સામું સ્થિર દૃષ્ટિથી જોઇ રહ્યા. એમનું શરીર સ્તબ્ધ થયું. નાક ઊંચું થયું. રથચક્ર જેવી એમની ગોળ આંખો ચળક ચળક થવા લાગી. માટીના પોપડારૂપી એમના વિશાળ હ્રદયમાં કીડીરૂપી હજારો તર્ક ઊભરાઇ ગયા. અંતે સમાધિ પૂરી કરી શિવ મૌનભંગ કરતા હોય, રાત્રિ પૂરી થયે કૂકડા નિદ્રામાં અશાંતિ દાખલ કરતા હોય, પતરાળીઓ પીરસાઇ રહ્યે બ્રાહ્મણો 'ભો' ઉચ્ચાર કરી બુભુક્ષાનો પરાભવ આરંભતા હોય, તેવા શોભતા દોલતશંકર બોલ્યા, 'અંબારામ ! તને ધન્ય છે. મારા સંગથી તને ખરેખરો લાભ થયો છે. તેં ખરેખરો શાત્રાર્થ કર્યો છે. આગગાડીમાં શ્વાસ લેવામાં હરકત નથી.'

સાથે લેવામાં માત્ર લૂગડાં અને પાથરણાં રહ્યાં. કોટ, પાટલૂન, બૂટ એવા વિલાયતી ઘાટ પર દોલતશંકરને અંતઃકરણથી તિરસ્કાર હતો. તેમનું એ જ કહેવું હતું કે આપણા બાપદાદાનો પહેરવેશ શા માટે છોડી દેવો? કોઇ ચિબાવલા કોઇ વખત તેમ પૂછતા કે આપણા બાપદાદાનો પોશાક તો મુસલમાનના પોશાક પ્રમાણે બદલાયેલો છે. તે આપણા બાપદાદાએ એમના બાપદાદાનો પોશાક કેમ બદલ્યો અને તેમના બાપદાદાએ વલ્કલ પહેરવાં અને ચર્મ ઓઢવાં કેમ મૂકી દીધાં? આવા લોકોને તે એ જ ઉત્તર દેતા કે, 'વેદ વાંચો.' તેથી આવે મહાભારત પ્રસંગે તો એક ધોતિયું પહેરીને, એક ધોતિયું ઓઢીને અને માથે પાઘડી મૂકીને જ મુંબાઇ જવું એવો દોલતશંકરે નિશ્ચય કર્યો. મુંબાઇમાં ટાઢ-તડકો નડશે તો તો હઠયોગનું ફળ પ્રાપ્ત થશે, એમ બે-ત્રણ વાર બોલી ગયા. એટલે મેં એ વાંધો કહાડ્યો જ નહિ.

શનિવારે બપોરની ગાડીમાં ઊપડવાનું હતું તેથી શુક્રવારે રાત્રે હું દોલતશંકરને ઘેર જઈ સૂઇ રહ્યો, કેમ કે સવારે ત્યાં જ ખાવાનું ઠીક પડે તેમ હતું. બીજે દિવસે રાત્રે ઉજાગરો કરવાનો તેથી હું વહેલો સૂઇ ગયો. હું એકાદ કલાક ઊંઘ્યો હઈશ એટલામાં 'ઓ બાપ રે' એવી બૂમ સાંભળી હું જાગી ઊઠ્યો. જોઉં છું તો દોલતશંકર પથારીમાં બેસી ગાભરા ગાભરા ચારે તરફ જોતા હતા. મેં ગભરાઇને પૂછ્યું, 'શું છે ? શું થયું ?'

દોલતશંકર કહે, 'અંબારામ, તેં જતા જોયા ?'

'કોને?'

'મહાદેવને, શંભુને, દીનાનાથને, પાર્વતીપતિને, શંકરને, શિવને, જટાધારીને.'

'સ્વપ્નું આવ્યું હશે.'

'કોણ જાણે, પણ મેં તો સાક્ષાત્ જોયા. આપણને સ્વપ્ન આવે પણ કંઇ દેવ સ્વપ્નમય થઈ ગયા ? ઓ શિવ ! ઓ શંભુ ! ઓ ભોળાનાથ ! દયા કરો, ક્ષમા કરો, ઓહો ! મેં આવો મોટો અપરાધ કર્યો ત્યાં લગી ભાન જ નહિ ! અંબારામ, તને પણ ન સૂઝ્યું ?'

'પણ શું થયું તે તો કહો ? તમે સ્વપ્નથી કેમ આટલા બધા ગભરાયા છો ? દોલતશંકર, તમે સ્વસ્થ -'

'શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, 'ભક્ત ! તું તારા નામમાં 'દોલત' જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-' હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, 'મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.' પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી 'ઓ બાપ રે' કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !

આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, 'આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ' પણ મેં સંભાર્યું કે 'કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.'

આ ગૂંચવાડામાં અંતે ગોરને બોલાવ્યા. ગોર કહે કે 'પ્રાયશ્ચિત અહીં કરો તો ચાલે, પણ એક માસ સુધી નદીતીર્થે ક્રિયા કરવી પડશે અને હજાર ગોદાન આપવાં પડશે. આ પાપ ઘોરતર છે !' મેં ગોરના હાથમાં પાંચ રૂપિયા મૂક્યા અને કહ્યું, 'અમારે કાલે બપોરે ગયા વિના ચાલે તેમ નથી અને લાંબો વિધિ કરવા રહીએ તો ગાડી ચૂકીએ.' ગોર પાંના ઊથલાવી બોલ્યા કે, 'પોતાના કુટુંબના ગુરુને શંકરની પ્રતિમા સારુ સુવર્ણ આપો અને એક ગોદાન આપો તો હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય. સવારે આઠ વાગે પ્રાયશ્ચિતવિધિ પૂરો થશે.' ગોરને દક્ષિણા આપી વિદાય કીધા અને શંકરનું સ્મરણ કરતો હું ઊંઘી ગયો. મારા મિત્ર તો મોડા ઊંઘ્યા હશે, કેમ કે શંકરની જોડે તાંડવ નૃત્ય કરતાં મેં તેમને જોયા એવું અર્ધસ્વપ્ન અને અર્ધજાગ્રત અવસ્થાનું મને ભાન છે.

સવારે આઠને બદલે સાડા સાતે વિધિ પૂરો થયો. ઉપવીત બદલી મારા મિત્રે પોતાનું નામ ભદ્રંભદ્ર પાડ્યું. લોકો અજાણપણે આગલે નામે બોલાવી દોષમાં ન પડે માટે કપાળ પર મોટા અક્ષરે 'ભદ્રંભદ્ર' નામ લોઢું તપાવી પાડવું એવો ભદ્રંભદ્રનો વિચાર થયો. પણ મેં શંકા કરી કે, 'આ નામ શિવને પસંદ પડે પણ વખતે બીજા કોઈ દેવને નાપસંદ પડે તો પછી ઊલટી પીડા થાય. છાપેલું નામ નીકળે નહીં અને તેત્રીસ કરોડ દેવમાંથી કોઇના મિજાજ કેવા હોય અને કોઇના કેવા નહિ, માટે સર્વ દેવોની મરજી જણાઇ જાય ત્યાં સુધી કાંઇ કાયમનું પગલું ભરવું નહિ. દરેક દેવ ખાતર એક એક દિવસ વાટ જોવી એટલે આખર બધાની પસંદગી જણાય જાય.' ભદ્રંભદ્રને આ વિચાર ગમ્યો. માત્ર એટલું કહ્યું કે, 'એ 'પસંદ' શબ્દ યવનોની ભાષાનો છે માટે દેવોના સંબંધમાં તેને સ્થાને 'પ્રસન્ન' શબ્દ વાપરજો.' ગોરે કહ્યું કે, 'દેવોને કોઇ ગરજ નથી પડી કે એક એક દહાડો એક જણ વહેંચી લે. માટે બ્રહ્મભોજન કરાવો તો ભૂદેવો પ્રસન્ન થતાં સ્વર્ગના દેવોને આજ્ઞા કરે.' આ માટે મુંબાઇથી પાછા આવી ગોઠવણ કરવાનું ભદ્રંભદ્રે વચન આપ્યું અને સંકલ્પ કર્યો કે 'આ ગોર સમક્ષ, ગંગાજી સમક્ષ, સૂર્યદેવ સમક્ષ, વાયુદેવ સમક્ષ, અગ્નિદેવ સમક્ષ, વરુણદેવ સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી યાવની ભાષાનો એકે શબ્દ નહિ વાપરું.' ગોરને રૂપિયો આપ્યો એટલે 'शुभं भवतु' કહીને ઘેર જવાની રજા આપી.

***