(આપણે આગળના ભાગમાં વાંચ્યું કે લેખક અને તેમના પિતાએ બુના પર થયેલો પેહલો હવાઈહુમલો નિહાળ્યો. તેમને પોતાની મુક્તિની આશા બંધાઈ. હવે, આગળ વાંચો...)
હવાઈહુમલો પૂરો થતા અમે બધા બહાર આવ્યા. અમે આગ અને ધૂમડાની વાસ વાળી હવામાં શ્વાસ લીધો. અમે ઇચ્છતા હતા કે આવા હવાઈહુમલા દિવસના દસ કલાક થાય. બધા એસ.એસ. ઓફિસર ધીરે ધીરે બંકરોમાંથી બહાર આવ્યા. અમારા કેમ્પનો પ્રમુખ થોડા માણસો સાથે કેમ્પમાં થયેલું નુકસાન જોવા નીકળ્યો. તેના ચેહરા પર ભય હતો. અમને તેના ચહેરા પરનો ભય જોઈને ખુબ આનંદ થયો. એક બોમ્બ કેમ્પની વચ્ચે પડ્યો હતો પણ અમારા સદભાગ્યે ફૂટ્યો નહોતો. અમારે તેને કેમ્પની બહાર લઇ જવો પડ્યો.
કેમ્પની બરોબર વચ્ચે મેદાનમાં સૂપવાળા મોઢા સાથે પેલા કેદીનું શરીર પડ્યું હતું. તે આ હવાઈ હુમલામાં માર્યો ગયેલો એક માત્ર વ્યક્તિ હતો. સૂપના તપેલાઓને ફરીથી રસોડામાં લઇ જવામાં આવ્યા.
એસ.એસ.ના સૈનિકો ફરી પોતાની જગ્યાએ પાછા આવી ગયા હતા. તેમણે વોચ ટાવર પર પોતાની મશીનગનો ફરીથી સંભાળી લીધી હતી. મધ્યાંતર પૂરો થઇ ગયો હતો. બધા પોતાની જગ્યાએ પાછા આવી ગયા હતા.
એક કલાક પછી કામ પર ગયેલી બધી ટુકડીઓ પાછી ફરી. મારા પિતા પણ તેમાં હતા. હું તેમને જોઈને રાજી થયો.
"ઘણા મકાનો પડી ગયા છે પણ કારખાનું સલામત છે." મારા પિતાએ જણાવ્યું.
બીજા દિવસે અમે ખુશી ખુશી મકાનોનો કાટમાળ સાફ કરવા નીકળી પડ્યા.
એક અઠવાડિયા પછી જયારે અમે કામ પરથી પાછા ફર્યા ત્યારે હાજરી પુરવાના મેદાનની વચ્ચે એક ફાંસીનો માંચડો ઉભો કરવામાં આવ્યો હતો. અમને જાણવા મળ્યું કે સૂપ હાજરી લેવાયા પછી આપવામાં આવશે. રોજ કરતા તે દિવસે હાજરી વધારે સમય ચાલી. અમે જોયું કે વોચટાવર પર રહેલી મશીનગનો અમારા પર તકાયેલી હતી. રોજ મળતા આદેશો કરતા આજના આદેશો વધુ કડકાઈથી આપવામાં આવી રહ્યા હતા. વાતાવરણમાં તંગદિલી હતી.
"તમારી ટોપીઓ ઉતારો." આદેશ આવ્યો. એક સાથે દસ હજાર ટોપીઓ માથા પરથી ઉતરી.
"તમારા માથા ઢાંકો." તરત બીજો આદેશ આવ્યો. એક સાથે દસ હજાર ટોપીઓ પાછી પહેરાઈ ગઈ.
આ એક મરતા માણસને સન્માન દેવાની પરંપરા હતી.
થોડીવાર પછી અપરાધીને લાવવામાં આવ્યો. તે એક વર્સોવનો યુવાન હતો. તે ત્રણ વર્ષથી કેમ્પમાં હતો. તે ઊંચો એને ખડતલ હતો. તેને તેની પીઠ ફાંસીના માંચડા તરફ રહે તેમ ઉભો રાખવામાં આવ્યો. તેનો ચેહરો ફિક્કો પડી ગયો હતો પણ તેના મોઢા પર શાંતિ હતી. તેના હાથ નોહતા ધ્રુજી રહ્યા. હજારો કેદીઓથી ઘેરાયેલો તે શાંતિથી એસ.એસ.ના સૈનિકોનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
તેને જજ સામે લાવવામાં આવ્યો. અમારો કેમ્પ પ્રમુખ જજની ભૂમિકામાં હતો. એક અધિકારી આગળ આવ્યો અને તેના અપરાધો વાંચવા લાગ્યો.
"ફ્યુહરર હિમલરની સૂચનાથી… કેદી નંબર… ને હવાઈહુમલા દરમ્યાન ચોરી કરવાંના અપરાધ માટે મૃત્યુદંડની સજા… જેથી તેનો કિસ્સો બીજા કેદીઓ માટે ચેતવણી અને ઉદાહરણ રૂપ બની રહે."
કોઈ પોતાની જગ્યાએથી ન હલ્યું.
મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ઓસચવિત્ઝ અને બીકારુનાં કેમ્પમાં રોજ હજારો લોકો ચીમનીઓમાં આગને હવાલે થઈને મરી રહ્યા હતા. મને હવે તેમના વિષે દુઃખ નોહતું થતું પણ આ ફાંસીના માંચડા પાસે ઉભેલો યુવાન મને હચમચાવી રહ્યો હતો.
"આ બધા જલ્દી પૂરું કરે તો સારું. મને ભૂખ લાગી છે." જુલેક મારી પાછળથી બોલ્યો.
કેમ્પ પ્રમુખે ઈશારો કર્યો અને અમારી હાજરી પૂરનાર અધિકારી આગળ આવ્યો. તેની સહાયતા કરવા અમારામાંથી જ બે કેદીઓ બે વાટકા સૂપ ના બદલામાં તૈયાર થયા હતા. તેઓ પણ આગળ આવ્યા. તેઓ ફાંસી માટેની તૈયારી કરવા લાગ્યા.
અધિકારીએ તેને આંખે પાટા બાંધવા કહ્યું પણ તેણે ના પાડી.
થોડીવાર પછી તેને ફાંસીનો ગાળિયો પહેરાવવામાં આવ્યો. સહાયક તેની નીચે રહેલી ખુરસીને ધક્કો મારે તે પેહલા તેણે રાડ પડી," આઝાદી અમર રહો. જર્મનીનો નાશ થજો."
સહાયકે તેનું કામ પૂરું કર્યું અને તે ફાંસી પર લટકી ગયો.
"તમારી ટોપી ઉતારો." આદેશ છૂટ્યો. બધાએ તેમ કર્યું.
"તમારૂ માથું ઢાંકો." ફરીથી આદેશ આવ્યો. જેનું અમે પાલન કર્યું.
કેમ્પના બધા કેદીઓને તેની લટકતી લાશ પાસેથી પસાર કરવામાં આવ્યા. જર્મનો ફાંસી આપ્યા પછી બધા જ કેદીઓ તે લટકેલી લાશ જુએ તેનું ધ્યાન રાખતા જેથી તેમની બીક કેદીઓમાં કાયમ રહે.
તે દિવસે પણ અમને બધાને વારાફરતી લાશ સામેથી પસાર કરવામાં આવ્યા પછી અમને સૂપ આપવામાં આવ્યો. તે દિવસે સૂપનો સ્વાદ સરસ હતો.
મેં કેમ્પમાં ઘણા કેદીઓને ફાંસીને માંચડે ચડાવતા જોયા હતા. એક પણ કેદીને ફાંસીને માંચડે ચડતા પેહલા રડતા જોયો નથી. તેમના ક્ષીણ શરીરો માંથી જાણે આંસુઓ સુકાઈ ગયા હતા. એક જ કિસ્સો એવો બન્યો હતો કે જયારે ફાંસીના માંચડે ચડનાર કેદી રડ્યો હતો.
બ્લોક નંબર બાવનનો પ્રમુખ એક ડચ હતો. તેનું શરીર પહાડી હતું. તેની નીચે સાતસો કેદીઓ આવતા. તે ખુબ ભલો માણસ હતો. તે કોઈ દિવસ પોતાના કેદીઓને હેરાન નોહતો કરતો. તે ક્યારેય કોઈ કેદીને મારતો નહોતો. તેણે કોઈ દિવસ કોઈ કેદીને અપશબ્દો પણ નોહતા કહ્યા. તેના કેદીઓ તેને મોટા ભાઈની જેમ સન્માન આપતા.
તેણે પોતાની સેવામાં એક નાનો છોકરો રાખ્યો હતો. તે દેખાવમાં એક દમ માસુમ લાગતો. તેનો ચેહરો એક દેવદૂત જેવો હતો. બધા તે છોકરાનું ધ્યાન રાખતા. ડચ બ્લોક પ્રમુખ તેને પોતાના દીકરાની જેમ સાચવતો.
એક વખત બુનાના કેમ્પમાં લાઈટ ચાલી ગઈ. તપાસ કરતા ખબર પડી કે કોઈએ મુખ્ય વીજળી મથકને નુકસાન કર્યું હતું. જર્મનોએ આ અપરાધ માટે પેલા ડચ પ્રમુખને પકડ્યો. તેના બ્લોક માંથી હથિયારો પણ મળી આવ્યા. જર્મનોએ ડચને ખુબ યાતનાઓ આપી પણ તેણે પોતાના કેદીઓ માંથી કોઈનું નામ ન આપ્યું. તેમણે ડચ બ્લોક પ્રમુખને ઓસચવિત્ઝ મોકલી આપ્યો. પછી તેના કોઈ સમાચાર ન મળ્યા.
જર્મનોએ પછી તેના પ્રિય છોકરાને પકડ્યો. તે નાના છોકરાને પણ બહુ યાતનાઓ આપવામાં આવી. તેણે પણ મોં ન ખોલ્યું. કંટાળીને જર્મનોએ તેને અને બીજા બે કેદીઓને ફાંસીએ લટકાવવાનું નક્કી કર્યું.
એક દિવસ જયારે અમે કામ પરથી પાછા આવ્યા ત્યારે ત્રણ ફાંસીના માંચડા મેદાન વચ્ચે તૈયાર કરવામાં આવ્યા હતા. હાજરી લેવાઈ. મશીનગનો ફરીથી અમારી તરફ તકાઈ. દરેક વખતે બનતા ઘટનાક્રમ મુજબ કેદીઓને લાવવામાં આવ્યા. બે કેદીઓ વચ્ચે તે દુઃખી આંખોવાળો નાનો દેવદૂત સાંકળોમાં જકડાઈને ચાલી રહ્યો હતો.
એસ.એસ.ના અધિકારીઓ આજે થોડા ચિંતામાં હતા કેમ,કે હજારો જોવાવાળાઓ સામે એક નાના છોકરાને ફાંસીએ ચડાવવો એ સામાન્ય વાત નોહતી. કેમ્પ પ્રમુખે ચુકાદો સંભળાવ્યો. બધાની આંખો પેલા નાના છોકરા પર હતી. તે ફાંસીના માંચડાના પડછાયામાં ચુપચાપ ઉભો હતો. તેનો ચેહરો બીકના કારણે ફિક્કો પડી ગયો હતો. તે પોતાનો હોઠ ચાવી રહ્યો હતો.
આ વખતે હાજરી પૂરનાર અધિકારીએ જલ્લાદનું કામ કરવાની ના પાડી. ત્રણ એસ.એસ.ના અધિકારીઓએ તેની જગ્યા લીધી.
ત્રણેય કમનસીબ કેદીઓ એક સાથે ખુરશીઓ પર ચડ્યા. તેમના ગળામાં ફાંસીના ગાળીયા પહેરાવવામાં આવ્યા.
"આઝાદી અમર રહો." બે કેદીઓ એ સુત્રોચાર કર્યો.
નાનો છોકરો ચૂપ રહ્યો.
"હે, ઈશ્વર તું ક્યાં છે?" કોઈ મારી પાછળથી બોલ્યું.
એક સાથે ત્રણેય ખુરશીઓને એક સાથે ધક્કો મારવામાં આવ્યો. કેમ્પમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સૂરજ ક્ષિતિજમાં આથમી રહ્યો હતો.
"તમારી ટોપીઓ ઉતારો." આદેશ છૂટ્યો. આદેશ આપનાર અધિકારીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અમે બધા રડી રહ્યા હતા. પછી લટકતી લાશો પાસેથી પસાર થવાની પ્રક્રીયા શરૂ થઇ. એક પછી એક કેદી ત્રણેય લટકતી લાશો પાસેથી પસાર થવા લાગ્યા.
બે કેદીઓ મૃત્યુ પામ્યા હતા તેમની જીભ બહાર લટકી રહી હતી. તેમની જીભ ભૂરી થઇ ગઈ હતી પણ ત્રીજું દોરડું હજુ હલી રહ્યું હતું. છોકરો હજુ તરફડી રહ્યો હતો. તેનું વજન ઓછું હતું માટે તે હજુ મર્યો નહોતો. દોરડું તેના ગળાને ભીંસી રહ્યું હતું અને તે શ્વાસ લેવા માટે તરફડી રહ્યો હતો.
તે અડધી કલાક સુધી જીવન અને મરણ વચ્ચે જોલા ખાતો રહ્યો અને અમે તેને આ પરિસ્થિતિમાં જોવા વિવશ હતા. હું તેની સામેથી પસાર થયો ત્યારે તે હજુ જીવતો હતો. દોરડા પર લટકેલું તેનું શરીર હજુ તરફડી રહ્યું હતું. તેની બહાર નીકળી ગયેલી જીભ હજુ લાલ હતી. તેની આંખોમાં હજુ જીવ હતો.
"હે, ઈશ્વર તું ક્યાં છે?" મારી પાછળ રહેલો કેદી ફરીથી બોલ્યો.
"ઈશ્વર ક્યાં છે? ઈશ્વર અહીંયા જ છે. ઈશ્વર અત્યારે ફાંસીના માંચડા પર લટકી રહ્યો છે." મારી અંદરથી અવાજ આવ્યો.
તે રાત્રે સૂપમાં મડદાનો સ્વાદ આવ્યો.
(ક્રમશ:)