પ્રકરણ ૨
ત્રીજા દિવસે વહેલી સવારમાં ખાન ના મોબાઈલ પર ફુલ ટન નો ફોન આવે છે. ફુલ ટન ધીમા સ્વરે જણાવે છે, “ ખાન સાહેબ તમારા માટે આંશિક ખુશ ખબર કહી શકાય તેવા સમાચાર છે.” ખાન સતત બે દિવસ તપાસમાં ગુંચવાયેલા હોવાથી કંટાળેલ સ્વરે ફોનમાં જ ઉંચા સ્વરે તાડુકે છે, “ જે જાણકારી હોય તે સીધી અને ફટાફટ જણાવ, વાતને ગોળ ગોળ ફેરવીને સસ્પેન્સ ના ઉભું કરીશ.” ખાન સાહેબ ના ખરાબ મુડને પારખીને ફુલ ટન એકી શ્વાસે બોલી ઉઠ્યો, “ ખાન સાહેબ બબલુ ની ગાડી અને બબલુ ની લાશ મળી ગયેલ છે અને હું તેની પાસે જ ઉભો છું.” ખાનની આંખો એકદમ ખુલી ને ખુલી રહી જાય છે અને એક જાટકે પલંગમાંથી ઉભા થઇ જાય છે. ખાને ઉભા થઇ સ્વસ્થ થઇ નિરાંત સ્વરે ફુલ ટન પાસેથી બબલુ ની લાશ અને તેની લકઝરી કાર મળ્યાનું લોકેશન અને ડીટેલમાં જાણકારી મેળવી. ખાને ફુલ ટનને કહ્યું,” હું ઘટના નજીકના પોલીસ સ્ટેશન ને આ કેસ અંગેની જાણ કરું છું પણ જ્યાં સુધી પોલીસ ના આવે ત્યાં સુધી જગ્યા પરથી ખસતો નહિ.”
એમ એમ ખાને તુરંત જ ફુલ ટને જણાવેલ ઘટના સ્થળ પર નજીકના પોલીસ સ્ટેશને ફોન પર પોતાનો પરિચય આપી જાણ કરી, “તારાપુર ગામની પાસે નદી કિનારે એક અવાવરું ખેતરમાં એક લાશ અને લકઝરી કાર પડી છે ત્યાં પહોંચી તરત મને રીપોર્ટ આપો.” ઓર્ડર મળતાં પોલીસ સ્ટેશન નો સ્ટાફ તાત્કાલિક ખાન સાહેબે જણાવેલ ઘટના સ્થળે દોડી જાય છે. દુરથી પોલીસ ખેતર તરફ આવતાં દેખાતાં ફુલ ટન ત્યાંથી ખસી જઈ ખાન સાહેબ ને ફોન પર જાણ કરે છે, “ ખાન સાહેબ પોલીસે લાશ ની પાસે પહીંચી ગઈ છે અને હું સલામત સ્થળેથી બધું જોઈ રહ્યો છું, આગળના ઓર્ડર માટે જાણ કરજો.” ફુલ ટન ખાનગી રાહે ખાન સાહેબ ને કેસ માં મદદ કરતો હોવાથી તે પોલીસ થી દુર રહીને જ કામ કરતો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ની જાણ ખાન સાહેબ ને ફોન પર કરી દીધી. સ્થાનિક પોલીસ પણ ખાન સાહેબ ને આ ઘટના ની જાણ કેવી રીતે અને ક્યાં ખબરી થકી થઇ હશે તે વિચારતી હતી. એમ એમ ખાન ક્રાઈમ બ્રાંચ ના સિનીયર ઇન્સ્પેકટર અને અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જાય છે. ખાને પોતે બબલુ ની લાશ ની તપાસ કરી પોલીસ કમિશ્નર ને ફોન પર જાણ કરી,” ગુડ મોર્નિગ સર, માફ કરજો આપણે બબલુ ને જીવતો મેળવી નથી શક્યા પણ તેની લાશ અને કાર મળી આવી છે અને તપાસ ચાલુ છે.” ખાને પોલીસ કમિશ્નર ને ટુંકમાં ઘટના સ્થળ ની જાણ કરી આગળની તપાસ અંગે માહિતગાર કર્યા. સીમમાંથી લાશ મળ્યા ના સમાચાર વીજળીવેગે આજુ બાજુના ગામમાં પહોંચી જતાં લોકોના ટોળા ઘટના સ્થળે ધસી આવ્યા હતાં. સ્થાનિક પોલીસે ટોળાને ઘટનાથી દુર ખસેડવામાં લાગેલા હતાં. સ્થાનિક પોલસે ક્રાઈમ બ્રાંચ ની સાથે મળીને ઓળખનામું અને પંચનામા ની વિધિ પુરી કરી. ખાન સાહેબે બબલુ ના પરિવારને ઘટના સ્થળ પર આવવા જાણ કરી. બબલુ ની પત્ની અને પરિવારના મિત્રો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી બબલુ ની ઓળખવિધિ પુરી કરી. ક્રાઈમ બ્રાંચની ટીમે બબલુની લાશ ને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપી. ખાન સાહેબ ની સુચનાથી ફોરેન્સિક લેબોરેટરી ની ટીમે ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ સાથે મળીને ઘટના સ્થળ પર ગાડીની ઊંડી તપાસ અને ઘટના સ્થળની આસ પાસ ની જગ્યાની પણ ઊંડાણમાં તપાસ અને પુરાવા એકઠાં કરવાની કાર્યવાહી શરુ કરી દીધી.
એમ એમ ખાન બબલુ તેની ગાડીમાં સાથે શું શું રાખતો હતો અને હાલમાં ગાડીમાંથી શું શું મુદ્દામાલ મળે છે તેની જાણકારી માટે બબલુ ના અંગત સાગરીત પીન્ટો ને સાથે રાખે છે. “ પીન્ટો, તમારા શેઠ બબલુ પોતાની સાથે ગાડીમાં શું સામાન રાખતા હતાં તેની માહિતી વિચારીને અમને જણાવો “ ખાને પીન્ટો ના ખભે હાથ મુકી ઉંચા સ્વરે કહ્યું. ખાન સાહેબ ના પ્રશ્ન ના જવાબમાં એક પણ મિનીટ રોકાયા વિના તરત જ પીન્ટો એ જવાબ આપ્યો, “ સાહેબ, બબલુ શેઠ પોતાની સાથે કારમાં ઈમ્પોટેડ પરફ્યુમ, માઉથ ફ્રેસ્નર્સ, પાન મસાલા ગુટખાનો ડબ્બો, તેમના ફેવરીટ સોન્ગ્સની પેન ડ્રાઈવ, ઉઘરાણીની સમરી બુક, વીઝીટીંગ કાર્ડનું બોક્ષ, રેબનના સનગ્લાસ, પાણીનો જગ, બાઈટીંગનો સામાન, ગ્લાસ તથા કાર ની ડેકીમાં ગુપ્તી, હોકી સ્ટીક અને સાહેબ...કો.. કોન્ડોમ પણ રાખતાં.” ખાને પીન્ટો પાસેથી જાણવા મળેલ વસ્તુઓનું લીસ્ટ બનાવી કોન્સ્ટેબલ ને તરત લીસ્ટની તમામ વસ્તુઓ છે કે કેમ ની જાણકારી આપવા ઓર્ડર આપ્યો. ગાડીની તપાસ ચાલી રહી હતી તેવામાં પીન્ટો એ ખાન સાહેબ ને સાઈડમાં બોલાવી ધીમા સ્વરે કહ્યું, “ સાહેબ, બબલુ શેઠ પોતાની સાથે રિવોલ્વર પણ રાખતા પણ ગાડીમાં કે પોતાની પાસે ક્યાં રાખતા તેની જાણ કોઈને હોતી નથી.” રહી રહી ને રિવોલ્વર ની જાણકારી આપતા ખાન પીન્ટો પર ગુસ્સે થયાં પણ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ગુસ્સો મનમાં ને મનમાં ઓગાળી ને એક સિનીયર કોન્સ્ટેબલ ને ઓર્ડર કર્યો, “ મને તાત્કાલિક બબલુ ની કાર, બોડી, તેના ઘર કે ઓફિસે તપાસ કરી તેની રિવોલ્વર ક્યાં છે તેનો રીપોર્ટ આપો.” ખાને બબલુ ના વિસ્તારના પોલીસ સ્ટેશને ફોન કરી બબલુ પાસે રિવોલ્વર લાઇસન્સ વારી છે કે કેમ અને તેના દુરપયોગ અંગેની કોઈ ફરિયાદ અંગેની જાણકારી આપવા ઓર્ડર કર્યો.
ખાને ક્રાઈમ બ્રાંચના સિનયર પોલીસ ઇન્સ્પેકટર સાથે સ્થળ પર ચર્ચા કરી,” જો બબલુ સાથે રિવોલ્વર રાખતો હોય તો તેના અપહરણ કે મર્ડર ના સમયે તેની પાસેની રિવોલ્વર નો ઉપયોગ કેમ નહી કર્યો હોય યા તેને રિવોલ્વર ઉપયોગ કરવાની તક નહી મળી હોય કે શું થયું હશે તેની તપાસ પણ કરવી પડશે.” ખાન ને રિવોલ્વર ની જાણ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનું અનુમાન થયું.
ખાનના મોબાઈલ પર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ત્રિવેદી બબલુ ની રિવોલ્વર વિશે માહિતી આપે છે, “ સર બબલુ પાસે લાયન્સ વાળી રિવોલ્વર છે અને તેની નોધણી પોલીસ સ્ટેશનમાં છે, સર આ લાયસન્સવાળી રોવોલ્વરથી કોઈ ગુનો કે ફરિયાદ હજુ સુધી મળી નથી પણ બબલુ પર ઉઘરાણી માં એક શખ્સ ને લાયન્સ વગરની રિવોલ્વર બતાવી બળજબરી થી ઉઘરાણી કરવાની ફરિયાદ ગયા વર્ષે નોંધાઈ હતી, જેની તપાસમાં બબલુ કે તેના ઘર કે ઓફિસ, કારમાંથી લાયસન્સ વગરની રિવોલ્વર મળી ન હતી અને રિવોલ્વર બતાવી હોય તેના પુરાવા પણ મળ્યા ન હતાં, સર ફરિયાદ ના થોડાક જ દિવસમાં ફરીયાદીએ ફરિયાદ પાછી લઇ લેતાં તપાસ ને બંધ કરી દેવાઈ હતી.” એમ એમ ખાને આખી વાત સાંભળી જરૂરી લાગતી માહિતી પોતાની કેસ ડાયરીમાં ટપકાવી દીધી અને પોલીસ ઇન્સપેક્ટર ત્રિવેદી ને આ રીપોર્ટ લેખિતમાં પોતાને તાત્કાલિક મોકલવા કહ્યું.
પ્રકરણ ૨ પુર્ણ
વધુ માટે પ્રકરણ 3 ની થોડીક રાહ જુઓ..