Aansude chitarya gagan - 35 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચીતર્યા ગગન ૩૫

Featured Books
Categories
Share

આંસુડે ચીતર્યા ગગન ૩૫

આંસુડે ચિતર્યા ગગન

(35)

‘તો ભાભી એમ કહો ને… ? અર્ચના કાઢી આપશે.’ અંશ બોલ્યો.

‘ના હું અહીં હોઉં પછી અર્ચનાનું એ કામ નહીં. એ તો મારું જ કામ.’

‘ભલે ભાભી તમે કરજો એ કામ. પણ ગોળી લેવાનું ચુકાશે નહીં કારણ કે એ તો ખૂબ જ જરૂરિયાતની ગોળી છે. એટલે શેષભાઈને જમાડીને પછી તમારે એ ગોળી લઈ લેવાની. બરાબર ?’ અર્ચનાના આ જવાબથી અંશ અને શેષભાઈ બંને સ્તબ્ધ થઈ ગયા.

‘ના – અર્ચના તારા ડિપાર્ટમેન્ટમાં તેં મારો ચંચુપાત નથી ચાલવા દીધો – મારા ડિપાર્ટમેન્ટમાં તારે નહીં બોલવાનું શું ?’

‘ભાભી – હું હવે ચુપ -’ અર્ચના અંશ તરફ ફરતા બોલી – ‘પણ ભાભીને ભાઈ સાથે થોડી ગપસપ કરવી હોય તો ?’

અંશ – ‘ના કહીને તને અર્ચના – કેમ બહુ બોલે છે ? ભાભીની જોડે તને પણ સાંજે જ દવા મળી જશે.’

‘અંશભાઈ ગુસ્સે ન થાવ. પણ મેં હમણાં ક્યાંક વાંચ્યુ હતું કે ઊંઘની ગોળીની ખરાબ અસરો આવનારા બાળક પર પણ પડે છે. તેથી હું જરા વિચાર કરવાનું કહેતી હતી. ’

‘એટલે તમને મારા પર વિશ્વાસ નથી કેમ ?’

‘ના, એવું તો નથી પણ… ઝેર જેટલું પેટમાં ઓછું જાય તેટલું સારું.’

‘બિંદુ , દવાને ઝેર ન કહેવાય.’ – શેષ

‘હા પણ જરૂર ન હોય છતાં પણ લઈએ તો તે ઝેરની જ અસર કરે.’

‘એ નક્કી કોણે કરવાનું ? જરૂર છે કે નહીં એ નક્કી કરવાનું કામ અંશનું છે.’

‘હા ભાભી – એ એમનું ડિપાર્ટમેન્ટ છે. માંડી વાળોને વાત… તમારી અને મારી એક પણ વાત નહીં ચાલે.’

‘પણ અંશભાઈ હું દવા લઈ લઈશ. એમને જમાડ્યા બાદ.’

‘દવા તો સમયસર જ લેવાની ’ રુક્ષ અવાજે તે બોલ્યો. ‘પણ શેષભાઈ તમે હવે મોડા ન આવશો.’

‘ભલે…’ – કહીને શેષ હાથ ધોવા ઊભો થયો.

***

ક્લીનીક ઉપર શેષભાઈનો ફોન આવ્યો. અર્ચનાને આજે થયેલી ચર્ચા વિશે પૂછ્યું ત્યારે અર્ચનાએ કહ્યું એ પણ ચિંતામાં છે. એમણે વાંચ્યુ છે એ સાચું પણ છે. પણ હવે શું કરવું તેની ફિકર કરે છે.

‘અર્ચના – અંશને આપ ને.’

‘હા.’

‘હેલો ! અંશે ફોન હાથમાં લેતા કહ્યું.’

‘અંશ ઊંઘની ગોળી હવે બિનઅસરકારક શસ્ત્ર છે. તો પાછું મારું શેષને નામશેષ કરતું શસ્ત્ર અજમાવું ?’

‘ના એ ચાલે તો નહીં એમનો આ ચોથો મહિનો ચાલે છે. એકાદ મહિનો જતો રહેશે તો પછી આ એમની કામેચ્છા સંતૃપ્ત થઈ જશે.’

‘ત્યાં સુધી શું ?’

‘અગ્નિ પરીક્ષા તો થશે જ. પણ હું કેપ્સ્યુલ આપું છું. દવા બદલું છું. ક્યારેક હદ મૂકે તો આવનાર બાળકને આ બધું ખૂબ નુકસાનકર્તા છે તેવું દર્શાવતા બે ત્રણ લેખોના કટિંગ મારી પાસે છે. તે પણ વંચાવશું.’

‘તો હું ચિંતા ન કરું ?’

‘ચિંતા તો રહેશે જ… કારણ કે આ વસ્તુ આજે નહીં તો કાલે સ્ફોટક રૂપ તો ધારણ કરવાની જ છે. અર્ચનાને આપું છું.’

‘શેષભાઈ ! અંશ કહે છે તે નાનકડો રસ્તો અપનાવીએ. જેથી તેઓ સ્વૈચ્છિક બંધન સ્વીકારે તે યોગ્ય છે. અને તમે તેમને પ્રેમથી અને જતનથી સાચવતા રહો.’

-‘પણ મર્યાદા ચૂકે અને એ આગળ વધે તો મારી ક્ષતિ વિશે તે વાકેફ થઈ જશે.’

‘ચિંતા ન કરો – એવું નહીં થાય. કારણ કે આ લેખ અસરકારક છે. અને અંશ એમને એ વિશે વાકેફ કરશે. તો પછી તમે એ કાલ્પનિક તકલીફમાં નહીં મુકાઓ.’

‘હું તો અહીં આવ્યો છું ત્યારથી એ ચિંતામાં પડ્યો છું – આ વળી નવું એને શું સૂજ્યું ?’

‘નવું નવું તો કંઈક ને કંઈક ચાલે જ રાખવાનું – એની બહુ ફિકર ન કરો.’

‘પણ મને લાગે છે. એવી પરિસ્થિતિ ઊભી થશે. તો હું સાચું કહી દઈશ. આ જૂઠનો મને હવે ભાર લાગે છે.’

‘અર્ચનાને પૂછીને કહું -’ ફોનનું રિસીવર બાજુ પર લઈ અર્ચનાને પૂછ્યું – ‘એવી પરિસ્થિતિ જો કદાચ સંભવે તો શેષભાઈ સાચેસાચું જ કહી દેવા માંગે છે. કહી દે ?’

‘ના એમ ન કરતા – હમણાં પ્રેગનન્સી પતવા દો. પછી…’

‘હેલો ! એ ના કહે છે.’

‘ભલે .’

‘એક કામ કરો – એક મહિનાની લૉંગ ટૂર ગોઠવી દો.’

‘ભલે એમ કરું.’ કહી શેષે ફોન ડીસકનેક્ટ કર્યો.

***

‘આ બાજુ બિંદુ પડી પડી વિચારતી હતી. અંશભાઈ આ બાબતે કેમ જિદ્દી થઈ ગયા છે. આવો ગુસ્સો કદી નથી કરતા. ખેર લાવ છાપું વાંચું…. બેડરૂમમાં આડી પડી પડી છાપું વાંચતી હતી. ત્યાં અચાનક એની નજરે ફૂલ ગયું ને ફોરમ રહીમાં નાનકડી કોઈક બેબીનો ફોટો દેખાયો. દ્વિતીય પુણ્યતિથિ અમારી લાડલી ટીનુને ભાવભરી શ્રધ્ધાંજલી – તારા પપ્પા મમ્મી.’

ટીનુનાં ફોટાને જોતાં અચાનક એનું માતૃહૃદય અંશીતાની યાદોથી ભરાઈ ગયું… કેવી મીઠડી દીકરા હતી એની… મુઓ પીટ્યો સિંહા… મારી દીકરીને મારી નાખી… એનું હૃદય ગ્લાનિથી ભરાઈ ગયું… એને અચાનક અંશીતાનો ફોટો જોવાનું મન થઈ આવ્યું. સામે ફૂલ સાઈઝનો અંશીતાનો ફોટો હોવા છતાં જુનું આલ્બમ જોવાનું મન થઈ ગયું. એણે કબાટ ખોલ્યું અને આલ્બમ કાઢવા ફાંફા માર્યા.

ત્યાં અચાનક એના હાથમાં શેષની ડાયરી આવી. જોયું તો શેષ લખતો હતો – ઘણું લખતો હતો તેણે વાંચવાની શરૂઆત કરી.

સમયના ચક્કરમાં આપણે ક્યાં કેવી રીતે અટવાયા છીએ, ખબર પડતી નથી. કારણ સ્પષ્ટ છે. તે તારાથી સહન થવાનાં નથી. તેથી આ પાગલ અવસ્થામાં તને અંશ ને ભરોસે છોડી છે.

‘આજે રાવજીને ફોન કર્યો. પૂના બોલાવ્યો છે. મન અજંપાથી ભરેલું છે. છાપામાં અંશીના મૃત્યુના સમાચાર આવ્યા છે. બિંદુ તું માનસિક સમતુલા ગુમાવી બેઠી છે. તેથી એ સમાચાર તને તો સ્પર્શતા નથી. પણ મારામાંનો બાપ મને કોસી રહ્યો છે.’

‘તારી નાનકડા અંશ માટેની જીદ મને પાછો પાડી રહી છે. હું ગુપ્તવાસ વેઠવાનું નક્કી કરું છું.’

બિંદુએ પ્રશ્ન કર્યો – ‘કેમ ?’ અને પડખું ફેરવ્યું.

અશોક કંસ્ટ્રક્શનની માહિતીઓમાં તેને રસ ન પડતા પાના ઉથલાવવા માંડ્યા. અચાનક એની નજર એ પત્ર પર પડી.

‘બિંદુ

તારી આ દશા મારાથી નથી જોવાતી. અસહ્ય મનોવેદનામાંથી તું પસાર થઈ રહી છે. અને એ વેદનાની શરૂઆત મારા મૌનથી થઈ છે. હું તને નથી કહી શકતો તે આખી દુનિયાને કહી ચુક્યો છું… પણ કાશ…. તું એ સાંભળવા જેટલી ભાનમાં હોત તો… મેં તને જ્યારે જ્યારે કહેવા જીભ ઉપાડી ત્યારે નાના શેષની જીદ મને અટકાવી ગઈ. એ વાત આમ તો ખૂબ નાની હતી – તને કહી દીધું હોત તો કદાચ થોડાક તીવ્ર પ્રત્યાઘાતો બાદ એ વાતને તારું મન પચાવી ગયું હોત…. પણ વાત હવે એનાથી ખૂબ મોટી બની ગઈ છે… અંશીતાનું મૃત્યુ… અને…’

આગળ વાંચતી બિંદુ અટકી ગઈ… તે આલ્બમ શોધવા બેઠી હતી ને ડાયરી વાંચવા બેસી ગઈ… ડાયરી બાજુ પર મૂકીને આલ્બમ લઈને જોતી હતી… ત્યાં ફોનની ઘંટડી વાગી – નાથુએ ફોન લીધો.

‘હેલો…’

‘……..’

‘હું નાથુ , બેન જાગે છે. આપું ?’

‘…….’

‘સાહેબનો ફોન છે.’ કહેતો બિંદુને ફોન આપ્યો.

‘હેલો….’

‘બિંદુ મારી બેગ તૈયાર કરાશે ?’

‘હા.. કેમ ?’

‘દિલ્હી જવાનું થયું છે. અને કદાચ ત્યાંથી મદ્રાસ.’

‘દસેક દિવસ… જાઉં ને ?-’

‘હું ના પાડીશ તો કંઈ રોકાવાના થોડા છો ?’

‘તને ઠીક ન હોય તો… માંડી વાળું… પણ … હવે મારે જવું જરૂરી છે. આખરે નોકરી છે. – એટલે.’

‘ક્યારે જવાનું છે ?’

‘અર્ધી એક કલાકમાં આવું છું.’

‘બિંદુ અચાનક ઉદાસ થઈ ગઈ. અંશીતાનું આલ્બમ જોવા માંડી. નાની અંશીતા… હસતી અંશીતા… વહાલથી શેષ વડે રમાડાતી અંશીતા… અચાનક એનું મન ખૂબ ભરાઈ આવ્યું… આવું કેમ થયું… આવું કેમ થયું… અંશીતાના નામની મનમાં ચીસ ઊઠી… બિંદુ ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી…’

એ રડતી શાંત થશે કે કેમ તેની દ્વિધામાં નાથુ ત્યાં જ ઊભો રહ્યો. ફોન કરવા જતો હતો ત્યાં તેની નજર આલ્બમ પર પડી. આલ્બમ અને ડાયરી બંને ઠેકાણે મૂક્યા. પાણીનો ગ્લાસ લાવીને મૂક્યો.

‘બેન ! પાણી…’

‘કેટલા વાગ્યા નાથુ ?’

‘દોઢ થવા આવ્યો હશે.’

‘સાહેબની બેગ તૈયાર કરવાની છે.’

‘ભલે બેન – અંશીતાબેબી યાદ આવી ગઈ હતી ?’

‘હા – પણ પેલું આલ્બમ અને ડાયરી ક્યાં ?’

‘ઠેકાણે મૂકી દીધા.’

‘સારું ડાયરી આપ -’

‘બેન હમણાં તમે ન વાંચો તો સારું…’

‘મને કશું નહીં થાય.’

‘સાહેબ આવે ત્યારે માગી લેજો. ને.’

‘નાથુ – મેં કહ્યું ને મને ડાયરી આપ.’

‘ભલે બેન’ નતમસ્તકે નાથુ જતો રહ્યો એની ડાયરી આપી ગયો.

બિંદુએ ડાયરી વાંચવા માંડી. પણ પાનું બદલાઈ ગયું હતું.

અંશ ભઈલા,

મહાકાવ્ય રામાયણમાં સીતા અને લક્ષ્મણની વાત તો જાણીતી છે. પરંતુ એક વ્યક્તિ અજાણી હતી અને તે લક્ષ્મણની પત્ની ઊર્મિલા – મોટાભાઈના ચૌદ વર્ષના વનવાસ સાથે વનવાસ ભોગવવા તૈયાર થયેલ પતિને એક ક્ષણના વિલંબ વગર વિદાય આપતી એ નારીની વાત અત્યારે એટલા માટે યાદ આવે છે કે કળિયુગમાં પણ આવી ઊર્મિલા જીવે છે. અને તે અર્ચનાના રૂપમાં.

બહુ રસ ના પડતા બિંદુએ પાનું ફેરવ્યું.

ત્યાં ડૉરબેલ વાગ્યો. બિંદુએ બૂમ પાડી – ‘નાથુ…’

શેષ ઊભો હતો – એણે બિંદુની સામે જોયું – ધીમે રહીને અંદર આવીને પૂછ્યું ‘બિંદુ -’

‘હં !’

‘બેગ તૈયાર કરી ?’

‘હા . નાથુને કહ્યું છે. જરા હું જોઈ લઉં -’ કહીને એ અંદરના રૂમ તરફ વળી. હાથમાંની ડાયરી ઉપર શેષની નજર પડી – અચાનક તે ચોંક્યો – એના મનમાં એક ભયનું લખલખું પસાર થઈ ગયું. શું બિંદુએ ડાયરી વાંચી – તેના રીએક્શન શું હશે… હું જાઉં કે નહીં…?

‘નાથુ !’

‘હં સાહેબ -’

‘બેનની તબિયત કેવી છે ?’

‘તમારો ફોન આવ્યો પછી રડતા હતા.’

‘કેમ ?’

‘અંશીતા બેબી યાદ આવી ગઈ હતી. આલ્બમ જોતા હતા.’

‘પછી ?’

‘મને બેગ તૈયાર કરવાનું કહ્યું – અને એ ડાયરી વાંચવા બેઠા. ’

‘પછી ?’

‘પછી કશું નહી – સાહેબ તમે આવ્યા- ’

ત્યાં બિંદુ આવી – ‘અરે નાથુ, સાહેબની બેગમાં શેવીંગ કીટ અને નાઈટ ડ્રેસ નથી મૂક્યા – મૂકી દે.’

‘ભલે બેન.’

‘બિંદુ.’

‘ડાયરી વાંચી ?’

‘હા.. વાંચું છું.’

‘શું વાંચ્યું ?’

‘અંશને કહ્યું છે ને કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા જેવી કળિયુગની અર્ચના છે તે વાંચતી હતી.’

‘તારા પર લખેલું તે તેં વાંચ્યું ?’

‘અસહ્ય મનોવેદનામાંથી હું પસાર થઈ રહી છું. એ ને ?’

‘હા. તો તો તને ખબર પડી ગઈ…’

‘શું ?’

‘મારી તકલીફની…’

ત્યાં નાથુએ આવીને કહ્યું – ‘સાહેબ રિક્ષા મગાવું કે ગાડી આવવાની છે ?’

‘ગાડી આવવાની છે તું જરા ચા મૂક.’

‘ભલે સાહેબ.’

‘બિંદુ મને માફ કરીશ ને ?’ શેષે પૂછ્યું.

‘શાને માટે – ?’

‘ના શેષની તારી જીદ સામેના મારા મૌનને કારણે તારે એ વેદના વેઠવી પડી છે તેને માટે.’

‘હા પણ હવે યાદ આવ્યું – તમારી કઈ નાની વાત ? એ તો મેં વાંચ્યું જ નહીં.’

‘હેં ?’ હવે આશ્ચર્યચકિત થવાનો વારો શેષનો હતો.

ડાયરીનું પાનું ફરીથી ખોલીને વાંચવાની શરૂઆત કરે તે પહેલા શેષે ડાયરી ઝૂંટવી લીધી. બિંદુને શેષનું આ વલણ પણ ખૂંચ્યું –

‘કેમ ડાયરી લઈ લીધી ?’

‘સાંભળી શકીશ તું બિંદુ ?’

‘હા – કહોને શું હતી એ નાનકડી વાત – ?’

‘બિંદુ તે વખતે ખંડાલા ઘાટીમાં થયેલા અકસ્માતમાં મેં પુ:સત્વ ખોઈ દીધું હતું -’

બિંદુ ખડખડાટ હસવા માંડી. ‘ગપ્પા મારો છો… તો પછી… આ ફરીથી ગર્ભધારણ કેવી રીતે શક્ય બને ?’

‘લે વાંચ આ ડાયરી.’ અને એ ફોન કરવા આગળ વધ્યો ત્યાં નાથુ ચા મૂકી ગયો.

બિંદુએ ડાયરી ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

‘… અંશીતાનું મૃત્યુ અને… મારી નાનકડી વાત.. પુ:સત્વ ખોયાની નાનકડી વાત અત્યારે દાવાનળ બની ગઈ છે…’

‘અર્ચના અને અંશ તને સાજી કરવા તનતોડ પ્રયત્ન કરે છે. મારી હાજરી તારા સાજા થવાનાં પ્રયત્નમાં વિઘ્નરૂપ છે જ એવું હું પણ માનું છું તેથી જતો રહું છું.’

‘તને રઝળાવવાનો મારો કોઈ ઇરાદો નથી પણ એક શક્યતા મને દેખાય છે… એક એવી શક્યતા… કદાચ અર્ચનાના ભોગે… અંશની અનિચ્છાએ… તારું ગાંડપણ… તારી એ અજાગૃત અવસ્થામાં તને કંઈક એવું કરવા પ્રેરી જાય કે જેથી ગુમાવેલું સંતાન તને પાછું મળી જાય. અને એ સંતાન અંશનું હશે…’

એની નજર સમક્ષ છેલ્લા ચાર શબ્દો ફરવા માંડ્યા… એ સંતાન અંશનું હશે… એ સંતાન અંશનું હશે… એ સંતાન અંશનું હશે… ‘હેં ?’ કહીને એણે શેષની સામે જોયું… એના હાથમાંથી ડાયરી પડી ગઈ – એના વિકસતા ઉદર ઉપર એનો હાથ ફરવા માંડ્યો…

……અચાનક ચીસ પાડીને એ પેટ ઉપર જોરથી હાથ મારવા માંડી… ના… ના… નહીં….

નાથુ દોડી આવ્યો. શેષે બિંદુને પકડી લીધી… એને પોતાને અંશના બાળકનો વિરોધ છે તે વસ્તુ શેષ સમજી શક્યો. માથાના વાળને પીંખતી અને ચીસાચીસ કરતી બિંદુનું શું કરવું તે શેષને સમજાતું નહોતું.

એને લેવા આવેલ ગાડીમાં બેસાડીને અંશના દવાખાને પહોંચ્યા. ઈન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કરી.

***

લોહી નિંગળતી હાલતમાં બેભાન બિંદુને અંશે જ્યારે ઓપરેશન ટેબલ ઉપર લીધી ત્યારે તે અંદરથી હલબલી ચૂક્યો હતો. અચાનક આ કેમ બન્યું, કેવી રીતે બન્યું એ એને સમજાતું નહોતું. બિંદુના આ સુવાવડ હવે ભય ભરેલી હતી – ઘાતક કુઠારાઘાતથી બાળકનું અસ્તિત્વ જોખમાયું હતું. લોહી અને ગ્લુકોઝની બોટલ સાથે ચાલતા હતા. ઓપરેશન કરતી વખતે ક્યાંક હાથ ધ્રૂજી જાય તો સેફ્ટી તરીકે અવિનાશ અને સરલા હાજર હતા.

ઓપરેશન થિયેટરની બહાર લાલ બલ્બ ઝબૂકતો હતો. આ બાજુ શેષની હાલત નાજુક હતી. અર્ચના પણ આવી ગઈ હતી. આખી પરિસ્થિતિ હવે તેના કન્ટ્રોલ બહાર હતી. કારણ કે બિંદુની પ્રથમ જાણકારીનો પ્રત્યાઘાત ખૂબ કઠોર હતો. તે શેષ સિવાય અન્યના બાળકની મા બનવા હરગિઝ તૈયાર નહીં થાય. શેષ સિગારેટ ઉપર સિગારેટ ફૂંકતો જતો હતો.

‘અર્ચના – હું ક્ષણભર ધોખો ખાઈ ગયો કે તેણે ડાયરી વાંચી લીધી છે. અને એને આ હકીકતની સામે બહુ વિચારવાનો મોકો નથી મળ્યો તેથી… મારાથી ડાયરી અપાઈ ગઈ.’

‘હવે આ બાબતનો બહુ વિચાર ન કરો તો સારું. પણ હવે કદાચ અહીંથી બચશે પણ માનસિક કુઠારાઘાતમાંથી બહાર લાવવા ખૂબ કઠિન બની ગયું છે. છતાં હરિ ઇચ્છા બલીયસી….’

ઓપરેશન થિયેટરમાંથી નર્સ હાંફળી ફાંફળી બહાર નીકળી – અને જવા જતી હતી ત્યાં અર્ચનાને જોઈને ઊભી રહી ગઈ. – ‘અંશભાઈને ચક્કર આવ્યા છે. તેથી ઓપરેશન ડૉ. નાણાવટી સંભાળે છે. તમે જરા અંદર આવશો ?’

‘શેષભાઈ ! અંશને સંભાળવો પડશે. હું બહાર લાવું છું. તમે સહેજ કન્ટ્રોલ કરી લેજો.’ – કહેતી અર્ચના અંદર ગઈ.

બહાર નીકળીને શેષભાઈને જોતાં જ અંશે ઠૂઠવો મૂક્યો… ‘શેષભાઈ, હું ના બચાવી શક્યો…’

અર્ચનાએ કહ્યું – ‘મીસ કેરેજ થયું છે. ભાભી હજી ભાનમાં નથી આવ્યા….’

શેષ – ‘અંશ, તું તો કોણ છે… ડૉક્ટર કે પછી સાદો માણસ ? ચાલ ચુપ થઈ જા.’

અંશ – ‘પણ મોટાભાઈ… ’ ‘હશે, બનવાકાળ બન્યું – બિંદુ બચી જશે એ પણ ખૂબ મોટા સમાચાર છે.’

અંશ – ‘અર્ચી ! નાનું સુંદર ફૂલ જેવું બાળક હતું… ન બચ્યું… ખૂબ બ્લીડીંગ થતું હતું… મારા હાથ ધ્રૂજતા હતા… અને… અને… એ મેલ ચાઈલ્ડ હતું…’

શેષ – ‘હશે – હવે બનવાકાળ બન્યું છે ને… ’

અંશ – ‘પણ ભાભીનો આધાર હતો – નાનકડો શેષ હતો…’

શેષ – ‘નાનકડો અંશ હતો – જે એને મંજૂર નહોતો…’

અર્ચના – એ ભાનમાં ક્યારે આવશે ? ‘’

અવિનાશ – ‘ત્રણેક કલાક લાગશે. તમે અહીં જ રહેજો. લોહી ખૂબ વહી ગયું છે. અને કદાચ ફરી જરૂર પડે.’

કાંડા ઘડિયાળનો ટીક ટીક સાથે ભારેખમ સમય વીતતો જતો હતો.

અંદર બેભાન બિંદુ – તન્દ્રાવસ્થામાં શેષ સાથે ઝગડતી હતી – ‘આવી શક્યતા કેમ વિચારી શક્યા તમે ? મને સહેજ ગુસ્સે થઈને કહી દીધું હોત કે હું ફરી બાપ બની શકું તેમ નથી તો… તમે સામે ચાલીને મને મારા નાનાભાઈ, મારા દીકરા જેવા દિયર સાથે વળોટી…’

ફરીથી એ પડખું ફરે છે… અંશીતા… અંશીતા… દીકરી તું ક્યાં છે… આકાશની અટારીમાંથી અંશીતા બૂમો પાડે છે. મમ્મી… મમ્મી… મમ્મી… મારી પાસે આવ ને… બિંદુ ઊઠવા પ્રયત્ન કરે છે… અંશી… ઊભી રહેજે બેટા, હું આવું છું… એનાથી ઊઠાતું નથી… એ ચીસ પાડે છે અંશી….

અને ત્યાં બેઠેલા બધા બેબાકળા થઈ જાય છે… લોહીની અને ગ્લુકોઝની નળી નીકળી જાય છે… એક સ્થિર છે અર્ચના.. એના હાથમાં નાનકડી ઢીંગલી છે… અને આંખોમાં આસુ સાથે તે બિંદુને ઢીંગલી આપે છે…

આંસુડા ડોકાય છે… પણ બિંદુની આંખના એ આંસુડા હરખના છે… એની અંશી એને પાછી મળ્યાના… અને એ અંશી… અંશી… કરતી ઢીંગલીને બાઝે પડે છે…

શેષ – અંશ – અર્ચના ત્રણે જોઈ શકતા હતા કે પાગલપણામાં – ઢીંગલી સાથે બિંદુ વધુ સુખી હતી…

સમાપ્ત