I miss you Diku in Gujarati Love Stories by Nimisha kevat Jariwala books and stories PDF | આઈ મીસ યુ ડીકુ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

આઈ મીસ યુ ડીકુ

"૭:૨૫..., ૭:૨૬..., ૭:૨૭.., ૭:૨૮..., બસ ૨ જ મિનિટ. આજે નહીં આવે?" ઘડિયાળના કાંટાની સ્પીડે કૃતિકાની મુંઝવણ પણ વધતી હતી.

૭:૩૦.... ટ્રેન આવી ગઇ. કચવાતા મને એ એનાં રેગ્યુલર ડબ્બાનાં દરવાજા બાજુ ચાલી. ટ્રેનમાં ચડતા પહેલાં એણે ફરીથી પ્લૅટફૉર્મ પર નજર દોડાવી, અને એ દેખાયો. મોડું થયું હોવાથી આજે આગળના ડબ્બામાં જ ચડતો હતો. કૃતિકાનાં ગમતા પિંક કલર નાં શર્ટમાં સરસ દેખાતો હતો. વિચારતી કૃતિકા પણ ઉત્સાહ સાથે પોતાની રોજની જગા એ જઈને બેસી ગઇ.

ટ્રેન એક જ સ્ટેશન આગળથી આવતી હોવાથી કૃતિકાને મોટેભાગે બારી વાળી સીટ મળતી. ટ્રેન ચાલતાંની સાથે એ પણ હેન્ડસેટ કાનમાં નાખી બારીની બહાર જોતાં પોતાનાં માં જ ખોવાઈ જતી.

કૃતિકા, નવીનભાઈ અને સાવિત્રીબહેનની ત્રણ દીકરીઓમાં સૌથી મોટી. નવીનભાઈ એક ફેક્ટરીમાં સામાન્ય કામદાર હતાં. સાવિત્રીબહેન ગૃહિણી. દેખાવે સામાન્ય હોવા છતાં કૃતિકા કોઈનું પણ ધ્યાન ખેંચે એવી આકર્ષક હતી. એ ઉપરાંત ઓછી ઉંમર માં જ એની સમજદારી અને નમ્ર સ્વભાવ કોઈનું પણ દિલ જીતી લે એવી. ભણવામાં હોશિયાર હોવા છતાં આર્થિક તંગીને કારણે ૧૨ પછી અભ્યાસ છોડી દીધો. ઘરમાં મમ્મી ને મદદ કરતી અને નાની બહેનોને ભણાવતી. એને ખૂબ ઇરછા હતી કે નાની-મોટી નોકરી કરી એ ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવા મદદ કરે, પરંતુ છોકરીઓ ને નોકરી નહીં કરાવવી એવા જુનવાણી વિચાર વાળા નવીનભાઈ એ એને ચોખ્ખી જ ના પડી દીધી. ૧૮ વર્ષ ની ઉંમર થી જ કૃતિકા માટે છોકરાઓનાં માંગા આવવા લાગ્યા હતાં. પછીથી ઉંમર વધતાં સારું ઠેકાણું નહીં મળે એવી બીક થી કૃતિકાનાં માં- બાપ એ ફક્ત ૧૯ વર્ષ ની વયે જ એના લગ્ન નક્કી કરી નાખ્યાં. એનો ભાવિ પતિ હિરેન એસ.એસ.સી. પાસ અને બાપાના શાકભાજીના ધંધામાં જોડાયેલો હતો. હિરેન કૃતિકા થી દસ વર્ષ મોટો હતો. દેખાવ માં આકર્ષે એવી કોઈ જ વાત નહીં એનામાં. વ્યવહારમાં વધારે સમાજ પણ નહીં પડે. બસ, એનાં માં-બાપ જેમ કહે એમ જ કરે. કૃતિકાને જરાય નહીં ગમતો, પણ એનાં માં-બાપ આગળ કઈ પણ બોલવું નકામું હતું. એ જાણતી હતી કે એનાં જેવી છોકરીઓનું આ જ નસીબ હોય છે. એટ્લે જ એને કોઈ પણ આનાકાની વગર જે થયું એ સ્વીકારી લીધું.

હિરેન પ્રત્યે એને અણગમો હતો, પણ લગ્ન પછી એ વધી ગયો. લગ્નજીવન કે બીજી બધી જ વાતો વિશે એ એનાં માં-બાપ ની સલાહ વગર કઈ જ નહીં કરતો. એને જાણે કોઈ ફરક જ ન પડ્યો કૃતિકાનાં આવવાથી. શારીરિક સહવાસ સિવાય એમનું લગ્નજીવન ખોખરું હતું. ૨ વર્ષનાં લગ્નજીવન પછી પણ સંતાન ન થતાં એનાં માં-બાપ નાં કેહવાથી એ કૃતિકાને ઘરે મૂકી ગયો હતો. એ વાતને પણ આજે વર્ષ થઈ ગયું હતું. ૨ વર્ષ દરમ્યાન સાસરેવાળા નાં જિદ્દી સ્વભાવ અને પોતાના પ્રત્યેનાં વ્યવહાર ને જાણતી કૃતિકા હવે એમનાં મન નહીં બદલાય એ વિચારે પોતાની જિંદગી ફરીથી ગોઠવવા માંડી. ૧૨ પાસ અને કમ્પ્યુટરની જાણકારી હોવાથી બે અઠવાડિયાની ટ્રેનિંગ પછી એને એક ડાયમંડ કંપની માં ડેટા- એન્ટ્રી ની જોબ મળી ગઇ. માં- બાપની મજબૂરી સમજી એણે એમની સામે પણ કોઈ ફરિયાદ નહીં કરી. સવાર-સાંજનાં અપ-ડાઉન અને આખો દિવસ પોતાને કામમાં વ્યસ્ત કરી એ પોતાની જાતને ભૂલી જતી.

પણ, છેલ્લા ૩ મહિનાથી એ બદલાઈ હતી. પોતાની જાત પ્રત્યે સભાન બની હતી. એને ગમતું હતું, રોજ સવારે તૈયાર થઈને નીકળવાનું, પોતાને વારંવાર અરીસામાં જોવાનું. અને સવાર -સાંજ સ્ટેશન પર રાહ જોવાની ડીકુની.

કૃતિકાને નામ નહિ ખબર હતી એનું. એટલે એણે મનમાં જાતે જ નામ આપી દીધું ડીકુ. નવ મહિના સુધી કોઈના પર નજર સુધ્ધાં નહીં નાંખનારી કૃતિકાનાં મનમાં એણે જગા બનાવી લીધી હતી. શરૂઆતમાં એક-બે વાર કૃતિકાએ એણે નોટિસ કર્યો હતો પોતાને જોતાં, પરંતુ એ તો હશે એવું વિચારીને એણે એ વાત અવગણી હતી. પણ પછીથી, કૃતિકા પોતે પણ અવાર-નવાર એની બાજુ નજર નાખી લેતી હતી. એક દિવસ જ્યારે ટ્રેન લેટ હતી કૃતિકા એની નજીક જ ઉભેલી હતી સ્ટેશન પર. એ કોઈ મિત્ર જોડે વાત કરવામાં વ્યસ્ત હતો. એ દિવસે કૃતિકાએ પહેલીવાર ધ્યાન થી જોયો એને. કૃતિકાનાં મનગમતા પિન્ક કલર નાં શર્ટ માં હેન્ડસમ દેખાતો હતો. દેખાવે અને પર્સનાલિટી કોઈપણ પણ છોકરીને આકર્ષે એવા હતાં. કોણ જાણે કેટ્લી મીનીટ સુધી કૃતિકા એણે એકીટશે જોતી રહી. ટ્રેન આવવાનાં પાંચ બેલ થયા ત્યારે એને ભાન થયું કે એ હાલની પરિસ્થિતી અવગણી પોતાના વિચારોમાં જ ખોવાઈ ગઈ હતી. ટ્રેનમાં ચડતી વખતે ડીકુના એની તરફ જોવાનાં આંખોના ભાવ પર એ મોહી પડી હતી. મન તો થતું હતું એને જ જોયા કરવાનું, એની સાથે વાત કરવાનું, એણે જાણવાનું. પરંતુ એનો ભૂતકાળ નાચતો હતો એની સામે. માં-બાપની સામે બોલવાની કે પોતાની જિંદગી ફરીથી શરૂ થઈ શકે એ વિચારવાની પણ એની હિમ્મત નહીં થતી. ૩ મહિના બસ આવી રીતે નીકળી ગયાં. ન તો કૃતિકાની હિંમત થઈ, ન તો પેલા એ સામેથી કોઈ શરૂઆત કરી. કરે પણ કેવી રીતે, કૃતિકા દર વખતે એની બાજુ જોઈને મોં ફેરવી લેતી. અફસોસ તો થતો કૃતિકાને પણ એણે બીક હતી કે કયાંક એનો ભૂતકાળ જાણીને ડીકુ સાથેની આ આંખો થી થતી મુલાકાત પણ બંધ તો નહિ થઈ જાય ને!

એને ખબર હતી કે આ બધું ગમે ત્યારે છીનવાઇ જશે પણ પોતાને એ રોકી નહિ શકતી, છેલ્લા ૩ મહિનાથી જાણે એ કોઈ સ્વ્પ્નોમાં જીવતી હતી. બીજી કોઈ જ વસ્તુ, કોઈ પણ કામ એનાં માટે મહત્વનાં નહિ હતાં. બસ ડીકુ ને સવાર- સાંજ જોવું અને બાકીનાં સમયમાં એણે યાદ કરીને પોતાની સ્વપ્નસૃષ્ટિમાં વ્યસ્ત રહેવું.

પણ નાં, સ્વપ્નો તો એમ પણ ક્યાં લાંબો સમય ટકે છે કોઈનાં. કોણ જાણે કેમ અચાનક કૃતિકાનાં સાસરેવાળાં નું મન બદલાયું અને એ લોકોએ સંદેશો મોકલ્યો, ' સોમવારે હિરેન લેવા માટે આવશે કૃતિકાને મોકલી દેજો.' બસ કોઈ ખુલાસા નહિ, કોઈ કારણ નહિ. દીકરીનું ઘર ફરીથી વસી જશે એ ઉત્સાહમાં એનાં માતા-પિતા એ કારણ જાણવાની દરકાર પણ ન રાખી, કે ન તો કૃતિકાને પૂછવાની પરવા.

ખૂબ રડી કૃતિકા એ દિવસે. એણે નહિ જવું હતું ફરીથી. ખુશ હતી એ એની દુનિયામાં. પણ એનું સાંભળે કોણ. રવિવારે સાંજે હિરેન આવી ગયો, ઘરે. એક વર્ષ દરમ્યાન પણ એ બદલાયો નહીં હતો. બસ કૃતિકાનાં માં-બાપ સાથે થોડી વાતો કરી. કૃતિકા બાજુ તો એણે ધ્યાનથી જોયું પણ નહીં. કૃતિકાએ કોશિશ કરી એની સાથે વાત કરવાની પરંતુ સાવિત્રીબહેનનાં ઇશારા એ એણે ચૂપ કરી દીધી.

૭:૨૫..., એ સ્ટેશન પ્હોચી ગઈ. હિરેન પણ હતો સાથે પણ એનું ધ્યાન તો ડીકુ ને શોધવામાં હતું. આજે પણ કદાચ મોડું થઈ ગયું હશે. 'આજે નહિ આવે તો?' છેલ્લી વાર બસ એક છેલ્લી વાર જોવું હતું એણે ડીકુને.

૭:૨૮..., કૃતિકાની ધડકનો વધવા લાગી. ૭:૩૦..., ટ્રેન આવી ગઈ. દરવાજા તરફ વધતાની સાથે કૃતિકાએ પાછળ ફરીને જોયું. એ આવી ગયો હતો, પિંક શર્ટ. સોહામણો લાગતો હતો. એનાં આગળ નાં ડબ્બામાં જ બેસવા જતો હતો એ પણ. બંનેની નજર મળી. આ વખતે કૃતિકાએ મોં નહિ ફેરવ્યું. પરંતુ સ્માઇલ આપી સામેથી અને ડીકુ નાં આખોનાં ભાવ જોઈને એ ફરીથી ખોવાઈ જાય એ પેહલા પોતાનાં ડબ્બામાં ચડી ગઇ. ડીકુને કેહવાની વાત એણે આંખો થી જ કહી..... "આઈ મીસ યુ ડીકુ ...."

- નિમિષા એન. કેવત