35 - સૌથી રોમાંચક અનુભૂતિનું વર્ણન
રૂપતારા અને તારા બંનેના ચહેરા જોતા જ ખ્યાલ આવી જાય કે બંને બહેનો છે.
‘રામ...! આ છાપાના ફોટાઓ જોઇને જરા પણ વિચલિત થતો નહી. નયનતારાને આ તમામ વિગતની જાણકારી છેલ્લા ઘણાં વર્ષોથી છે. જયારે પહેલી વખત સારાહને તેની પુત્રી સાથે જોઈ હતી ત્યારે તારાની ઉમર લગભગ દસ વર્ષની હશે અને આ છોકરીનો ચહેરો જોતા જ મને ખબર પડી ગઈ હતી કે આ છોકરીનો બાપ તું છે. અને પછી થોડા દિવસો બાદ નયનતારાને આ વાત જણાવી હતી અને ત્યારે તેની પાસે એવું વચન લેધેલું કે આ બાબતે કદી પણ તારા પતિ સાથે કોઈપણ જાતની ચર્ચા આગળ કરવી નહિ.’ ભારતીભાભી મારી સામે ઊભા છે અને આ વાતની મને જાણ કરે છે.
મને નયનતારાનો વિચાર આવે છે. જયારે આવી નાજુક બાબત કોઈપણ પરિણીત સ્ત્રીની સામે આવે ત્યારે ભલભલી હોશિયાર સ્ત્રીઓ વગર વિચાર્યે પોતાનો કાબુ ગુમાવી શકે છે. આ સ્ત્રીસહજ પ્રકૃતિની વિરુદ્ધ નયનતારાએ કરેલા આચરણ થકી તેના પ્રત્યે મારું માન વધતું જ જય છે અને હંમેશા કપરા સમયમાં મારી ઢાલ બનીને મારી આગળ રહે છે. સોફા પાછળથી મારા ખભા પર નયનતારાની બે હથેળીઓનો ભાર આવે છે અને મારી બાજુમાં આવીને બેસી જાય છે.
‘રામ...! ચિંતા છોડી દે, આવતી કાલે એવોર્ડ ફંક્શન પૂરું થાય એટલે સારાહને મળીને આપણે પરમ દિવસે ઇન્ડિયા જવા નીકળી જઈશું.’ નયનતારા મારી આંખોમાં આંખ મેળવીને વાત કરે છે.
‘રૂપતારા અને તારાના ફોટાઓ જોયા બાદ મન પર જરા બોજ લાગે છે.’ નયનતારાની સામે જોયા વિના વાત કરું છું.
‘ડોન્ટ વરી, હું બધું જાણું છું...! ખોટી ચિંતા કરવાનું છોડી દેવું પડશે અને બાકી બધું તારી નયનતારા પર છોડી દેવાનું છે.’ નયનતારા તેના સ્વભાવ મુજબ બોલે છે.
‘રામ...! તું દુનિયાનો સૌથી નસીબદાર પુરુષ છે - મને એવું લાગે છે કે આજ સુધી કદી પણ તમારા બંનેની વચ્ચે તું તું - મેં મેં નહિ થઇ હોય. તમે બંને જયારે પણ વાતો કરો છો ત્યારે એકબીજાની આંખમાં આંખ નાખીને જ વાત કરો છો.’ ભારતીભાભી વારાફરતી અમારા બંનેની સામે જોઇને થોડા અહોભાવથી બોલતા હતા.
‘ભાભી...! એ માટે ઓશોના અમુક વિધાનો જિંદગીમાં બાવીસમાં વર્ષે જ મનમાં ઉતારી લીધા હતા. જયારે નયનતારા અને હું બંને પ્રેમમાં પડ્યા હતા ત્યારે કદાચ યુવાનીમાં હું તેના શારીરિક સૌંદર્યના મોહમાં હતો પણ અહી ઈંગ્લેન્ડમાં થોડા દિવસ રહેવાથી નવા નવા અનુભવ થકી શારીરિક, આધ્યાત્મિક અને વૈચારિક સૌંદર્યના ફલક પર નયનતારાને પ્રેમ કર્યો છે. આજ સુધી તેના સૌંદર્યને કાટ ચડવા દીધો નથી અને મારા પ્રેમનો ઢોળ ચડાવીને નયનતારાને ચકચકાટ રાખી છે.’
‘હવે થઈને કાઈક ભાઈડાછાપ વાત ! ક્યારની વિચાર કરું છું કે આ કાઠીયાવાડી કેચી કેમ ચુપ છે ?’ મને સાંભળ્યા બાદ તુરત જ નયનતારા ખુશ થઈને બોલે છે.
‘સાંભળ હવે એક કવિતા, જે પાબ્લો નેરુદાની છે :
‘લાંબા સમય સુધી મેં ચાહી છે તારા શરીરની મોતી જેવી ક્રાંતિને
તું વિશ્વની માલિક છે એમ વિચારું છું.
પર્વતો પરથી હું આણીશ તારા માટે સુખી પુષ્પો
બ્લ્યુ બેલ્સ, ઘેરા હેઝલ પુષ્પો,
અને ચુંબનોની ઢંગ વિનાની ટોપલીઓ,
હા, તારી સાથે વર્તવા ઈચ્છું છું એમ,
જેમ ચેરીવૃક્ષો સાથે વસંત.’
‘વાહ...! શું તમારા બંનેનો પ્રેમ છે.’ ભારતીભાભી ખુશ થઈને બોલે છે.
નયનતારા ના ગળા ફરતે હાથ વીંટાળીને ભારતીભાભીને કહું છું કે ‘આ નયનતારાને કારણે જ સદાય ગુલાબી મૌસમના માહોલમાં જીવું છું.’
‘સારો લાગતો નથી, ભાભીની સામે આવા નખરા કરે છે.’ નયનતારા આંખોમાં ખોટો ગુસ્સો લાવી મને ઠપકો આપે છે.
‘આ તારી ભાભી પણ કાઈ કમ નથી, એને પણ તારી જેમ પોતાના પતિને કાબૂમાં રાખ્યો છે.’ ભારતીભાભી સામે જોઇને હું કહું છું.
‘નયનતારા ! તું તો એકાદ વર્ષે લંડન આવે છે પણ તારો પતિ વર્ષમાં ત્રણ-ચાર વખત આવે એટલે રોજ રાત્રે પ્રવીણ, બાપા અને ક્યારેક ભરત આવી જાય તો સવારના ચાર - પાંચ વાગ્યા સુધી આ કાઠીયાવાડી ડાયરો જામે છે અને એમાં પણ બાપા રંગમાં આવી જાય ત્યારે ક્યારેક અમારે શરમાઈને દૂર જવું પડે છે અને ભરત અને રામ બોલે ત્યારે વચ્ચે ગાળો ના બોલે તો આ લોકોને જમવાનું ભાવતું નથી. ક્યારેક વિચાર આવે કે આપણી ઓફિસમાં કેટલા સંયમથી અંગ્રેજીમાં વાતો કરતા આપણા ભાઈડાઓ જયારે કાઠીયાવાડી ભાષા બોલતા હોય ત્યારે જમીન-આસમાનનો તફાવત લાગે છે. આ લોકો આવા મોટા બીઝનેસમેન કઈ રીતે બની શક્યા હશે ?’
‘ઓકે ! તો હવે હું એક ઈંગ્લીશ કવિતા કહું છું.’ નયનતારા વચ્ચેથી બોલે છે.
‘The Light whose smile kindles the univers,
That Beauty in which all things work and move.’
‘અરે... આ તો શેલીની કવિતા છે !’
‘હું થોડી કહું છું કે મારી કવિતા છે, મને થોડી કવિતાઓ કરતા આવડે છે ?’ નયનતારા હસતા હસતા કહે છે.
‘હવે કવિતા બંધ કરો અને લંડનમાં ફરવા માટે નીકળી પડો, એટલે આ રૂપતારાને પણ થોડી મજા આવી જશે.’ ભારતીભાભીનો હુકમ થતા અમો બંને ઉપર અમારા રૂમ તરફ રવાના થયા.
રૂમમાં પ્રવેશતાની સાથે હાથથી ધક્કો મારી બારણું બંધ કર્યું અને નયનતારાને મજબૂતીથી આલિંગનમાં જકડી રાખી અને તેના હોઠો પર એક તસતસતું પ્રગાઢ ચુંબન ચોડી દીધું. જયારે શ્વાસ રોકાય છે અને ઝાટકા સાથે નયનતારા હાંફતી હાંફતી અળગી થાય છે ત્યારે એક શબ્દ સંભળાય છે... ‘નફફટ માણસ...!’
‘નફફટ માણસ નહિ પણ ખેપાની માણસ મને કહેવાનું છે... મારી બ્રિટિશ નાગરાણી.’ નયનતારાને ફરીથી મારી તરફ ખેંચતા કહું છું.
‘બપોરના અઢી વાગ્યા છે અને ખેપાની પ્રવૃત્તિ શરુ કરીને શું ફાયદો ? રાત્રીના સમયે આવે ત્યારે બધી ખેપાની પ્રવૃત્તિ શરુ કરી દેજે !’ નયનતારા મને ધક્કો મારીને દિવાલના ટેકે ઊભેલા મારા શરીર પર ઝુકી પડે છે.
‘તું છે જ એવી કે હજુ પણ તને જોતાની સાથે જ મારી અંદર રહેલું બાવીસ વર્ષનું યુવાન ખેપાતી તત્વ સમુદ્રનાં મોજાની જેમ ગાંડાતૂર બનીને કિનારાની રેતીને વેરવિખેર કરી નાખવા તલપાપડ બની જાય છે.’ નયનતારાની સામે આ ખેપાની તત્વ રાજાપાઠમાં આવીને બોલવા લાગે છે.
‘રામ...! આજે પણ બાવીસ વર્ષની ઉમરનું તારામાં સમુદ્રના મોજાઓ જેવું કિનારા સાથે અથડાતું તાકાતી તત્વ મોજુદ છે. જયારે જયારે તું મારા શરીર પર સમુદ્રના મોજાઓની થપાટ મારે છે ત્યારે પણ આ તારી નયનતારા રેતીની જેમ વેરવિખેર થઇ જતી હતી અને આજે પણ હું રેતીની જેમ વેરવિખેર થઇ જાઉં છું પણ આ રેતીમાં હવે એક પૌરુષિક તાકાતનો એક રંગ ઉમેરાણો છે.’ નયનતારાના અવાજના કંપનો અને તેનું થરથરતું શરીર તેનામાં રહેલી એક ઓગળી જવાની ખેપાની પ્રવૃત્તિ શરુ થવાની આગાહી કરતી હતી.
‘જોઈ લીધી મારા પ્રેમની તાકાત ! એક જ મીનીટમાં આખેઆખી પલળી ગઈ છે.’ નયનતારાના ખભા પર અને ડોક પરની નાજુક ત્વચાને મારા હોઠોના સ્પર્શથી ભીના ભીના રાખવાની કોશિશ કરું છું.
‘રામ...! ફટાફટ...નહીતર હમણાં જ ભારતીભાભીનો અવાજ આવશે.
‘ઠક...’ અવાજની સાથે લેચ બંધ થાય છે. ચાર દિવસ સુધી વિખુટા રહેલા પતિ અને પત્ની ફરીથી સમુદ્રની લહેરોની જીવન જીવવાની કામ તાકાતી થપાટો વચ્ચે સમુદ્રની ખારાશનો અનુભવ કરે છે. પ્રગાઢ યુવાનીના આલમને દુનિયાના સીમાડા અને ઉમર બાધ નડતા નથી.
ઈશ્વર સાથે હવે વધારે પડતું તાદાત્મ્ય સધાતું જાય છે. આ મોજીલો ઈશ્વર પણ માનવપ્રકૃતિ ધરી મને મિત્ર સમજીને નયનતારાને દર ચાર-પાંચ દિવસે નવા નવા ગીફ્ટ પેકમાં પેક કરી મને ભેટ આપતો રહે છે અને આ ઈશ્વરમિત્રની કમાલ જુઓ...! દરેકે દરેક પેકમાં મને હંમેશા નવી નયનતારા ભેટરૂપે મળે છે.
અમારા બંનેના હલકા થઇ ગયેલા શરીરો ફરીથી અસબાબી આલમમાં પ્રવેશ કરે છે. ઠંડી ના લીધે નયનતારાએ જીન્સ અને વ્હાઈટ ટોપ પર લાંબો ઓવરકોટ પહેર્યો છે. માથા ઉપર બ્લેક ટોપી પહેરી છે અને હાથમાં બ્લેક મોજા પહેરેલા છે અને રૂપતારા પણ એની મમ્મીની જેમ ઠંડીથી બચવા આખી ઢંકાઈને નીચે અમારી રાહ જુએ છે.
પ્રવીણભાઈની નવી આવેલી બીએમડબલ્યુ કાર સીધી લંડન બ્રીજ પાસે પહોંચે છે. સખત ભૂખને લીધે પહેલા પેટપૂજા કરવી પડે છે.
આ એ જ લંડન બ્રીજ છે, જેને સામે જોતા મારી આંખોમાં અરમાની સપના ભર્યા હતા. વર્ષો જુનો મારો ફોટો યાદ આવે છે, બ્લ્યુ ટીશર્ટ અને મારી ફેવરીટ રેબેનની ફ્રેમ, પાછળથી લાંબા વાળ અને કાનમાં પહેરેલી એક જાડી પ્લેટીનમની રીંગવાળા મારા ચહેરાની બરાબર પાછળ લંડન બ્રીજ.
જવાનીની યાદો, આડત્રીસ વર્ષની ઉમરે પણ કેવું ખીલખીલાટ હાસ્ય કરતા બાળકની જેમ પરાણે પરાણે વહાલું લાગે તેવું સ્પંદન જગાવે છે.
પંચરંગ પ્રવાસીઓની વચ્ચે ખોવાયેલા આ બિઝનેસમેનના ફેમિલીને મોકળાશ મળે છે. વિશ્વ પ્રવાસીઓની જેમ અનેક વખત જોયેલા આ લંડન બ્રીજ તરીકે ઓળખાતા ટાવર બ્રીજ દરેક વખતે વધુ ને વધુ યુવાન થતો દેખાય છે.
પહેલી વખત ચેરીંગ ક્રોસથી એક બોટ પર બેસીને આ ટાવર બ્રીજ નીચેથી નીકળવાનો આનંદ, બાળકની કિલકારી, રૂપતારાની ઊંચી નજર, નયનતારાની ફરતી આંખો, સામે બેઠેલી લેટિન અમેરિકન સુંદરીની નજાકત, ફેબ્રુઆરીની ઠંડીમાં લંડનની બપોર સાંજનો આભાસ પેદા કરે છે.
પણ આ આભાસી માહોલમાં રોડમાં કોઈ જગ્યાએ અવનવા રંગોની ફૂલોની હારમાળા, ઘાસના મેદાન જેવા લીલા લીલા ચત્તાની મેદાનોની સ્વપ્ન સૃષ્ટિ, ઓવરકોટની પાછળ ખુબસુરતીના છુપાતી રહસ્યમય સુફી તરજોની બંદીશી મુસ્કાનો, આ લંડન શહેરના અવનવા સાંસારિક રંગોની ભરમાર, મનને ભ્રમિત કરી નાખે તેવી કામાતુર નકાબંધી જેવી છે. દરેક હિન્દુઓને આધ્યાત્મિક બનાવી શકે તેવી જિંદા બુતપરસ્તીના માહોલ જોવા મળે છે. તુસેના મીણના પુતળાઓમાં વિવિયન રીચાર્ડ, અમિતાભ બચ્ચન, પ્રિન્સ ચાલ્ર્સ્ર, અને શાહરૂખ ખાનની વચ્ચે હોલીવુડની સુંદરીઓના પૂતળાઓની નજાકત અને ઐશ્વર્ય મીણમાં પણ જાન ફૂંકતા હતા. કદાચ વિશ્વનું મોટામાં મોટું બુતખાનું ક્યાંક કોઈની બૂરી નજરની ઝપેટમાં ચડે નહી તો બુતપરસ્તીના આસક્ત હિન્દુસ્તાનીઓના ધાડેધાડ વિશ્વપ્રવાસી બનીને અહીયા આવતા રહેશે.
આ એ જ લંડન શહેર છે જેને નયનતારા અને સારાહના એક સ્વપ્ન પુરુષને જન્મ આપ્યો છે, જેના લોહીમાં એક ત્રીજા રંગનો કણ ઉમેર્યો છે અને આજે પણ એ જ લંડન શહેર છે, જ્યાં મારી નસલ ઉછરે છે જેમાં ત્રણ રક્તનું મિશ્રણ છે. હિંદુ, તુર્કી અને અરબી. આ ત્રણે રક્તના મિશ્રણ ધરાવતી તારા નામની મારી પુત્રી પણ લંડનમાં આજે સોળ વર્ષની મુગ્ધા બની ગઈ છે.
અડધું લંડન શહેર ઘુમીને ઘરે પહોંચ્યા ત્યારે ભારતીભાભી અમારું ફરીથી સ્વાગત કરે છે. ગોકળબાપા નયનતારાને પૂછે છે, ‘તારી સાસુની જેમ રોટલા ઘડતા આવડે છે કે અતારની બાઈઓની જેમ ફૂલફટાક ફરતા આવડે છે ?’
ગોકળબાપાનો સવાલ સાંભળીને મન રોમાંચિત થઇ જાય છે, બીઝનેસમેનનું સ્ટેટસ આજે તળિયે બેસી જાય છે.
‘એમાં શું મોટી વાત છે, હજુ પણ આ મોટા માણસની બાયડીના હાથ સાબૂત છે.’ નયનતારા કાઠીયાણી બનીને બાપાને જવાબ આપે છે.
‘એલા એઈ રામલા...! તારી બાઈડીને કે’ આજે તારા ઘર જેવા પાંચ છ રોટલા ઘડી નાખે.’ ગોકળબાપાને મન બીઝનેસમેન અને પુત્ર વચ્ચે કોઈ ફર્ક નથી.
ગોકળબાપાના મુખેથી નીકળતો ‘રામલો’ શબ્દ સાંભળતા જ દાદાની યાદ આવી જાય છે. લંડનમાં બીઝનેસ ફિલ્ડમાં મિ. રામકુમાર અને લંડનના એક ઘરમાં એ જ રામકુમાર રામલો બની જાય છે. સંબંધોની સ્વપ્નસૃષ્ટિને હકીકત જમીનના સપનાઓ હોતા નથી. દિલથી ઈચ્છા થાય છે : ‘નેવું વર્ષના ગોકળબાપા તમે એકસો વીસ વર્ષ સુધી આવા ને આવા તંદુરસ્ત રહો’ આવું જ કાંઈક દિલ આજે કહે છે.
‘રામ ! હું ભાભી સાથે રસોડામાં જાઉં છું, મારો ઓવરકોટ પણ આપણા રૂમમાં સાથે લેતો જજે.’ મિ. રામકુમાર, રામલો અને રામ આ ત્રણે નામ યાદ આવતાની સાથે જ મનમાંથી એક ઉદ્દગાર સરી પડે છે. ‘...હે રામ...!’
નીચે ઉતરતા જ નયનતારાનો રસોડામાંથી અવાજ આવે છે, ‘રામ.. આજે અમોને તારા હાથનું મસાલાવાળું અને લસણ ડુંગરીના વઘારવાળું રીંગણા-બટેટાનું શાક જમાડવું પડશે.’
ભારતીભાભી પણ તેને સાથ આપતા સાદ પુરાવે છે : ‘ચાલો રસોડામાં આવીને તમારું કામ શરુ કરવા માંડો.’
મિ. રામ આજે એક શેફની ભૂમિકા ભજવે છે. સૌપ્રથમ ચણાના લોટમાં તેલ અને મસાલા નાખીને રીંગણા-બટેટામાં ભરવાનો મસાલો તૈયાર કરું છું. ત્યારબાદ તેમાં મસાલો ભરું છું, ત્યારબાદ લસણ, ડુંગળી, આદુ અને મરચાને મિક્સર ગ્રાઈન્ડરમાં ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરું છું. વઘારની તૈયારી શરુ થાય છે. પોણી કલાક પછી અસલ કાઠીયાવાડી લસણ અને ડુંગળીના વઘારવાળું રીંગણા-બટેટાનું શાક તૈયાર થાય છે. લંડનના ઘરમાં કાઠીયાવાડની તીખી તમતમતી વઘારની ખુશ્બુ ફેલાય છે.
ભરતને મોબાઈલ કરું છું : ’પટેલ...! બાપાને ઘરે તારી બાયડીને લઈને આવી જા. આજે મારા હાથનું રીંગણા-બટેટાનું શાક બનાવ્યું છે.’
‘વાહ મારા લુવારીયા શેફ...! તારા હાથનું જમવાનું મળતું હોય તો અડધી કલાકમાં આવી પહોંચ્યો સમજી લે...!’
થોડીવાર પછી પ્રવીણભાઈના વિશાળ ડાઈનીંગ ટેબલ પર સલાડ, વઘારેલા મરચા, ખીચડી, રોટલા, છાશ અને રીંગણા-બટેટાનું શાકના ભરેલા બાઉલો ગોઠવાઈ જાય છે.
રૂપતારાના રૂપ બદલે છે. તેના માટે મેકડોનાલ્ડમાંથી ફૂ્ડપાર્સલ આવે છે. નવી પેઢીની બદલાતી માનસિકતા જોતા એક બાપ હોવાની પ્રતીતિ તુરત જ થાય છે. એક એવો સમય પણ હતો જયારે હું પોતે પણ મેકડોનાલ્ડના ફ્રાઈડ ચિકનનો દિવાનો હતો.
નેવું વર્ષના ગોકળબાપાની તંદુરસ્તીનું રહસ્ય તેના ખોરાક ઉપરથી છતું થાય, દોઢ રોટલો, કાચું સલાડ, બે મરચા, ખીચડી અને શાકનો ખોરાક પણ આજે આસાનીથી પચાવી શકે છે. લંડન શહેરની તાસીર જ એવી છે. જલદીથી જવાની ઘટવાની મૌસમ લંડનને માફક આવતી નથી.
લંડનનો પ્રખ્યાત ‘વિક્ટોરિયા હોલ’ વિવિઆઇપી, વીઆઈપી, સાહિત્ય જગતની ખ્યાતનામ હસ્તીઓ, પત્રકાર આલમ, મીડિયાના કેમેરામેન, વેલડ્રેસ્ડ વેલકમ સ્ટાફ, પશ્ચિમી સભ્યતાના માહોલની અસર એક જુદી ભ્રાંતિ પેદા કરે છે.
‘ફક્ત સાહિત્યના ઉત્તરદાયિત્વ માટે આટલું જ કવરેજ શક્ય નથી, પણ સાહિત્ય સારાહની ખૂબસુરતી, એલનની પત્ની, ગોલ્ડ સ્ટારની સીઈઓ, તેની લાઈફ સ્ટાઈલ અને બ્રિટનની ફાઈનાન્સ બોર્ડની એડવાઇઝરી કમિટીની મેમ્ન્બર હોવાને નાતે આ મીડિયા જગત ઊભરી આવ્યું છે અને તેનાથી પણ એક વિશેષ તત્વ ઉમેરાણું છે એ છે ‘કોપરમેન કનેક્શન.’
આજે ખાસ અમારી કંપનીની લીમોઝીનમાં જવાનો આગ્રહ ભરતભાઈ રાખે છે. ભરતભાઈ ગ્લેમર, ગર્લ અને વિવિઆઇપી અને પાર્ટીમાં પોતાની એક ખાસ પહેચાન બનાવવા આગ્રહી છે.
આફ્ટર ઓલ કોપરમેન ઇન્કોર્પોરેશન (લંડન)ની આબરૂનો સવાલ છે. ગુજરાતીઓની શાનદાર ગરિમા નો સવાલ છે. આજે ગુજરાતી બિઝનેસમેનોની એક આખી લોબી દુનિયાને ધ્રુજાવે છે.
ઇંગ્લેન્ડની અનેક નામી હસ્તીઓ એક પછી એક પધારતી જાય છે. નયનતારા, ભારતીભાભી અને મીનાક્ષીભાભીનો એક અલગ ઠસ્સો હતો. રૂપતારા એક અસલ નયનતારા ઉપર ઉતરી છે. પણ ચારેય સ્ત્રીશક્તિઓની પહેચાન એકમાત્ર કપાળ પર લગાડેલી બીંદીઓથી અલગ પડતી હતી.
ઐશ્વર્યથી ફાટફાટ થતી આ ગુજરાતી પત્નીઓમાં નયનતારા તેની બ્લેક પ્રિન્ટેડ અને જરકશી તારવાળી સાડી અને સ્લીવલેશ બ્લાઉઝમાં અલગ તરી આવતી હતી.
લિમોઝીનમાંથી ઉતરતાની સાથે જ રાબેતા મુજબ કેમેરાની ફ્લેશોનો સામનો કરવો પડે છે. હવે તો વર્ષોથી આ ફ્લેશ લાઈટની આદત પડી ગઈ છે. એક જ રાત માં માણસ કેટલા બદલી જાય છે ! ગઈકાલે રાત્રે પ્રવીણભાઈના ઘરે અમારું અંચળો ઉતરેલું રૂપ અને આ ફંકશનમાં પધારેલા અમો ત્રણેય પાર્ટનરનું બીઝનેસમેનનું ઠસ્સાદાર સ્વરૂપ આ તફાવત જોતા જ સમજી શકો તો આપણા ગુજરાતીપણાનું રહસ્ય છતું થઇ શકે છે.
શરૂઆતમાં લગ્ન પછી ક્યારેક નયનતારા ચાંદલો કરવાનું ભૂલી જતી હતી ત્યારે તેને કહ્યું હતું : ‘પહેલી અને છેલ્લી વખત તને સુચના આપું છું જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી ચાંદલો કર્યા વિના ઘરની બહાર નીકળવાનું નથી.’
મારા એક એક શબ્દની કાયર નયનતારાએ એ ઘટના પછી આ નિયમ કદી તોડ્યો નથી અને આપણી એક ખાસ પહેચાન છે તે જાળવી રાખી છે. લગ્ન પછીની એક ઘટના યાદ આવે છે. એકવાર એક નોવેલ્ટી સ્ટોરની બહાર જેટલા ચાંદલાના પેકેટ ટીંગાડેલા હતા તે બધા એકી સાથે ખરીદ કરીને નયનતારાને આપ્યા હતા ત્યારે નયનતારાએ વટાણા વેરી નાખ્યા હતા. ‘આજે તો તું ચાંદલા લઈ આવ્યો છે, હજુ પણ કંઇક ખરીદી બાકી હોય તો સાઈઝ લખી આપું છું.’
ત્યારે મારો જવાબ વધુ અસરકારક હતો, ‘ભગવાને આપણને બે હાથ આપ્યા છે તે શા કામના છે ? ચિંતા કરતી નહી, મને સાઈઝ યાદ છે.’
ફરીથી તેના તરફથી એક તેજાબી પ્રહાર થાય છે : ‘હલકટ માણસ...!’
કદાચ આ શબ્દયુદ્ધ માટે અમારી કાઠીયાવાડી ભાષા અને આપણા સાહિત્યનો પ્રભાવ સૌથી વધુ હતો. એટલે જ મીડિયાવાળા ક્યારેક અમારા ઇન્ટરવ્યુંમાં તેજાબી ભાષાનો શબ્દપ્રયોગ અચૂક કરતા હતા. ધારી, અમરેલી, સાવરકુંડલા અને મહુવાની આખી પટ્ટીની ભાષામાં કાઠીયાવાડી શબ્દોની તલવારો વીંઝીને બોલાય છે. શબ્દોની કાપાકાપી તો સામાન્ય બાબત છે.
નયનતારા બાજુમાં બેસે છે અને કહે છે : ‘રામ... સારાહ કેમ દેખાતી નથી ?’
‘હમણાં આવવી જોઈએ.’
‘આજે તો તારી આંખોને ઠંડક પહોચતી હશે ! તને યાદ હશે તું પહેલી વખત લંડન આવ્યો હતો ત્યારે તે છોકરીઓનો ઉલ્લેખ મૃદુકુસુમો તરીકે કર્યો હતો...! આને આજે આ બધા મૃદુકુસુમો પૂર્ણ પુષ્પ બનીને તારી આજુબાજુ ખીલી ઊઠ્યા છે.’ નયનતારા આ ગોરી લેડીઓને જોઇને મારા યુવાનીના ફુગ્ગામાં સોઈ ઘોંચવાની કોશિશ કરે છે.
‘આ ગોરીઓ ભલે પૂર્ણ પુષ્પો બની ગઈ પણ તું તો હજુ પણ મૃદુકુસુમ જેવી દેખાય છે.’ હજુ પણ આ નયનતારાની આસક્તિ છૂટતી નથી.
‘હવે તને મૃદુકુસુમો પ્રત્યે પ્રેમ નથી પણ તારી પત્નીનો હાર્ડકોર લવર બનીને જંગલીની જેમ પ્રેમ કરે છે. જેમ જંગલી આખલો ઝાડનો ખો બોલાવી નાખે તે રીતે, બરાબરને...!’ આ મૃદુકુસુમો વચ્ચે નયનતારાની ભાષા કાંટાની જેમ ખુંચે છે.
માહોલમાં ચહલપહલ દેખાય છે. સ્ટેઇન ફેમિલીની પધરામણી થાય છે. બ્રિટીશ સુસભ્ય સંસ્કૃતિની અસર તળે બધા પોતાની બેઠક પરથી ઊભા થઈને તાળીઓથી સ્ટેઇન ફેમિલીને વધાવે છે.
નયનતારાની આંખોમાં રહસ્યમય ભાવ દેખાય છે. સદાય સદાય તેની આંખોમાં ભાવને વાંચી શકતો મારો શબ્દકોશ આ રહસ્યભાવ સમજી શકતો નથી.
સારાહ એલન સ્ટેઇન, એલન, માર્ક અને માઈક અને મારી પુત્રી તારાને હું જોતો જ રહી ગયો ! બધા લોકો બેસી ગયા હતા તેનો ખ્યાલ પણ મને આવ્યો નહી. મારી સામેથી તારા પસાર થઇ ત્યાં સુધી હું નજર હટાવી શક્યો નહી. મારી સામે જોતા જ મારા ચહેરા પર એક મધુર સ્મિત ફરકી આવ્યું. એક પિતા તરીકે થયેલી સૌથી રોમાંચક અનુભૂતિનું વર્ણન મારી આંખોના અશ્રુમાં ધોવાઇ ગયું !